- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- જીવનમાં ખરો તફાવત દૃષ્ટિનો છે. ભક્તનું દુ:ખ સુખમાં પલટાય છે કારણ કે એ જીવનની આપત્તિને આસાન માની લે છે
- માનવી દુ:ખના ડુંગર સર્જે છે અને પોતે જ એ ડુંગરના ભાર નીચે વધુ ને વધુ જાતે જ દબાતો જાય છે. દુ:ખ કરતાં દુ:ખના ગાણાં ગાવામાં માનવી વધુ નિષ્ણાત બન્યો છે
'કો ઈ કહેશે કે આ જીવન તો દુ:ખોના પારાવાર(સાગ૨)થી દુ:ખોથી ભરેલું છે, તો કોઈ કહેશે કે આ જિંદગી તો થોડાંક સુખ અને એનાથી અનેકગણાં દુ:ખથી ભરેલી છે, કોઈ કપાળ પર હથેળી મૂકીને ઘોર નિસાસો નાખશે કે મને તો સઘળે દુ:ખ જ દેખાય છે, સુખ એ તો માત્ર મૃગજળ છે. જેમ મૃગ રણમાં જળ છે એમ માનીને દોડતું દોડતું ત્યાં પહોંચે ત્યારે ખબર પડે કે અહીં જળ છે જ નહીં. એવું મૃગજળ જેવું સુખ છે, બાકી તો સઘળે દુ:ખ જ છે.'
તમે ઠેર ઠેર સાંભળતા હશો કે જિંદગી આખી દુ:ખથી ભરપૂર છે, પરંતુ હકીકતમાં તમે એ દુ:ખોનું એનાલિસીસ કરો તો ખ્યાલ આવશે કે જિંદગીમાં જેને આપણે દુ:ખ કહીએ છીએ, તે ક્યાંય આકાશમાંથી આપણા પર તૂટી પડેલાં નથી, બલ્કે આપણે ખુદ સર્જેલાં છે. જીવનની ઘટનાઓમાં કે પ્રસંગોમાં તો ઠીક, પણ વ્યક્તિઓનાં વિચારમાં પણ દુ:ખને નિમંત્રણ હોય છે. નકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યક્તિ સઘળે અંધારું જ જોતી હોય છે. એને પોતાનું જીવન બેહાલ લાગે છે, દેશ કંગાળ લાગે છે, પોતાના સંબંધીઓ ધૂર્ત લાગે છે અને આસપાસનાં લોકો છેતરપીંડી કરવા આમતેમ ઘૂમતા દેખાય છે. આ નૅગેટિવ દ્રષ્ટિ જ તમને જીવનમાં દુ:ખ આપે છે અને તમારા જીવનને દુ:ખદ બનાવે છે.
તમે જીવન ફરિયાદથી જીવો છો કે ધન્યવાદથી, તેનો વિચાર કરવો જોઈએ. એક યુવાનને હોસ્પિટલમાં દાખલ થતાં ઠોકર વાગતાં અંગૂઠામાંથી લોહી વહેવા માંડયું. એના અંગૂઠાનો નખ ઊખડી ગયો. યુવાને માંડ-માંડ પાટો બાંઘ્યો. પણ મનોમન ઇશ્વર તરફ ગુસ્સે થયો. એને થયું કે આ પરમાત્મા પણ કેવો છે ? પોતે કોઈના દુ:ખની ખબર લેવા આવ્યો અને પોતાને જ દુ:ખી બનાવી દીધો ! હવે કેટલી મુશ્કેલી પડશે ?
યુવકે વિચાર્યું કે આ ઈશ્વર કશું સમજતો લાગતો નથી. બીજા તરફ સહાનુભૂતિ બતાવવા જનારને અહીં સહન કરવું પડે છે.
આમ મનોમન પરમાત્માની નિંદા કરતો યુવક લિફ્ટમાં બેઠો. લિફ્ટમાં જોયું તો વ્હીલ ચેર પર એક માણસ બેઠો હતો. એના બંને પગ કપાઈ ગયા હતા તેમ છતાં એના ચહેરા પર હાસ્ય હતું. મસ્તીથી કોઈ ગીત ગણગણી રહ્યો હતો.
પેલા યુવકને આશ્ચર્ય થયું. એણે વ્હીલચેરમાં બેઠેલા માનવીને પૂછયું, ''અરે દોસ્ત ! મને હમણાં જ ઠોકર લાગી અને મારું મન ઈશ્વર પ્રત્યે૨ ક્રોધથી ભરાઈ ગયું. પણ તું કોઈ અજબ છે ! તારા બંને પગ કપાઈ ગયા છે અને તેમ છતાં તું હસતો હસતો ગીત ગાય છે ?''
પેલા અપંગ માનવીએ કહ્યું, ''અરે ! હું તો ઈશ્વરનો આભાર માનું છું. હજી મારા બાવડામાં પૂરી તાકાત છે. મેં તો એવા માણસો જોયા છે જેના બંને હાથ અને બંને પગ કપાઈ ગયા હોય. મારા તો માત્ર પગ કપાઈ ગયા છે, તેથી શું ? બંને હાથ બાકી છે. બંને આંખો બરાબર જોઈ શકે છે અને બીજું બધું ય બાકી છે. મારા પગ છીનવાઈ ગયા એ માટે ઈશ્વર પર ક્રોધ કરું કે એણે આટલું બધું સાજુ-સમું રહેવા દીધું છે, તે માટે એનો પાડ (આભાર) માનું ? હું તો આટલું બધું આપવા માટે મારા પરમેશ્વરને પરમ ઉપકારી માનું છું.''
આ રીતે માનવીએ નક્કી કરવું જોઈએ કે એ ફરિયાદથી જીવવા માગે છે કે ધન્યવાદથી ? ફરિયાદ કરનારો માનવી બરબાદીને બોલાવે છે. આભાર માનનારો માનવી આબાદીને આમંત્રે છે. ફરિયાદ કરનારો એના મનમાં નિરાશાને પોષે છે. ધીરે ધીરે એ ઉદાસ બનતો જાય છે. આપોઆપ જ બધાં કામોમાં અને અંતે જીવનમાં પોતાને નાસીપાસ માનશે. જ્યારે બીજી બાજુ ઈશ્વરનો આભાર માનનારો એના જીવનના જોશને ટકાવી રાખશે. એના મનને ઉલ્લાસની આગળ મુશ્કેલીઓ ઓળંગાતી જશે અને ફરી એ આશાભર્યું નવું કદમ માંડશે. સૂફી સંત બાયજીદને એક વાર પથ્થર વાગ્યો ત્યારે તેઓ પગને હાથ લગાડવાને બદલે બે હાથ જોડી આકાશ તરફ માથું રાખીને ઈશ્વરનો અહેસાન માનવા લાગ્યા. એમના સાથીઓએ કહ્યું કે પગમાંથી લોહી વહે જાય છે અને તમે વળી ક્યાં પ્રાર્થનામાં બેઠા ? ત્યારે સંત બાયજીદે કહ્યું કે હું ઈશ્વરનો આભાર માનતો હતો, એ માટે કે એણે શૂળીનો ઘા સોયથી કરીને મને બચાવી લીધો.
જીવનમાં ખરો તફાવત દૃષ્ટિનો છે. ભક્તનું દુ:ખ સુખમાં પલટાય છે કારણ કે એ જીવનની આપત્તિને આસાન માની લે છે. એ વિચારે છે કે કેટલીય મોટી આપત્તિ આવવાની હતી અને કેટલી નાની આપત્તિ આપીને ઈશ્વરે મને ઊગારી લીધો ! આમ દુ:ખના હાર્દને તપાસીએ તો એ દુ:ખ આપણા જીવનમાં એક નવો પ્રકાશ પાથરતો જાય છે. જે દુ:ખથી ભાગતા નથી, દુ:ખ સદાય એનાથી ભાગે છે. માનવી દુ:ખના ડુંગર સર્જે છે અને પોતે જ એ ડુંગરના ભાર નીચે વધુ ને વધુ જાતે જ દબાતો જાય છે. દુ:ખ કરતાં દુ:ખના ગાણાં ગાવામાં માનવી વધુ નિષ્ણાત બન્યો છે. દુ:ખના બહાનાંથી એ જીવનના કર્મ અને ધર્મથી ભાગે છે, પરંતુ એ જ દુ:ખનું બહાનું એના પતનનું કારણ
બને છે.
જોશુઆ લીબમેન નામના એક જોશીલા અને આદર્શવાદી યુવક પાસે કેટલાય મનોરથ અને મહેચ્છા હતા. એક દિવસ એણે એવી એક યાદી બનાવી કે કઈ કઈ વસ્તુ પોતાના જીવનમાં મળે તો એ ધન્ય થઈ જાય. જે લોકોએ એમના જીવનમાં આ બધું મેળવ્યું હતું તેમના તરફ એમણે અહોભાવ દાખવ્યો હતો. આમાં સ્વાસ્થ્ય, સુખ, સૌંદર્ય, સંપત્તિ જેવી ઘણી બાબતોનો સમાવેશ થતો હતો.
જોશુઆ લીબમન આ યાદી લઈને અનુભવી વૃદ્ધની પાસે ગયો અને તેમને આ યાદી ચકાસી જવાનું કહ્યું. એણે કહ્યું કે આમાં જીવનની એકેએક પ્રાપ્ત કરવા માટે મહત્ત્વની બાબતો આવી જાય છે. પેલા અનુભવીએ આ યાદી વાંચીને કહ્યું કે આમાં જીવનમાં સૌથી વધુ સાર અને ઉપદેશ આપનારી બાબત તું ભૂલી ગયો છે.
જોશુઆ લીબમેને ભારે તકેદારી રાખીને આ યાદી તૈયાર કરી હતી. કેટલાય દિવસો સુધી એના વિશે વિચાર કર્યો હતો. પણ અનુભવીએ કહ્યું કે આનો ખ્યાલ વિચારથી નહીં આવે, બલ્કે અનુભવથી આવે તેવો છે. યુવાન જોશુઆ લીબમેને સૌથી મહત્ત્વની બાબત કઈ છે, તે જણાવવા વિનંતી કરી, ત્યારે અનુભવી વૃદ્ધે કહ્યું કે જીવનમાં સૌથી વધુ મહત્ત્વની બાબત દુ:ખ છે, એના જેવો બીજો કોઈ શિક્ષક નથી.
મહાભારતની એક ઘટનામાંથી આનો માર્મિક ઉત્તર મળી શકશે. કુરુક્ષેત્રના વિજયના અંતે યુધિષ્ઠિર વિચારે છે કે અમે પાંચ પાંડુપુત્રો. અમારા બધાં ભાઈઓમાં શા માટે સ્વયં શ્રીકૃષ્ણના સખા વી૨ અર્જુન સૌથી વધુ દુ:ખ ભોગવે છે. એના પુત્ર અભિમન્યુને અધર્મથી હણવામાં આવ્યો. અર્જુનની બાણવર્ષાથી એને પૂજ્ય એવા ભીષ્મનો આખો દેહ વીંધવો પડયો. છેલ્લે પોતાના મોટાભાઈ કર્ણના શરીરને પણ બાણથી વીંધી નાખ્યું. આટલી બધી વ્યથા વેદના પામનાર અર્જુન કઈ શક્તિના બળે આટલું દુ:ખ સહન કરતો હશે ?
એક વાર સત્તાલોલુપ કૌરવ જ્યેષ્ઠ દુર્યોધને ગુરુ દ્રોણાચાર્યને એક પ્રશ્ન કર્યો, 'એણે ગુરુ દ્રોણને પૂછયું, 'સહુ રાજપુત્રોમાં આપને અર્જુન વિશેષ પ્રિય હતો, ખરું ને !'
દ્રોણે સંમતિસૂચક માથું હલાવ્યું,
'આપે બધા રાજપુત્રોને વિદ્યા શીખવી, પરંતુ મને એમ ભાસે છે કે આપે અર્જુનને કંઈક વિશેષ આપ્યું લાગે છે.'
આચાર્ય દ્રોણે કહ્યું, 'આચાર્યની વિદ્યા તો સહુને માટે સમાન હતી, પણ અર્જુનની દુ:ખ અને યોગ એ બે વધુ મળ્યાં છે, તેથી એ આગળ નીકળી ગયો છે.' આમ અર્જુન પર પડેલાં અપાર દુ:ખની સાથે એનો યોગ ભળ્યો અને એને પરિણામે સુખથી સૌથી વધુ વંચિત રહેનારો અને અતિ દુ:ખ પામનારો અર્જુન સ્વસ્થ, સમભાવી અને નિશ્ચલ રહ્યો. એણે નિરાશા કે હતાશાને દૂર કરીને સંઘર્ષ, સંહાર અને યુદ્ધને કાળચક્રની સ્વાભાવિક ઘટના તરીકે સ્વીકાર્યા, જે રીતે એણે એના જીવનમાં આવેલી અપરંપાર દુ:ખની ઘટનાઓનો વાસ્તવિક સ્વીકાર કર્યો હતો. આવી જ રીતે આપણી ભ્રમણાઓ, કામનાઓ અને દુર્ગુણો જીવનને દુ:ખમય બનાવે છે એની વાત કરીશું હવે પછી.


