- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- કરોડો રૂપિયાની ફી લેતા અમુક સ્ટાર્સ સેટ પર છ-છ વેનિટી વેન માગણી કરે છે. એમની સાથે પર્સનલ જિમ ટ્રેનર, શેફ, સ્ટાઇલિસ્ટ સહિતનો ૨૫-૩૦ માણસોના રસાલો હોય છે. વેનિટી વેન વત્તા સ્ટારના સ્ટાફને નિભાવવાનો એક દિવસનો કુલ ખર્ચ ૧૫થી ૨૦ લાખ રૂપિયા થાય.
આ મ તો આ બધું બોલિવુડનાં વર્તુળોમાં પહેલેથી ચર્ચાતું આવ્યું છે, પણ સંજય ગુપ્તાએ થોડા દિવસો પહેલાં એક ઇન્ટરવ્યુમાં અમુક 'અંદરની વાતો' કહી, જે એકદમ પબ્લિકની નજરમાં આવી ગઈ. સંજય ગુપ્તા એટલે 'કાંટેં', 'શૂટઆઉટ એટ વડાલા', 'ઝિંદા', 'કાબિલ' વગેરે ફિલ્મોના ડિરેક્ટર. વાતના કેન્દ્રમાં વેનિટી વેન છે.
વેનિટી વેન અથવા મેકઅપ વેન એટલે પેલી લાંબી, લક્ઝુરિયસ, ક્સ્ટમાઇઝ્ડ બસ કે જે શૂટિંગના લોકેશન પર વફાદાર સૈનિકની જેમ ઊભી હોય છે. વેનિટી વેનમાં સ્ટારલોકો મેકઅપ કરાવે, કપડાં બદલે, આરામ ફરમાવે. સેટ પર ડિરેક્ટરને જરૂર પડે એટલે એનો આસિસ્ટન્ટ જઈને વેનિટી વેનનો દરવાજો ખખડાવીને કહેશે, 'સર (અથવા મેડમ), શોટ રેડી હૈ...' એટલે પછી સ્ટાર વેનમાંથી ઉતરીને શોટ આપવા જાય. પ્રાઇવસી માટે, તૈયાર થવા માટે, આગલા સીનની તૈયારી કરવા માટે કે માત્ર રિલેક્સ થવા માટે કલાકારો વેનિટી વેનનો ઉપયોગ કરે તે સમજી શકાય તેવું છે, પણ અહીં મુદ્દો આ છે: એક સ્ટારને અડધો ડઝન વેનિટી વેનની જરૂર શા માટે પડવી જોઈએ?
સંજય ગુપ્તા કહે છે, 'બોલિવુડના અમુક એક્ટર્સ એવા છે, જે શૂટિંગ કરવા જાય ત્યારે ત્યારે છ-છ વેનિટી વેનની માગણી કરે છે. એક વેન પર્સનલ સ્પેસ માટે કે જ્યાં કોઈ તેમને ડિસ્ટર્બ ન કરે. બીજી વેનમાં મેકઅપ અને હેરસ્ટાઇલિંગ થાય, ત્રીજી વેન મીટિંગ કરવા માટે, ચોથી વેનમાં જિમ હોય અને પાંચમી કિચન વેનમાં સ્ટારનો શેફ ગ્રામ માપી-માપીને એના માટે ખાવાનું બનાવતો હોય. દરેક વેનનો ડ્રાઇવર અલગ, દરેક વેનના મેન્ટેનન્સ માટેનો માણસ અલગ. સ્ટારની સાથે એનો મેનેજર, સ્પોટ બોય, પર્સનલ બોડીગાર્ડ્સ, પર્સનલ જિમ ટ્રેનર, હેર સ્ટાઇલિસ્ટ, શેફ, કોસ્ચ્યુમ કો-ઓર્ડિનેટર, પબ્લિક રિલેશન મેનેજર વગેરે હોય. વળી, આ જિમ ટ્રેનર-શેફ-પીઆર વગેરેની પોતપોતાની અલગ ટીમ હોય. ટૂંકમાં સમજોને કે, એક સ્ટારની સાથે પચ્ચીસથી ત્રીસ માણસોનો રસાલો હોય. છઠ્ઠી વેન આ રસાલાને ઉઠવા-બેસવા માટે.'
આટલું કહીને સંજય ગુપ્તા મગનું નામ મરી પાડયા વગર ઉમેરે છે, 'બોલિવુડમાં એક સ્ટાર કપલ છે. આ કપલ કોઈ ફિલ્મમાં સાથે કામ કરતું હોય ત્યારે સેટ પર ટોટલ ૧૧ વેનની કતાર ખડી હોય! તેઓ પતિ-પત્ની છે, એક જ ઘરમાં રહે છે, પણ સેટ પર એમને અલગ-અલગ કિચન વેન જોઈએ! શું ઘરમાં તેઓ સાથે બેસીને જમતા નહીં હોય?'
કોણ છે આ પતિ-પત્ની? મીડિયાના એક વર્ગ અને ઉત્સાહી 'ફેન' લોકોએ ખણખોદ કરીને શોધી કાઢયું છે કે આ રણવીર સિંહ અને દીપિકા પદુકોણની વાત થઈ રહી છે. આ બન્ને એક્ટર એક ફિલ્મમાં કામ કરવાના કરોડો રૂપિયાની ફી લે છે - રણવીર સિંહ લગભગ ૩૦ કરોડ અને દીપિકા ૧૫થી ૨૦ કરોડ. છતાંય તેઓ પોતાની સાથે સેટ પર જિમ ટ્રેનર, શેફ, સ્ટાઇલિસ્ટ વગેરેનું જે લશ્કર લાવે છે અને તેમની રોજની લાખોની ફી જે-તે ફિલ્મના પ્રોડયુસરે ચૂકવવી પડે છે. એક વેનિટી વેનનું એક દિવસનું ભાડું ૪૦થી ૫૦ હજાર રૂપિયા જેટલું હોય છે. છ-છ વેનિટી વેન વત્તા સ્ટારના સ્ટાફ નિભાવવાનો એક દિવસનો કુલ ખર્ચ લગભગ ૧૫થી ૨૦ લાખ રૂપિયા જેટલો થાય. આ થયો સ્ટારના નખરાં વેંઢારવાનો વધારાનો ખર્ચ, જે નિર્માતાના માથે ઝીંકાય છે. ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ એક વાર કહ્યું હતું કે
'હેપી ન્યુ યર' (૨૦૧૪) ફિલ્મના શૂટિંગ વખતે એક સ્ટારે પોતાના એકલા માટે ત્રણથી ચાર વેનિટી વેનની માગણી કરી હતી. સાચું ખોટું સિનેમાદેવ જાણે, પણ એક ગોસિપ અનુસાર, 'હાઉસફુલ' સિરીઝની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષયકુમારે શૂટિંગ અટકાવી દીધું હતું. એણે કહી દીધું કે જ્યાં સુધી ચોથી વેન અને મારું માઇક્રોબાયોટિક ફૂડ સેટ પર નહીં આવે ત્યાં સુધી હું શૂટિંગ નહીં કરું!
સેટ પર પર્સનલ શેફ લાવવાનું ગતકડું પ્રમાણમાં નવું છે. હજુ થોડાં વર્ષો પહેલાં સુધી સ્ટાર્સ પોતપોતાના ઘરેથી મોટા ટિફિન લઈને સેટ પર આવતા હતા. સામી એવી દલીલ થઈ શકે કે સ્ટારલોકોનું કામકાજ જ એમના સારા-સુડોળ દેખાવના જોરે ચાલતું હોય છે, તેથી તેઓ ફિટનેસ તેમજ ખાવાપીવાના મામલામાં ચોક્સાઈ રાખે તો ખોટું શું છે? ઘણા સ્ટાર્સને અમુક ખાદ્ય પદાર્થોની એલર્જી હોય છે. વેલ, ખોટું તો કંઈ નથી, પણ સ્ટારલોકોના સહાયકોની ફી તેમજ એમના ફ્લાઇટ-હોટલના ભાડા નિર્માતાઓને ભારે પડી જાય છે. 'એનિમલ' અને આગામી 'રામાયણ'ના શૂટિંગ દરમિયાન રણબીર કપૂર પોતાના શેફ દ્વારા તૈયાર થયેલું ખાવાનું જ ખાતો હતો. હર્ષ દીક્ષિત નામનો આ શેફ એક દિવસની બેથી ત્રણ લાખ રૂપિયા ફી લે છે. આલિયા ભટ્ટ પણ આ જ શેફની સવસ લે છે. આલિયા માટે એ ગ્લટન-ફ્રી, પ્લાન્ટ-બેઝ્ડ આઇટમો તૈયાર કરે છે. (આ શબ્દોનો અર્થ વિસ્તારથી સમજવા ગૂગલ કરી લેજો!) આલિયાના રસાલામાં જાણીતા મેકઅપ આટસ્ટ મિકી કોન્ટ્રેક્ટર પણ ઘણી વાર શામેલ હોય છે. મિકીની એક દિવસની ફી એકથી ત્રણ લાખ રૂપિયા છે. આલિયાના સ્ટાફની એક દિવસની ટોટલ ફી પાંચેક લાખ રૂપિયા જેટલી થાય છે. 'બેફિક્રે' નામની ફ્લોપ ફિલ્મનું શૂટિંગ પેરિસમાં ચાલી રહ્યું હતું ત્યારે રણવીર સિંહ પોતાના શેફ મોહિત સાવરગાંવકરને સાથે લઈ ગયો હતો, જે એક-એક ગ્રામ ગણીને એને હાઇ-પ્રોટીન સલાડ, ગ્રિલ્ડ ફિશ વગેરે બનાવી આપતો હતો. દીપિકાનાં કપડાંનું કામકાજ સંભાળતી સ્ટાઇલિસ્ટ શેલીના નાથાણીની ફી દસ લાખ રૂપિયા છે - અને આ એક દિવસનું મહેનતાણું છે.
ટોપમોસ્ટ સિતારા તો ઠીક, જેક્લીન ફર્નાન્ડિઝ પણ સંધ્યા નામની પર્સનલ શેફને સાથે રાખવાનો આગ્રહ રાખે છે, જેની એક દિવસની ફી દોઢ લાખ રૂપિયા છે. રાકેશ રોશને એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે 'ક્રિશ-થ્રી'ના શૂટિંગ વખતે એક સ્ટારના શેફે ચિકન સલાડ બનાવ્યું હતું અને તેનું બિલ મૂક્યું હતું, ફક્ત રૂપિયા ૪૦ હજાર. ('ક્રિશ-થ્રી'માં હૃતિક ઉપરાંત કંગના રનૌત, પ્રિયંકા ચોપડા અને વિવેક ઓબેરોય હતાં.) આમિર ખાને થોડા દિવસો પહેલાં ક્રોધિત થઈને અમસ્તું જ નહોતું કહ્યું હતું કે તમે સ્ટાર તરીકે કરોડો રૂપિયા કમાઓ છો તોય પોતાનો ખાવાપીવાનો ખર્ચ જાતે ઉપાડી શકતા નથી?
કાયમ ૨૫-૩૦ માણસોનું ધાડું લઈને ફરતા શ્રીમાન સલમાન ખાન પણ સાહ્યબી કરવા માટે કુખ્યાત છે. એક અનકન્ફર્મ્ડ કિસ્સો એવો છે કે સલમાનને સાઉથના કોઈ નિર્માતાએ સાઇન કર્યો હતો. સલમાને આદત મુજબ સેટ પર છ વેનિટી વેન મગાવી લીધી, અને તે પણ છેક મુંબઈથી. આ વેન વત્તા સલમાનના સ્ટાફનું એક દિવસનું ૧૮ લાખનું બિલ જોઈને સાઉથના નિર્માતાને ચક્કર આવી ગયા. કહે છે કે એણે લોકેશન પર શૂટિંગ કરવાની પરમિશન રદ થઈ ગઈ છે કે એવું કશુંક બહાનું બતાવીને શૂટિંગ કેન્સલ કરી નાખ્યું, બધી વેનને પાછી મુંબઈ મોકલી દીધી ને પછી ફિલ્મ જ પડતી મૂકી.
તો શું બોલિવુડના તમામ ટોપ સ્ટાર્સ નિર્માતાઓના ખર્ચે અને જોખમે આવી સાહ્યબી ભોગવે છે? ના. અમિતાભ બચ્ચનને સેટ પર એક જ વેનિટી વેન જોઈએ અને પોતાના બે માણસો જોઈએ, બસ. નિર્માતા પર કોઈ વધારાનો બોજ નહીં. હૃતિક રોશનને બે વેન જોઈએ - એક પોતાના માટે અને બીજી જિમિંગ માટે. બીજાં કોઈ નખરાં નહીં. અજય દેવગણની ટીમ સાવ ટચૂકડી છે. પોતાના સ્ટાફને પગાર એ પોતાના ખિસ્સામાંથી જ આપે છે. આવા બીજા 'ડાહ્યા' સ્ટાર્સ પણ છે.
અચ્છા, સ્ટારલોકોના ચાર્ટર્ડ પ્લેન, ટ્રાવેલિંગ વગેરનો ખર્ચનું શું? શું સાઉથના કલાકારો પણ આપણા બોલિવુડના સ્ટાર્સ જેવી બાદશાહી ભોગવે છે? હોલિવુડના મેગાસ્ટાર્સ કેવાંક પૈસાનાં પાણી કરે છે? આ વાતો પણ કરીશું.
શો સ્ટોપર
ફિલ્મના બોક્સ ઓફિસના આંકડાનું વળગણ ઘાતક છે. બોલિવુડની ક્રિયેટિવિટીને તે ખતમ કરી નાખશે.
- મનોજ બાજપેયી


