- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
ફિલ્મોમાં કોમેડી બે પ્રકારની હોય છે. એક જે 'હાસ્યજનક' હોય. મતલબ કે જોઈને કુદરતી રીતે હસવું આવે. બીજી હોય છે 'હાસ્યાસ્પદ'. જેમાં તમને હસવું એટલા માટે આવે છે કે એમાં જે કંઈ ચાલી રહ્યું છે તે એટલા 'સ્ટુપિડ' લેવલનું હોય કે તમને આખી વાત ઉપર જ હસવું આવે.
જોકે ૧૯૯૮માં આવેલી 'ગુન્ડા' આ બન્ને કેટેગરીથી ઉપર છે! કેમકે દિગ્દર્શક કાન્તિ શાહ, હીરો મિથુન ચક્રવર્તી, ફિલ્મના લેખક, કે એક્શન ડિરેક્ટર વગેરે લોકો આ ફિલ્મ બનાવતી વખતે પુરેપુરા
'સિરિયસ' હતા!
એ તો આજે તમે જોવા બેસો તો ખબર પડે કે બોસ, આમાં તો ઠાંસી ઠાંસીને 'હસવાનું' જ ભરેલું છે!
***
અચ્છા, શું તમને ખબર છે કે આ ફિલ્મ આજની મિલેનિયલ જનરેશન માટે એક 'કલ્ટ' ફિલ્મ બની ગઈ હતી? એ પણ એની 'કોમેડી વેલ્યુ માટે!'
પહેલાં તો એ સમજી લો કે 'કલ્ટ મુવી' એટલે શું? તો એવી મુવી, જે સામાન્ય રીતે ફ્લોપ ગઈ હોય, ખાસ ના ચાલી હોય, પણ પાછળથી ધીમે ધીમે માઉથ પબ્લિસીટી વડે એના ચાહકોની સંખ્યા કોઈ છૂપા 'સંપ્રદાય'ની જેમ વધતી જાય!
તમને નવાઈ લાગશે, પણ છેક ૨૦૦૫માં 'ઈકોનોમિક ટાઈમ્સ' અને 'મુંબઈ મિરર' જેવા ખ્યાતનામ અખબારોમાં આ ફિલ્મ જોઈને 'ડઘાઈ ગયેલા' વિવેચકોએ એના વિશે 'રિ-રિવ્યુ' લખ્યા હતા!
***
આજની તારીખે યુ-ટયુબમાં 'ગુન્ડા' ફિલ્મના ૯ કરોડ ૭ લાખથી વધુ વ્યુઝ થઈ ચૂક્યા છે. બીજી એક ઐતિહાસિક ઘટના એવી છે કે સન ૨૦૦૩માં મુંબઈના એક જ ડીવીડી સ્ટોરમાંથી 'ગુન્ડા'ની ૩૦૦ ડીવીડીઓ વેચાઈ હતી! જે સમયે કોઈ નવી સુપરહિટ ફિલ્મની વધુમાં વધુ ૧૦૦ ડીવીડી વેચાતી હતી ત્યારે આ રેકોર્ડ બન્યો હતો! આને કહેવાય 'કલ્ટ'!
***
તમને થશે કે યાર, એવું તો શું છે 'ગુન્ડા'માં? તો સાહેબો, પેલી અંગ્રેજી કહેવત છે ને કે 'ધ બ્યુટિ લાઈઝ ઈન ધ આઈઝ ઓફ ધ બિહોલ્ડર'... યાને કે 'ગુન્ડા'ની કોમેડીને માણવા માટે તમારી આંખોમાં કોમેડી પારખવાની આવડત હોવી જોઈએ. (દિમાગમાં તો શી રીતે કહી શકાય? કેમકે એક રીતે જુઓ તો દિમાગનું દહીં થઈ જાય એવું છે!)'
એના થોડા નમૂના વાંચશો પછી તમે ચોક્કસ આ ફિલ્મને એન્જોય કરવા માટેની ખાસ 'જાડી ચામડી' તૈયાર કરી શકશો....
***
આ ફિલ્મની હાઈલાઈટ છે એના 'શાયરી-સભર' સંવાદો! લોકસભામાં પેલા મહારાષ્ટ્રના સાંસદ રામદાસ આઠવલેને પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થઈ જાય એટલી હદે ઊંચી શાયરીઓ આના સંવાદોમાં છે. દાખલા તરીકે...
ફિલ્મનો મેઈન વિલન (મુકેશ રીશી) પોતાની ઈન્ટ્રો આપતાં ફટકારે છે : 'મેરા નામ હૈ બુલ્લા, ઔર મૈં રખતા હૂં ખુલ્લા!'
બીજો એક વિલન કહે છે 'મેરા નામ હૈ પોતે, જો અપને બાપ કે ભી નહીં હોતે!'
(આ બધું સાંભળીને દાંત નથી કચકચાવવાના, બલ્કે હસવાનું છે, ભૈશાબ.)
***
વિલનની બહેનને કોઈ ગુન્ડો બળાત્કાર કરીને મારી નાંખે છે. ત્યારે વિલન બહેનની લાશને ખોળામાં લઈને સિરીયસલી, રડતાં રડતાં કહે છે : 'તૂ તો મર ગઈ? લંબૂને તૂઝે લંબા કર દિયા? માચિસ કી તિલ્લી કો ખંભા કર દિયા?'
(બોલો, અહીં તો તમે પોતાના માથાના વાળ ન જ ખેંચી શકો ને?)
***
મિથુન ચક્રવર્તી વિલનના સગા ભાઈને મારી નાંખે છે ત્યારે અગેઈન વિલન 'કલ્પાંત' કરતાં ડાયલોગ મારે છે : 'અભી તો તેરી ટયુબ મૈં લાઈટ આઈ થી... ઔર શંકરને તેરા ફ્યુઝ ઉડા દિયા?'
(બોલો, હવે તો માનશોને કે આ હકીકતમાં એક્શન મુવી નહીં પણ કોમેડી છે?)
ક્રિએટીવીટીની હદ તો ત્યાં આવે છે જ્યાં એક ગુન્ડો પોતાનો જીવ બચાવવા માટે મુખ્ય વિલન આગળ કરગરતાં કહે છે : 'મુઝે બચા લે... તેરે કો એઈડ્સ સે બચાને કે લિયે મૈં નિરોધ બન જાઉંગા! ઔર ટોવેલ બનકર તેરી કમર સે લિપટ જાઉંગા!'
બશીર બાબર નામના સંવાદ લેખકે એની કારકિર્દીનું શ્રેષ્ઠ કામ આ ફિલ્મમાં કર્યું હોય તેમ લાગે છે. એમની કલ્પના તો જુઓ? એક વિલન સરેઆમ ધમકી આપતાં કહે છે 'લાશે ઈસ તરહ ટપકેંગી, જૈસે નન્હે મુન્ને બચ્ચે કી ચડ્ડી સે સૂસૂ ટપકતી હૈ... ટપ... ટપ... ટપ!'
(તાલિયાં.. ભાઈ...!)
***
ફિલ્મની એક્શન સિકવન્સો તો 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી છે. એમાંય એક ફાઈટ તો સંપૂર્ણપણે કાવ્યાત્મક કહી શકાય તેવી છે. અહીં મિથુન એક 'લકડી ચીકના' નામના 'દલાલ'ને મારવા માટે વેશ્યાઓના અડ્ડા પર પહોંચે છે. પરંતુ આ અડ્ડો કેવો છે? ભલભલા ફ્રેન્ચ ડિરેક્ટર ફેલિની કે રશિયન ડિરેક્ટર તારકોવ્સ્કી પણ જેની કલ્પના ના કરી શકે એવો છે!
અહીં પલંગો યાને કે કાથીની દોરડીવાળા 'ખાટલાઓ' જાડાં જાડાં દોરડાં વડે હવામાં ઝૂંલી રહ્યા છે! દરેક ખાટલામાં એક એક કન્યા તેના ગ્રાહક સાથે મજા માણતાં ઝૂલા ઝૂલી રહી છે!
એવામાં મિથુન પેલા 'દલાલ'નો પીછો કરતાં કરતાં અહીં આવી પહોંચે છે! ફાઈટ ચાલુ થઈ જાય છે! પણ ક્યાં? પેલા હિંચકાની જેમ ઝૂલતા ખાટલાઓ ઉપર! બન્ને જણા ઠીશૂમ ઠીશૂમ કરતાં કરતાં એક ખાટલેથી બીજા ખાટલે ઠેકડા મારી રહ્યા છે!! અહીં આખું દ્રશ્ય તો 'કાવ્યાત્મક' છે જ, પણ કવિની ખરી મજા એ છે કે આવી મારામારી વચ્ચે પેલી કન્યાઓ ભાગદોડ કરવાને બદલે મસ્તીથી સૂતાં સૂતાં ફાઈટની લિજ્જત માણી રહી છે! બોલો.
***
'ગુન્ડા'ની એક એક્શન સિક્વન્સનાં તો 'રીલ' પણ ફરી રહ્યા છે! સીન એવો છે કે એક મિનિસ્ટરને મારવા માટે મિથુન એક રીક્ષામાં બેઠો છે. મિનિસ્ટરની કારોનો કાફલો પસાર થાય છે... (ઉઉઉઉ...(હુઉઉઉ...કરતી સાયરનો વાગી રહી છે.... મિથુન ગોળી છોડે છે.. નિશાન ચુકી જાય છે..
કટ ટુ, મિથુન આગળ જઈને એક સાઈકલની આડશમાં બેઠો છે! (અલ્યા, અહીં ના તો છુપાઈ શકાય, કે ન તો પોલીસની ગોળીથી બચી શકાય! તો ક્યા હિસાબે સાઈકલની આડશ લીધી છે? છતાં અહીંથી ગોળી છોડે છે... નિશાન ચુકી જાય છે... (ઉઉઉઉ.... (હુઉઉઉ... કાફલો આગળ વધી જાય છે.
કટ ટુ, મિથુન હવે એક પાતળા થાંભલાની આડશે ઊભો છે! (એ કાફલાથી આગળ શી રીતે પહોંચી ગયો? સાઈકલ ચલાવીને?) ફરી ગોળી છોડે છે... નિશાન ચુકી જાય છે પણ મિનિસ્ટરની કારનું ટાયર ફાટી જાય છે. કાર પલ્ટી ખાઈ જાય છે. મિનિસ્ટર ભાગે છે.
કટ ટુ, મિનિસ્ટર દરિયા કિનારે એક બોટની પાછળ સંતાયો છે! (સિક્યોરીવાળા ક્યાં ગયા? ચા પીવા? કે પંચર કરાવવા?) મિથુન ત્યાં આવીને મિનિસ્ટર સામે ગન ધરી દે છે. ત્યારે મિનિસ્ટર શું કહે છે, ખબર છે? એ કહે છે : શંકર મુઝે મત મારના! મુઝે દેશ કી સેવા કરની હૈ!!'
***
આ સિવાય પણ 'ગુન્ડા'માં ઘણું છે... વિલનોની વીસ વીસ એમ્બેસેડર કારો ઘડીકમાં ટોળામાં, તો ઘડીકમાં બબ્બે પેરેલલ લાઈનોમાં, ઘડીકમાં ગોળાકારમાં, તો ઘડીકમાં સર્પાકારે દોડીને મિથુનને દોડેવે છે? કે પોતે 'કુરિયોગ્રાફી'ની પ્રેકટીસ કરે છે?
જવાબો માટે જરૂર જુઓ 'ગુન્ડા'... પોતાના ખર્ચે અને જોખમે!
= મિથુન ચક્રવર્તીની આ ૨૮૭મી ફિલ્મ હતી!
= દિગ્દર્શક કાન્તિ શાહે લગભગ ૪૫ જેટલી ફિલ્મો બનાવી છે જેમાં મિથુન અને ધર્મેન્દ્ર જેવા સ્ટાર્સ સાથે બે-બે ફિલ્મો છે.
= ફિલ્મને ઘણા બધા વાંધા વચકા અને કટ પછી 'એ' સર્ટિફીકેટ મળ્યું હતું.
= ફિલ્મ રીલીઝ થયા પછી મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુની કોલેજીયન યુવતીઓએ ફિલ્મમાં હિંસા, સેક્સ અને ઓબ્સિનીટી સામે ફરિયાદ કરી હતી. જેના કારણે ફિલ્મને થિયેટરોમાંથી ઉતારી લેવામાં આવી હતી.
= જાણવા મળ્યું હતું કે અમુક સેન્ટરોમાં ફિલ્મની 'અન-સેન્સર્ડ' પ્રિન્ટો બતાવાઈ રહી હતી!
= છતાં આજે 'ગુન્ડા' તેના KITCH ટેસ્ટ, યાને કે કડવો છતાં મજેદાર ટેસ્ટ માટે ઓનલાઈન જોવાઈ રહી છે!


