- સરદાર @150-હસિત મહેતા
- ઈંગ્લેન્ડમાં વિઠ્ઠલભાઈએ મન લગાવીને અભ્યાસ કરવા માંડયો હતો. એ માટે તેમણે રાતદિવસ એક કર્યા હતા. સખત મહેનત શરૂ કરી દીધી હતી
વિઠ્ઠલભાઈ હોંશિયાર, મળતાવડા અને દલીલબાજીમાં એક્કા. વળી સ્વાભિમાની પણ એટલાં કે કોઈની તુમાખી સાંખતા નહીં
બો રસદમાંથી વિઠ્ઠલભાઈએ પોતાની અદમ્ય ઈચ્છા પૂરી કરવા બૅરિસ્ટરી માટે ઈંગ્લેન્ડની સફર આદરી, વલ્લભભાઈએ પરિવાર માટે જાત ઘસવાની આદર્શ-ભાવના જાળવી, ઝવેરબાએ પોતાના પતિની ઉદારતાનો ભોગ બની બે નાના છોકરાઓ સાથે પિયર રહેવાની ટેક પાળી, દિવાળીબાએ પોતાનો ધણી કહ્યાં વગર ઈંગ્લેન્ડ જતો રહ્યો તેની રીસ કાઢી; આવી નિયતિ વચ્ચે ઈંગ્લેન્ડમાં વિઠ્ઠલભાઈની બૅરિસ્ટરીનો અભ્યાસ શરૂ થયો.
આમ તો વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ કરતાં વધારે હોંશિયાર, મળતાવડા અને દલીલબાજીમાં એક્કા. વળી સ્વાભિમાની પણ એટલાં કે કોઈની તુમાખી સાંખતા નહીં. તેઓ હાથના છૂટા હોવાથી પૈસા ઉડાડવામાં પાવરધા, અને ઉશ્કેરાટ તો એમના નાક ઉપર જ હોય. છતાં સામાજિક સંબંધો અને વાતચીતની વિલક્ષણતાને કારણે ધારે ત્યાં અને ધારે ત્યારે સફળ થઈ શક્તા.
આ તરફ વિઠ્ઠલભાઈના પત્ની દિવાળીબા તો અત્યંત રોષે ભરાયા હતા. એમણે વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ ગયાની ખબર જાણ્યાં પછી વલ્લભભાઈને ખૂબ નહીં કહેવાના કડવા વેણ કહ્યાં હતા. અત્યાર સુધી બોરસદમાં વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ ભાડાના જુદાં-જુદાં મકાનો રાખીને રહેતાં હતા. પરંતુ વલ્લભભાઈએ મોટું મન રાખીને એકલાં પડેલાં ભાભીને પોતાને ઘેર રહેવા બોલાવી લીધાં. એ વખતે ભાભીના ભાઈ પણ તેમની સાથે બોરસદના ઘરમાં જ રહેતાં હતા. વલ્લભભાઈએ ભાભીને અને સાથે ભાભીના ભાઈને પણ પોતાને ઘેર રહેવા બોલાવી લીધાં.
એ પછી વલ્લભભાઈના બોરસદના ઘરમાં જુદી સ્થિતિ નિર્માણ થઈ. ઘરખર્ચ વધ્યો, ઘરકંકાસ વધ્યો. જાણીએ કે તેમના ઘરસંસારમાં ઉપાધિના પોટલાનો પાર જ ન રહ્યો. પોતાનું ભાડાનું મકાન છોડીને વિઠ્ઠલભાઈના પત્ની દિવાળીબા વલ્લભભાઈની જોડે રહેવા આવી ગયાં હતા. તેમના મનમાં પતિ ગયાનો રોષ, વલ્લભભાઈએ તેમને છેતરીને ઈંગ્લેન્ડ જવાનો રસ્તો કરી આપ્યો તે દુ:ખ અને પતિ વગર એકલાં રહેવાની ચિંતાનો પરિતાપ એટલો તો વધી ગયેલો, કે દેરાણી ઝવેરબાની કોઈ સાચી વાત કે નાનકડું કામ પણ એમને દુ:ખ આપનારું અને અપમાનજનક લાગતું.
આવા પરિતાપ વચ્ચે દિવાળીબાએ માનતાઓ માનવા માંડી, બાધા-આખડી કરવા માંડી, બ્રાહ્મણો જમાડવા માંડયા અને અધધધ ઘરખર્ચ વધારવા માંડયું. વલ્લભભાઈએ તો મોટું મન રાખીને આ બધું ચલાવી લીધું. પરંતુ ઝવેરબા અને દિવાળીબાના ઊંચા થઈ ગયેલાં મન પરિસ્થિતિને વણસાવી મુકવા તૈયાર થઈ રહ્યાં હતા. ઝઘડાઓ વધ્યાં અને કલેશનું વાતાવરણ કોઈ માઠા પરિણામ આપે, તે પહેલાં વલ્લભભાઈએ અગમચેતી દાખવીને પત્ની તથા બાળકોને પિયર ધકેલી દઈને સ્થિતિને બગડતી અટકાવી દીધી.
વિઠ્ઠલભાઈ પાછા આવ્યાં ત્યાં સુધી બેએક વર્ષ ઝવેરબા, દિકરી મણીબેન અને દિકરા ડાહ્યાભાઈ સાથે પિયરના ગાના ગામે જ રહ્યાં. આ તરફ બોરસદમાં વધેલાં ખર્ચ અને પત્નીના વિરહ વિશે વલ્લભભાઈએ કોઈની પણ આગળ હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. ઉલટમાં આવા ઉચાટભર્યા દિવસો દરમ્યાન તેઓ વકીલાતના કામમાં વધારે ને વધારે ખૂંપાઈ ગયા. તેનું એક સારું પરિણામ એ આવ્યું કે તેમને વધારે કેસો મળવા માંડયા, વધારે સફળ થવા માંડયા, વધારે આવક આવવા માંડી. એટલે વલ્લભભાઈએ પોતાના ગુરુબંધુને આપેલી હૈયાધારણા સચવાઈ ગઈ. એટલે કે પોતાના પાસપોર્ટ ઉપર, પોતાની ટીકીટ ઉપર અને પોતાના ખર્ચ વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈને ઈંગ્લેન્ડ તો મોકલ્યાં જ, ઉપરાંત તેમને ત્યાં બૅરિસ્ટરી ભણવા માટે દર મહિનાનો ખર્ચ પણ વલ્લભભાઈ બોરસદથી છેક ઈંગ્લેન્ડ પહોંચાડતા હતા. ઉલટમાં પોતાને માટે ઈંગ્લેન્ડ જવાનો નાણાંજોગ પણ કરવા માંડયા. આ દિવસોમાં વલ્લભભાઈની વકીલાત ધિક્તી થઈ હોવાથી આ બધું બરાબર સચવાઈ શક્યું હતું.
પેલી તરફ ઈંગ્લેન્ડમાં વિઠ્ઠલભાઈએ મન લગાવીને અભ્યાસ કરવા માંડયો હતો. એ માટે તેમણે રાતદિવસ એક કર્યા હતા. સખત મહેનત શરૂ કરી દીધી હતી. પરિણામે તેમણે પોતાનો બૅરિસ્ટરનો અભ્યાસ ત્રણને બદલે અઢી વર્ષમાં પૂરો કરી દીધો. આખરી પરીક્ષામાં તેઓ પહેલાં વર્ગમાં અને પહેલા નંબરે પાસ થયા. તેથી વિઠ્ઠલભાઈને ઈંગ્લેન્ડની કૉલેજમાંથી પચાસ પાઉન્ડનું ઈનામ મળ્યું, અને ઉલટમાં અભ્યાસમાં છ મહિનાની બચતનો ફાયદો મળ્યો. જોતજોતામાં અઢી વર્ષ વિતી ગયાં અને બૅરિસ્ટરની ડીગ્રી મળી ગઈ, એટલે વિઠ્ઠલભાઈ ઈ.સ.૧૯૦૮ના આગષ્ટમાં પાછા આવ્યાં. એ વખતે તેમણે ઈંગ્લેન્ડથી પોતાના માટે સારી ભલામણો પણ મેળવી લીધી હતી. તેથી ભારત આવીને મુંબઈમાં વકીલાત શરૂ કરવામાં તેમને સ્હેજેય તકલીફ પડી નહીં. અહીં, મુંબઈમાં, વિઠ્ઠલભાઈએ ઈન્વેરારિટીની ચેમ્બરમાં પોતાની વકીલાત તાબડતોબ શરૂ કરી દીધી, અને આવતાવેંત પત્ની દિવાળીબાને બોરસદથી મુંબઈ બોલાવી લીધાં.
આ તરફ લાગ મળતાં જ વલ્લભભાઈએ પણ પિયર મોકલી દીધેલાં પત્ની ઝવેરબાને બોરસદ પાછા તેડાવી લીધાં. અઢી વર્ષ પછી દિકરા, દિકરી અને પત્નીથી ભર્યું ભર્યું બોરસદનું ઘર વલ્લભભાઈના ઘરસંસારનું પુન:સાક્ષી બની રહ્યું. પરંતુ કુદરતને કે વલ્લભભાઈના ઉજળા નસીબને આ મંજુર નહોતું. એટલે બોરસદમાં ફરીથી શરૂ થયેલું વલ્લભભાઈનું લગ્નજીવન ઝાઝું ટકી શક્યું નહોતું. વલ્લભભાઈના જીવનનું એ કાળું પ્રકરણ ભલભલા કઠણ હૃદયીનું પણ કાળજું કંપાવી મુકે તેવું હતું.


