Get The App

ચાતુરી અને ચમત્કારઃ શામળ ભટ્ટની પદ્યવાર્તા

Updated: Mar 5th, 2022

GS TEAM

Google News
Google News
ચાતુરી અને ચમત્કારઃ શામળ ભટ્ટની પદ્યવાર્તા 1 - image

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- પ્રહેલિકાઓ અને સુભાષિતોનાં પ્રાચુર્યને લીધે નવલરામે શામળને 'વાણિયાના કવિ' કહ્યા છે. જોકે કીર્તિદા શાહે નોંધ્યું છે તેમ, શામળનું સાધ્ય કવિતા નહિ પણ વાર્તા છે

વા ર્તામાં માનવમાત્રને રસ પડે. આજથી આશરે અઢીસો વર્ષ પૂર્વે શામળ ભટ્ટની પદ્યવાર્તાઓના ડંકા વાગતા હતા. કેવું હતું શામળનું સાહિત્ય? તેમની 'પાનની વાર્તા' માણીએ, જે દોહરા અને ચોપાઈ છંદોમાં રચાઈ છે.

બત્રીસ પૂતળીની વાર્તા કોણ નથી જાણતું? ભોજને વિક્રમ રાજાના સિંહાસન પર બેસતાં રોકીને કર્પુરગૌરા નામે પૂતળી કહે છે કે તું આને લાયક નથી. પછી તે વિક્રમનો મહિમા વર્ણવે છે. (આમ કથનનું કેંદ્ર- કથા કહેનાર- લેખક નહિ પણ પૂતળી છે.)

રાજા વિક્રમની સભામાં આવીને તંબોળીએ મઘમઘતાં પાન વહેંચ્યાં. રાજા ખાવા જાય ત્યાં ગેબી વાણી સંભળાઈ, 'નરપતિ! પાનનું બીડું ન ખાશો!' ભય પામીને સભાજનોએ પાન પાછાં મૂકી દીધાં. તંબોળીએ નિસાસો નાખ્યો, 'રાજાએ અભક્ષ્ય ગણ્યાં એટલે હવે મારાં પાન કોઈ ખાશે નહિ, હું ગરીબનો ગરીબ!' પરદુઃખભંજન વિક્રમે એક પછી એક બધાં પાન ખાધાં. પરિણામે ઃ

કંચન સરખી કાયા થઈ

દેવ ચક્ષુષી દ્રષ્ટ થઈ રહી

સવા ગજના થયા શિર કેશ

જોબનવંતો થયો છે વેશ

(ભારે સાહસનું કામ કરવા તૈયાર થવું એટલે 'બીડું ઝડપવું.' મનુભાઈ પંચોળી 'દર્શકે' યોગ્ય કહ્યું છે કે મધ્યયુગની વાર્તાઓ એટલે જાણે બાળવાર્તાઓ!)

આરંભે ડરી ગયેલા સભાજનો હવે ફરિયાદ કરવા માંડયા કે રાજાએ અમારાં પાન મુકાવી દીધાં અને પોતે દૈવી રૂપ મેળવ્યું. (આવો છે માનવસ્વભાવઃ આમ પણ નિંદા, તેમ પણ નિંદા! શામળ ભટ્ટે માનવીના ઉદાત્ત અને અનુદાત્ત બન્ને પાસાં દર્શાવ્યાં છે.) રાજાએ માળીને આજ્ઞાા કરી કે જા, વધારે પાન લઈ આવ. વળતે દિવસે માળીએ જણાવ્યું કે છોડ તો સુકાઈ ગયો, વધુ પાન મળે તેમ નથી. લોકાપવાદ ટાળવા, કારભાર પ્રધાનને સોંપીને રાજા ગુપ્તવેશે પાન મેળવવા નીકળી પડયા. (અહીં વાર્તાનું શીર્ષક સાર્થક થાય.) માર્ગમાં એક પથિકે જણાવ્યું કે આગળ ઉપર ચાર રૂપવતી વસે છેઃ રાજકન્યા, તેના સાળાની કન્યા, પ્રધાનપુત્રી અને નગરશેઠની પુત્રી. તેમની શરત છે કે તેમના પ્રશ્નોના ઉત્તર આપી શકનાર સાથે લગ્ન કરશે, પણ ઉત્તર ન આવડયા તો પ્રાણ હરી લેશે. પથિકે વિક્રમને ચેતવ્યા કે આગળ ન વધશો. પરાક્રમી વિક્રમે પથિકને સાથે આવવાનો આગ્રહ કર્યો પણ તે તો છળી મર્યોઃ

તમારે હુંશ હોય તો જાઓ

લાભ લાડવો ખાંતે ખાઓ

તમને હોંશ હૈડામાં ઘણી

ખાઓ ઘુઘરી મોતી તણી

(આપણામાં કહે છે નેઃ લાકડાના લાડુ!) વિક્રમે સોગંદ આપીને પથિકને નિર્ભય કર્યો અને સાથે લીધો. ચોકિયાતોએ વિક્રમને પુનઃ ચેતવ્યાઃ જવાબ ન આવડયા તો જીવ ખોશો. (ઇજિપ્તમાં પણ આવું કથાઘટક છે. રણવચાળ ઊભેલું સ્ફિંક્સ પથિકને પ્રશ્નો પૂછે અને ઉત્તર ન આપી શકનારને ખાઈ જાય.) વિક્રમને નિહાળતાં જ...

ગળી ગઈ જોતાંમાં નાર

જાણે કામ તણો અવતાર

અવનવો જાણે કો ઇંદ્ર

જાણે ગ્રહ, તારા કે ચંદ્ર

મનોમન વિક્રમને વરવા ઇચ્છતી વેહેવારીઆની (શેઠની) બેટડીએ પહેલો પ્રશ્ન પૂછયોઃ વેસર, હાર, ચૂડો અને વીછિયો, નરજાતિના હોવા છતાં કેમ નારીને વળગેલા જ રહે છે? પ્રત્યુત્પન્નમતિ વિક્રમે ઉત્તર આપ્યોઃ એકદા રુખીના ચાર પુત્રો ગંગામાં સ્નાન કરતા હતા, એવામાં અંતરિક્ષમાં અજવાળું થયું, વિમાનમાંથી ઊતરીને અપ્સરા નદીમાં સ્નાન કરવા લાગી. તેને નિહાળતાંવેંત ચારેનાં ચિત્ત વિહવળ થયાં. પોતાની મનોવાંછના પૂર્ણ કરવા તેમણે તપ કરીને મહાદેવને રીઝવ્યા. પહેલા પુત્રે અપ્સરાના મુખ પાસે રહેવાની ઇચ્છા કરી, બીજાએ પયોધર પાસે, ત્રીજાએ હસ્ત પાસે અને ચોથાએ ચરણ સમીપે. મહાદેવ બોલ્યાઃ

જડરૂપ થઈ પૃથ્વી પર પડો

આભૂષણમાં જઈને અડો

કરો ઘરેણે આપે વાસ

સદાકાળ રહો પ્રમદા પાસ

આમ ચારેય નર વેસર, હાર, ચૂડો અને વીછિયો બનીને સદાકાળ સ્ત્રી-સંસર્ગ કરવા લાગ્યા. શામળ ઋણસ્વીકાર કરતાં લખે છેઃ

ઈશ્વર આણ ન બોલો જથા

પદ્મપુરાણ માંહે છે કથા

('સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર' એમ કહીને શામળે સ્વીકાર્યું છે કે સંસ્કૃત પુરાણો/ સાહિત્યમાંથી અને સિંહાસનબત્રીસી, વેતાળપચીસી વગેરેમાંથી તેને વાર્તાઓનું કથાવસ્તુ મળ્યું છે. માવજત જોકે પોતાની છે.)

વિક્રમનો ઉત્તર સાંભળીને શેઠની પુત્રીએ હાર સ્વીકારી લીધી. ક્રમે ક્રમે ચારેય સુંદરીને સાચા ઉત્તરો આપીને વિક્રમ તેમના સ્વામી થવાને લાયક થયા. હવે વાત રહી પાનના છોડની. વિક્રમને સ્વપ્નમાં જ્ઞાાન લાધ્યું કે વાઘણનું દૂધ ધરાવવાથી છોડ સજીવન થશે. આ દુષ્કર કામ તેણે પાર પાડયું. (હરક્યુલીસે શરતો પૂરી કરવા અનેક પરાક્રમો કર્યાંની કથા ગ્રીક અને રોમન સાહિત્યમાં છે જ.) હવે આ ચાર સુંદરીઓનું કરવું શું? વિક્રમની આજ્ઞાાથી તે ચારેય પેલા પથિકને પરણી. કન્યાઓએ કર જોડી કહ્યું, 'આવો કાળોકૂબડો અમારો કંથ?' વિક્રમે પાન ખવડાવીને પથિકને દૈવી રૂપ આપ્યું. (વાચક ગેલમાં આવી જાયઃ આવા કાયરને ચચ્ચાર સુંદરી મળી, તો મનેય મળશે!)

અન્ય ત્રણ કન્યાઓએ પૂછેલાં ઉખાણાંની આપણે વાત કરી નથી. આવી પ્રહેલિકાઓ અને સુભાષિતોનાં પ્રાચુર્યને લીધે નવલરામે શામળને 'વાણિયાના કવિ' કહ્યા છે. જોકે કીર્તિદા શાહે નોંધ્યું છે તેમ, શામળનું સાધ્ય કવિતા નહિ પણ વાર્તા છે. ભાસ-કાલિદાસનાં નાટકો, બાણ ભટ્ટનું ગદ્ય, અને પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતું કાવ્યત્વ શામળની પદ્યવાર્તાઓમાં જોવા મળતું નથી.

'પાનની વાર્તા'નું સમાપન કરીને કર્પુરગૌરા પૂતળી બોલી, 'આવાં કોટિધા કામ કર્યાં માટે વિક્રમ દુઃખભંજન કહેવાયા છે. તમે એવું કામ કરો ત્યારે સિંહાસન પર બેસજો.' એમ કહીને પૂતળી આકાશે ઊડી ગઈ.

શ્રોતા વક્તા સમજતા

કહે કવિતા કરજોડ

શામળભટ કહે બોલજો

જે જે શ્રી રણછોડ!