- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'શત્રુને ક્ષમા આપવાનું કામ સહેલું છે પણ સ્વજન કે મિત્રને ક્ષમા આપવાનું કામ અઘરું છે' - કૃપાલીનું સમાજદર્શન
અ ને કરુણેશકુમારે એક ઊંડો નિશ્વાસ મૂક્યો... એમની નજર આગળ અધિકારનો કઠોર ચહેરો તરવરવા લાગ્યો. છેલ્લા પાંચ વર્ષમાં અધિકારનો રુઆબ ખૂબ જ વધી ગયો હતો. કરુણેશકુમારે પોતે સિદ્ધાંતપ્રિય સ્વભાવના, પણ પોતાના સ્વભાવ સાથે ઉદારતાભરી બાંધછોડ કરીને અધિકારને પોતાની રીતે જીવવાની તેમણે સ્વતંત્રતા આપી હતી એટલે અધિકાર અહંવાદી બની ગયો હતો.
કરુણેશકુમારને શૂન્યમનસ્ક થયેલા જોઈને પુત્રવધૂ કૃપાલીએ કહ્યું : 'પપ્પાજી, શેની ચિંતામાં ડૂબી ગયા છો ? જરા જાળવીને ધ્યાનથી ચાલો. વરસાદને કારણે રસ્તામાં ક્યાંક ક્યાંક ખાડા પડેલા છે.. લાવો હું તમારો હાથ પકડી લઉં છું. થોડો આત્મવિશ્વાસ વધારો અને પડવાની ચિંતા વગર ચાલો. તમને દૂધ, કેળાં અને ડ્રાયફ્રૂટસ તો હું આપું છું એટલે ઘીરે- ધીરે તમારી કમજોરી દૂર થશે. માનસિક કમજોરીનો ઇલાજ આપની પોતાની પાસે છે.'
'અરે દીકરી, તું જેનો હાથ ઝાલે એ નિશ્ચિંત થઈ જાય. કોણ જાણે કઈ માટીની બનેલી છે. તુ યુવાનીમાં યુગલો મોજમજા અને મસ્તીને મહત્ત્વ આપે છે. જ્યારે તું કર્તવ્યને નામે જિંદગીના અંગત સુખોને તિલાંજલિ આપવા બેઠી છો.' સસરા કરુણેશકુમારે કહ્યું.
'પપ્પાજી, વખાણી ખીચડી દાંતે વળગે મને ચઢાવી ના મારશો. વડલો લોકોને ઠારે છે, પણ વડલાને ઠારવાનો કોઈને વિચાર નથી આવતો. પપ્પાજી તમે દર વર્ષે નિયમિત રીતે નવરાત્રિના ઉપવાસ કરો છો. આ વખતે હું તમને ઉપવાસ નહી કરવા દઉં. એક તો સૂકલકડી શરીર અને ફલાહાર તો ઠીક, પણ ચા-કોફી પણ નહી પીવાનું આકરું વ્રત ! તમે સમાજસેવામાં તો પોતાનું શરીર ઘસી નાખ્યું. પપ્પાજી, આપણો સમાજ નગુણો છે, ઘોર સ્વાર્થી. જુઓને, તમે એક વર્ષથી બીમાર છો, કોઈ પૂછવા આવ્યું કે તમારે કશી જરૂર છે ? હવે જિંદગીના જેટલાં વર્ષોનું જીવતર ભગવાન આપે, તેટલું શાંતિથી જીવો. ભક્તિ તો તમે કરો જ છો.' કૃપાલીએ કહ્યું.
'બેટા, મેં આ વખતે નક્કી કર્યું છે કે માતાજીની રજા માગી, નકોરડા ઉપવાસ છોડી દેવા જે ઘરમાં તારા જેવી દુવા આપનારી દીકરી હોય એનું તો ઘર જ મંદિર બની જાય. તું પોતે સાક્ષાત્ જગદંબા છો. આ વખતની નવરાત્રિ તું કહીશ એમ ઉજવીશ. ભારતના લોકોને ઉંબરાના દેવોને છોડી ડુંગરાના દેવોને પૂજવાની આદત પડી ગઈ છે. જેઓ સજ્જન છે, તેમના સૌજન્યમાં દેવી- દેવતાઓનો વાસ છે. બેટા, તું આપીશ એ હું જમીશ... અને...' કરુણેશકુમાર આગળ બોલતા અટકી ગયા. તેમની આંખ ભીની થઈ
ગઈ હતી.
'પપ્પાજી, જે કહેવું હોય તે કહેશો તો મન હળવું થશે. 'અને'થી આગળની વાત હું કરું ?' કૃપાલીએ કહ્યું.
કરુણેશકુમાર કૃપાલી સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. તેઓની ભીની આંખો લૂછી
રહ્યા હતા.
'પપ્પાજી, આમ ભાવાવેશી બનશો શો કેમ ચાલશે ? આપની જિંદગીનો ચોથો આશ્રમ ઉર્ફે 'સન્યાસ'નો આરંભ થયો હવે તમામ પ્રકારની આસક્તિઓ ખંખેરી નાખો અને આંતરિક શાંતિને મહત્ત્વ આપો. આપ 'અને'થી આગળ બોલતા અટકી ગયા એનો અર્થ હું સમજી શકું છું. 'અને' એટલે મારા પતિ અને આપના પુત્ર અધિકારના ગુનાનું સ્મરણ. પપ્પાજી, આપનું વાંચન તો વિશાળ છે. ક્ષમા આપવાથી તમે કોઈનું કલ્યાણ વાંછી શકો છો. હું સમજી શકું છું કે શત્રુને ક્ષમા આપવી સહેલી છે, પણ સ્વજન અને મિત્રને ક્ષમા આપવાનું કામ ઘણું અઘરું છે.' બન્ને ઘેર પહોંચે છે એટલામાં ડોરબેલ રણકે છે. કૃપાલી બારણું ખોલવા જાય છે. કુરિયર એક કવર આપે છે. કૃપાલી કવર ખોલે છે અને એમાંથી નીકળેલી અધિકારના વકીલની નોટિસ વાંચે છે. અધિકારે પપ્પાની સંપત્તિમાંથી ભાગ માગવા વકીલ દ્વારા નોટિસ મોકલી હતી.
કૃપાલી ઉદાસ થઈને સોફા પર બેસી જાય છે. કરુણેશકુમારને થાકને કારણે ઝોકું આવી ગયું હતું. પોતાના બેડરૂમની આરામ ખુરશીમાં બેઠાં-બેઠાં ઝોકાં ખાતા કરુણેશકુમારની નજર આગળ વિતેલી જિંદગીના દ્રશ્યો પસાર થઈ રહ્યા હતાં.
... ત્યારે તેમની ઉંમર ૬૦ વર્ષની હતી. અધિકારે બી.કોમ.ની પદવી પ્રાપ્ત કરી લીધી હતી. અધિકારને તેની મમ્મી ગર્વિતાદેવી ખૂબ જ ચાહતા હતા. એકનો એક દિકરો હોવાને કારણે ખૂબ જ લાડ લડાવીને તેમણે અધિકારને જિદ્દી, ઘમંડી અને આત્મકેન્દ્રી બનાવી
દીધો હતો.
કરુણેશકુમાર સરકારી ઑફિસર હતા... થોડીઘણી રકમ વારસામાં પણ મેળવી હતી અને તેમના પપ્પાએ બનાવેલો બંગલો પણ હતો. કરુણેશકુમારનો સ્વભાવ સેવાભાવી હતો. સાંજના સમયે હૉસ્પિટલોમાં પહોચી જતા ગરીબ દર્દીઓને ફળફળાદી વહેંચતા. પોતાની મર્યાદામાં રહીને દવાઓ પણ લાવી આપતા. તેમની પત્ની ગર્વિતાદેવીને તેમની આવી ઉદારતા ખપતી નહોતી. તેઓ માનતા હતા કે પુત્ર અધિકાર માટે જ ખર્ચ થવું જોઈએ. બીજા પાછળ પૈસા ખર્ચવાનો અર્થ શો? અધિકારને હરવા- ફરવા અને મનોરંજન માટે ભરપૂર આઝાદી આપવી જોઈએ એટલે પતિ કરુણેશકુમારને પૂછ્યા સિવાય તેઓ અધિકાર માગે એટલા પૈસા
આપતા હતાં.
અધિકાર મિત્રો પાછળ પણ પૈસા વેડફતો હતો. બૂરી સંગતને કારણે અધિકાર નશામાં ચકચૂર રહેતો હતો. કરુણેશકુમારે ઠપકો આપ્યો ત્યારે પણ તેણે કહ્યું : 'મમ્મી, આ બુઢ્ઢાને કહી દે કે મારી બાબતમાં દખલ ન કરે તે ' મને મારી રીતે જીવવાની આઝાદી આપી છે. મારે કેમ જીવવું એ મારે નક્કી કરવાનું છે. આવા બુઢ્ઢાઓ આદર્શવાદને નામે નથી પોતે ઠરતા કે નથી સંતાનોને ઠરવા દેતા.'- અધિકારનો બકવાસ ચાલુ હતો.
કરુણેશકુમારે તેને રોકતા કહ્યું : 'અધિકાર, તું હવે હદ પાર કરી રહ્યો છે. બાપાને બુઢ્ઢો કહેતા તને શરમ નથી આવતી ? મારા પૈસે તાગડધિનના કરે છે અને મને જ ગાળો આપે છે ? તારી આટલી દાદાગીરી હોય તો તું નોકરી કેમ શોધી લેતો નથી ? હવેથી હું તારું આવું ગેરવર્તન સહન નહી કરું.'
'તો તમે શું કરી લેશો ? સગા દીકરાને જેલમાં પુરાવી દેશો ? બોલાવો પોલિસને, કરાવો મારી ધરપકડ. એમાં મારા કરતા વધુ બદનામી તમારી થશે. સરકારી અધિકારી અને સમાજસેવક કરુણેશકુમારના પુત્રની પોલીસે નશાખોરી બદલ ધરપકડ કરી'- અખબારોમા હેડલાઇન બનશે વાહ ભાઈ વાહ ! કેવા ફસાયા ?'' કહી અધિકાર ખડખડાટ હસવા લાગ્યો અને સહનશીલ કરુણેશકુમારનો પિત્તો ગયો. તેમણે અધિકારના ગાલ પર સટાસટ ચાર તમાચા ચોડી દીધા
અધિકાર ભોંય પર પટકાયો ગર્વિતાદેવીએ અધિકારનું માથું ખોળામાં લઈ રડવાનું શરુ કરી દીધું એટલે કરુણેશકુમાર બીજા રૂમમાં ચાલ્યા ગયા.
ગર્વિતાદેવીએ રિસાયેલા અધિકારને મનાવી લીધો. મા-દીકરો જમ્યા પણ કરુણેશકુમારને જમવા ન બોલાવ્યા. અધિકારે પોતાની જીવનશૈલી બદલી નાખી. તે પોતાના પપ્પા સાથે વાત જ નહોતો કરતો. અને પોતાની વાત્સલ્યમૂર્તિ માતાને સહેજ પણ દુ:ખ ન થાય તેનું ધ્યાન રાખતો થઈ ગયો. ગુટકા ખાવા, નશો કરવો એ બધું ગર્વિતાદેવીથી છાનું રાખીને કરતો હતો. કરુણેશકુમાર પણ અધિકારમાં આવેલા પરિવર્તનથી ખુશ થઈ ગયા હતા.
ગર્વિતાદેવીએ માન્યું હતું કે, અધિકાર હવે ઠરી ગયો છે, લાઇન પર આવી ગયો છે એટલે એનાં લગ્ન પતાવી દેવા જોઈએ. ગર્વિતાદેવીએ અધિકાર આગળ તેના લગ્નની વાત ચલાવી ત્યારે અધિકાર લગ્ન કરવા તૈયાર તો થઈ ગયો પણ, શરતો સાથે પહેલી શરત એ હતી કે લગ્ન પછી પણ એ પહેલાની જેમ જ સ્વતંત્રતા ભોગવતો રહેશે અને સાચું હોય કે ખોટું મમ્મી ગર્વિતાદેવીએ હંમેશા તેની પડખે જ રહેવું પડશે.'
અને ગર્વિતાદેવીએ શરતો સ્વીકારી તરત જ અધિકારનો લગ્નોત્સવ ગોઠવી દીધો હતો. ગર્વિતાદેવીએ તેમની સાહેલી સીમાદેવીની દીકરી કૃપાલી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કૃપાલી વાણી, વર્તન, વ્યવહાર અને રહેણીકરણીની પવિત્રતા તથા સાદગીમાં માનતી હતી. નમ્ર હતી, ધીર- ગંભીર હતી એટલે એમને માની લીધું હતું કે અધિકાર માટે આવી કહ્યાગરી પત્ની જ સેટલ થઈ શકશે.
લગ્ન પછી કૃપાલીએ જોયું કે ઘરમાં બે ગૂ્રપ છે : એક અધિકાર અને ગર્વિતાદેવીનું અને બીજું સસરાજી કરુણેશકુમારનું. પહેલા ગૂ્રપનું ઘરમાં રાજ ચાલે છે.
લગ્ન પછી અધિકારે મૂળ રહેણીકરણી શરૂ કરી દીધી હતી. કૃૃૃપાલીને એકલી મૂકીને પાર્ટીઓમાં જવાનું અને નશો કરવાનું શરુ કરી દીધું.
કૃપાલીએ ધીરજપૂર્વક તેને સુધારવાની કોશિષ કરી ત્યારે અધિકારે કહ્યું : 'તું ગર્વિતાદેવીની પુત્રવધૂ તરીકે આ ઘરમાં આવી છે. હું ઇચ્છીશ ત્યારે તને પત્નીનો દરજ્જો આપીશ આપણી સાથે માથાકૂટ નહી કરવાની, સમજી ?'
'તો તમે મારી વાત સાંભળી લો. હું એક શરાબી અને નશેડી પતિની પત્ની બનવા આ ઘરમાં નથી આવી. હું ગર્વિતાદેવીની પુત્રવધૂ તરીકે જીવવા નથી માગતી. એ ઘરમાં એક દેવપુરુષ છે - મારા સસરાજી હું તેમની પુત્રવધૂ તરીકે જીવવામાં મારા જીવનની સાર્થકતા માનું છું, સમજી ગયા ?' કૃપાલીએ ઉગ્ર સ્વરમાં કહ્યું.
'તો ચાલ મમ્મી, આ ભક્તાણી અને મારા બુઢ્ઢા બાપને આ ઘરમાં પડયા રહેવા દે. મેં જુદુ ઘર પણ રાખી લીધું છે અને નોકરી પણ પાકી કરી લીધી છે. મમ્મી તમે હંમેશા મને સાથ આપવાનું વચન આપ્યું છે. એટલે ચાલો મારી સાથે.'
અને ગર્વિતાદેવી તથા અધિકાર બન્ને ઘર છોડીને ચાલ્યા ગયા હતાં.
નવરાત્રિના ઉપવાસને કારણે કરુણેશકુમારને કૃપાલી મંદિરે દર્શન કરાવી ઘેર લાવી હતી... અને અર્ધતંદ્રામાં ડૂબેલા પપ્પાજીને કૃપાલીએ બૂમ પાડી એટલે કરુણેશકુમાર અર્ધનિદ્રામાંથી જાગી ગયા. કૃપાલીએ અધિકારે મોકલેલી નોટિસ અંગે તેમને વાત કરી. એટલે એમણે કહ્યું : 'બેટા, મારે કારણે તારા સંસારમાં આગ લાગી માફ કરજે.'
'પપ્પાજી, માફીની વાત કરી મને શરમાવો નહી, મારું અને અધિકારનું દાંપત્ય ભ્રામક હતું લગ્ન થયું એટલે પતિની દુષ્ટતા સહીને બે ટંકના ભોજન માટે સહિષ્ણુ બનવામાં હું માનતી નથી આપના જેવા પવિત્ર ઇન્સાનની સેવાનો મને મોકો મળ્યો એ જ મારું સદ્ભાગ્ય છે. મારે આપની મિલકત કે બંગલો કશું ય જોઈતું નથી. બધા પર અધિકારનો હક છે. હું તો આપ જીવશો ત્યાં સુધી આપને લાચાર નહીં બનવા દઉં. પછી હું મારા ઘરે જતી રહીશ.'
અને કરુણેશકુમારે કહ્યું : 'મેં આજ લગી કરેલી નવરાત્રિનું ફળ તને પુત્રવધૂ તરીકે પામીને મને મળી ગયું છે. દેવી તારો આભાર. હું અધિકારને મારી સંપત્તિમાંથી એક રૂપિયો પણ આપવા માંગતો નથી.'
'ના પપ્પાજી ના. નવરાત્રિ આપણામાં રહેલા બુરા વિચારોને મારવા માટે છે, પુત્ર તરીકે અધિકાર આપની મિલ્કતમાં ભાગ માગતો હોય તો આપણે અવશ્ય આપીશું બંગલો અને નાની- મોટી મિલ્કતો વેચી અધિકારને આ રકમ ચૂકતે કરી આપીશું પણ એક શરતે'- કૃપાલીએ કહ્યું.
'કઈ શરત, દીકરી ?'
'તમામ રકમનું વીલ બનાવશું. તમારા મિત્ર વિમલકુમાર, મારા પપ્પાજી અને સામાજિક કાર્યકર અમૃત અંકલ વીલના ત્રણ ટ્રસ્ટીઓ હશે.'
કૃપાલીએ કહ્યું.
'અરે વાહ ! દીકરી, તારે પોતે જ એડવોકેટ થવાની જરૂર હતી કહી કરુણેશકુમાર પ્રાર્થના કરવા લાગ્યા
યા દેવી સર્વભૂતેષુ, નારીરૂપેણ સંસ્થિતા
નમસ્ત્યૈ નમસ્ત્યૈ નમસત્યૈ નમો નમ:


