- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- માતાની પાસેથી ફ્લામેન્કો નૃત્યના પાઠ શીખીને તૈયાર થયેલી મારિને તેના ફૂટવર્ક અને આક્રમકતાને સહારે ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ સહિતના તમામ મેજર ટાઈટલ્સ જીત્યા હતા
જ બ સે ચલા હું, મેરી મંઝિલ પર નજર હૈ, કભી મૈં ને મીલ કે પત્થર કો નહીં દેખા .
- દરેક નાનકડો પ્રયાસ એ ધમસમતા પ્રવાહમાં વહેતી નાનકડી હોડીને આગળ ધપાવવા માટે મારેલા હલેસા સમાન છે. જે વર્તમાન પરિસ્થિતિને તાબે થવાના બદલે નક્કી કરેલા કિનારા સુધી પહોંચી જવાના ઈરાદાના પ્રતિબિંબ સમાન છે. મન જેટલું મક્કમ હોય તેટલું જ જોમ દરેક પ્રયાસમાં રેડાય છે અને તેના જ કારણે આગળ વધવાની ગતિમાં નવી ઉર્જાનો સંચાર થતો હોય છે. જોકે, આ સમયે સફરમાં મળતી નાની-નાની સફળતાની ઉજવણીમાં ડુબી જવાને બદલે પોતાની પ્રતિભાને વધુ નિખાર આપવાની અને આગળ વધવાના પ્રયાસોમાં સાતત્યને જાળવી રાખવાની જરુરિયાત રહે છે અને તેના થકી જ આખરે અસાધારણ સિદ્ધિઓને હાંસલ કરી શકાય છે.
આંતરરાષ્ટ્રીય બેડમિંટન જગતમાં આગવો પ્રભાવ પાડનારી સ્પેનની કેરોલિના મારિન સખત મહેનતની સાથે દ્રઢ ઈચ્છાશક્તિના જીવંત પ્રતીક સમાન છે. બેડમિંટનની રમતમાં વરસોથી એશિયાના દેશોનું આધિપત્ય રહ્યું છે, ત્યારે યુરોપના નાનકડા દેશ સ્પેનમાં જન્મેલી કેરોલિનાએ અપસેટની હારમાળા સર્જતા ખળભળાટ મચાવ્યો છે. કેરોલિના આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં લગભગ તમામ મેજર ટાઈટલ્સ પોતાના નામે કરી ચૂકી છે. આક્રમક મિજાજ સાથે રમત અને ગમે તેવી પડકારજનક સ્થિતિમાં પણ બેડમિંટન કોર્ટમાં ટકી રહીને હરિફ ખેલાડી પર પ્રભુત્વ મેળવવાના પ્રયાસો થકી જ કેરોલિનાએ સફળતાની જે હારમાળા સર્જી છે, તેના થકી જ તેણે મહાન ખેલાડીઓની હરોળમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધું છે.
કેરોલિનાએ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સ વિભાગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તે ઓલિમ્પિકની બેડમિંટનની રમતમાં ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ યુરોપીયન ખેલાડી હતી. તેણે તેના એ રેકોર્ડને વધુ ઊંચાઈએ પહોંચાડતા ઓલિમ્પિકમાં બેડમિટંનની રમતનો સુવર્ણ ચંદ્રક જીતનારી પ્રથમ યુરોપીયન ખેલાડી તરીકેની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત બેડમિંટનની વર્લ્ડ ચેેમ્પિયનશિપમાં ચાર વખત ફાઈનલ રમવાનો રેકોર્ડ પણ તેના નામે છે. કેરોલિનાએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં તેની કારકિર્દીની પ્રથમ ત્રણ ફાઈનલ જીતવાની સાથેે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો અને ત્રણ વર્ષ અગાઉ ૨૦૨૩માં તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો.
યુરોપિયન બેડમિંટનમાં કેરોલિનાના નામે કુલ મળીને આઠ સુવર્ણ ચંદ્રકો છે, જે તેની ખંડીય સ્પર્ધામાં સર્વોપરિતાનો પરિચય આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં ૧૬ વર્ષની કારકિર્દી દરમિયાન તેણે ૨૭ ટાઈટલ જીત્યા છે અને ૨૪ વખત તેને રનરઅપ ટાઈટલથી સંતોષ માનવો પડયો છે. જોકે ફાઈનલમાં પ્રવેશવાની તેની સાતત્યતા સમકાલીન ખેલાડીઓ પરના તેના આગવા પ્રભુત્વને દર્શાવે છે. ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયનશિપમાં પણ કેેરોલિના બે વખત ચેમ્પિયન બની ચૂકી છે. આ જ કારણે બેડમિંટન જગતના ઓલ ટાઈમ ગ્રેટ સુપરસ્ટાર્સની વાત આવે એટલે મારિનનો ઉલ્લેખ કરવો જ પડે. વિશ્વની ટોચની ખેલાડીઓની વચ્ચે તેણે પોતાનું આગવું પ્રભુત્વ દેખાડયું છે.
બેડમિંટન વિશ્વમાં ૬૬ સપ્તાહ સુધી વિશ્વની ટોચની ખેલાડી તરીકેનો તાજ જાળવી રાખનારા મારિનનો જન્મ ફૂટબોલ અને ટેનિસ માટે જાણીતા સ્પેનના હુએલ્વા શહેરમાં વસતાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ ગોન્ઝાલો મારિન અને માતાનું નામ એન્ટોનિયા માર્ટિન હતુ. તેમણે કેરોલિનાને તેની પસંદગીની કારકિર્દી ઘડવા માટે પ્રેરણા પુરી પાડી. તેની માતા એન્ટોનિયા પરંપરાગત નૃત્ય ફ્લેમેન્કોમાં કુશળ હતા અને તેમની સાથે સાથે નાનકડી કેરોલિનાના પગ પણ થરકવા માંડયા હતા. તેણે બાળપણમાં માતા પાસેથી નૃત્ય શીખવાનું શરૂ કરી દીધું હતુ.
નાનકડી કેરોલિનાની એક બહેનપણી બેડમિંટનના કોચિંગમાં જતી. એક વખત તેણે કેરોલિનાને હુએલ્વામાં જ આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં મળવા માટે બોલાવી. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ કેરોલિનાના ઘરની પાસે આવેલું હતુ. તેની આ એક નાનકડી મુલાકાતે કેરોલિનાની જિંદગી બદલી નાંખી. તેણે ત્યાં કેટલાક ખેલાડીઓએ બેેડમિંટન રમતાં જોયા, જેમાં તેની સહેલી પણ હતી. કેરોલિનાએ પણ બેડમિંટન રેકેટ ઉઠાવી લીધું અને રમવાનું શરુ કર્યું. આ રમતમાં તેને એટલી મજા આવી કે પછી તો તેણે કોચિંગ માટે નામ પણ નોંધાવી દીધું. થોડા સમયમાં જ કેરોલિનાએ આગવી સફળતા મેળવી અને તેની પસંદગી આશાસ્પદ ખેલાડી તરીકે મેડ્રિડમાં વધુ તાલીમ માટે કરવામાં આવી .
કોચ ફર્નાન્ડો રિવાસ કેરોલિનાના આક્રમક મિજાજ અને ફૂટવર્કથી ખુબ જ પ્રભાવિત થયા. માત્ર ૧૪ વર્ષની ઉંમરે કેરોલિનાએ બેડમિંટન ખેલાડી તરીકેનું સ્વપ્ન સાકાર કરવા માટે હુએલ્વા છોડીને મેડ્રિડની એકેડમીમાં જોડાવાનું નક્કી કર્યું. તેના માતા-પિતાએ પણ તેને આગળ વધવામાં મદદ કરી. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં રિવાસે નવી સ્પેનિશ સ્ટાઈલ અપનાવી. જેમાં તેમણે કેરોલિનાને મહત્વના પોઈન્ટ વખતે જોરથી બૂમ પાડીને ઉજવણી કરવાની આદત પાડી. સામાન્ય રીતે એશિયાના ખેલાડીઓ શાંત સ્વભાવના હોય છે. આ કારણે કેરોલિનાની બૂમો તેમને અપસેટ કરી દેતી. વળી, રિવાસનું બારીક વિડિયો અધ્યય કેરોલિના માટે ફાયદાકારક સાબિત થયું હતુ.
માતા પાસેથી શીખેલા ફ્લેમેન્કોના પાઠ અને તેમની સાથે કરેલો અભ્યાસ કેરોલિનાને બેડમિંટનમાં કામ આવ્યો. કોચ રિવાસે મારિનના જબરજસ્ત ફૂટવર્કને વધુ ઘાતક બનાવતા તેને ટેનિસ ખેલાડીની જેમ ઝડપથી બેેડમિંટન કોર્ટ કવર કરવાની ટેકનિક શીખવી, જેની સામે હરિફ ખેલાડીઓ લાચાર જોવા મળતાં. આંતરરાષ્ટ્રીય બેેડમિંટન ઓલિમ્પિક તેમજ વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતના ખિતાબ જીતી ચૂકેલી કેરોલિનાની કારકિર્દીને ૨૦૧૯માં થયેલી લિગામેન્ટની ઈજાએ મોટો ફટકો પહોંચાડયો. જોકે, તેણે હિંમત હાર્યા વિના સર્જરીના આઠ મહિના બાદ પુનરાગમન કરીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા.
કેરોલિનાએ આંતરરાષ્ટ્રીય બેેડમિંટનમાં આગવા પ્રભુત્વ સાથેની રમત જારી રાખી અને કોરોનાના કારણે ૨૦૨૧માં રમાયેલા ટોકિયો ઓલિમ્પિકમાં તેણે સુવર્ણ જાળવી રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું. જોકે ઓલિમ્પિક પહેલા જ થયેલી ઈજાના કારણે તેને ઓલિમ્પિક ગુમાવવા પડયા. વધુમાં તેની કારકિર્દી અને જિંદગીના આધાર સ્તંભ સમાન તેના પિતા ગોન્ઝાલોનું પણ માંદગી બાદ અવસાન થયું. અલબત્ત, તેણે ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર રમત સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ફાઈનલમાં પ્રવેશના આરે પહોંચ્યા બાદ તેને ઘુંટણની ઈજાના કારણે કોર્ટ છોડવો પડયો અને આખરે આ જ ઈજા તેની નિવૃત્તિનું કારણ પણ બની.
કેરોલિના ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલ અને પી.વી. સિંધુની કટ્ટર હરિફ સમાન રહી હતી. તેણે સિંધુને રિયો ઓલિમ્પિકની અને વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં તેમજ સાયનાને વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હરાવી હતી. આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાંથી વિદાય લઈ રહેલી કેરોલિનાને સિંધુએ ભાવસભર શબ્દો સાથે નિવૃત્તિ પછીના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ૩૨ વર્ષની કારોલિના આગામી સમયમાં સ્પેનના યુવા ખેલાડીઓને તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.


