- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- આ ક્લાસિક કથા યાદ દેવડાવે છે કે ''દંભી બ્રહ્મચારી સંત કરતાં પ્રામાણિક વેશ્યા સ્વર્ગની દાવેદાર છે!'' અને આમ પણ સહજ સહમતીનો સેક્સ ધરતી પર સ્વર્ગ છે.
ધ કિસ, ઓગસ્તે રોદોં (૧૮૮૨, પેરિસ)
ઇ સ્લામમાં તો બહુ લપ નથી ધાર્મિક થવા માટે બ્રહ્મચારી બનવાની પણ ખ્રિસ્તી ધર્મમાં તો સેલિબસીનો ચુસ્ત મહિમા. એટલે તો એમાં પણ આપણા બાવાઓ જેવા કાંડ-કૌભાંડ સદીઓથી આવ્યા કરે છે ને ઢાંકોઢૂબો કરતા ચર્ચ બાબતે હવે સ્વર્ગસ્થ એવા અભૂતપૂર્વ પોપ ફ્રાન્સિસે પણ ખોંખારો ખાઈને આવા પાખંડ કરતા તો સહજ સેક્સને ભગવાનની ભેટ ગણાવી હતી! ઇનફેક્ટ, એ મુદ્દે તો આખી રસપ્રદ નવલકથા છેક ૧૮૯૦ની સાલમાં ફ્રેંચ લેખક આનાતોલ ફ્રાન્સે લખેલી. જેનું નામ હતું 'થેયસ' - મુંશી પ્રેમચંદે એને હિન્દીમાં ઉતારેલી અને ગુજરાતી અનુવાદ પણ થયેલો જે આખો વાંચેલો છે. જુઓ સાર.
***
ચોથી સદીમાં થયેલી સત્યઘટના પર આધારિત નવલકથાનો પ્લોટ એવો છે કે ઈજીપ્તની નગરી એલેકઝાન્ડ્રિયામાં એક મશહૂર ગણિકા રહેતી. જેનું નામ હતું થેયસ. જોબન એના એકેએક અંગ પર હિલોળા લઇ ગયેલું એવી એ બેનમૂન રમણી હતી! એની પુષ્ટ કાયાના પ્રભાવી વળાંકો પર કૈંક જાણીતી હસ્તીઓ પણ લપસી જતી. એને વસ્ત્રવિહીન થવાનો સંકોચ નહોતો અને એ અવસ્થામાં એનો સહવાસ માણવા કંઈક શાહસોદાગરો પોતાના ખજાના ચરણે ધરવા તત્પર રહેતા. થેયસ વારાંગના હોવા છતાં એનો ઠાઠ કોઈ રાણી જેવો હતો. ખૂબસુરત મહેલમાં રહેતી. દાસીઓ એની સેવામાં હોય અને દાસ એના રક્ષણમાં. માત્ર એ ઈચ્છે એ જ એની નજીક જઈ શકે. ઉત્તમ વસ્ત્રાભૂષણ એનો દમામ વધારતા. એના અપૂર્વ સૌંદર્યની કીર્તિ દીવાનાઓએ દેશદેશાવર ફેલાવેલી. દૂરના સૂક્કા રણ પાસેના એક ખ્રિસ્તી મઠમાં રહેતા પાપનશ્યસ (મૂળ ફ્રેંચ ઉચ્ચાર કરતા આ વર્ઝન વધુ અર્થસભર છે!) નામના એક ખ્રિસ્તી સંન્યાસીના કાને પણ એના વખાણ આવતા. એના ભોગવિલાસના વર્ણન સાંભળીને પાપનશ્યસને ભારે સૂગ ને ચીડ ચડતી અને આ પાપિણીનો ઉદ્ધાર કરવાનું પ્રભુ કાર્ય પોતે કરી એને તારવી જોઈએ એવો એણે સંકલ્પ લીધો. આકરી યાત્રા કરીને થેયસનો ઉદ્ધારક બનવા પાપનશ્યસ ત્યાં પહોંચ્યો. આ રઝળુને પહેલા તો કોઈએ અંદર પણ આવવા ના દીધો.
પણ ભોગવિલાસના 'પાપ'નો નાશ કરીને પતિતપાવન થવાના સપનામાં તો એનો જીવ ચોંટેલો હતો. થેયસને જાતીય સુખનો મોહ હતો તો પાપનશ્યસને ઉદ્ધારનો મોહ હતો! જેમતેમ કરી એ માંડ અંદર પ્રવેશી શક્યો. પોતે તુચ્છ ગ્રાહક નથી એવી સ્પષ્ટતા સાથે દૂર પડદામાં રહેલી થેયસને એણે સંસારના પ્રલોભનો છોડવાની ધર્મવાણી સંભળાવી અને પવિત્રતાના માર્ગે જવાનો અનુરોધ કર્યો. થેયસ એની વાતો સાંભળી એને એકાંતમાં મળવા રાજી થઇ. એની સન્મુખ એ ઉભી રહી ત્યારે તો પાપનશ્યસ એના રૂપને જોઇને દંગ રહી ગયો! ઉપદેશ બધો ભૂલાઈ ગયોને સહારાના રણ જેવી તરસ છલકાઈ એની આંખોમાં, રોમેરોમમાં. હોંઠ જોઉં કે હથેળી, સ્તન જોઉં કે સાથળ, નાભિ જોઉં કે નિતંબ એવી મૂંઝવણને માંડ ખાળીને જેમતેમ કરી પરસેવે રેબઝેબ થઈને એણે ઉપદેશ શરૂ કર્યો. થેયસે પૂરા ભોળપણ સાથે એકચિત્તે એ સાંભળ્યો. સંસારના સાર બાબતે એના મનમાં વિચારોના વમળ ઉઠયા. પાપનશ્યસને અચાનક ભાન થયું કે પોતે કોણ છે એટલે એણે એને બનાવટી ક્રોધમાં અપમાનજનક શબ્દો કહ્યા. પોતાને તો નથી મળવાની એ નક્કી હતું એટલે એણે એને નરક ગણીને નિંદા કરી. થેયસે એકઝાટકે નિર્ણય લીધો કે પોતે આ બધા ભૌતિક સંસારને છોડીને સાધ્વી બનશે.
'કુલટા' થેયસને સન્માર્ગે લાવવાના દૈવી કાર્ય બાબતે ખુદને શાબાશી આપતો એ એની જોડે નગરમાંથી નીકળ્યો. પણ થેયસ એના મનમાંથી જતી નહોતી. એમાં તો એ રણમાં રસ્તો ભૂલી ગયો! થેયસ એની પાસે એકચિત્તે શાશ્વત નિર્વાણની વાત સાંભળતી ને પાપનશ્યસ જેમતેમ કરી પોતાના આકર્ષણને કાબૂમાં રાખતો. માંડ એ કોન્વેન્ટ સુધી પહોંચ્યો. થેયસ તો ત્યાં તરત સાધ્વી બની ગઈ પણ પાપનશ્યસ પોતાના મઠ જવા નીકળ્યો ત્યાં ન પહોંચી શક્યો. હવે એને પસ્તાવો થતો હતો કે એ આટલી નજીક હતી છતાં આવી સુંદરીને જવા કેમ દીધી! સપનામાં પણ એને થેયસ એના બાહુપાશમાં દેખાતી. પ્રાર્થનાઓ ભૂલતો ગયો કારણ કે એમાં પણ થેયસનો ચહેરો દેખાતો! એને શેતાનનું આ કાવતરું લાગ્યું. પણ પછી તો એણે શેતાનને કોસવાનો પણ બંધ કરી દીધો. થેયસ મળતી હોય તો ભગવાનનો રાહ છોડવા પણ ખાનગીમાં એ તૈયાર હતો!
એમાં એને સમાચાર મળ્યા કે થેયસ તો બીમાર છે. ફરી એ પડતો-આખડતો થેયસને પોતે જ જ્યાં સોંપી ત્યાં પહોંચ્યો. થેયસ મરણપથારીએ હતી. પણ બધાને હડસેલી પાપનશ્યસ એને વળગી પડતા પરાણે ટકાવેલા સંયમથી રહી ગયો. એનો હાથ પકડી થેયસે કહ્યું કે 'મને મારા માટે સ્વર્ગના ખુલતા દરવાજા દેખાય છે' અને ધર્મગુરુ પાપનશ્યસ બોલી ઉઠયો કે 'આ શ્રદ્ધા ને બધું તો ભ્રમ છે, દેહ સત્ય છે. આઈ લવ યુ. તું મારી જોડે...' પણ શાંતિથી થેયસે તો પ્રાણ છોડી દીધેલા. એના નિશ્ચેતન શરીરને જોઇને પોક મૂકી પાપનશ્યસે! વેશ્યા સંત થઇ ગઈ અને સાધુ કામી થઇ ગયો!
***
આ શીર્ષકમાં જે યાદગાર ગીતની પંક્તિઓ છે એ ફિલ્મ 'ચિત્રલેખા' ભગવતીચરણ વર્માની જે નવલકથા પરથી બળેલી એનું વિચારબીજ પણ એમને થેયસ વાંચીને આવેલું. ભારતમાં તો સેક્સ યાને કામ ને કોઈ હડકાયું કૂતરું હોય એમ હડે હડે કરવાનો રીવાજ જ નહોતો. અહી તો પ્રાચીન દરેક દેવાલયમાં (માત્ર ખજુરાહો નહિ) મૈથુનને ઉત્સવ માનતી મૂર્તિઓ દેખાશે. લિંગ યોનિનાં પૂજન અને અર્ધનારીનટેશ્વરનાં ઉત્સવની આ ઉદાત્ત અને ઉદાર સંસ્કૃતિ હતી. શિવ લલિતાસનમાં બેસીને યાને એક પગ નીચે ને બીજો અડધી પલાંઠી જેમ રાખી અંક યાને ખોળામાં જ પાર્વતીને સમીપે બેસાડે અને એક હાથ એમને વીંટાળી રાખે એવા સેંકડો શિલ્પ ભારતભરમાં દેખાશે. શિવ અને શક્તિ ઉર્જાનું મિલન છે, પ્રકૃતિ હોય એ પાપ થોડું હોય. સ્વયં કૃષ્ણ મહાભારતમાં ઉત્તરના ગર્ભને બચાવી સજીવન કરવા 'મેં આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો...' એવું બોલે છે. મતલબ, આજ અર્થમાં લગ્ન કે સેક્સનો નિષેધ કે વિજાતીય વ્યક્તિ કે પ્રેમ કે આકર્ષણથી દૂર રહેવું એ બ્રહ્મચર્યની પ્રાચીન વ્યાખ્યા હતી જ નહિ. નહિ તો વાલ્મીકિ મૈથુનમગ્ન પક્ષીયુગલને ખંડિત થતા જોઈને પહેલો શ્લોક ના લખે અને કોઈ લગ્ન કે પ્રેમ વિના પોતાના પિતા પરાશર ને માતા મત્સ્યગંધાના સમાગમથી પોતાની ઉત્પત્તિની કથા વેદવ્યાસ ના લખે.
જાણીતી કથા છે કે દિવસોના શાસ્ત્રાર્થ બાદ પતિ મંડનમિશ્રને શંકરાચાર્ય સામે પરાજિત થતા જોઇને પત્ની ભારતીએ ઝુકાવ્યું ચર્ચામાં અને કામશાસ્ત્ર વિષે શંકરાચાર્યને સવાલો પૂછયા ત્યારે શંકરાચાર્યે પોતાનું અજ્ઞાન સ્વીકારીને દેવી પૂજન કરી દંતકથા મુજબ અમરુક રાજાના દેહમાં પ્રવેશ કરીને એના અનુભવો લેવા પડયા હતા. એની વે, ઉદાહરણો ખૂટે એમ નથી. પણ શ્રમણ ધર્મોના આકરા નિયમો અને વિદેશી ગુલામીમાં આ રસિક ખુલ્લાપણું આપણે છોડી દીધું. જ્યાં ઈશ્વર યુગલ સ્વરૂપે પૂજાય, જ્યાં સ્તુતિના શ્લોકોમાં પણ સૌન્દર્યના ગ્રાફિક ડીટેઈલ્સ સાથે વર્ણન હોય એવા દેશમાં કમરની નીચે તાળું મારીને જીવવાનો વિક્ટોરિયન મહિમા એવો ચાલ્યો કે દેશ આખો પ્રકૃતિને વિકૃતિ માનતો દંભીસ્તાન બની ગયો!
હવે વારતહેવારે ધર્મના નામે કિસમ કિસમના સેક્સ સ્કેન્ડલ બહાર આવે છે. જાહેરમાં ધર્મગુરુઓ સેક્સને પાપ ગણાવી એના પ્રલોભનમાં રહેલી યુવાનીને વખોડે છે, એને બરબાદ ગણે છે. ખાનગીમાં પોતે નોર્મલ સંસારી કરતા પણ વધુ વિલાસો છેતરપિંડી કરીને ભોગવતા રહે છે. છીંડે ચડે એ ચોરની જેમ ચર્ચામાં આવે છે ને અંધભક્તો ટીકાને લીધે ધર્મની છાપ ખરાબ થશે એમ કહીને બીજા ધર્મોની દુહાઈઓ દેવા લાગે છે. અરે અધર્મની આલોચના એ પણ સનાતનનો વારસો છે ઢોંગની ટીકા કરવાથી ધર્મને ફાયદો થાય, એને છુપાવવાથી નુકસાન થાય! સંસારત્યાગીઓ જેટલા જલસા અબૂધોને ઉલ્લુ બનાવી કરે છે, એના કરતા વધુ સાત્વિક જીવન તો સંસારીઓ જીવે છે!
ત્રીસેક વર્ષ જુના સમાચાર છે. ત્યારે લખેલું ફરી રિવિઝન કરીએ. બનેલું એવું કે,અત્યંત સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત એવી કુક્કુ સુબ્રહ્મણ્ય પીઠના મુખ્ય પીઠાધીશ એવા ૪૬ વર્ષના બાળબ્રહ્મચારી તથા સમુદ્ધિ અને સત્તાના સ્થાનને દાયકાઓથી શોભાવતા સ્વામી વિદ્યાભુષણે આ બધી જ 'શાનોશૌકત' છોડી (બોલો, હવે સંન્યાસનો ત્યાગ કરવો હોય, તોય કરોડોની મિલકતની પળોજણો ટાળવી પડે છે!), પોતાની ૨૬ વર્ષની પ્રેયસી રમા સાથે લગ્ન કરી, જાહેરમાં સંસારનો સ્વીકાર કર્યો અને સંગીતને આજીવિકાનું સાધન બનાવ્યું! અને ગુમનામ થઇ ગયા. પણ કદી એ હેડલાઈનમાં હીરો થયા જ નહિ! બાકી એકથી વધુ સ્ત્રીઓ આજે પણ એમની સેવામાં હોત તો દંભ ચાલુ રાખ્યો હોત તો!
કદાચ કેટલાય સાધુઓ (ખાસ કરીને પાર્ટનર સાથેના સેકસના અનુભવ વિના જ કન્ડીશન્ડ માઈન્ડથી એને ધિક્કારવા લાગેલા બાળદીક્ષાર્થીઓ)એ જે મીઠાં સ્વપ્નને 'ઘોર પાપ' ગણીને મનમાં ધરબી દીધું હશે, એનું અમલીકરણ એક ખરેખરા 'પ્રબુદ્ધે' કરી બતાવ્યું. કોઈ તદ્દન સામાન્ય કક્ષાની પ્રતિભા ધરાવતી વ્યક્તિ પણ સંસારત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરે કે આપણાં શીશ અહોભાવથી ઝૂકી જાય છે. મીડિયાના કેન્દ્રમાં એ આવી જાય છે. સંસારવિરોધી સંતવર્યોના અવનવા નિમિત્ત તળે યોજાતા ભવ્યાતિભવ્ય મેળાવડાઓ જોઈને આપણે ધન્ય ધન્ય થઈ જઈએ છીએ. સંસાર અસાર છે એવું સાહજિકપણે સ્વીકારનારને આટલો માનમરતબો મળે, તો પછી જેને સાધુત્વ સ્વાદહીન લાગ્યું હોય એવી વ્યક્તિ સંસારપ્રવેશ કરે, ત્યારે વિકૃત સંન્યાસ કરતાં શુદ્ધ ગૃહસ્થીને મહત્ત્વ આપવાની તેની પારદર્શક પ્રામાણિકતા બદલ-એ વિશેષ અહોભાવનો અધિકારી નથી બનતો? ઊલટું, આ દેશમાં તો તેના આ સાહસકાર્ય બદલ વીરચક્ર એનાયત થવું જોઈએ! આવો નિર્ણય દંભી ધર્માંધ બાવાઓ અને એથીયે ચાર ચાસણી ચડે એવા તેમના બધી વાતે પૂરા અનુયાયીઓથી બનેલા રુગ્ણ સમાજમાં લેવો, એ ખરેખર કપરું અને દાદ માગી લે તેવું સો ટચનું પુણ્યકાર્ય છે!
સદીઓથી ધર્મક્ષેત્રે પ્રવર્તતી એક કરુણતા એ જ રહી છે કે માફિયા ગેંગની માફક એ ક્ષેત્રે પ્રવેશ જેટલો સન્માનપૂર્વક અને સરળતાથી થાય છે, એટલી આસાનીથી એકઝિટ થઈ શકતી નથી! સંપ્રદાયો પરસ્ત્રી તો ઠીક, સ્વજનોને પણ નાહક પ્રલોભન ગણીને તરછોડે છે. બધા ધર્મો-સંપ્રદાયો તમે એમના પ્રથમ પરિચયમાં આવો ત્યારથી જ તમારું સૂક્ષ્મ શોષણ અને પ્રત્યક્ષ બ્રેઇન વૉશિંગ કરે છે. માર્કેટિંગના કુશળ સેલ્સપર્સનની માફક તમને પહેલાં પોતાના અનુયાયી-શ્રીમંત હો તો દાતા અને ગરીબ હો તો કાર્યકર બનવા માટે અને અંતે પોતાના પંથમાં દીક્ષિત થવા માટે પ્રેરે છે, અથવા રીતસર ધક્કા મારે છે. પોતાના વિચારો કે સભ્યસંખ્યાના પ્રચાર-પ્રસાર માટેના આ ઉત્સાહમાં તેમાંના કોઈને એવું નથી થતુ કે 'ચાલો મુક્ત આત્મસંશોધન કરીને નિહાળીએ કે આપણા દીક્ષાર્થીઓમાંથી કોઈ -ગૂંગળાતું તો નથી ને? એવો અંદેશો પણ આવે તો
તેને પરાણે પકડી રાખવાને બદલે ચાલો સપ્રેમ સંસાર ભણી પરત વળાવીએ!
આપણે તો ઋગ્વેદના એ ઋષિ અગત્સ્યના વારસદાર છીએ જેમણે પોતાની મનગમતી પત્ની લોપામુદ્રાનું સર્જન ખુદ કરેલું! ને એ સુક્ર્યાના ને જેણે પોતાના પતિ ચ્યવન ઋષિની જીવનના ભોગ ભોગવતી યુવાની પાછી મેળવેલી. આશ્ચર્યજનક વિરોધાભાસ એ છે કે બધા ધર્મો નિર્મળ પ્રેમને કેન્દ્રમાં રાખે છે. પ્રેમ તણો પવિત્ર મહિમા ગાય છે. તેમાં પાડોશીને, સમાજને, દેશને, વૃક્ષને, પશુ-પંખીઓને, આશ્રિતોને, શિષ્યોને - લગભગ બધાંને પ્રેમ કરવાના આદેશો છે, પણ સ્ત્રી અને પુરુષ વચ્ચેના એકદમ નૈસગક પ્રેમને તુચ્છકારથી જોવામાં આવે છે!
ખરેખર તો જ્યાં સ્ત્રી-પુરૂષ વચ્ચે અંતર વધુ, ત્યાં મૈથુનમોહ વધુ! આદિવાસીઓ કે પ્રાણીઓમાં બ્રહ્મચર્યનું ભૂત હોતું નથી. માટે વિષયવાસનાનું પલીત પણ હોતું નથી! કેવળ પ્રજોત્પતિ માટે જ દેહસંબંધ બાંધવાનો લવારો તો તદ્દન હમ્બગ છે. તો-તો જીવનમાં માણસે માંડ ૫-૬ વાર સેક્સ માણવાનો થાય. અન્ય પ્રાણી કે વનસ્પતિમાં કુદરતે ચોક્કસ ઋતુકાળ મૂક્યો છે. માણસમાં કોઈ ઋતુકાળ નથી. માણસ માટે સેકસસુખની સંવેદનાઓ પ્રકૃતિએ સતત જાગ્રત રાખી છે. એવી કોઈ મેન્ટલ સ્વીચ નથી કે સેક્સની ઈચ્છા કે વિચાર સદંતર કાયમ માટે બંધ થઇ જાય. એ કુદરત સામે ખાલીખોટું લડવા જેવું છે. સેક્સની તાકાત ભક્તિ કરતા મોટી છે. પરમાત્માએ ઉત્ક્રાંતિમાં તેના જનન અવયવો હટાવ્યા નથી. કુદરત પાસે પ્રજનનના ઘણા તરીકાઓ છે. પણ એણે માણસમાં સેક્સની 'આનંદાનુભૂતિ' (પ્લેઝર ફીલિંગ) રાખીને, સંતાનોત્પત્તિ વિના પણ સેકસસંબંધ બાંધવા- અને તેનું વારંવારનું પુનરાવર્તન કરવાનું ચૂંબકીય આકર્ષણ મૂક્યું છે.
સેક્સ ઈઝ ફન. આટલું સિમ્પલ સત્ય સ્વીકારવામાં તકલીફ પડે છે. જેનો લાભ ઉસ્તાદ મહિલાઓ પણ ઉઠાવે છે. પ્લેઝર કોઈ પણ હોય એ પરસ્પરની સહમતીથી થવો જોઈએ ને એમાં લવ ના હોય તો ભલે, ચીટીંગ ના હોવું જોઈએ ને પોતે કરતા હો ને બીજાને જુદું કહી રોકતા હો એવો દંભ ના હોવો જોઈએ. બાકી, સેક્સ વધુ કરવાથી નબળાઈ આવી જાય કે વીર્ય સાચવવાથી શક્તિ વધે આ બધા અવૈજ્ઞાનિક ગપ્પા છે. ફ્રેશ થઇ જાવ સારા શરીરસંબંધ પછી. હેપી ને હેલ્ધી રહો. સ્ત્રીઓમાં બ્રેસ્ટ ને પુરુષોમાં પ્રોસ્ટેટના કેન્સર જેવી બીમારીઓ ઘટે. હોર્મોન્સ બેલેન્સ્ડ રહે ને સ્વભાવ ચીડિયો ના થાય! મનુષ્યનો સેક્સ માત્ર મેટિંગ નથી, રિપ્રોડક્શન પણ નથી. પણ ક્રિએટીવ સુખ છે. ઈમેજીનેશન છે, ફોટો, અવાજ, ગંધ કે નૃત્ય પણ ઉત્તેજિત કરી શકે એને.
બસ, ધર્મ કોઈના શોષણ વિના જેવા હો એવા દેખાવાની નેચરલ ઈમાનદારીમાં છે, નીતિ-નિયમોના નિયંત્રણમાં નથી.
ફાસ્ટ ફોરવર્ડ
સ્ત્રીને સેકસ માટે રાજી કરવા શું કરવું? જવાબ - ગિફટ આપવી, પંપાળવી, મસાજ કરવો, વખાણ કરવા, એનું કામકાજ કરી આપવું, મદદ કરવી, રસોઈ બનાવવી, જમાડવી, સાથ આપવો, હસાવવી, ટીકા ટાળવી, ભેટવું, સંપર્ક રાખવો, રક્ષણ કરવું, વાળમાં હાથ ફેરવવા, વાયદાઓ આપવા, સપનાઓ બતાવવા, ગલીપચી કરવી, મનોરંજન માટે બહાર ફરવા લઈ જવી, ભરોસો બતાવવો, થાબડવી, સમર્પણ કરવું.
અને પુરૂષને સેક્સ માટે રાજી કરવા માટે સ્ત્રીએ શું કરવું? જવાબ - અનાવૃત થઈ જવું!
(વિશ્વવિખ્યાત વિજ્ઞાની ડૉ.એલન પીઝની રમૂજ)


