- એશિયા કપમાં પાકિસ્તાનને ત્રણ વખત હરાવીને ચેમ્પિયન બન્યા તેની વિશેષ ખુશી હોઈ શકે પણ બંને ટીમના ખેલાડીઓએ ઓપરેશન સિંદૂરને સાથે રાખીને મેચ રમી તે જોઇને સૈનિકો વ્યથિત થયા હશે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- ઓપરેશન સિંદૂરને ઓપરેશન તિલક કહેવું કે પછી પાકિસ્તાનના ખેલાડી અને તેમના ક્રિકેટ બોર્ડના ચેરમેન દ્વારા ભારતના ફાઈટર વિમાનો તોડી પાડવાનો દાવો કરવો તે શરમજનક કહી શકાય
છે લ્લા અઠવાડિયાથી ભારત અને પાકિસ્તાનમાં જાણે એશિયા કપની ટ્રોફી એક જ પ્રાણ પ્રશ્ન હોય તેમ નાગરિકો તેની ચર્ચામાં ગળાડૂબ જોઈ શકાય છે. ભારતીયો એમ કહીને બાવડા ફુલાવે છે કે 'જુઓ અમે પાકિસ્તાનને એશિયા કપમાં ફાઇનલ સહિત ત્રણ વખત પરાજય આપ્યો અને ચેમ્પિયન બન્યા તો પણ આ ટ્રોફી કરતા ભારત દેશના સ્વમાનને મહત્ત્વ આપીને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પણ ચેરમેન છે તેવા ભારત વિરોધી ઝેર ઓકતા રહેનાર મોહસીન નકવીના હસ્તે ટ્રોફી ન જ લીધી અને દેશનું ગૌરવ જાળવ્યું.'
તો પાકિસ્તાનમાં નકવી આજકાલ હીરો તરીકે જોવાય છે.પાકિસ્તાનના નાગરિકો એવી બડાશ મારે છે કે 'જોયું, નકવીએ ભારતની ટીમને કેવું રોકડું પરખાવી દીધું કે ટ્રોફી લેવી હોય તો મારા હસ્તે લો. હું એશિયન ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન છું બીજા કોઈને આ વિધિની તક નહીં આપું. એટલું જ નહીં અમારા નકવી કેવી ખુમારી ધરાવે છે કે ભારતના ક્રિકેટરો અને ટીમ મેનેજમેન્ટ જોતું રહ્યું અને તેઓની નજર સામે ટ્રોફી તેમની હોટલમાં પરત લઈ ગયા અને ભારતની ટીમને ખાલી હાથે સ્વદેશ પરત થવું પડયું.'
ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાકિસ્તાન સામેની એશિયા કપના ગ્રુપ સ્ટેજના મુકાબલામાં જ પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા જોડે ટોસ પહેલા હાથ મિલાવવાથી દૂર રહ્યો અને આ સમગ્ર ઘટનાક્રમનો પ્રારંભ થયો.
સલમાન જોડે હાથ ન મિલાવવો, મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન જોડે ટ્રોફી વચ્ચે રાખીને ફોટો ન પડાવવો ત્યાં સુધીનો જ ઉપક્રમ રહ્યો હોત તો હજુ પણ સહ્ય રહ્યું હોત પણ સૂર્યકુમાર યાદવે ગ્રુપ મેચમાં પાકિસ્તાન સામેના વિજય બાદની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 'અમે પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ પ્રત્યે હમદર્દી ધરાવીએ છીએ અને અમારો આ વિજય ભારતીય સેનાને સમર્પિત છે. અમે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા આવ્યા છીએ મિત્રતા કરવા નહીં. જેવા સૂર્યકુમારના નિવેદન સાથે એમ નક્કી થઈ ચૂક્યું હતું કે રમત સાથે દેશના મેદાન બહારના જંગને જોડી દેવામાં આવ્યું છે.
પાકિસ્તાન સામેની સુપર ફોરની મેચમાં તો પાકિસ્તાનના હારીસ રઉફે તો જાણે મેદાન પર જ લડાકુ વિમાનની દ્રશ્ય સાથેની યુદ્ધ ભૂમિ ખડી કરી દીધી. રઉફે આંગળીથી ૬ - ૦ની સંજ્ઞા બતાવીને હાથથી વિમાનને હવામાં ઉડાડી જમીન તરફ ફસડાતું હોય તેવી એક્ટિંગ કરી. તો ઓપનર સાહીબજાદા ફરહાને પચાસ રન પુરા કરતા જ બેટ એ.કે. ૪૭ હોય તેમ આકાશ તરફ તાંકી ધનાધન ગોળીબાર કરતો હોય તેવી અદા કરી.
જો કે નકવી પોતે જ ભારતને ટ્રોફી આપવા નહીં માંગતા હોય કે પછી તેવો વિવાદ મેચ બાદ ઉછળવા માંગતા હોય તેમ તેણે ભારતીય ટીમને વધુ છંછેડતા ફાઇનલ અગાઉ જ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન હોવા છતાં હસન રઉફ જેવી જ શરમજનક હરકત કરી અને ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્લેન કેશની મુદ્રામાં ગોલની ઉજવણી કરે છે તે જ વિડિઓ તેની પોસ્ટમાં મૂક્યો.
એશિયા કપનો ડ્રામા ત્રણ અંકનો હતો.ભારત ચેમ્પિયન બન્યું તે પછી ત્રીજા અને છેલ્લા અંકમાં સૂર્યકુમાર યાદવે તેની મેચ ફી અને વિજય ભારતીય સેનાના ફંડને સમર્પિત કર્યો તો પાકિસ્તાનના કેપ્ટને પણ તેની મેચ ફી પાકિસ્તાન સેનાને માટે જાહેર કરી.
ચેમ્પિયન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જેની જરૂર નહોતી અને તેમની ગરિમાને શોભે તેવી નહોતી.નકવી તો એશિયન ક્રિકેટ અને પાકિસ્તાન બોર્ડના ચેરમેન છે અને હારીસ રઉફ તો પાકિસ્તાનની ટીમનો ખેલાડી છે.સૂર્યકુમાર યાદવે જે દેશભક્તિનું સ્ટેન્ડ લીધું તેને પણ એક કેપ્ટન કે ખેલાડી તરીકે જોવાનું હતું.ચેમ્પિયન બન્યા પછી મોદીએ ભારતીય ટીમને અભિનંદન આપતા પોસ્ટ મૂકી કે ઓપરેશન સિંદૂરની જેમ રમતના મેદાન પર પણ તેના જેવી જ સફળતા તેનાથી તો ભારતીય ક્રિકેટરો જ નહીં ભારત દેશની સરકાર પણ રમત સાથે રાજકીય દુશ્મનાવટની જોડે છે અને તેવો જ ઇરાદો ધરાવે છે તે પુરવાર થયું.મોદી એ ભૂલી ગયા કે આપણે ઓલિમ્પિક યોજવાનો દાવો કર્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ અને કેન્દ્ર સરકારનું રમતના સંદર્ભમાં કેવું વલણ છે તેનું નિરીક્ષણ વિશ્વ કરતું હોય છે.
પાકિસ્તાન જે પાયા વગરનો અપપ્રચાર કરે છે કે અમે ભારત પર મીની યુદ્ધમાં સરસાઇ મેળવી હતી અને ભારતના છ જેટલા લડાકુ વિમાન તોડી પાડયા હતા તે વિશ્વ કદાચ સાચું માની લેતું હશે તેવા સંશયથી મોદીથી સંયમ રહ્યો ન હોય અને તેમણે ઓપરેશન સિંદૂરની જીતને ક્રિકેટ સાથે જોડી દીધી હોય તેવું લાગે છે.
તો કેટલાક મીડિયાએ સર્જનાત્મક સનસની મચાવી તિલક વર્માની યાદગાર વિજયી ઇનિંગ માટે 'ઓપરેશન સિંદુર' પછી હવે 'ઓપરેશન તિલક' તેમ રજૂઆત કરી.આમ એશિયા કપ ક્રિકેટ કરતા પણ વિશેષ જાણે યુદ્ધ ભૂમિ હોય તેવો અંજામ બંને ટીમો,નેતા લોગ અને ચાહકોએ આપ્યો. તિલક વર્માએ કહ્યું કે મેદાન પર પાકિસ્તાનનાં ખેલાડીઓ એવી નિમ્ન સ્તરની કોમેન્ટ કરતા હતા કે 'મેં નિશ્ચય કર્યો કે ભારતના ૧૪૦ કરોડ નાગરિકોને હવે નિરાશ નહી કરું.' ગીલ અને અભિષેક શર્માએ પણ તે પ્રકારની કોમેન્ટ કરી કે 'તેઓ અમારી તરફ એવી રીતે આવતા હતા કે જવાબ આપવાનો જુસ્સો વધી ગયો.' સૂર્યકુમાર યાદવે કહ્યું કે 'મેં મારી કારકિર્દીમાં આવી તનાવપૂર્ણ ટુર્નામેન્ટ કે મેચ નથી રમી. અમે ભારતના નાગરિકો અને સેનાના ગૌરવ માટે રમતા હતા.' સૂર્યકુમાર યાદવે એમ પણ કહ્યું કે 'પાકિસ્તાન સામેની ફાઈનલમાં ભારતની બેટિંગ દરમ્યાન મારા હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૧૫૦ હશે.'
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ હતાશ ભારતીય સૈનિકો થયા હશે.ભારત પાકિસ્તાન સામે ક્રિકેટમાં વિજય મેળવે તેથી તેઓએ ખુશી તો અનુભવી જ હશે પણ ભારતના ક્રિકેટ વિજયને યુદ્ધ ભૂમિ કે અવકાશી જંગ જોડે તુલના કરવામાં આવે તે જરા વધુ પડતું કહેવાય. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ અને મોદીને પણ ટકોર કરી શકાય. સૈનિકો દેશને કાજે બારેમાસ માયનસ ડીગ્રી અને વિષમ પરિસ્થિતિમાં વિશ્વની સૌથી પડકારજનક ઊંચાઈ પર આવેલ સરહદ પર અડીખમ ૨૪ કલાક ઉભા રહીને આપણી રક્ષા કરે છે, યુદ્ધ વખતે માથા પર ડ્રોન પરના બોમ્બ,મિસાઈલ વરસતા હોય છે. ફાઈટર વિમાન લઈને દુશ્મન દેશની સરહદ પર ઘૂસીને તેઓના ઠેકાણા તબાહ કરવા અને સામી છાતીએ શહાદત વહોરતા હોય છે. ક્રિકેટરો જેટલો પણ સૈનિકો યુદ્ધભૂમિમાં વિજય બાદ આવકાર નથી પામતા, તેઓ સેલિબ્રિટી નથી કે નથી કરોડોપતિ. ભારત એશિયા કપ જીત્યું તેના બદલામાં ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે ૨૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.ઓપરેશન સિંદુર કે એમ જ આતંકવાદીઓ સામે સરહદ પર શહીદ થતા સૈનિકોની વિધવા કે બહાદુર સૈનિકોને આટલું ઇનામ આપાય છે ખરું?
ભારતીય ક્રિકેટરોએ તેઓ ભારતીય સૈનિક છે તેવા વહેમમાં તો રહેવું જ ન જોઈએ. ભારત અને પાકિસ્તાનનાં ક્રિકેટરો તેમના દેશના નાગરિકો વચ્ચે લોકપ્રિય થવા માટે પણ એકબીજાની વિરુદ્ધ કોમેન્ટ કરતા હોય તેવું પણ બને.
ક્રિકેટરોને બે કલાક બર્ફીલી સરહદ પર ઉભા રાખવા જોઈએ. હારિસ રઉફને લડાકુ વિમાનમાં પાયલોટની બાજુમાં બેસાડી એક ચક્કર ખવડાવું જોઈએ. સાહીબજાદાના હાથમાં સાચુકલી એ.કે.૪૭ રાઈફલ હોય તો હાથ ધુ્રજવા માંડે. ભારતના ક્રિકેટરોના પણ સૈનિક બનતા તેવા હાલ થાય. તેઓ ક્રિકેટ મેચને એકબીજા પર યુદ્ધમાં ઉતર્યા હોય તેવો મિજાજ કેળવે તે જ મુર્ખામી અને સૈન્યનું અપમાન કહેવાય.
પાકિસ્તાન સામે મેચ જોતા બંને દેશના ચાહકોને વિશેષ રોમાંચ કે ભારતીયોને જીતની વિશેષ ખુશી હોઈ શકે પણ આપણે આ મેચ ડ્રોઈંગ રૂમમાં બેસીને પિત્ઝાની મજા માણતા જોતા હોઈએ છીએ. ક્રિકેટરો પણ હાર કે જીત ભૂલીને સેલીબ્રીટી બનીને જીવન વીતાવશે. ભારતીય ક્રિકેટ ટીમે ઠંડકથી કોઈપણ કોમેન્ટ કે વિવાદ વગર પાકિસ્તાનને હરાવ્યું હોત તો પાકિસ્તાન વધુ અકળાયું હોત.અત્યારે તો પાકિસ્તાનને જે જોઈતું હતું તે જ થયું. તેઓ હાર્યા તેના કરતા ભારતે ટ્રોફી ન લીધી તેની ચર્ચા વધુ થાય છે.
જ્ઞાન પોસ્ટ
'It is not the mountains ahead to climb that wear you out;it is the pebble in your shoe'
- Muhmmad Ali


