Get The App

દિવ્યાંગોના ખિલતા ચહેરા .

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
દિવ્યાંગોના ખિલતા ચહેરા                                         . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- અમિત માને છે કે પ્રજ્ઞાચક્ષુઓને તેમના ભયમાંથી બહાર લાવવાનું સૌથી સશક્ત માધ્યમ જો કોઈ હોય તો તે છે પ્રવાસ

દિ લ્હીના અમિત જૈન છેલ્લા ત્રણ દાયકાથી કોર્પોરેટ આફ સાઇટ્સ, લોજિસ્ટિક, ટ્રાવેલ અને હોસ્પિટાલિટીના ક્ષેત્રે કાર્યરત છે. ૨૦૧૯માં તેઓ પોતાની પુત્રી સાથે પ્રવાસે નીકળ્યા હતા. આ સફર દરમિયાન તેમની મુલાકાત પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ સાથે થઈ. વાતચીત દરમિયાન પ્રજ્ઞાચક્ષુઓએ પણ જુદાં જુદાં સ્થળોએ પ્રવાસ કરવાની પ્રબળ ઇચ્છા દર્શાવી અને એમ પણ કહ્યું કે ક્યારેક સામાજિક તો ક્યારેક પાયાની સુવિધાઓના અભાવે તેઓ પ્રવાસ કરી શકતા નથી. તેમની વાત સાંભળીને અમિત જૈન વિચારમાં પડી ગયા. પચાસ વર્ષના અમિત જૈને પોતાની પુત્રી અને પ્રજ્ઞાચક્ષુઓના એક સમૂહ માટે ઉત્તરાખંડના પાંગોટની યાત્રાનું આયોજન કર્યું. આ યાત્રાની સફળતા બાદ તેમણે પ્રજ્ઞાચક્ષુઓને યાત્રા કરાવવાનો શુભ નિર્ધાર કર્યો. તેમણે રાઇઝિંગ સ્ટાર ખિલતે ચહેરે ઇન્ક્લુઝીવ ટ્રાવેલની સ્થાપના કરી.

અમિત જૈને આ એન.જી.ઓ.ની શરૂઆત કરી ત્યારે લોકો કહેતા કે પ્રજ્ઞાચક્ષુઓ માટે દિલ્હી હોય કે દુબઈ શો ફેર પડે? પરંતુ અમિત માને છે કે પ્રજ્ઞાચક્ષુઓને તેમના ભયમાંથી બહાર લાવવાનું સૌથી સશક્ત માધ્યમ જો કોઈ હોય તો તે છે પ્રવાસ. ભારતમાં આજે પણ દિવ્યાંગોને સામાજિક-આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી કેટલાય લોકો માટે પ્રવાસ કરવો મોંઘો પડે છે અને તે અનુભવથી વંચિત રહે છે, પરંતુ રાઇઝિંગ સ્ટાર ખિલતે ચહેરે અર્થાત્ આરએસકેસી પ્રવાસને એક અર્થમાં એકાંતને ગરિમાપૂર્ણ રીતે દૂર કરવાનું સાધન સમજે છે.

દેશના પ્રવાસ માટે તેઓ પાંચસોથી સાતસો રૂપિયા લે છે, જેથી તેઓનું ગૌરવ જળવાય અને છેલ્લી ઘડીએ પ્રવાસ રદ ન કરે. જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં સાઠ ટકા પૈસા પ્રવાસીએ ખર્ચવાના હોય છે અને ચાળીસ ટકા આરએસકેસી ભોગવે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ થાઈલૅન્ડની યાત્રા માટે માત્ર ચોવીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા, જે બજાર કરતાં ઘણા ઓછા હતા. કર્ણાટકના મૈસૂર જિલ્લામાં રહેતા ડૉ. હિતેશ પ્રસાદ યોગમાં એમડીની ડિગ્રી ધરાવે છે અને આયુર્વેદિક મેડિકલ કૉલેજમાં ચિકિત્સા સલાહકાર અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેઓ દર વર્ષે મિત્રો સાથે પ્રવાસની યોજના બનાવતા, પરંતુ ધીમે ધીમે આંખે દેખાવાનું ઓછું થઈ ગયું તેથી પ્રવાસ કરવાનું મુશ્કેલ બની ગયું. તેમના મિત્રો તેમને સાથ આપતા હતા, પરંતુ તેમની શું જરૂરિયાતો છે, પગ મૂકતા પહેલાં ચેતવણી આપવી, ભીડવાળા રસ્તા પર કોઈ સંકેત આપવો કે જગ્યાનું વર્ણન કરવું - આવી બધી બાબતોમાં તેમનાથી ચૂક થઈ જતી, પરંતુ આરએસકેસી આયોજિત થાઇલૅન્ડ પ્રવાસમાં તેઓ ગયા. ડૉ. હિતેશ પ્રસાદ કહે છે કે આ પ્રવાસ તેમના માટે વ્યક્તિત્વ વિકાસ અને નેતૃત્વક્ષમતાનું નિર્માણ કરનાર અવસર જેવો હતો. સમગ્ર ભારતમાંથી પાંત્રીસ વ્યક્તિઓ થાઈલૅન્ડ ગયા હતા. ભારત પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમને એક પરિવાર હોઈએ તેવી લાગણી થઈ. પટાયા અને બઁગકોકમાં જોવાલાયક સ્થળો પર લઈ જઈને સ્વયંસેવકોએ રંગો, તેની સુંદરતા અને સ્થાપત્ય સંબંધી ખૂબ સરસ વર્ણન કર્યું. બઁગકોક સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડમાં વિકલાંગતા સમાવેશન પર સાંસ્કૃતિક સંવાદમાં ભાગ લેવાની તક મળી. તેમજ શિક્ષણપદ્ધતિ, વિકલાંગતાના કાયદાઓ અને જીવનમાં આવતા પડકારો વિશે વાત થઈ. ગોલ્ડન બુદ્ધ મંદિરમાં ધ્વનિ અને અનોખા વાતાવરણના માધ્યમથી શાંતિનો અનુભવ કર્યો. ક્રૂઝ પર રાત્રે ભોજન કર્યા પછી સમૂહમાં નૃત્ય કર્યું.

આરએસકેસીના બધા સ્વયંસેવકો પ્રવાસે જતાં પહેલાં પ્રજ્ઞાચક્ષુઓને સૂચનાઓ આપીને સમજાવે છે. ચાર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ વચ્ચે એક સ્વયંસેવક રાખે છે, પરંતુ ચાંદનીચોક જેવી ભીડવાળી જગ્યાએ એક પ્રજ્ઞાચક્ષુની સાથે એક સ્વયંસેવક હોય છે. અમિત જૈન પોતાના સ્વયંસેવકોને સહાયક નથી કહેતા, પરંતુ સહયાત્રી કહે છે. એમાંથી ઘણા સહયાત્રીઓ ફોટોગ્રાફર, ગાઈડ તેમજ ક્યારેક હાસ્ય કલાકાર તરીકે પણ કામ કરે છે, જેથી મુશ્કેલ પરિસ્થિતિમાં તણાવ ઓછો થાય. વિદેશમાં ઘણી વખત ઘણા બધા સહયાત્રીઓને મોકલવાનું મોઘું પડે તેથી આરએસકેસી પ્રજ્ઞાચક્ષુઓના સંઘો, વિદ્યાલયો, પર્યટન વિભાગો અને હોટલના કર્મચારીઓ સાથે ભાગીદારી કરીને પ્રવાસનું આયોજન કરે છે. હોટલમાં લિફ્ટની બાજુના રૂમને પ્રાથમિકતા આપવામાં આવે છે. બ્રેઇલલિપિમાં સ્ટીકર અને આસપાસની હોસ્પિટલના નકશા પણ આપવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુઓને દરેક બાબત યોગ્ય રીતે કહેવી અને તેમના મૂડને પારખવો પડે છે. તેમને ભોજનમાં મદદ કરવામાં આવે છે તેમજ અજાણી જગ્યાએ તૈયાર થવામાં વધુ સમય જાય છે, તેથી તે પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે છે. ૨૦૧૯થી અત્યાર સુધીમાં સત્તરસો કરતાં પણ વધુ પ્રજ્ઞાચક્ષુઓને દુબઈ, ઋષિકેશ, જિમ કોર્બેટ, ગોવા, મસૂરી, જયપુર, અયોધ્યા, આગ્રા, થાઇલૅન્ડ જેવાં સોળ સ્થળોનો પ્રવાસ કરાવ્યો છે. અમિત જૈન ભવિષ્યમાં ઇન્ડિયા બ્લાઇન્ડ ફેસ્ટ જેવાં કાર્યક્રમો યોજીને પ્રજ્ઞાચક્ષુ કલાકારો, કોર્પોરેટ નેતાઓ, નીતિ નિર્માતાઓ, આંત્રપ્રેન્યોર જેવા અનેક લોકોને એક રાષ્ટ્રીય મંચ પર લાવવા માગે છે.

ડૉ. સૂરિનો સનાતન આનંદ

ડૉ. સૂરિના એવા પ્રયત્નો છે કે તેમની પાસે આવેલી માતાના બાળકને પોતાના હાથે આ વિશ્વમાં પ્રવેશ કરાવે અને આનંદથી પોતાના બાળક સાથે ઘરે પાછી ફરે

'શિક્ષક અને ડૉક્ટર ક્યારેય નિવૃત્ત નથી થતા' એ ઉક્તિને હૈદરાબાદના ૯૨ વર્ષના ડૉ. સૂરિ શ્રીમતીએ સાર્થક કરી છે. ૧૯૫૯માં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર તરીકે કારકિર્દી શરૂ કરનાર ડૉ. સૂરિ આજે પણ કાર્યરત છે. આજે પણ તેઓ સાડા પાંચ વાગે ઊઠીને યોગ કરે છે. આ યોગ સેશનમાં તેમના પરિચિત લોકો અને અન્ય લોકો પણ જોડાઈ શકે છે, કારણ કે ડૉ. સૂરિ કહે છે કે તેમના પિતા સૂરિ રાઘવ દીક્ષિતુલુએ આંધ્રપ્રદેશમાં યોગના ઘણા કેન્દ્રો શરૂ કર્યા હતા અને ૯૨ વર્ષે સાઇકલ ચલાવી શકતા હતા. તેવી તેમની તંદુરસ્તીનો યશ નિયમિત યોગ કરવાને આપતા હતા. આજે એ જ વારસો ડૉ. સૂરિ જાળવી રહ્યા છે. ડૉ. સૂરિ નાના હતા, ત્યારે તેમના ભાઈ અને બહેન બંનેને શીતળા નીકળ્યા હતા. બંનેની પરિસ્થિતિ થોડી ગંભીર હતી, પરંતુ મેડિકલ સારવારથી બંને બચી ગયા હતા. તેને કારણે તેમણે નક્કી કર્યું કે તેઓ ડૉક્ટર બનશે, પરંતુ તે સમયે સમાજમાં એક સ્ત્રી ડૉક્ટર બને તે સાહજિકતાથી સ્વીકારાતું નહીં. મેડિકલ કૉલેજમાં એકસો બેઠકમાંથી ત્રેવીસ બેઠક સ્ત્રીઓ માટે આરક્ષિત હતી તેમ છતાં ડૉ. સૂરિને અન્ય સહાધ્યાયીઓની નારાજગી વહોરવી પડતી. આટલું પૂરતું ન હોય તેમ સમાજે કુુટુંબનો બહિષ્કાર કર્યો અને સગાંવહાલાંઓએ તો બોલવાનું જ બંધ કરી દીધું. એમાંનું એક કારણ એ હતું કે મેડિકલના અભ્યાસ દરમિયાન શરીરની રચના સમજવા માટે મૃતદેહોનો અભ્યાસ કરવો પડે તે તેમને પસંદ નહોતું.

તેમણે ૧૯૫૯માં સ્વતંત્ર રીતે તેલંગાણાના સંગારેડ્ડીની સરકારી હોસ્પિટલમાં પ્રથમ ડિલીવરી કરાવી હતી. માતા સાથે આવેલી પંદર વર્ષની કિશોરીનું સીઝેરીયન કરવું પડયું હતું. તે સમયે તો આજે જેવાં છે એવા આધુનિક સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટર નહોતા. તે સમયે એનેસ્થેટીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ અને પીડીયાટ્રીશન - ત્રણેય ભૂમિકા તેઓ જ ભજવતા. તેઓ ૧૯૫૮માં ઑસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. થયા અને ૧૯૬૫માં એમ.ડી. થયાં. તેમની સર્જરી કરવાની કુશળતા વખણાતી. તેઓ હંમેશાં નોર્મલ ડીલીવરનો જ આગ્રહ રાખતા, પરંતુ ટ્રોમા, લોહી વહી જવું કે ઈન્ફેક્શન થયું હોય તો તરત જ સીઝેરીયન કરતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં તો સોનોગ્રાફીની શોધ પણ નહોતી થઈ. દર્દીને પ્રશ્નો પૂછીને જ નિદાન કરવાનું રહેતું. જોકે તેમને અફસોસ એ છે કે આજે નોર્મલ ડીલીવરી કરતાં સીઝેરીયનનું પ્રમાણ વધતું જાય છે. તેની સામે આનંદની વાત એ છે કે બાળલગ્ન વિરોધી કાયદો અને લગ્નની વયનો કાયદો અમલમાં આવવાથી કિશોરવયની ઉંમરે માતા થવાનું પ્રમાણ ઘટયું છે. તેઓ પોતાના સમયની વાત કરતાં કહે છે કે તેમણે એક સ્ત્રીની તેર ડીલીવરી કરાવી હતી તેની સામે આજે તેલંગણાનો ફર્ટીલિટી રેટ ૧.૮ છે, જે રાષ્ટ્રીય ફર્ટીલિટી રેટ બે કરતાં ઓછો છે.

તેમણે પાંત્રીસ વર્ષમાં ઓસ્માનિયા મેડિકલ કૉલેજ, ગાંધી મેડિકલ કૉલેજ, ગવર્નમેન્ટ મેટરનિટી હોસ્પિટલ, નીલોફર હોસ્પિટલ, સાગરલાલ મેમોરિયલ હોસ્પિટલ અને બાપુજી હોસ્પિટલમાં કામ કર્યું છે. તેઓ નિવૃત્ત થયા પછી અવિરત કામ કરે છે. સવારે સાડા આઠ વાગ્યે તેમનું કામ શરૂ થાય છે. તેઓ બુધવાર અને રવિવાર સિવાય સાગરલાલ મેમોરિયલ હોસ્પિટલમાં સવારે સાડા દસથી સાડા બાર સુધી મળે છે, જ્યારે બુધવારે નાચારમ પાસે આવેલી બાપુજી હોસ્પિટલમાં સવારે આઠથી સાડા નવ સુધી સેવા આપે છે, પરંતુ પદ્મરાવનગરમાં પોતાના ઘરે દરરોજ સાંજે પાંચથી આઠ ડૉ. સૂરિ શ્રીમતી ક્લિનિક ચલાવે છે. જેમાં તેઓ સ્ત્રીઓને માત્ર તપાસે છે અને પોતાના અનુભવનો લાભ આપીને માર્ગદર્શન આપે છે.

૯૨ વર્ષના ડૉ. સૂરિ શ્રીમતી ભારતના કદાચ સૌથી વૃદ્ધ ગાયનેકોલોજીસ્ટ હશે. તેમણે અત્યાર સુધીમાં બે લાખ જેટલી ડીલીવરી કરાવી છે, પરંતુ આજેય જ્યારે તાજું જન્મેલું બાળક તેમના હાથમાં આવે છે, ત્યારે તેમના અંતરમાં એટલો જ આનંદ થાય છે, જેટલો પહેલાં થતો હતો. જ્યારે કોઈ બાળકનું મૃત્યુ થાય છે, ત્યારે તેઓને ખૂબ દુ:ખ થાય છે. બાળક ગુમાવવાનું માતા માટે તો આઘાતજનક ઘટના હોય છે, પરંતુ એક ગાયનેકોલોજીસ્ટ તરીકે પણ તેઓ અત્યંત દુ:ખ અનુભવે છે. નવ મહિના દરમિયાન દર્દી સાથે આત્મીય સંબંધ બંધાઈ જાય છે. માતા કે બાળક કોઈ પણનું મૃત્યુ થાય ત્યારે લાચાર બનીને જોયા સિવાય કોઈ ઉપાય નથી હોતો. બાર કિમી. દૂરથી બળદગાડામાં પ્રસૂતાને લાવવામાં આવી હતી તે કિસ્સામાં બાળક અને માતાને બચાવી શકાયા નહોતા, તે વાત આજે પણ તેમના ચિત્તમાં સંવેદના જગાડે છે. આજે તો ભારતમાં ડીલીવરી સમયે થતાં માતાના મૃત્યુનો દર ઘટયો છે, પરંતુ વિશ્વની સરખામણીમાં ઘણો વધુ છે. હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. આજે પણ ડૉ. સૂરિના એવા પ્રયત્નો છે કે તેમની પાસે આવેલી માતાના બાળકને પોતાના હાથે આ વિશ્વમાં પ્રવેશ કરાવે અને આનંદથી પોતાના બાળક સાથે ઘરે પાછી ફરે.