Get The App

અહંકાર અને આક્રમકતાના ઉનાળા વચ્ચે શીતળતાની સંભાવના સર્જકતામાં છે

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
અહંકાર અને આક્રમકતાના ઉનાળા વચ્ચે શીતળતાની સંભાવના સર્જકતામાં છે 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- 'ગુલાબ ક્યારેય વરસતા નથી. જો આપણે બેસુમાર ગુલાબ જોઈતા હોય તો આપણે તે વાવવાના અને ઉજેરવાના છે.'

એક,

સંગીતકારે સંગીત રચવાનું છે,

ચિત્રકારે ચિત્ર દોરવાનું છે,

કવિએ કાવ્ય લખવાનું છે.

જો માણસે પોતાની જાત સાથે સંગતમાં રહેવું હોય તો તે જે બની શકતો હોય તે તેણે અનિવાર્ય રૂપે બનવાનું છે. 

અબ્રાહમ મેસ્લો 

'ઈ' ઈરાનનો હોય કે ઇઝરાએલનો, 'અ' અમેરિકાનો હોય કે આરબ દેશોનો પણ જ્યારે અને જ્યાં માણસને મારવામાં આવે છે ત્યારે અને ત્યાં માણસાઈ મરે છે. આ તો ધગધગતું જગત અને બળતી જાત છે. અંદરનું અને બહારનું તાપમાન દઝાડે તેવું છે. આ પળ અને કાળ પડકાર છે, પીડા છે. આની વચ્ચે જ આપણા જીવનને આપણે અર્થ આપવાનો છે. પથરાળ અને ખડકાળ ભૂમિમાં આસ્થા અને આસ્તિક્તાનું વાવેતર કરવાનું છે. આપણા સ્નેહ અને સમજ કોઈ સર્જન દ્વારા અભિવ્યક્ત કરવાના છે.

એક વખત કોઈએ વંદનીય દલાઈ લામાને પૂછયું 'ઈ.સ. ૧૯૫૯ના તિબેટ પરના ચીની આક્રમણમાં હજારો તિબેટનોને મારી નખાયા. તે મિત્રોની ખોટ તમે શી રીતે ઝીરવી શક્યા?' તો તેઓ કહે છે 'મિત્રો તો કાયમ માટે છૂટી ગયા. તેની પીડા અને વિષાદ તો થયા પણ હા નવા મિત્રોનો અવકાશ રચાયો અને સંભાવનાઓ ખુલ્લી.' 

અર્થાત, જ્યારે પણ વય કે વાવાઝોડા થકી એક વૃક્ષ પડે છે ત્યારે-ત્યાં બીજાં છોડને વાવવાની શક્યતા પ્રગટે છે. આપણાં વૃક્ષના ચાલ્યા ગયાના વિષાદનો ઉપચાર આ વાવેતરમાં તો છે. ગ્રીષ્મ માત્ર એક ઋતુ નથી, ચિત્ત અને ચૈતન્યની અવસ્થા પણ છે. કશુક લીલુંછમ બહાર અને અંદર પ્રગટશે તેની બાંહેધારી પણ છે.

તમે જુઓ, ફ્રેન્ચ ચિત્રકાર ક્લોં મોનેને (ઈ.સ.૧૮૪૦ થી ઈ.સ. ૧૯૨૬). જ્યારે પત્ની એલીસ, પુત્ર જ્યોં અને મિત્ર ચિત્રકાર રેન્વા મૃત્યુ પામ્યા. જાણે કે તેને સમજનારાં ચાલ્યા ગયા. વિશ્વયુદ્ધનો અંધાર ઉતરી રહ્યો હતો. ત્યારે તેણે પેરીસ નજીકના ગીવર્ની  ગામમાં જળ કમળોનો બગીચો રચ્યો અને તેના ચિત્રો દોર્યા. કોઈ મઠના પાદરી જેમ તેણે તેના છેલ્લા શ્વાસ સુધી તે બગીચાને લીલોછમ્મ રાખ્યો. (આજે પણ તે તગતગે છે) જેને તે  'બુકે ટુ ફ્રાન્સ' કહી સૌને  આપતો ગયો. આ બાગ કે મઠ તેની સ્થિરતા, એકાગ્રતા, આસ્તિક્તાનો બનેલો છે.

કદાચ, દરેક સર્જન કે કૃતિ એક વિદ્રોહ છે. જયારે પણ જાત અર્થ ખોઈ નાખે ત્યારે સર્જક સ્વ+સ્થતા માટે મથે છે. આ સુક્ષ્મ અર્થમાં તેની મૃત્યુ સામેની લડાઈ છે. આ માટે સર્જક સાધના કરે છે; બાહ્ય મૌન માટે એકાંતની અને આંતરિક એકાંત માટે  મૌનની. 

ક્લોં મોને દ્વારા ક્ષણભંગૂર કમળ અને ઉજાસને તેના કેન્વાસમાં શાશ્વત બનાવવાની સાધના તે સ્થળને આનંત્ય અને પળને શાશ્વતી આપે છે. જ્ઞાની માટે  જે વિષાદ છે તેને  સર્જક એકાદ કૃતિ દ્વારા હઠાવે અને હરાવે છે. ઉજાસની નાશવંતતા સાથે સર્જક સાતતાળી રમે છે.

અહંકાર અને આક્રમકતાના ઉનાળા વચ્ચે શીતળતાની સંભાવના સર્જકતામાં છે. જ્યોર્જ એલીઅટ કહે છે, 

'ગુલાબ ક્યારેય વરસતા નથી. જો આપણે બેસુમાર ગુલાબ જોઈતા હોય તો આપણે તે વાવવાના અને ઉજેરવાના છે.'