- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- દેશમાં લાઈટ ફિશિંગ પર 2017માં પ્રતિબંધ મૂકાયો હોવા છતાં કેટલાય રાજ્યોમાં અનેક ઈન્ડસ્ટ્રીયલ બોટ્સ આ પ્રતિબંધિત ટેકનિકનો છૂટથી ઉપયોગ કરે છે
મા છીમારી. દુનિયામાં સૌથી જૂના ધંધાની વાત આવે તો એમાં એનો સમાવેશ થાય છે. ઓછામાં ઓછા એક લાખ વર્ષ પહેલાં માછીમારી થતી હોવાના આર્કિયોલોજિકલ પુરાવા મળી આવ્યાં છે. શિકાર અને માછીમારી એ માણસની સર્વાઈવલ મેથડનો ભાગ હોવાથી એની આવડત શરૂઆતમાં જ કેળવાઈ ગઈ હતી. જોકે, ફિશિંગની આવડત માત્ર કાંઠાં વિસ્તાર પૂરતી મર્યાદિત હતી. દરિયાની અંદરથી માછલીઓ શોધવાની પદ્ધતિ પાંચ હજાર વર્ષ પહેલાં વિકસી હોવાનું મનાય છે. સંશોધકોના કહેવા પ્રમાણે દરિયાના પેટાળમાંથી માછલીઓ શોધવાની ટેકનિક માણસે બોટની શોધ થયાના ત્રણ-ચાર હજાર વર્ષ પછી વિકસાવી હતી. શરૂઆતમાં બોટનો ઉપયોગ માછીમારીના હેતુથી નહીં, પરંતુ પરિવહનના હેતુથી થતો હતો.
ઈજિપ્ત, ચીન અને રોમમાં માછીમારીએ ત્રણેક હજાર વર્ષ પહેલાં વેપારનું સ્વરૂપ લીધું હતું, પરંતુ માછીમારી ખરા અર્થમાં બિઝનેસ બન્યો છેક ૧૫મી સદીમાં. આજની ફિશરીઝ ઈન્ડસ્ટ્રીને આકાર આપવાનો યશ યુરોપને જાય છે. સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થયો પછી ફિશિંગ સરળ બન્યું ને માછલીઓની જાળવણી પણ આસાન બની. ૧૯મી સદીમાં મોડર્ન ફિશરીઝને શેપ મળ્યો.
માછલીઓ પકડવા માટે આધુનિક નેટ્સથી લઈને સુવિધાજનક બોટ્સ બનવાનું શરૂ થયું ૨૦મી સદીમાં. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા-જાપાન જેવા દેશોમાં બ્લૂ રિવોલ્યૂશન થયું. માછીમારી પરંપરાગત અને જોખમી ધંધો ન રહ્યો. માછીમારી અને સીફૂડ પ્રોસેસિંગે વિશાળ ઈન્ડસ્ટ્રીનો આકાર લીધો.
***
૨૧મી સદીમાં માછીમારી દુનિયાની મહત્ત્વની ઈન્ડસ્ટ્રી બની ચૂકી છે. આજે દુનિયાના ૩૦૦ કરોડ લોકો સીફૂડ આરોગે છે. દુનિયામાં સીફૂડની માથાદીઠ વાર્ષિક એવરેજ ૨૦ કિલોએ પહોંચી ગઈ છે. ફિશરીઝનું ગ્લોબલ માર્કેટ ૪૭૦ અબજ ડોલરનું છે અને ૨૦૩૦ સુધીમાં એક ટ્રિલિયન ડોલરને પાર પહોંચી જાય એવો અંદાજ છે.
દુનિયામાં ૫૦ કરોડ લોકો આર્થિક રીતે ફિશરીઝ પર આધારિત છે. છ કરોડ લોકો માછીમારી સાથે સીધા જોડાયેલા છે. ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં માછીમારીના હેતુથી નાની-મોટી ૫૦ લાખ બોટ્સ રજિસ્ટર થઈ છે અને દરરોજ પાંચ લાખ બોટ્સ ઓપરેટ થાય છે. એમાંથી વળી સાડા ત્રણ લાખથી વધુ બોટ્સ ઈન્ડસ્ટ્રીયલ છે. થોડા દાયકા પહેલાં નાની-મોટી હોડીઓ માછીમારોના રોજગારનું મુખ્ય સાધન હતી, પરંતુ હવે કમર્શિયલ બોટ્સ કંપનીઓના માધ્યમથી પ્રોફેશ્નલી ઓપરેટ થાય છે અને એમાં મોડર્ન ટેકનોલોજીનો છૂટથી ઉપયોગ થાય છે. આ પ્રકારની બોટ્સનો હેતુ છે - મેક્સિમમ પ્રોડક્શન.
વધુમાં વધુ માછલીઓનો જથ્થો મેળવવાની આ કવાયતના ભાગરૂપે જે ટેકનિક્સનો ઉપયોગ શરૂ થયો એમાંની એક છે - લાઈટ ફિશિંગ. નામ પ્રમાણે ફિશિંગ વખતે લાઈટ્સનો ઉપયોગ થાય છે, ખાસ તો માછલીઓને ખૂબ આકર્ષે એવી ગ્રીનલાઈટનો. ગ્રીન ઉપરાંત વ્હાઈટ અને બ્લૂ લાઈટ્સ પણ વપરાય છે. બોટમાંથી પ્રકાશનો શેરડો પડે કે એનાથી આકર્ષીને માછલીઓ જથ્થામાં સપાટી પર આવવા માંડે. નેટ ભરાઈ જાય એટલી માછલીઓ આવી જાય કે તેને પકડી લેવામાં આવે. આ ટેકનિક શરૂઆતમાં તો બહુ ઉપયોગી લાગતી હતી, પરંતુ ધીમે ધીમે તેની સાઈડઈફેક્ટ ધ્યાનમાં આવી. પરંપરાગત માછીમારીને તેનાથી મોટો ફટકો પડયો. મરીન ઈકોસિસ્ટમ સામે પણ જોખમ ખડું થયું.
***
૨૦૧૫ પછી અનેક દેશોએ લાઈટ ફિશિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. જાપાન, ઈટાલી જેવા દેશોમાં સીઝન અને ઊંડાઈના આધારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લાઈટ ફિશિંગ કરતી બોટ પકડાય તો લાખોનો દંડ થાય છે. બોટ જપ્ત કરી લેવા સુધીના પગલાં ભરાય છે. ભારતમાં સતત રજૂઆતો બાદ ૨૦૧૭માં લાઈટ ફિશિંગ પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં સ્થાનિક સરકારી અધિકારીઓની મીઠી નજરથી કે પછી ગમે તેમ પણ કમર્શિયલ બોટ્સ લાઈટ ફિશિંગ કરે છે.
તેની સામે પરંપરાગત ટેકનિકથી માછીમારી કરતાં લાખો માછીમારો વિરોધ કરે છે. લાઈટ ફિશિંગની મદદથી કંપનીઓ જથ્થાબંધ માછલીઓ પકડી લે છે ને માછીમારોની નાની બોટ્સ ખાલી રહી જાય છે. જો કંપનીઓની બોટ્સ લાઈટ ફિશિંગ કરતાં પકડાઈ જાય તો મેનેજ કરી શકાય. માછીમારોની નાની બોટ્સ ઝડપાય તો તેમના માટે દંડ ભરવાનું મુશ્કેલ થઈ પડે છે. વળી, રાજ્યો પ્રમાણે દંડની જોગવાઈ જુદી હોવાથી તેનો ગેરલાભ લેવામાં આવે છે. દંડની સરખામણીએ માછલીનો જે જથ્થો પકડાય તેનો ફાયદો વધારે હોય છે એટલે પકડાવાનો ડર ઓછો છે.
લાઈટ ફિશિંગથી પરંપરાગત માછીમારીને તો અસર થાય જ છે, દરિયાઈ જીવસૃષ્ટિ પર ગંભીર ખતરો સર્જાય છે. લાઈટ ફિશિંગથી એવી માછલીઓ પણ જાળમાં આવી જાય છે જેને પકડવાની હોતી નથી. સાવ નાની માછલીઓ લાઈટથી આકર્ષાઈને ઉપર આવી જાય છે. નાની માછલીઓનું આ રીતે નિકંદન નીકળતું રહે તો લાંબાંગાળે માછલીઓની વસતિમાં અસર થાય. મરીન ઈકોસિસ્ટમ ખોરવાઈ જાય. રાતે દરિયામાં પ્રકાશ વધતો જાય તો પ્રકાશ પ્રદૂષણની આડઅસર દરિયાઈ જીવસૃષ્ટિ પર થઈ શકે અને તેનાથી મરીન લાઈફ પ્રભાવિત થશે.
ભારતમાં કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના દરિયામાં લાઈટ ફિશિંગનું પ્રમાણ વધારે જોવા મળે છે, પરંતુ હવે તો ગુજરાતના માછીમારો પણ ફરિયાદ કરતાં થયા છે. આજે ૫મી એપ્રિલે નેશનલ મેરીટાઈમ ડે છે. દર વર્ષે થીમ આધારિત ઉજવણી થાય છે એ ઠીક છે, પરંતુ જો આવા દૂષણો ડામવામાં નહીં આવે તો દેશની ફિશરીઝ ઈન્ડસ્ટ્રી પર મોટો પડકાર સર્જાશે. પરંપરાગત રીતે માછીમારી પર નિર્ભર લાખો લોકો કમર્શિયલ બોટ્સના લાઈટ ફિશિંગ આક્રમણથી બેરોજગાર થઈ જાય તે પહેલાં સમયસરના પગલાં ભરવા જરૂરી છે.
બાયકેચ : સેંકડો દરિયાઈ જીવોના વિનાશનો ખતરો
માછીમારીની ભાષામાં બાયકેચ એને કહેવાય છે કે જે દરિયાઈ જીવોને પકડવાનો હેતુ નથી હોતો છતાં પકડાઈ જાય છે. દુનિયામાં દર વર્ષે લગભગ ૧૦ કરોડ ટન માછલીઓ પકડાય છે. એમાંથી બાયકેચ કહેવાય એવા સજીવો ૪૦ ટકા જેટલા હોય છે. એ હિસાબે ૩.૮ કરોડ ટન જેટલા દરિયાઈ સજીવો હેતુ ન હોવા છતાં પકડાઈ જાય છે. એમાંથી બહુ ઓછાને પાછા દરિયામાં મૂકી શકાય છે, તેના પરિણામે બાયકેચ દરિયાઈ જીવો માટે દિવસે દિવસે ખતરો સાબિત થાય છે. ટાર્ગેટ ન હોવા છતાં જે સમુદ્રી જીવો પકડાય જાય છે એમાંથી મોટાભાગનાનો માછલીઓ સાથે વેપાર થાય છે. કાચબા, શાર્ક, સીબર્ડ્સ વગેરેની વસતિ ઘટી જવા પાછળ પ્લાસ્ટિક, પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ જેવા મહત્ત્વના કારણોમાં એક કારણ છે - બાયકેચ. તેની ખતરનાક અસરના આંકડાં તપાસીએ - બાયકેચના પરિણામે વર્ષે અઢી લાખ કાચબા મૃત્યુ પામે છે. ૧૦ કરોડ શાર્કના મોત થાય છે. ૨૦ પ્રકારના ત્રણ લાખ સીબર્ડ્સનો વર્ષે ખાતમો બોલે છે. દુનિયામાં ટોટલ ફિશિંગમાં બાયકેચનો રેશિયો ૪૦ ટકા છે, જ્યારે ભારતમાં તો આ સરેરાશ ચિંતાજનક રીતે ૫૦ ટકાએ પહોંચે છે.
ગ્રીનલાઈટના ઉપયોગ સામે નાસાની 'લાલબત્તી'
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી ભારતના દરિયાકાંઠાંના ફોટો લેવામાં આવ્યા હતા. નાસાએ એ ફોટો થોડા સમય પહેલાં જાહેર કર્યા હતા અને ભારતના દરિયાકાંઠે માછીમારી માટે ગ્રીનલાઈટના વધતા ઉપયોગ સામે ચિંતા વ્યક્ત કરી હતી. ફોટો ૪૧૫ કિ.મીની ઊંચાઈએથી લેવાયો છે છતાં એમાં આખાય દરિયાકાંઠે મોટી સંખ્યામાં ગ્રીનલાઈટ સ્પષ્ટ દેખાઈ રહી છે. અગાઉ ૨૦૧૮માં પણ નાસાએ આંદામાન ટાપુ નજીક બિછાવાયેલી ગ્રીનલાઈટની તસવીર જાહેર કરી હતી.
લાઈટેડ નેટથી અનેક દરિયાઈ જીવોને રક્ષણ
લાઈટ ફિશિંગથી તદ્ન અલગ લાઈટેડ નેટના ઉપયોગનો હેતુ અનેક દરિયાઈ જીવોને રક્ષણ આપવાનો હોય છે. લાઈટેડ નેટ એટલે માછલી પકડવાની જાળમાં જ અંદર લગાવેલી લાઈટ, પણ એ તીવ્ર હોતી નથી. તેનો પ્રકાશ ન પકડવાના હોય એવા સજીવોને ઓળખવા માટે ઉપયોગી થાય છે. લાઈટેડ નેટને નેટ ઈલ્યૂમિનેશન પણ કહેવામાં આવે છે. લાઈટ ફિશિંગ જે તે ભાગમાં પ્રકાશિત થઈને માછલીને આકર્ષે છે, જ્યારે નેટ ઈલ્યૂમિનેશનમાં માત્ર નેટ પૂરતો જ પ્રકાશ રેલાય છે. તેના ઉપયોગ વગર દુનિયામાં અનેક શાર્ક જાળમાં ફસાઈ જતી હતી. નેટ ઈલ્યૂમિનેશનના કારણે ૯૩ ટકા જેટલી શાર્ક પકડાતી ઓછી થઈ છે અને કાચબા, દરિયાઈ પક્ષી જેવા કેટલાય સજીવો કે જે ફિશિંગના ટાર્ગેટમાં નથી હોતા તેને ૪૦ ટકા સુધી જાળમાં ફસાતા રોકી શકાય છે. મેક્સિકોની ખાડીમાં સૌથી વધુ કાચબા બિનજરૂરી રીતે પકડાઈ જતાં હતા, એમાં નેટ ઈલ્યૂમિનેશનના કારણે ૬૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ઘણાં દેશોમાં આવી લાઈટ્સ સામેય સવાલો ઉઠતા રહે છે. ઘણાં એક્સપર્ટ્સ દલીલ કરે છે કે ઈન્ડસ્ટ્રીયલ બોટ્સ નેટ ઈલ્યૂમિનેશનના નામે એ જ લાઈટનો ઉપયોગ ઓવર ફિશિંગ માટે કરે છે.


