- શાંતિ માટેના નોબેલ પારિતોષિકે સૌથી વધુ વિવાદ સર્જ્યા છે
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- છેલ્લાં સો વર્ષથી એક ચોક્કસ માળખામાં ચાલી આવતી નોબેલ ઇનામો આપવાની આ પરંપરા હવે જુનવાણી અને અસંગત બની ગઇ છે...
અ મેરિકા જેવા અમીર દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને નોબેલ પ્રાઈઝ મળે તે માટે કેવાં વલખા મારી રહ્યા છે તે વિશે ચોરે ને ચૌટે ચર્ચા ચાલી રહી છે. ૭૯ વર્ષના અબજોપતિ ટ્રમ્પ સાહેબ શાંતિ માટેનો નોબેલ પારિતોષક મેળવવા જે હદે ગાંડા કાઢી રહ્યા છે તેવું ઉદાહરણ વિશ્વના ઈતિહાસમાં કદી જોવા નહીં મળે.
કોઈ સંસ્થાનું ઈનામ મેળવવા દાવેદાર જાતે 'મને આપો'.. 'મને જ આપો,' કરે એવી હોહા ટ્રમ્પે મચાવી છે. છેલ્લાં એક મહિનામાં ટ્રમ્પે લગભગ રોજ કોઈના કોઈ સ્ટેજ પર પોતાને જ નોબેલ પુરસ્કાર મળે તેવી રજુઆત કરી છે. સૌથી હાસ્યાસ્પદ લાગે તેવી વાત તો એ છે કે ટ્રમ્પે કોઈ ચસ્કેલ મગજના માણસ જેવી દલીલ કરી છે. 'વિશ્વના સાત યુધ્ધો અટકાવીને મહાવિનાશને રોકવા બદલ મને પ્રત્યેક જંગ અટકાવવાના કુલ સાત નોબેલે શાંતિ પુરસ્કાર મળવા જોઈએ!'
જો કે આ રીતે દુનિયામાં સાત યુદ્ધ રોકાવ્યાનો દાવો કરતાં ડોનાલ્ડ ટ્રમ્પને ઈટાલીના વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અરીસો દેખાડી દીધો છે. મેલોનીએ કહ્યું છે કે દુનિયામાં ચાલતા યુદ્ધો રાકવામાં ભારત બહુ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે. મેલોનીનો આ જવાબ પોતાને શાંતિનાદૂત સાબિત કરવા અને નોબેલ પુરસ્કાર માટે તલપાપડ બનેલા ટ્રમ્પને જડબાતોડ જવાબ સમાન છે.
આ બધા વિવાદ વચ્ચે નોબેલ પ્રાઈઝ આપવા બાબત નોર્વેમાં ટેન્શન પ્રવર્તે છે. આ કંઇ પહેલવહેલી ઘટના પણ નથી. નોબેલ પ્રાઇઝ જાહેર કરનારી નોર્વેની સમિતિને માથે અવારનવાર માછલાં ધોવાયા છે. કારણ કે અગાઉ પણ નોબેલ પારિતોષિક અને તેમાં પણ શાંતિ માટેનું 'પ્રાઇઝ' આપવામાં ઘણાં છબરડા થયા છે. વિશ્વનું સૌથી પુરાતન, સૌથી પ્રતિષ્ઠિત અને કદાચ નાણાકીય ગણતરીમાં પણ સૌથી વધુ માતબર રકમવાળું નોબેલ પારિતોષિક હંમેશા વિવાદોના ઘેરાવામાં રહ્યું છે.
આમ પણ નોર્વેજિયન નોબલ કમિટિએ એવી સ્પષ્ટતા કરી દીધી છે કે કોઇપણ પ્રકારની ઝુંબેશ, પ્રેશર ટેક્ટીક કે પ્રચાર માધ્યમોના પ્રેશરથી અમે દબાઇ જવાના નથી. આ સમિતિના સેક્રેટરી ક્રિસ્ટીન બર્ગહાર્પ વિકેને તો એટલે સુધી કહ્યું કે અમારી સમિતિ દરેક ઉમેદવારની સિદ્ધિઓ તેમણે કરેલાં કાર્યોની મૂલવણી કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લે છે.
દર વર્ષે વિશ્વમાંથી હજારો લોકો- સાંસદો, પ્રધાનો, યુનિવર્સિટી પ્રોફેસરો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ નોબેલ ઇનામ મેળવવા ઉમેદવારી નોંધાવે છે. આ વર્ષે કમિટિ પાસે ૩૩૮ વ્યક્તિ અને બીજી સંસ્થાઓના ઉમેદવારીપત્રો મળ્યા છે, જો કે વિજેતાના નામની પસંદગી કરવાની પ્રક્રિયા છેલ્લાં પાંચ દાયકાથી અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે.
વિજ્ઞાનની જુદી જુદી વિદ્યાશાખાઓ જેવી કે : રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં ઉપયોગી અને મહત્વનું પ્રદાન કરનાર (સંશોધન કરનાર), ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે ઉપયોગી અને મહત્વનું પ્રદાન કરનાર તેમજ શરીરશાસ્ત્ર-તબીબીશાસ્ત્રના ક્ષેત્રમાં મહત્વનું અને ઉપયોગી પ્રદાન કરનાર વ્યક્તિને પારિતોષિક એનાયત કરી અન ેબહુમાન કરવું. એ જ રીતે સાહિત્યના ક્ષેત્રમાં પણ-ધ મોસ્ટ આઉટ-સ્ટેન્ડીંગ વર્ક ઓફ એન આઇડિએલિસ્ટિક ટેન્ડન્સી' (આદર્શવાદી અભિગમ ધરાવતી અત્યંત ઉત્કૃષ્ટ સાહિત્યકૃતિ) મહત્વની સાહિત્યકૃતિને પારિતોષિક આપવાની ઘોષણા કરી હતી. એ સાથે સાથે એમણે માનવજાતિના કલ્યાણ, ભાઇ-ચારા અને શાંતિમય સહઅસ્તિત્વને માટે કાર્ય કરનાર વ્યક્તિને 'શાંતિ પારિતોષિક' આપવાનું સૂચવ્યું હતું.
જોકે ૧૯૬૯ પછી આ પાંચે નોબેલ પારિતોષિકોમાં એકનો ઉમેરો થયો છે. અર્થશાસ્ત્ર-ઇકોનોમિક્સના ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન કરનાર વ્યક્તિને પારિતોષિક આપવાનું શરૂ કરાયું છે. આલ્ફ્રેડ નોબેલ મેમોરિયલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ સાયન્સ.
નોબેલ પોતાના વસિયતનામામાં આ પારિતોષિક વિષે સૂચના આપતાં સ્પષ્ટ લખ્યું છે કે કોઇ પણ જાતની રાષ્ટ્રીયતા કે નાગરિકત્વના ભેદભાવને સ્થાન આપ્યા વિના યોગ્ય વ્યક્તિને પારિતોષિક એનાયત કરવું.
નોબેલ પારિતોષિકની રકમ ૧૧ લાખ ડોલરથી સહેજ વધુ છે. (આશરે ૯ કરોડ, ૬૮ લાખ રૂપિયા) સાથે એક સુવર્ણચંદ્રક પણ
અપાય છે. નોબેલ પારિતોષિક એનાયત કરવાનો આરંભ ઇ.સ. ૧૯૦૧થી કરાયો હતો. જેને આજે એક સદીથી પણ વધુ સમય થઇ ગયો છે. આ ઇનામ આંતરરાષ્ટ્રીય ગણાતુ હોવા છતાં હજુ સુધી વિશ્વના ૮૦ દેશોના ૯૧૦ નાગરિકોને જ આ ઇનામ પ્રાપ્ત થયું છે. જેમાંથી અડધો અડધ તો માત્ર અમેરિકા બ્રિટન અને ફ્રાન્સના ફાળે ગયા છે.
કુલ અપાયેલાં પારિતોષિકના પાંચ ટકાથી ય ઓછા બહારના રાષ્ટ્રોને મળ્યા છે. ત્રીજા વિશ્વના દેશોને તો એકંદરે પચીસેક પારિતોષિકો પણ ભાગ્યે જ મળ્યાં હશે. જ્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે, સમસ્ત વિશ્વની બે તૃતિંયાશ ભાગનું પ્રતિનિધિત્વ તો આ ત્રીજા વિશ્વના મુલ્કો જ કરે છે. ભારતને મળેલા નોબેલ પારિતોષિકમાં ૧૯૧૩માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 'ગીતાંજલિ'ને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. ભારતીય વૈજ્ઞાનિક ચનદ્રશેખર બી. રામનને ઇ.સ. ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રીય શોધખોળો માટે નોબેલ પારિતોષિક અપાયુ ંહતું. ત્યારબાદ ડો. હરગોવિંદ ખુરાના (જન્મે ભારતીય હોવા છતાં તેઓ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા) તથા ૧૯૮૩માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક શ્રી સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરને પ્રાપ્ત થયું છે. તેમને અને અમેરિકાના વૈજ્ઞાનિક વિલિયમ ફ્લોરને સહિયારું પારિતોષિક મળ્યું હતું. છેલ્લે અર્થશાસ્ત્ર માટે ભારતના આમર્ત્ય સેનને નોબેલ પ્રાઇઝ મળ્યુ ંહતું. તેમજ વરિષ્ઠ વિજ્ઞાની વેંકટ રામન રામકૃષ્ણનને બે અન્ય વિજ્ઞાનીઓ સાથે કેમેસ્ટ્રી માટેનું નોબેલ પારિતોષિક અપાયા છે.
આલ્ફ્રેડ નોબેલે આ પારિતોષિક મહાન ઉદેશથી પ્રેરાઇને જ શરૂ કર્યા હતા. પરંતુ આજે એનાથી વિપરીત બની રહ્યું છે. માનવજાતિના ભલા માટે, માનવવંશની શાંતિ તથા સુખાકારી માટે, સર્જનશીલતાને અવકાશ મળે માટે, પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહન મળે માટે - સ્થપાયેલા નોબેલ પારિતોષિકને રાજકારણ, અંગત રાગદ્વેષ અને સંકુચિત દ્રષ્ટિના છાંટા ઊડયા છે. સાચી નિષ્ઠાથી આલ્ફ્રેડ નોબેલને પ્રસ્થાપિત આ પારિતોષિક-એના આપનારા-લેનારા-સૌના હાથ ખરડાવા લાગ્યા છે. માનવીય ગુણોે અને પ્રતિભાને બિરદાવવા રજૂ થયેલું આ પારિતોષિક હવે રાજકારણનો હાથો બની ગયું હોય એમ લાગે છે.
નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરવા લાયક હોય છતાં જેઓ આ એવોેર્ડ સન્માન મેળવવાથી વંચિત રહી ગયા હોય તેવા સાત મહાનુભાવોની યાદીમાં સૌથી ઉપર મહાત્મા ગાંધીનું નામ આવે છે. બીજા છ જણ નોબેલ વંચિત રહ્યા તેમના નામ છે ઈલેનોર રૂઝવેલ્ટ, વૅક્લેવ હવેલ, કેન સારો-વીવા, સરી નુસૈબ, કોરાઝોન એક્વિનોે અને લિયુ ઝીયાઓબો.
અનેક યુરોપિયન સ્કોલરે પણ એવી નોંધ કરી છે કે અહિંસાના પૂજારી અને શાંતિદૂત કહી શકાય તેવા મોહનદાસ કરમચંદ ગાંધીને નોબેલ પ્રાઈઝથી વંચિત રાખીને નોબેલ ફાઉન્ડેશને મોટી ભૂલ કરી છે. નોર્વેના એક સાંસદે પહેલીવાર ૧૯૩૭માં ગાંધીજીનું નામ નોબેલ માટે સુચવ્યું હતું. પરંતુ બ્રિટિશ સરકાર નારાજ થશે એ ડરથી છેલ્લી ઘડીએ ગાંધીજીના નામ પર ચોકડી મૂકાઈ. આવી રીતે કુલ પાંચ વાર બાપુનું નામ શાંતિના નોબેલ માટે નોમિનેટ થયું પરંતુ તેમને આ પુરસ્કાર ન મળ્યો. યુરોપના ગોરા લોકો ગાંધીજીની અહિંસાની લડતને એટલી યથાર્થ, દીર્ધકાલીન ગણતા નહોતા.
જ્યારે મધર ટેરેસા સામે યુરોપના જ કેટલાંક સમાજશાસ્ત્રીઓએ વાંધો ઉઠાવ્યો છતાં તેમને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. છેક ૧૯૦૬માં અમેરિકન પ્રમુખ થિયેડોર રૂઝવેલ્ટને અપાયેલા શાંતિના નોબેલ પુરસ્કાર બાબત પણ ખૂબ વિવાદ ચગ્યો હતો. તેમનું આ બહુમાન રશિયા અને જાપાન વચ્ચે શાંતિ કરાર સીલ કરાવવા સંદર્ભમાં થયું હતું પરંતુ તે વખતે એ વાતને નજરઅંદાજ કરવામાં આવી હતી કે સ્પેન અને ક્યુબા સાથેની યુદ્ધખોરી માટે તેઓ જ જવાબદાર હતા.
૧૯૯૦માં મિખાઇલ ગોર્બોચેવને ત્યારે જ શાંતિ માટેનું નોબેલ ઇનામ મળ્યું હતું જ્યારે મોસ્કોએ મોમાં તરણુ ંલઇને અન્કલ સેમનું શરણું સ્વીકારી લીધુ ંહતું. જે ઇનામ મળ્યું છે તે મૂડીવાદમાં અને મલ્ટીનેશનલોની સ્કીમમાં વટલાઇ ગયેલા ગોર્બોચેવને મળ્યું છે અને નહીં કે પ્રખર સામ્યવાદી ગોર્બોચેવને. અગાઉ અલેકઝેન્ડર સોલ્ઝેનિત્સિનને સાહિત્ય માટેનું અને આન્ડ્રી સાખારોવને (૧૯૭૫) શાંતિ માટેનું નોબેલ ઇનામ મળ્યું તે અમેરિકાની ત્યારની મોસ્કોવિરોધી નીતિને પ્રતાપે બન્યું હતું. એવી જ રીતે પોલેન્ડના સામ્યવાદી સરમુખત્યાર જેરુઝેલસકીની સામે ટ્રેડ યુનિયનનો વાવટો ઉગામીને બગાવત કરનાર લેચ વાલેસાને મળેલું નોબેલ પીસ પ્રાઇઝ પણ પોલિટિકલ ગણતરીવાળું હતું. ૧૯૭૮માં કેમ્પ ડેવિડ કરાર કરનાર ઇજિપ્તના પ્રમુખ અનવર સાદતને નોબેલ પીસ પ્રાઇઝ એટલા માટે મળ્યું કે પ્રમુખ જિમિ કાર્ટરની દોરવણી નીચે ફૂટી જઇને સાદતે આરબોને છેહ દઇને ઇઝરાયલ સાથે તડજોડ કરી હતી. ખૂબીની વાત તો એ છે કે સાદતની હારોહાર ઇઝરાયલના ક્રૂર અને ઘાતકી વડાપ્રધાન મેનામેચ બેગીન (૧૯૭૮)ને પણ નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યુ ંહતું.
દલાઇ લામાં (૧૯૮૯)ને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું ત્યારે ઘણા બૌદ્ધિકો હેરાન થઇ ગયા હતા. આલ્વા મિર્ડલે (૧૯૮૨) પોતાના પતિ સાથે મળીને વિકસતા દેશોની આર્થિક-સામાજિક સ્થિતિનો સંશોધનાત્મક અભ્યાસ કર્યો હતો. પણ એમની સિદ્ધિઓ કાંઇ નોબેલ શાંતિપારિતોષિકના લાયક ન કહેવાય. ઓસ્કર એરિયાસ સાનચેઝ (કોસ્ટારિકા, ૧૯૮૭) એડોલ્ફો પેરેઝ ઇસક્વિવેલ(આર્જેન્ટિના,૧૯૮૦) અને આલફોનઝો ગાર્સિયા રોબલ્સ (મેક્સિકો, ૧૯૮૨)ને મળેલાં નોબેલ શાંતિ પારિતોષિકની પાછળ અમેરિકાના પાછલા વંડા જેવા લેટિન (ભૌગોલિક દક્ષિણ) અમેરિકામાંનું અમેરિકાનું રાજકારણ જવાબદાર હતું. નોર્વેની જે સમિતિ નોબેલ શાંતિ ઇનામ જાહેર કરે છે તેની ઉપર અમેરિકાનું પૂરું વર્ચસ્વ હોય છે. ઓસલો ખાતેના અમેરિકાની એલચી મહિનાઓથી લોબીઇંગ કરે છે. પરાકાષ્ઠા ૧૯૭૪માં આવી. ત્યારે જાપાનના ઇસાકુ સાટો નામના નિર્માલ્ય અને નપાણિયા વડા પ્રધાનને અમેરિકાએ નોબેલ પીસપ્રાઇઝ અપાવ્યું હતું. નિયમ એવો છે કે, નોબેલઇનામ મેળવનારે એકાદ ચોપડી લખી હોવી જોઇએ. છેલ્લી ઘડીએ કોઇકનું આ ક્ષતિ પર ધ્યાન ગયું. રાતોરાત એક ચોપડું એક ઘોસ્ટ રાઇટરે ઘસડી કાઢ્યું. આખી રાત પ્રેસમાં છાપકામ થયું અને ચોપડીવાળી પેલી જોગવાઇનો એ રીતે તોડ કાઢવામાં આવ્યો. ઇસાકુ સાટેએ શેક્યો પાપડ કે કાચો પાપડ પણ ભાંગ્યો ન હતો. કે ન તો તેમણે એક્કેય પાપડને ભાંગતો અટકાવ્યો હતો. વિયેટનામનું રાક્ષસી યુદ્ધ ૧૯૭૩માં પૂરું થયું. અમેરિકાની રાક્ષસી તાકાતને પણ પીછેહઠ કરવી પડી. ચંદ્ર ઉપરના ક્રેટર્સ (કુંડ)ની જેમ વિયેટનામની સમગ્ર ધરતી બોમ્બવર્ષાથી થયેલા ખાડાઓથી અંકિત છે. ૧૯૭૩માં અમેરિકાના મહાખેપાની વિદેશમંત્રી ડોકટર હેન્રી કિસિંજરને અને વિયેટનામના લે ડક થોને સમાન હિસ્સામાં નોબેલ શાંતિ ઇનામ અપાયું. જોકે થોએ ઇનામ લેવાની ના પાડી હતી.
૧૯૯૧માં મ્યાનમાર (બર્મા)નાં વિપક્ષી નેતા અને લોકશાહી માટે લડત લડનાર ઓન્ગસાન સૂ ક્યીને શાંતિ માટેનું નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું એ કંઈક અંશે વાજબી કહેવાય. લશ્કરી અને ડાબેરી સરમુખત્યારશાહીનું પૂર્વ યુરોપમાંથી નિકંદન નીકળી ગયું છે. ચીન, ક્યુબા, ઉત્તર કોરિયા અને મ્યાનમારમાં હજી ડાબેરી સરમુખત્યારશાહી પ્રવર્તે છે. બર્માનાં લોકશાહીપ્રણેતા ઓન્ગ સાન સૂ ક્યીને શાંતિ ઇનામ મળ્યું તેની હરકત નથી. પરંતુ સામ્યવાદી સરમુખત્યારી તોડયા પછી અમેરિકા જ્યાં જ્યાં પોતાને મનપસંદ એવી સરકારો સ્થાપે છે ત્યાં ત્યાં લોકશાહીવાળા ડિક્ટેટરો મહાઅનર્થ સરજે છે. એ મુદ્દો ધ્યાનમા ંલેવો જોઇએ. અમેરિકાએ નોરીગાથી માંડીને પરવેઝ મુર્શરફ સુધીના ડિક્ટેટરોને પોષ્યા હતા એ યાદ રહે.
આમ પણ છેલ્લાં સો વર્ષથી એક ચોક્કસ માળખામાં ચાલી આવતી નોબેલ ઇનામો આપવાની આ પરંપરા હવે જુનવાણી અને અસંગત બની ગઇ છે, એવી ટીકા-ટિપ્પણો ખુદ વિજ્ઞાનીઓના વર્તુળમાં થઇ રહી છે. ઓલ્ફ્રેડ નોબેલનો આશય માનવજાતને સૌથી વધુ લાભકર્તા નીવડે એવી વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહિત કરવાનો હતો. પણ આજે વિજ્ઞાન ભૌતિક, રસાયણ કે તબીબી વિજ્ઞાન પૂરતું સીમિત નથી. ખગોળશાસ્ત્ર અને જેનેટિક્સ (આનુવંશિક વિજ્ઞાન)ના ક્ષેત્રે પણ ઝડપી પ્રગતિ થઇ રહી છે. આજે સંશોધન કોઇ એક વૈજ્ઞાનિકની સ્વતંત્ર કામગીરી રહેવાને બદલે, વૈજ્ઞાનિકોના જૂથનો સામૂહિક પુરુષાર્થ બનતો જાય છે. તેથી એક વિભાગનું ઇનામ વધુમાં વધુ ત્રણ વિજ્ઞાનીઓ પૂરતું મર્યાદિત રાખવાથી સાથી વિજ્ઞાનીઓને અન્યાય થવાનો સંભવ છે. ભૌતિકશાસ્ત્રમાં તાજેતરનાં વર્ષોમાં જે સંશોધનો માટે નોબેલ ઇનામો અપાયાં છે, તેનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક રહ્યું છે. આઇન્સ્ટાઇન પછીના સૌથી મહાન ભૌતિકશાસ્ત્રી તરીકે પંકાયેલા સ્ટિફન હોર્કિગનું સંશોધન સૈદ્ધાંતિક સ્વરૂપનું અને વ્યવહારમાં પુરવાર થઇ શકે એમ ન હોવાથી તેમને નોબેલ પારિતોષિકોથી વંચિત રખાયા હતા. આ રીતે નોબેલ પારિતોષિક તેનું પરિપ્રેક્ષ્ય ગુમાવી રહ્યું છે. હકીકતમાં વિજ્ઞાન નોબેલ ઇનામોથી પણ આગળ નીકળી ગયું છે અને તેના સાચા મૂલ્યાંકન માટે નોર્વેની કમિટિ પાસે કોઇ માપદંડો રહ્યા નથી. આ ઇનામોમાં હવે માનવજાતના ભલા માટેનું ઘ્યેય વિસરાઇ રહ્યું છે. નોબેલ ઇનામો માનવજાત માટે અસંગત બની જાય એ પૂર્વે તેમાં તળિયાઝાટક અને માળખાગત સુધારાની તાતી જરૂર છે.


