Get The App

ઇલેક્ટ્રિક કારમાં આવતા ચક્કરનું તબીબી રહસ્ય

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
ઇલેક્ટ્રિક કારમાં આવતા ચક્કરનું તબીબી રહસ્ય 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- ઇલેક્ટ્રિક કાર ઝડપથી પિકઅપ લે છે જે કાનમાં નોંધાય છે પરંતુ તેને કન્ફર્મ કરવા માટે ધુ્રજારી ભર્યો અવાજ આવતો નથી એટલે કાનની પદ્ધતિને મૂંઝવણ થાય છે...

જ્યા રે શરીર, આંખો અને કાનના અંદરના ભાગમાંથી મગજને આપવામાં આવતા સિગ્નલમાં ઘર્ષણ થાય છે ત્યારે મોશન સિકનેસ અનુભવાય છે. આ એક ગતિથી ઉદ્ભવતી માંદગી છે. એમાં કાર, વિમાન કે બોટમાં જે ઊંચી-નીચી ગતિ થાય છે એને કારણે ઊબકા, ચક્કર આવે છે અથવા માથું ભારે લાગે છે. ઘણીવાર ઊલ્ટી પણ થાય છે.

તમે ગતિવાળા વાહનમાં પેપર વાંચતા હો ત્યારે તમારી નજર સ્થિર શબ્દો પર હોય છે પરંતુ કાનનો અંદરનો ભાગ ગતિનો અનુભવ કરે છે એટલે મગજને ગરબડ લાગે છે.

તમે વિમાનમાં બેઠા હો ત્યારે તે તમને ઝડપથી ઉપર લઇ જાય છે એ વખતે તમે નીચેના દ્રશ્યો જુઓ છો. આ બે વસ્તુના મિક્સ સંકેતો મગજને મળે છે પરિણામે ઘણાંને ઊલ્ટી થાય છે.

દરિયામાં તમે બોટમાં સફર કરતાં હોય ત્યારે દરિયાના મોજા બોટને આગળ-પાછળ ઊંચી નીચી કરે છે. એની સાથે બોટ બન્ને બાજુએથી પણ ઊંચી નીચી થાય છે. આની સાથે બોટની ગતિ પણ ઉમેરાય છે. આથી બે ત્રણ પ્રકારના સંકેતો મગજને મળતાં તે સમતુલન ગુમાવે છે. કોઇકને ચક્કર તો કોઇકને ઉલ્ટી થાય છે.

કાનના અંદરના ભાગમાં (ઇનર ઇયર) શરીરના સમતુલનનો કંટ્રોલ હોય છે. કેટલાંક લોકો ઊંચાઈને સંવેદનશીલ હોય છે તેઓ આને કારણે મોશન સિકનેસ અનુભવે છે.

માઈગ્રેઇન, ગર્ભાવસ્થા અને કેટલીક તબીબી બાબતો પણ આવી સંવેદનશીલતામાં વધારો કરે છે.

આપણે કારમાં સફર કરીએ ત્યારે એંજીનના અવાજથી ટેવાયેલા હોવાથી મગજ સ્થિર રહે છે પરંતુ ઇલેક્ટ્રિક વાહનમાં એંજિનનો અવાજ આવતો નથી છતાં ગતિ અનુભવાય છે એટલે મગજને મુંઝવણ થાય છે અને ચક્કર ઉલ્ટી આવે છે...!

પરંપરાગત કારમાં એંજિનનો અવાજ અને ધુ્રજારી કારની ગતિનો ફિડબેક આપે છે પરંતુ ઇલેક્ટ્રિક કારમાં અવાજની ગેરહાજરીને કારણે મગજ એક ઓરિએન્ટેશન સિગ્નલ ગુમાવે છે આને કારણે કાનના અંદરના ભાગ (સમતુલન સિસ્ટમ) અને આંખ વચ્ચેના સંદેશાઓ મિસમેચ થાય છે. જેને કારણે ચક્કર આવે છે.

બીજુ ઇલેક્ટ્રિક કાર ઝડપથી પિકઅપ લે છે જે કાનમાં નોંધાય છે પરંતુ તેને કન્ફર્મ કરવા માટે ધુ્રજારી ભર્યો અવાજ આવતો નથી એટલે કાનની પધ્ધતિને મુંઝવણ થાય છે. આવું ખાસ કરીને ઓછી સ્પીડ વખતે બને છે.

ઇવી (ઇલે. વાહન)માં બેસવું જ પડે અને ચક્કરની તકલીફ હોય તો આટલું ધ્યાન રાખો.

(૧) સામે જુઓ નીચે ફોનમાં નહિ

(૨) સંગીત સાંભળો

(૩) કારની સ્પીડ ધીમેથી વધારો અથવા ઘટાડો

(૪) આગળની સીટ પર બેસો

(૫) બારી સહેજ ખુલ્લી રાખો જેથી પવન અને સેન્સરી ઇનપુટ મળે

(૬) મુસાફરી પહેલાં આદુ અથવા હોમિયોપેથીની કોક્યુલસ દવા ચૂસી લેવી.

તમને તમારી ઇલેક્ટ્રિક કારમાં આવો અનુભવ ના થયો હોય પરંતુ જેમને ચક્કર કે વર્ટિંગોની તકલીફ હોય છે તેઓને આવી સંવેદના ઝડપથી થાય છે.