- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- ફરી વખત એમની સામેની દિશામાંથી કોઈકના ચાલતાં આવવાના અવાજો સંભળાયા. કોઈ વ્યક્તિ હાંફળીફાંફળી થઈને દોડતી દોડતી એમના તરફ આવી રહી હોય એવું લાગતું હતું
મ સૂરીની 'લંબી દહેર'માં આત્માના અસ્તિત્વ અંગે શોધખોળ કરવા પહોંચેલી ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટીના સંસ્થાપક ગૌરવ તિવારી વિશે શરૂ કરેલી લેખમાળાને આગળ ધપાવીએ. એકાએક ત્યાં અંધકાર છવાઈ જવાને લીધે સૌ કોઈ ડરી ગયાં.
એવામાં સાવ એકાએક...
આખી ખાણમાં એકાએક હૃદયદ્રાવક ચીસો ગૂંજવા લાગી. પીડિત અને આહત આત્માઓના રૂદનથી લંબી દેહર ત્રાહિમામ પોકારી ઊઠી! કાન ફાડી નાંખતા આ ભેંકાર રૂદનના માધ્યમથી અકાળે અવસાન પામેલા લોકોની પ્રેતાત્માઓ પોતાનું દર્દ વર્ણવી રહી હતી. ગૌરવ સિવાયના તમામ લોકો એટલી હદ્દે ભયભીત થઈ ગયા હતાં કે એમના શરીર ધુ્રુજવા લાગ્યા. કેટલાક તો એવા હતાં, જેમણે જિંદગીભર આત્માના અસ્તિત્વને નકાર્યું હતું.
IPS ટીમનો સભ્ય અને ગૌરવનો સહકર્મચારી રાજ પોતાના કેમેરાની બેટરી દર વીસ-ત્રીસ સેકન્ડ પર બદલી રહ્યો હતો. આત્માની હાજરીના પ્રતાપે આખેઆખી ચાર્જ કરેલી બેટરીઓ પણ ધડાધડ ઉતરી રહી હતી! આથી જ, પેરાનૉર્મલ એક્સપર્ટ્સ પોતાની સાથે વધારાની બેટરીઓનો સંગ્રહ રાખતાં હોય છે. વિજ્ઞાનજગત એવું માને છે કે જ્યારે આસપાસના વાતાવરણમાં પરાલૌકિક શક્તિઓની હાજરી હોય, ત્યારે ઊર્જાના વ્યયને કારણે બેટરીવાળા પ્રત્યેક ઉપકરણોમાંથી ચાર્જિંગ ધડાધડ ઉતરવા માંડે. એ પછી મોબાઈલ હોય કે કેમેરા!
થોડી વાર પછી વાતાવરણમાં પુન: સ્મશાનવત્ સન્નાટો છવાઈ જતાં ગૌરવે ફરી હિન્દીમાં પૂછયું, 'અમે તમને કઈ રીતે મદદ કરી શકીએ?'
... પરંતુ કોઈ જવાબ ન મળ્યો.
'તે આ જગ્યા છોડીને ચાલી ગઈ છે! આપણે ખીણના બીજા છેડે જઈને તપાસ કરવી જોઈએ.' ગૌરવે કહ્યું.
'ના.. મને લાગે છે, આપણે હવે અહીંથી રવાના થઈ જવું જોઈએ.' ન્યૂઝચેનલની ટીમનો એક સભ્ય થરથર ધુ્રજતાં બોલ્યો.
'તો પછી તમે ટેલિકાસ્ટ શું કરશો? ડાન્ટ વરી! જ્યાં સુધી તમે IPS ટીમ સાથે છો, ત્યાં સુધી એકદમ સુરક્ષિત છો.' ગૌરવે એમને શાંત પાડતાં કહ્યું.
એટલામાં ફરી વખત એમની સામેની દિશામાંથી કોઈકના ચાલતાં આવવાના અવાજો સંભળાયા. કોઈ વ્યક્તિ હાંફળીફાંફળી થઈને દોડતી દોડતી એમના તરફ આવી રહી હોય એવું લાગતું હતું.
'ગૌરવ! થેન્ક ગોડ, તમે લોકો મને મળી ગયા! હું રસ્તો ભટકી ગયો હતો.' એ આકૃતિનો સ્વર સંભળાયો.
ગૌરવે તેના મોઢા પર ટોર્ચ-લાઇટનો પ્રકાશ ફેંક્યો. તે જાણતો હતો કે આ કોનો અવાજ છે! રાજને પણ અત્યાર સુધીમાં ખબર પડી ગઈ હતી!
એ રજત હતો.
પણ જો આ નવો આગંતુક રજત હોય, તો પછી રાજની જમણી બાજુમાં બરાબર એના જેવો જ દેખાતો માણસ કોણ હતો... જે પાછલી પંદરેક મિનિટથી ચૂપચાપ ત્યાં ઊભો હતો?
રાજે ઝપાટાભેર પોતાની ટોર્ચ રજત તરફ ઘુમાવી! બીજી જ ઘડીએ, રજત જેવી દેખાતી એ પ્રેતાત્મા અદ્રશ્ય થઈને હવામાં ઓગળી ગઈ!
આ બધી એવી સત્યઘટનાઓ છે, જેના સાક્ષી એક નહીં અનેક છે. આથી, જ્યારે કોઈપણ મનુષ્ય આ પ્રકારના પરાલૌકિક વિશ્વના અસ્તિત્વ પર પોતાની અજ્ઞાનતાને લીધે સવાલો ઉઠાવે, ત્યારે હવે ક્રોધ નહીં પરંતુ દયાની અનુભૂતિ થાય છે. બ્રહ્માંડના કોઈ ખૂણા સુધી માનવજાત ન પહોંચી શકી હોય, તો એના પરથી એવું તારણ ન લગાવી શકાય કે બ્રહ્માંડના એ ખૂણાનું અસ્તિત્વ જ નથી. છેક હમણાં સુધી વિજ્ઞાનજગત નેનો-સાયન્સને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવતું હતું, ને પછી આવ્યું ક્વૉન્ટમ-સાયન્સ! જેણે ભૌતિક વિજ્ઞાનના તમામ સમીકરણો પર નવેસરથી વિચાર કરવા માટે વૈજ્ઞાનિકોને મજબૂર કરી દીધાં. અત્યારે તો હવે ત્યાં સુધીની સંભાવના સેવાઈ રહી છે કે ક્વૉન્ટમ પાર્ટિકલ્સથી પણ સૂક્ષ્મ કહી શકાય એવા કણનું પણ અસ્તિત્વ જરૂરથી હોવું જોઈએ. જેવી રીતે ભૌતિક વિજ્ઞાન અનેક સંભાવનાઓથી ભરેલું છે, એવી જ રીતે આધ્યાત્મિક વિજ્ઞાન પણ અસંખ્ય સંભાવનાથી ઘેરાયેલું છે.


