Get The App

હિંમત કદી ન હારવી .

Updated: Mar 4th, 2023

GS TEAM

Google News
Google News
હિંમત કદી ન હારવી                                   . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- રોજા રેડ્ડીએ આજે છ એકરમાંથી પચીસ એકર જમીન સુધી વિસ્તાર કર્યો છે અને તેમાં પાંત્રીસ પ્રકારના શાકભાજી ઉગાડે છે

ક ર્ણાટકના એક સાવ નાના ગામ ડોનહલ્લીમાં રોજા રેડ્ડીનો જન્મ થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલી રોજાને નાનપણથી જ ખેતીમાં ઊંડો રસ હતો, પરંતુ પરિવારજનોની ઇચ્છા તો રોજા ભણીગણીને સારા પગારની નોકરી કરે તેવી હતી. પરિવારની ઇચ્છા પ્રમાણે એન્જિનીયરીંગનો અભ્યાસ કરીને રોજાને બૅંગાલુરુમાં એક મોટી કંપનીમાં ઘણા મોટા પગારે નોકરી મળી ગઈ. રોજા પોતાની કોર્પોરેટ નોકરીમાં ગોઠવાતી જતી હતી. એવામાં કોરોના મહામારી આવતાં વર્ક ફ્રોમ હોમ હોવાથી પોતાના વતનમાં આવી. રોજાના પિતા અને ભાઈ ખેતી કરતા હતા, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી કોઈ ને કોઈ કારણસર એમને ભારે નુકસાન વેઠવું પડતું હતું. રોજાનું કામ સાંજે ચાર વાગે પૂરું થઈ જતું, તેથી એણે રોજ સાંજે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. દુષ્કાળગ્રસ્ત ચિત્રદુર્ગ જિલ્લાના ડોનહલ્લી ગામમાં રોજાના પિતાની વીસ અકર જમીન હતી, પરંતુ સિંચાઈ અને પાણીના અભાવને કારણે તેઓ માત્ર છ એકર જમીન પર જ ખેતી કરતા હતા અને તેમાંય ખાસ કરીને દાડમ ઊગાડતા હતા.

રોજાએ જોયું કે દાદાજી ઓર્ગેનિક ખેતી કરતા હતા, જ્યારે પિતા અને ભાઈ ઘણા લાંબા સમયથી કેમિકલનો ઉપયોગ કરે છે, તેથી જમીનની ગુણવત્તા ઉપર અને તેના ઉત્પાદન પર અસર થઈ છે. રોજાએ ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું, પરંતુ રોજાના આ નિર્ણયનો તેના પિતા અને ભાઈએ જોરદાર વિરોધ કર્યો. તેના સગાવહાલાં, પડોશી અને આસપાસના લોકોએ પણ આ વિરોધમાં સાથ આપ્યો. સહુએ કહ્યું કે ઓર્ગેનિક ખેતીથી તો ઉપજ મળશે નહીં અને આવી સારી ઊંચા પગારની નોકરી છોડીને ખેતી શા માટે કરવી છે ? આવા વિરોધ વચ્ચે રોજાએ પિતાને કહ્યું કે જે જમીન પર ખેતી નથી થતી તે જમીન પર તે ઓર્ગેનિક ખેતી કરીને શાકભાજી ઊગાડવા માંગે છે. રોજા રેડ્ડીએ પ્રથમ વાર ખેતી શરૂ કરી, ત્યારે પરિવારજનો, અન્ય ખેડૂતો, ગામલોકો અને ગામના હોર્ટિકલ્ચરના અધિકારીઓ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા માટે તેની મજાક ઉડાવતા હતા.

રોજા રેડ્ડીએ ઇન્ટરનેટ દ્વારા ઓર્ગેનિક ખેતી વિશે સમજવાનો પ્રયત્ન કર્યો અને જે ખેડૂતો સફળતાપૂર્વક આ પ્રકારની ખેતી કરતા હતા, તેમનો સંપર્ક કર્યો. એમના માર્ગદર્શન હેઠળ થોડા મહિનામાં જ રોજાએ ઓર્ર્ગેનિક શાકભાજીનું ફાર્મ બનાવવામાં સફળતા મેળવી. શરૂઆતમાં તો ફણસી, રીંગણા, શિમલા મિર્ચ જેવા વિવિધ પ્રકારના શાક ઉગાડયાં. જીવામૃત અને નીમસ્ત્ર જેવાં કીટનાશકો અને એક કેમિકલવાળી જમીનમાં સમૃદ્ધ ઓર્ગેનિક ફાર્મ બની ગયું, પરંતુ સૌથી મોટો પડકાર તો આ ઉત્પાદનોનું માર્કેટિંગ કરવામાં આવ્યો. તેનાથી થતાં ફાયદા વિશે કોઈ કશું કંઈ જાણતા નહોતા તેથી કોઈ ખરીદનાર ન મળ્યું. રોજા કહે છે કે એણે સેંકડો કિલો શાકભાજી મહેનત કરીને ઉગાડી, પરંતુ તેનું બજાર શોધવું આટલું મુશ્કેલ કામ હશે એવું એણે ક્યારેય વિચાર્યું નહોતું.

પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરવા માટે રોજા રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ગઈ. ચિત્રદુર્ગના આઠ ઓર્ગેનિક ખેડૂતોનું એક ગુ્રપ બનાવ્યું. શાકભાજી વેચવા માટે જગ્યાની જરૂર હતી, તેથી તાલુકાના સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી. જગ્યા મળતાં એણે અઠવાડિયામાં બે વખત શાકભાજી વેચવાનો નિર્ણય કર્યો. ઓર્ગેનિક શાકભાજી પ્રત્યે લોકોમાં જાગૃતિ આણવાનો પ્રયત્ન કર્યો. ધીમે ધીમે ઓર્ગેનિક ખેડૂતોનું નેટવર્ક વધવા લાગ્યું. પરિવારને એની સફળતા પર વિશ્વાસ વધવા લાગ્યો. પિતા અને ભાઈ પણ ખેતીમાં મદદ કરવા લાગ્યા. રોજાએ પોતાની કોર્પોરેટ નોકરીમાં રાજીનામું આપી દીધું. એક વર્ષમાં એણે પારિવારિક જમીનને ઓર્ગેનિક ખેતરમાં પરિવતત કરી દીધી, એટલું જ નહીં, પરંતુ તેના વેચાણ માટે બજાર પણ ઊભું કરી દીધું. ચિત્રદુર્ગમાં વારંવાર પડતાં દુષ્કાળને કારણે સિંચાઈની વ્યવસ્થા વિશે પણ તે વિચારવા લાગી. રોજાએ જોયું કે ઈન-ઓર્ગેનિક ખેતી કરતાં ઓર્ગેનિક ખેતીમાં પાણી ઓછું વપરાય છે, પરંતુ પાણીનું આયોજન જરૂરી હતું. તેથી તેણે પોતાની જમીન પર બોરવેલ કરાવ્યો. એ ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે બે તળાવ બનાવડાવ્યા. ડ્રિપ ઈરિગેશન પદ્ધતિ પણ અપનાવી. તેઓ બેલગાવ અને અન્ય જગ્યાએથી સારામાં સારા બીજ મંગાવે છે. મનીપાલ, ઉડ્ડુપી, મેંગાલુરુમાં એના શાકભાજી વેચાય છે. રોજા નિસર્ગ નેટિવ ફાર્મ્સના નામથી પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરે છે અને બંગાલુરુમાં રીટેલ આઉટલેટ સાથે મળીને કામ કરે છે. ઘણા ડાક્ટરો એના ગ્રાહકો છે. આજે રોજા રેડ્ડીની સફળતાને જોઈને ઘણા ખેડૂતો એની પાસે શીખવા અને માર્ગદર્શન મેળવવા આવે છે. એના જ ગામના પચીસ ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવી છે. કર્ણાટકના તેના નેટવર્કમાં આજે પાંચસો ખેડૂતો છે. તે લોકોને કોઈ મધ્યસ્થી વિના વેચાણમાં પણ મદદ કરે છે, જેથી તેમની આવકમાં વધારો થયો છે. રોજા રેડ્ડીએ આજે છ એકરમાંથી પચીસ એકર જમીન સુધી વિસ્તાર કર્યો છે અને તેમાં પાંત્રીસ પ્રકારના શાકભાજી ઉગાડે છે. દરરોજ પાંચસોથી સાતસો કિલો શાકભાજીનું ઉત્પાદન મેળવે છે અને વર્ષે એક કરોડની કમાણી કરે છે. પોતાના ખેતર પર ગામલોકોને રોજગારી આપી છે. ભવિષ્યમાં તે આનલાઇન માર્કેટિંગ કરવાનું વિચારે છે.

આઝાદી સડી ગયેલા દિમાગોથી!

ગઈકાલ સુધી ઈરાનના થોડા લોકો ઓળખતા હતા, પચીસ વર્ષના શરવીન હાજીપોરને એક ગીતથી રાતોરાત પ્રસિદ્ધિ મળી

હિંમત કદી ન હારવી                                   . 2 - imageભા રત જેવા વિશાળ દેશમાં સ્વતંત્રતા મેળવવા માટે લાખો લોકો શહીદ થયા. સ્વાતંત્રતા આંદોલનને વેગ આપનારા અનેક ગીતો અને કવિતાઓની વિવિધ ભાષાઓમાં રચના થઈ. ગુજરાતના લોકોને તો આજેય ઝવેરચંદ મેઘાણીના 'હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ', 'તારા નામમાં ઓ સ્વતંત્રતા' જેવાં અનેક કાવ્યો યાદ છે. આજે આનું સ્મરણ થવાનું મુખ્ય કારણ છે ઈરાનનો પચીસ વર્ષનો યુવાન શરવીન હાજીપોર. જેણે પોતાના એક ગીતથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી છે અને તેને માટે એને ગ્રેમી અવાર્ડ એનાયત થયો.

ઈરાનમાં છેલ્લાં કેટલાક મહિનાઓમાં બનેલી ઘટનાના મૂળમાં મહસા અમીનીનું મૃત્યુ છે. ઈરાનમાં બાવીસ વર્ષની કુર્દીશ યુવતી મહસા પોતાના પરિવારને મળવા તેહરાન આવી હતી અને હિજાબ પહેર્યા વિના જાહેર જગ્યાએ ફરી રહી હતી. પોલીસે તેને જોઈ અને તેની ધરપકડ કરી. ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ધરપકડ બાદ એ બેભાન થતાં તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. બે દિવસ કોમામાં રહ્યા બાદ મહસા અમીનીનું ૧૬મી સપ્ટેમ્બરે મૃત્યુ થયું. સમાચાર મળતાં જ તેહરાનના માર્ગો પર અનેક નાગરિકો ઉમટી પડયા. અનેક સ્ત્રીઓએ પોતાના હિજાબ સળગાવ્યા તો કેટલીય સ્ત્રીઓએ જાહેરમાં વાળ કાપીને વિરોધ દર્શાવ્યો. જોતજોતામાં સરકાર સામેના વિરોધેે દેશવ્યાપી આંદોલનનું રૂપ લીધું. આ વિરોધમાં સામાન્ય નાગરિકની સાથે કલાકારો, લેખકો, બુદ્ધિજીવીઓ અને ફિલ્મી હસ્તીઓ પણ જોડાઈ. 

ઈરાનની સરકારે પોતાની સામે ઉઠેલા આ વિરોધી આંદોલનને નિષ્ફળ બનાવવા ઘણા પ્રયત્નો કર્યા. મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરીને જેલમાં પૂર્યા અને એમની સામે કેસ કર્યા. વિરોધ પ્રદર્શનો કરતાં વીસથી વધારે લોકો પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યા, પરંતુ આ બધા પછી પણ ઈરાની લોકોના વિરોધના અવાજને કોઈપણ રીતે સરકાર દબાવી શકી નહીં. આ આંદોલનને સમગ્ર્ર વિશ્વમાંથી માનવ અધિકારના કાર્યકર્તાઓથી માંડીને સામાન્ય લોકોનું સમર્થન મળ્યું. 'ફીફા વર્લ્ડકપ' સમયે જ્યારે ઈરાનનું રાષ્ટ્ર્રગીત વગાડવામાં આવ્યું, ત્યારે ખેલાડીઓએ ઊભા થવાનો ઈન્કાર કરીને સરકાર સામે વિરોધ દર્શાવ્યો. આવી પરિસ્થિતિ વચ્ચે શરવીન હાજીપોરે મહસા અમીનીના મૃત્યુ પછી 'બરાએ' નામનું અત્યંત સંવેદનશીલ ગીત લખ્યું અને તેને ગાઈને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું. માત્ર ૪૮ કલાકમાં ચાર કરોડથી વધુ લોકોએ આ ગીત સાંભળ્યું, જ્યારે ઈરાનની કુલ વસ્તી ૮.૭૯ કરોડની છે. ગીત વાઈરલ થતાં જ પોલીસે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શરવીનની ધરપકડ કરી. જોકે ૪ આક્ટોબરે એને જામીન પર છોડવામાં આવ્યો.

પચીસ વર્ષના શરવીન હાજીપોરને આ ગીતથી રાતોરાત પ્રસિદ્ધિ મળી. ગઈકાલ સુધી ઈરાનના થોડા લોકો ઓળખતા હતા, તેનું ગીત સહુ સાંભળવા લાગ્યા. ૧૯૯૭ની ત્રીસમી માર્ચે શરવીનનો જન્મ ઈરાનના બાબોલસરમાં થયો હતો. આઠ વર્ષની ઉંમરે વાયોલિન શીખવાનું શરૂ કર્યું. તે જ્યારે સેકન્ડરી સ્કૂલમાં હતો, ત્યારે કમ્પોઝ કરવા લાગ્યો. યુનિવર્સિટી ઑફ મેઝેંડદરાનમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી સાથોસાથ વિવિધ પ્રકારના સંગીત શીખ્યો. એ પછી થિયેટર પરફોર્મન્સમાં સંગીત કમ્પોઝ કરવા લાગ્યો અને એડિટિંગમાં કુશળતા મેળવી. આજે તે પોપ મ્યુઝિક, બેલે, ઓલ્ટરનેટીવ રોક, સોફ્ટ રોક, કન્ટેમ્પરરી રીધમ એન્ડ બ્લુ જેવા સંગીતનાં અનેક પ્રકારોમાં માહિર છે. શરવીન હાજીપોરે અમેરિકન આઇડલ કે ઇન્ડિયન આઈડલ જેવા ટેલિવિઝન પર ચાલતા ઈરાન આઈડલમાં ભાગ લીધો હતો, પરંતુ તેમાં તેને સફળતા ન મળી, પણ 'બરાએ' ગીતથી એ વિશ્વપ્રસિદ્ધ થયો. 'બરાએ'નો અર્થ થાય છે 'તે કારણથી', 'એટલે'. ફારસી ભાષામાં લખાયેલા આ ગીતનો સાર કંઈક આવો છે - આઝાદી જીવવાની, આઝાદી સ્વપ્નાં જોવાની, આઝાદી પ્રેમ કરવાની, આઝાદી મુક્ત રીતે શ્વાસ લેવાની, આઝાદી ખુલ્લી આંખ સાથે દુનિયાને જોવાની. આઝાદી સડી ગયેલા દિમાગોથી, પુરાતન નિયમોથી, આઝાદી ગરીબીથી, ભૂખમરાથી, લાચારીથી, આઝાદી મારી બહેનની, તમારી બહેનની, આપણા સહુની બહેનની.

આ ગીતને ગ્રેમી અવાર્ડથી નવાજવામાં આવ્યું છે. આ વર્ષે શરૂ કરવામાં આવેલ બેસ્ટ સોંગ ફૉર સોશિયલ ચેન્જ સ્પેશિયલ મેરિટ ઍવૉર્ડ કેટેગરીમાં સમગ્ર વિશ્વમાંથી એક લાખ ત્રીસ હજાર ગીતો આવેલાં, એમાંથી બ્લુ રિબન કમિટીએ શરવીન હાજીપોરના 'બરાએ' ગીત પર પસંદગી ઉતારી છે. ૨૦૨૩ના ફેબ્રુઆરી માસમાં આ ઍવૉર્ડ અર્પણ કરતા અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને શરવીનને આ ગીત લખવા માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે આ ગીતમાં એટલી તાકાત છે કે સહુને એકસૂત્રે સાંકળે છે, પ્રેરિત કરી શકે છે અને દુનિયાને બદલી શકે છે. આ ગીત આઝાદી અને સ્ત્રીઓના અધિકારની વાત કરે છે. તેનું સ્લોગન છે 'વુમન, લાઈફ, ફ્રીડમ'. શરવીનને તો બિલકુલ આશા નહોતી કે એના ગીતને આવું સન્માન મળશે. એ તો કહે છે કે આ ગીત સ્વતંત્રતા અને સ્ત્રીઓના અધિકારના સમર્થનમાં લખ્યું છે. તેજ આંખો, વાંકોડિયા વાળ અને હાથમાં ગિટાર લઈને ગાતા શરવીનના લાખો ફોલોઅર છે.