Get The App

ગમાણ અને ગમાણિયું .

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
ગમાણ અને ગમાણિયું                               . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ગાય-ભેંસ દૂધ આપીને માલિકને સહાયક બનતાં. એ ગાય-ભેંસને સારી રીતે સાચવવા માણસે પોતાના જેવી વ્યવસ્થા ગોઠવી

થો ડાં વર્ષો પૂર્વે માણસ પાલતું ગાય-ભેંસને જીવની જેમ જાળવતો. સીમ-વગડામાંથી તેના માટે આહાર લાવી એની આંતરડી ઠારતો. ગાય-ભેંસ દૂધ આપીને માલિકને સહાયક બનતાં. એ ગાય-ભેંસને સારી રીતે સાચવવા માણસે પોતાના જેવી વ્યવસ્થા ગોઠવી. જેમ પોતા માટે રસોડું અને ઓસરી જુદાં, એમ ભેંસ-ગાય માટે પણ રસોડું અને બેઠકરૂમ નોખા. ભેંસ-ગાય જે ખીલે બંધાય તે ખીલા આગળ મોટું લાકડું નંખાય. તે લાકડું એ ગમાણિયું અને ઉપરનો હિસ્સો ગમાણ. ગમાણિયું એટલે વગડાઉ ઝાડના થડિયાનો પાંચ છ ફૂટનો ટુકડો અથવા ભારેખમ્મ ડાળનો હિસ્સો. એ લાકડાને લીધે ભેંસ માટેના બે ભાગ થઇ જતા.ઉપરનો ભાગ ભેંસને ઘાસ-પૂળો-ખાણ ખાવા માટેની ગમાણ અને નીચેનો ભાગ ગાયને બેસવા, વાગોળવા માટેનો. આજથી સાત આઠ દાયકા પૂર્વે ઘરે ઘરે ગામડામાં તો ગમાણો હતી. વાડામાં કે આંગણામાં પછી તે જ્યાં અનુકૂળ હોય ત્યાં ગમાણ બનાવાય. ગમાણે ઊભેલા પશુ ઉપરથી ઘર-કુટુમ્બની આબરૂનો આંક મંડાય.

ગમાણ શબ્દ સંસ્કૃતના 'ગબાદની'પરથી આવ્યો છે. તે ગમાણે લીલુ સુક્કુ ઘાસ નંખાય જે ગાય ભેંસ ખાય. પછી વાગોળે. ગમાણમાં વધે તે ઓગાઠ ઉકરડે જાય. ઘરે ઘરે ગમાણો શોભતી. હાથી-ઘોડા જેમ ડોલતી ભેંસો જેના ઘરે હોય તેની આબરૂ વધારે. વિધવા બાઈનો સહારો ભેંસ- આખો જનમારો ભેંસ કાઢી આપે. એક માજીની ભેંસ ગમાણમાં માંદી પડી. ખૂબ ચાકરી કરી પણ આખરે તે મરી ગઈ. થોડાંક દિવસ પછી એ માજી પણ ભગવાનને ઘરે ગયાં. એવી પ્રીતિ!

ગમાણને કેટલાક 'ગભાણ' પણ કહે છે, ભેંસ ને ગાય જાણે તેમાં રાજભોગ આરોગતાં હોય તેવું લાગે! ગમાણમાં ખાણના ટોપલા કે તગારાં મુકાય ત્યારે પણ ગાય અને ભેંસનો રાજીપો તેના કાનના હલનચલનથી, પૂંછડીના હલનચલનથી પામી શકાય. એક જ ગમાણનો લાભ લઇ ભેંસોની ત્રણ ચાર પેઢીએ ઘણાં ઘરોને લાભ આપ્યો છે. ઘણાં ઘામેણાંનો વસ્તાર એક જ ગમાણે વિસ્તર્યો હશે! ખેડૂત-ખેડૂતપત્ની-દીકરી બધાં ગમાણે બાંધેલા ઢોરની કાળજી રાખે. સમયસર ઘાસ નીરે, પાણી પાવા લઇ જાય, ખાણ આપે. ઘણાં તેરસે પોતાની ભેંસની ચામડી તેલથી ચમકાવે, શિંગડાં રમચીથી રંગે. ગોળ ખવરાવે. ગમાણે કપાસિયા, ગુવાર કે દાણ ખવવડાવી ઢોરને અલમસ્ત બનાવાતાં. નાનકડી પાડી બરાબર સચવાય તો ત્રણેક વર્ષમાં તો રૂપાળી જોટડી બનીને વિયાઈને દૂધ આપવા માંડે. કેટલીક ભરાવદાર ભેંસો હાથણી જેવી લાગે! એ ભેંસની ગમાણમાં ખાતાં ખાતાં વધેલો જે પદાર્થ રહે તેને ઑગાઠ કહે છે.

બહુ વરસાદ પડે અને પોતાના પગ પાસે કાદવ જેવું જણાય તો ભેંસ ગમાણમાં જઇને ઊભી રહે. કોરું શોધે. તેના મળમૂત્રની વાસ, કાદવ-કીચડની વાસ આખા ઘરમાં પ્રવેશે. મચ્છરો પણ આવે. દોહતી વખતે તે પછી ઉડાડવી પડે. ગમાણમાં ચારના પોટલા ઠલવાય, પછી એ જનાવરના ઉદરમાં જાય. ગમાણ એ રીતે થાળી છે - પતરાળુ છે - એ પતરાળામાં પહેલા આહાર પ્રમાણે પશુની તાજગીનો હિસાબ મંડાય. ગાય તો ભેંસના પ્રમાણમાં ગરીબ હોય આંગણામાં, વાડામાં એમ બે ત્રણ ગમાણો હોય તો પણ એ પોતાની ગમાણે જ જઇને ઊભી રહે. ડાહી ડમરી ગમાણમાં એરુ, જાંજર નીકળે તો જાતવાન ભેંસ સાંકળ ખખડાવી ભગાડે. કેટલીક ભેંસો પણ ઠસ્સાવાળી હોય. રાજરાણી જોઈ લ્યો!

એ ગમાણિયું ખાસ્સું વજનદાર હોય, ભેંસ-ગાય માથુ મારી ખસેડી ના શકે. ક્યારેક બેઠાં બેઠાં ભેંસ પોતાને ચળ આવે તો મોંનો ભાગ કે કાયા ગમાણિયે ઘસે. રાતે કોઈ ચોર ગમાણમાં થઇ ઘરમાં જવા પ્રયત્ન કરે તો જાતવાન ભેંસ ગમાણિયે સાંકળ ખખડાવી ખખડાવી અવાજ કરીને, માલિકને જગાડે. એ રીતે ગમાણિયું ચોરોને ભગાડવાની ઘંટડી થઇ જાય. ક્યારેક ચોર ઘરમાંથી ચોરેલા દાગીના રોકડ રકમ ગમાણિયાના નીચે ખાડો કરી સંતાડે, કોઇને ખબર ન પડે અને પછી મોકળાશે કાઢીને લઇ પણ જાય. ક્યારેક માથાભારે ઢોર ગમાણિયાને પણ ન ગાંઠે...મોં માથાથી લાત મારીને હહડસેલે. ગમાણિયાં ત્યારે વૃક્ષનાં થડનાં કે મોટી મસ ડાળનાં રહેતાં. એ વૃક્ષ બાવળ, લીમડો, ખીજડો કે આંબો ગમે તે હોય. ગામમાં કોઈ અનાથ ગુજરી ગયું હોય, કોઈ ગામમાં આવેલો ભિક્ષુક ગુજરી જાય ત્યારે ગ્રામજનો સુકાં લાકડાં ના મળે તો ગમે તેના ત્યાંથી સુક્કાં ગમાણિયાં ઉપાડી જઈ સ્મશાને લઇ જતા, કુહાડીથી ફાડી એ લાકડાંથી અગ્નિદાહ દેતા, ત્યારે ગામમાં કોઈ વિરોધ ના કરતું.

સ્મશાનમાંય ખપ ન લાગે એવાં આજે તો ગમાણિયાં સિમેન્ટનાં થઇ ગયાં છે પશુઓ કરતાં માણસે પોતાની અનુકૂળતા તેમાં જોઈ છે. લાકડાનાં ગમાણિયા હતાં ત્યારે ગમાણ વધારે ચોખ્ખી, હવા ઉજાસ વાળી રહેતી. સિમેન્ટના ગમાણિયામાંથી તે ઝડપથી હવડ બની જાય છે. ગામમાં ફરતાં કૂતરાં બિલાડાં માટે મહોલ્લે મહોલ્લે ચાટ રહેતી એમ જ્યાં જ્યાં પાલતુ ભેંસો-ગાયો જેના ત્યાં હોય ત્યાં ગમાણ હોય જ. ભેંસની ગમાણ કરતાં બળદની ગમાણ પ્રમાણમાં વધારે ચોકખી રહેતી. માણસે પોતાને પતરાળાંનો અને પતરાળામાં પિરસાતી વાનગીઓનો જે વિકાસ કર્યો છે, એવાં ને એટલાં પરિવર્તનો ગમાણ અને ગમાણિયામાં આવ્યાં નથી, તેનો આહાર પણ માણસના જેટલો પરિવર્તન પામ્યો નથી ગમાણમાં ખાણ ખાતાં ખાતાં દૂધ આપતાં પશુઓ થકી આપણા દેશમાં શ્વેતક્રાંતિ શક્ય બની છે. આપણે તંદુરસ્ત જીવનની અપેક્ષા રાખીએ તો એ આંગણે ગાય, ગમાણ વિના પૂર્ણ નહિ થઇ શકે.