- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'વિષ્ણુ જો હું ઉપરના માળે જાઉં છું. ત્યાં જે હશે તેને બાંધી દઈશ. તું નીચે હાથફેરો કરજે. જેને પૈસા મળે એ બીજાને બોલાવવા આવે. થોડું ધ્યાન રાખીને કામ કરજે મારા ભાઈ.'
'ત્રિ કમ કાણીયા એક વાત સ્પષ્ટ જણાય કે, આ કામ કરવામાં જોખમ કેટલું છે? પકડાઈ જઈશું તો ક્યાંયના નહીં રહીએ. પોલીસ અંદર નાખી દેશે અને ગામમાં નાલેશી થશે તે નફાની.' - વિષ્ણુના અવાજમાં ભય વર્તાતો હતો.
'એ ફટ્ટુ, તુ રહેવા દે. તું ખેતર અને ઘર વેચીને ગામ છોડીને જતો રહે એ જ તારા માટે સારું છે. તારાથી ક્યારેય કશું થયું નથી અને ભવિષ્યમાં પણ થવાનું નથી.' - ત્રિકમે જવાબમાં ટોણો માર્યો.
'ત્રિકમીયા તારા માટે જેલમાં જવું નવાઈ નથી, પણ મારે તો આગળ-પાછળનો વિચાર કરવો પડે ને. મારી મજબૂરી ન હોત તો હું તારી સાથે આ કામ કરવા તૈયાર ના થયો હોત.' - વિષ્ણુએ નારાજગી સાથે કહ્યું.
'ભાઈ, તું સમજ. આ કામ મોટું છે. મને ખબર છે ઘરમાં બે લોકો જ છે. ઘરમાં પૈસા પડયા છે. અંદરના માણસે કહ્યું છે કે, ઘરમાં પંદર લાખ પડયા છે. સાડા સાત લાખ તારા, સાડા સાત લાખ મારા. મને ત્યાં કોઈ દાગીનો મળી ગયો તો એ હું રાખી લઈશ અને એક લાખ તને વધારે આપીશ એ મારો વાયદો છે.' - ત્રિકમે શાંત સ્વરે કહ્યું.
'સારું. આજે રાત્રે જ જઈશું અને કામ પતાવીને હું સીધો જ શહેર જવા નીકળી જઈશ. અહીંયાનું બધું તું સંભાળી લેજે.' - વિષ્ણુ બોલ્યો અને ત્રિકમે માથું હલાવા હામી ભરી દીધી.
'મને એક વાત જણાવ વિષ્ણુ, તું ચોરી કરવા કેમ તૈયાર થયો છે? તારે પૈસાની તો એવી શું જરૂર પડી છે?' - ત્રિકમે સાહજિક સવાલ કર્યો.
'ત્રિકમ તને યાદ છે, હું કોલેજ કરવા શહેરમાં ગયો હતો. દિનેશભાઈની સાથે રહેતા હતો. આપણા ગામમાં કે આસપાસ કોલેજ નહોતી અને ખેતીમાં બધાનું પૂરું થાય એમ નહોતું એટલે મોટાભાઈ અને બાપુજી ખેતી કરતા જ્યારે દિનેશભાઈ શહેરમાં નોકરી કરતા હતા. હું તેમની સાથે રહીને જ ભણ્યો અને નોકરી કરતો હતો.'
'કોલેજ કર્યા બાદ મને નોકરી સારી મળી હતી. તેના પગલે દિનેશભાઈએ મારું શહરેમાં ઘર પણ ગોઠવી દીધું હતું. થોડા સમય પછી લગ્ન થઈ ગયા. હું અને મારી પત્ની શકુ સુખેથી રહેતા હતા. ઈશ્વરે અમારા ઘરે એક નાનકડી દીકરી આપી. સુચિતા. તે અમારા બંનેનો જીવ હતી.'
'બે વર્ષ પહેલાં સુચિતાના જન્મદિવસે એક ગોઝારી ઘટના બની. સુચિતા પાંચ વર્ષની થઈ એટલે તેનો જન્મ દિવસ ઉજવવા અમે બહાર ફરવા ગયા હતા. આખો મહીનો પૈસા ભેગા કરીને અમે બહાર ભાજીપાઉ ખાવા અને ગોળો ખાવાનું નક્કી કર્યું હતું.'
'સાંજે અમે ત્રણેય નક્કી કરેલા આયોજન પ્રમાણે સાઈકલ ઉપર બેસીને ફરવા નીકળ્યા. ફરતા ફરતા શહેરના જાણીતા તળાવ પાસે આવ્યા. ત્યાં એક તરફ સાઈકલ મુકીને અમે અંદર ફરવા ગયા.'
'લગભગ બે કલાક સુધી, તે તળાવનાં બગીચામાં અમે ફર્યા, દીકરીએ આનંદ કર્ર્યો. ત્યારબાદ અમે તળાવની બહાર ખાણી પીણી બજાર પાસે આવ્યા. ત્યાં સુચિતાની ગમતી પાણીપુરી ખાધી. ત્યારબાદ એક જાણીતા પાઉભાજીવાળાને ત્યાં ગોઠવાયા. પેટભરીને ખાઈ લીધા બાદ અમે ઘરે જવા નીકળતા હતા ત્યાં સુચિતાએ ફુગ્ગો લેવાની જીદ કરી. તેની મમ્મીએ ફુગ્ગો અપાવ્યો પણ ખરો.'
'અમે ફુગ્ગો લઈને સાઈકલ તરફ ચાલતા હતા. સુચિતા અમારાથી થોડી આગળ ચાલતી હતી. અચાનક તેના હાથમાંથી ફુગ્ગો છુટયો અને રસ્તા તરફ ઉડયો. સુચિતા તે લેવા માટે દોડી. હું તેને પકડવા માટે દોડયો. ત્યાં જ સામેની તરફથી એક પૂરપાટ ઝડપે જતી કાર આવી અને અથડાઈ.'
'હું અને સુચિતાની મમ્મી ચીસ પાડી ઉઠયા. સુચિતાના મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ હતી. હું હાંફળોફાફળો ગાડી પાસે પહોંચ્યો ત્યાં તો ગાડીવાળો ભાગી ગયો. મેં જોયું તો સુચિતાને માથામાં સહેજ વાગ્યું હતું. તેની બાજુમાં એક યુવતી હતી તેને વધારે વાગ્યું હતું.'
'રોડની સામેની તરફ રહેલા લોકોએ કહ્યું કે, આ યુવતીએ તમારી દીકરીનો જીવ બચાવ્યો. ટોળું ભેગું થવા લાગ્યું. પેલી યુવતી બેભાન થઈ ગઈ હતી. થોડીવારમાં પોલીસ આવી અને એમ્બ્યુલન્સ આવી. તે યુવતીને નજીકની જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી.'
'અમે પોલીસને આખી ઘટના જણાવી. બીજી તરફ પેલી યુવતીનું ઓપરેશન થયું. તેમ છતાં તે ભાનમાં આવી નહીં. ડોક્ટરે કહ્યું કે, તેને ભાનમાં આવતા કલાક પણ થાય અને દિવસો પણ થાય. કદાચ મહિનાઓ પણ થઈ શકે. અમને ચિંતા થવા લાગી.'
'હું અને સુચિતાની મમ્મી ત્યાં હોસ્પિટલમાં જ રોકાયા. તે યુવતીની કોઈ માહિતી અમારી પાસે નહોતી. બે દિવસ પછી તે યુવતીને ભાન આવ્યું. તે જાગી અને અચાનક ચીસ પાડી ઉઠી. એક્સિડન્ટના કારણે તે અંધ થઈ ગઈ હતી. તેણે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. તેની ચીસ સાંભળીને અમારા બંને ઉપર વજ્રાઘાત થયો. અમારી દીકરીને બચાવવામાં કોઈ અંધ થયું હતું.'
'ડોક્ટરે કહ્યું કે, ઓપરેશન કરીને દ્રષ્ટિ પાછી લાવી શકાય. તેના માટે પાંચથી સાત લાખ રૂપિયા ખર્ચો થાય. અમે તો માત્ર મજૂરી કામ કરતા હતા. અમારી પાસે આવા પૈસા ક્યાંથી આવે. અહીંયાનું ઘર અને ખેતર વેચી દઈએ તો ઘર-પરિવાર સાચવવવો અને ચલાવવો કેવી રીતે. અમારી પાસે કોઈ જ વિકલ્પ નહોતો.'
'મેં તે યુવતીની હાથ જોડીને માફી માગી અને કહ્યું કે, આ ઓપરેશન હું કરાવી શકું તેમ નથી. તેમ છતાં મેં તેને સધીયારો આપ્યો કે, જે દિવસે મારી પાસે પૈસા ભેગા થશે તે દિવસ ઓપરેશન હું કરાવી આપીશ. તે યુવતીએ ભલમનસાઈ દાખવીને મને મુક્ત કર્યો.'
'હું તે દિવસથી રૂપિયા ભેગા કરવા મથું છું. બે વર્ષે મારી જોડે માંડ પચ્ચી હજાર ભેગા થયા છે. સાત લાખ ક્યારે ભેગા કરી રહીશ ખબર નથી. તેના કારણે જ તારી જોડે ચોરી કરવા તૈયાર થયો છું.' - વિષ્ણુએ વાત પૂરી કરી.
'વિષ્ણુ, તારી વાત ગમી ગઈ યાર. જા આજે જે પંદર લાખનો વેંત આવે તેમાંથી દસ લાખ તારા. મને ખાલી પાંચ આપજે. ભગવાન કરે અને તારું કામ પાર પડે.' - ત્રિકમ એટલું કહીને ત્યાંથી નીકળી ગયો.
રાત્રે બંને ભેગા થઈને ગામથી થોડે દૂર આવેલી એક પોશ સોસાયટીમાં ઘુસ્યા. થોડા સમય પહેલાં જ અહીંયા મકાનો બન્યા હતા અને કેટલાક પરિવારો રહેવા આવ્યા હતા. ત્રિકમ અને વિષ્ણુ ૧૧ નંબરના મકાનમાં ઘુસ્યા.
'વિષ્ણુ જો હું ઉપરના માળે જાઉં છું. ત્યાં જે હશે તેને બાંધી દઈશ. તું નીચે હાથફેરો કરજે. જેને પૈસા મળે એ બીજાને બોલાવવા આવે. થોડું ધ્યાન રાખીને કામ કરજે મારા ભાઈ.' - ત્રિકમે કહ્યું અને દબાતા પગલે ઉપરના માળે જતો રહ્યો.
વિષ્ણુ હજી નીચે ફાંફા મારતો હતો ત્યાં જ ત્રિકમની બુમ આવી,
'વિષ્ણુ જલદી ઉપર આવ. અહીંયા બે લોકો જ રહે છે. પુરુષને તો મેં બાંધી દીધો છે અને આ રૂમમાં જ પૈસા પડયા છે.'
વિષ્ણુ દોડીને ઉપરના માળે ગયો. તેણે જોયું તો ત્રિકમે એક યુવકને બાંધી દીધો હતો. તેની આંખે પણ રૂમાલ બાંધ્યો હતો. તેના કારણે તે આ બંનેને જોઈ શકે નહીં.
'બોલ રોકડ રકમ અને દાગીના ક્યાં પડયા છે. અમને કહી દઈશ તો અમે લઈને જતા રહીશું નહીંતર તને મારીને બધું લઈ જઈશું. જલદી બોલ.' - ત્રિકમે પેલા યુવકને ડરાવ્યો.
'જૂઓ તમે જે પણ છો. પ્લીઝ અમને કશું ન કરતા. સામેની તરફ બેડ ઉંચો કરો તેમાં નીચે ખાનું છે. તેની અંદર પૈસા પડયા છે. સામે તિજોરીમાં દાગીના છે. અમારી પાસે પંદર વીસ લાખથી વધારે કશું જ નથી. પ્લીઝ મારી વાઈફને કશું ન કરતા.' - પેલા યુવકે કહ્યું.
ત્રિકમે મને ઈશારો કર્યો અને મેં બેડ ઉંચો કરીને નીચે એક પોટલીમાં રાખેલા રૂપિયા કાઢયા અને ત્રિકમને બતાવ્યા. તે ખુશ થઈ ગયો.
ત્યારબાદ તિજોરીમાંથી દાગીના પણ કાઢયા. બધું જ અમારા કોથળામાં નાખ્યું ત્યાં બાથરૂમમાંથી અવાજ આવ્યો.
'રોનક, જોને બરાબર પાણી નથી આવતું, એવું હોય તો મોટર ચાલુ કરી દે.'
'જૂઓ, મારી વાઈફ છે. બિમાર છે. તેને ટ્રિટમેન્ટ માટે કાલે લઈ જવાની છે. તેનું ઓપરેશન છે. પ્લીઝ તમે અમને છોડી દો. મારી વાઈફના ઓપરેશન માટે જ આ પૈસા ભેગા કર્યા છે. પ્લીઝ આવું ન કરશો. અમારા જીવન-મૃત્યુનો સવાલ છે.' - રોનક બોલ્યો અને ત્યાં જ પેલી યુવતી બાથરૂમમાંથી બહાર આવી.
'રોનક તું કોની સાથે વાત કરે છે?' - પેલી યુવતી બોલી. આ તરફ ત્રિકમ અને વિષ્ણુએ તે યુવતી સામે જોયું. વિષ્ણુ તે યુવતીને જોઈને થીજી ગયો. તેના હાથમાંથી કોથળો છુટી ગયો અને તે ત્યાં જ ફસડાઈ પડયો.
'એ શું થયું તને. ઊભો થા. ચાલ જલદી આ છોકરીને બાંધી દે એટલે આપણે ભાગીએ. આવો લાગણીશીલ થઈશ તો ક્યારેય કંઈ નહીં કરી શકું.' - ત્રિકમે મોટા અવાજે કહ્યું.
'ના ભાઈ. ઉપકારનો બદલો આવો ન હોય. મારી સુચીને બચાવનારી અને પોતાની આંખો ગુમાવનારી યુવતી આ જ છે. મૈત્રી સુચક. હે ભગવાન હું શું કરી બેઠો.' - વિષ્ણુએ પેલી યુવતીના પગમાં પડીને પોક મુકી અને ત્રિકમ ત્યાંથી ભાગી ગયો.


