- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- સાયન્સ ફિક્શનના ચાહકો... તમે પ્રોજેક્ટ હેઇલ મૅરી જોઈ? મસ્તમજાની નવલકથા પરથી બનેલી આ અફલાતૂન ફિલ્મમાં એવું તે શું છે કે ફિલ્મી પંડિતો તેને ઓલરેડી એક માસ્ટપીસ ગણવા લાગ્યા છે?
'ધુ રંધર-ટુ'ને કારણે સોશિયલ મિડીયામાં ફાટી નીકળેલા ઘમાસાણ યુદ્ધમાંથી નવરા પડયા? 'ઘુરંધર' સિવાયની ફિલ્મો વિશે વિચારવાની મોકળાશ મળી? જો હા, તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. ભારતમાં હાલ હોલિવુડની એક અફલાતૂન ફિલ્મ ચાલી રહી છે - 'પ્રોજેક્ટ હેઇલ મૅરી'. આ એક સાયન્સ ફિક્શન છે. જો તમને 'ગ્રેવિટી' અને 'ઇન્ટરસ્ટેલર' પ્રકારની અવકાશવિજ્ઞાન સંબંધિત ફિલ્મોમાં જલસો પડતો હોય તો 'પ્રોજેક્ટ હેઇલ મૅરી' તમારા માટે જ છે. ૨૦૦ મિલિયન ડોલર (લગભગ ૧,૮૬૮ કરોડ રૂપિયા)ના ખર્ચે બનેલી આ ફિલ્મ ઓલરેડી હિટ થઈ ચૂકી છે અને કેટલાય ફિલ્મી પંડિતોના મત મુજબ તે એક માસ્ટરપીસ છે. એવું તે શું છે 'પ્રોજેક્ટ હેઇલ મૅરી'માં? ચાલો, જોઈએ. (ડોન્ટ વરી, અહીં કોઈ સ્પોઇલર નથી!)
વાર્તાની શરૂઆતમાં જ હીરો રાયલેન્ડ ગ્રેસ (રૂપકડો રાયન ગોસલિંગ) લાંબી નિંદ્રા પછી એકાએક ઝબકીને જાગે છે. એની દાઢી આડેધડ વધી ગઈ છે. એ જુએ છે કે પોતે એક વિરાટ સ્પેસશિપમાં છે. એની યાદશક્તિ શિથિલ થઈ ગઈ છે. એને સમજાતું નથી કે પોતે આ સ્પેસશિપમાં ક્યાંથી આવી ગયો? એને ખબર પડે છે કે એનું અવકાશયાન તો પૃથ્વીથી કેટલાંય પ્રકાશ વર્ષ દૂર પહોંચી ગયું છે! ધીમે ધીમે એને યાદ આવે છે કે એ તો એક સ્કૂલમાં ટીચર હતો અને બચ્ચાંઓને વિજ્ઞાન ભણાવતો હતો. માસ્તર બનતા પહેલાં એ એક મોલેક્યુલર બાયોલોજિસ્ટ હતો.
ગ્રેસને ટુકડાઓમાં બધું યાદ આવતું જાય છે. એ પૃથ્વી પર હતો ત્યારે એક ખોફનાક ઘટનાક્રમ આકાર લઈ રહ્યો હતો. વૈજ્ઞાનિકોએ જોયું કે આપણો સૂર્ય ધીમે ધીમે ઝાંખો પડી રહ્યો છે. એસ્ટ્રોફેજ નામનું માઇક્રોઓર્ગેનિઝમ (સૂક્ષ્મ જીવ) સૂર્યને ધીરે ધીરે 'ખાઈ' રહ્યો છે. ગ્રીક ભાષામાં એસ્ટ્રોફેજનો અર્થ જ થાય છે સ્ટાર-ઇટર, તારાને ખાનારો. સૂર્યની સપાટી પર એસ્ટ્રોફેજની વસતિ ભયાનક ઝડપે વધી રહી છે. સૂર્ય ઝાંખો પડવાને કારણે પૃથ્વીનું તાપમાન ઉત્તરોત્તર ઘટતું જવાનું છે. જો આ સિલસિલો અટકશે નહીં તો ભયાનક પરિણામ આવશે ને ૩૦ જ વર્ષમાં પૃથ્વી પર માણસજાત સહિતની સમગ્ર જીવસૃષ્ટિનો સફાયો થઈ જશે.
આ સિલસિલો અટકે કેવી રીતે? સૌથી પહેલાં તો આ એસ્ટ્રોફેજ નામની પેલી બલાના નમૂના એકઠા કરીને તેનો બારીકાઈથી અભ્યાસ કરવો પડે. એકલી પૃથ્વી જ નહીં, પૃથ્વીની આસપાસના કેટલાય ગ્રહોનું અસ્તિત્ત્વ આ એસ્ટ્રોફેજને કારણે જોખમમાં મૂકાઈ ગયું છે. હા, તાઉ સેટી નામનો એક પાડોશી તારો બચી ગયો છે. એનું શું કારણ? તાઉ સેટીમાં એવું તે શું છે કે જેના કારણે અસ્ટ્રોફેજની તેના પર કશી અસર થતી નથી? આ બધા સવાલોના જવાબ મેળવવા દુનિયાભરની સરકારોએ ભેગા મળીને એક સ્પેસ મિશન આદર્યું છે. મિશનનું નામ છે, પ્રોજેક્ટ હેઇલ મૅરી. ઈવા સ્ટ્રેટ (સાન્ડ્રા હૂલર) નામની એક કડક દિમાગની મહિલા આ મિશનની ઇન-ચાર્જ છે. મિશન એવું છે કે પૃથ્વી પરથી ચુનંદા અવકાશયાત્રીઓને કેટલાય પ્રકાશવર્ષ દૂર આવેલા પેલા તાઉ સેટી નામના તારા પર મોકલવા. તેઓ ત્યાં જઈને એસ્ટ્રોફેજ વિશે શક્ય એટલી માહિતી એકઠી કરે, એક્સપેરિમેન્ટ્સ કરે અને સઘળો ડેટા પૃથ્વી પર મોકલે. ખરેખર તો આ સુસાઇડ મિશન છે. અવકાશયાત્રીઓ પૃથ્વી પર ક્યારેય પાછા ફરી નહીં શકે તે લગભગ નિશ્ચિત છે. આપણા હીરોને આ લોકોએ બળજબરીથી સ્પેસશિપમાં બેસાડીને તાઉ સેટી તારા તરફ ફંગોળી દીધો છે.
સ્પેસશિપમાં ભાનમાં આવેલો હીરો જુએ છે કે સ્પેસશિપમાં બે સાથી અવકાશયાત્રીઓની લાશ પડી છે. મતલબ કે આખા અવકાશયાનમાં એ એકલો જ જીવતો છે! જેવું અવકાશયાન તાઉ સેટી તારા નજીક પહોંચે છે કે હીરોની નજરે એક બીજું અવકાશયાન પડે છે... અને તે અવકાશયાન કોઈ અજાણ્યા પરગ્રહવાસીઓનું છે! એલિયન યાન ગ્રેસના યાન સાથે સંધાન કરે છે અને તેમાંથી એક પરગ્રહવાસી આપણા હીરો પાસે આવે છે. શરૂઆતમાં તો ગ્રેસ આ એલિયનને જોઈને ફફડી ઉઠે છે. એને સમજાતું નથી કે આ છે શું? એલિયન થોડો થોડો કરોળિયા જેવો દેખાય છે, થોડો થોડો ઓક્ટોપસ જેવો
દેખાય છે. એને મોઢા જેવું કશું છે જ નહીં. જાણે પથ્થરનું બન્યું હોય એવું તેનું શરીર છે. ગ્રેસ એનું નામ પાડે છે - રૉકી. રૉક એટલે પથ્થર.
પછી શું થાય છે? રૉકી નામનો આ એલિયન દુશ્મન છે કે દોસ્ત? એ શું કામ તાઉ સેટી તારા પર પધાર્યો છે? શું એના ગ્રહ પર પણ પૃથ્વી જેવી કટોકટી સર્જાઈ છે? શું એ પણ પોતાના ગ્રહને બચાવવાની મથામણ કરી રહ્યો છે? એન્ડમાં શું થાય છે? આ બધા સવાલોના જવાબ તમારે જાતે 'પ્રોજેક્ટ હેઇલ મૅરી' ફિલ્મ જોઈને શોધી લેવાના છે.
***
'પ્રોજેક્ટ હેઇલ મૅરી' આ જ ટાઇટલ ધરાવતી નવલકથા પર તે આધારિત છે. નવલકથાકારનું નામ છે, એન્ડી વીઅર. તમે મેટ ડેમનવાળી પેલી બમ્પર હિટ ફિલ્મ 'ધ માર્શન' (અથવા 'ધ માર્શિઅન', ૨૦૧૫) જોઈ છે? આ ફિલ્મ પર એન્ડી વીઅરની એ જ શીર્ષક ધરાવતી નવલકથા પર આધારિત છે. આ બે નવલકથાઓને પ્રતાપે એન્ડી વીઅર આજની તારીખે ઉત્કૃષ્ટ સાયન્સ ફિક્શન લખતા વાર્તાકાર તરીકે વિશ્વ સ્તરે ખ્યાતિ પામ્યા છે.
૫૪ વર્ષીય એન્ડીનો જન્મ થયો અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં. એમના ફાધર ફિઝિસિસ્ટ અને મધર ઇલેક્ટ્રિકલ એન્જિનીયર. તેથી ઘરમાં નાનપણથી જ વિજ્ઞાનનો માહોલ. એમને આર્થર સી. ક્લાર્ક અને આઇઝેક એસિમોવની વિજ્ઞાનકથાઓ વાંચવી ખૂબ ગમે. કમ્પ્યુટરમાં તેઓ એટલા જાણકાર થઈ ગયા હતા કે પંદર વર્ષની ઉંમરે એક કંપનીએ એમને કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરીએ રાખેલા! મજા જુઓ. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં તેઓ કમ્પ્યુટર સાયન્સનું ભણવા તો ગયા, પણ ગ્રેજ્યુએટ ન થયા. ભણતર અધૂરું મૂકીને તેઓ જુદી જુદી સોફ્ટવેર કંપનીમાં જોબ કરવા લાગ્યા.
એમને વાર્તાઓ લખવાનો શોખ. જોકે વાર્તાઓ લખીને તેઓ કોઈ અખબાર કે મેગેઝિનમાં ન મોકલે, બલકે પોતાની ખુદની વેબસાઇટ પર ઓનલાઇન પોસ્ટ કરે. એમણે 'થેફ્ટ ઓફ પ્રાઇડ' નામની નવલકથા લખી હતી, પણ કોઈ પ્રકાશક તે છાપવા તૈયાર નહોતો થયો. એન્ડી વીઅરની પહેલી સફળ નવલકથા એટલે 'ધ માર્શન'. તેમાં એક એવા અવકાશયાત્રીની વાત છે, જે માર્સ (મંગળ ગ્રહ) પર એકલો અટવાઈ ગયો છે. એન્ડીએ આ નવલકથા ૨૦૦૯માં ધારાવાહિક સ્વરૂપે લખી હતી. તેઓ એક-એક પ્રકરણ લખતા જાય ને પોતાની વેબસાઇટ પર પોસ્ટ કરતા જાય. એન્ડી પોતાની નવલકથાના વિષયને અનુરૂપ ખૂબ રિસર્સ કરે, તેથી જ તેમનું લખાણ હંમેશા ઓથેન્ટિક હોય છે. તેઓ અઘરી વૈજ્ઞાનિક વાતોને સરળ ભાષામાં સમજાવી દે છે. આમ છતાંય ઓનલાઇન વાંચક કોઈ ભૂલ તરફ આંગળી ચીંધે તો તેઓ તરત સુધારી લે.
આ રીતે 'ધ માર્શન' નવલકથા લખાઈ. વાચકોમાં તે ખાસ્સી લોકપ્રિય થઈ. કેટલાય વાચકોએ વિનંતી કરી કે તમે આખી નવલકથા કિન્ડલ પર મૂકો. તેથી એન્ડી વીઅરે ફ્કત ૯૯ સેન્ટમાં આખી નવલકથા કિન્ડલ પર મૂકી. 'ધ માર્શન' કિન્ડલ બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામી. એક લિટરરી એજન્ટે એન્ડીનો સંપર્ક કર્યો, ને પછી 'ધ માર્શન' ૨૦૧૪માં છાપેલા પુસ્તક સ્વરૂપે અવતરી. તે સાથે જ એ ધ ન્યુયોર્ક બેસ્ટ સેલર લિસ્ટમાં તે બારમા ક્રમે મૂકાઈ. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' અખબારે હાઇક્લાસ રિવ્યુ છાપ્યો. રિવ્યુમાં લખાયું હતું કે આવી પ્યોર સાયન્સ ફિક્શન નોવેલ છેલ્લાંય કેટલાંય વર્ષોમાં આવી નથી. તરત હોલિવુડવાળાઓનું ધ્યાન ખેંચાયું. ૨૦૧૫માં તો 'ધ માર્શન' પરથી બિગ બજેટ ફિલ્મ પણ બની ગઈ. રિડલી સ્કોટે ડિરેક્ટ કરેલી આ સુપરહિટ ફિલ્મને સાત-સાત તો ઓસ્કર નોમિનેશન મળ્યાં.
'ધ માર્શન' પછી એન્ડી વીઅરે લખેલી 'અર્ટેમિસ' નામની નવલકથા એટલી બધી લોકપ્રિય ન બની, પણ તે પછી આવેલી 'પ્રોજેક્ટ હેઇલ મૅરી' નવલકથા (૨૦૨૧)એ નવેસરથી કમાલ કરી. મેટ્રો-ગોલ્ડવિન-મેયર સ્ટુડિયોએ એન્ડીને ૩ મિલિયન ડોલર (આજના રેટ પ્રમાણે લગભગ ૨૪થી ૨૫ કરોડ રૂપિયા) રોકડા ચૂકવીને નવલકથાના રાઇટ્સ ખરીદ્યા. સુપરસ્ટાર રાયન ગોસલિંગ આ ફિલ્મનો હીરો અને નિર્માતા બન્ને બન્યો. ડિરેક્શનની જવાબદારી ફિલ લોર્ડ અને ક્રિસ્ટોફર મિલર નામની જોડીને સોંપવામાં આવ્યું. આ બેલડીના નામે 'ધ લેગો મૂવી' અને સ્પાઇડરમેનની એકાધિક ફિલ્મો બોલે છે. નવલકથા પરથી ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવાનું કામ ડ્રુ ગોડાર્ડ નામના લેખકે ઉપાડી લીધું. 'ધ માર્શન'નો સ્ક્રીનપ્લે પણ ગોડાર્ડે જ લખ્યો હતો અને તેના માટે એમને ઓસ્કર નોમિનેશન પણ મળ્યું હતું. બસ, 'પ્રોજેક્ટ હેઇલ મૅરી' વિશે વધારે કહેવું નથી. ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને ઓડિયન્સ તથા ચાંપલા ફિલ્મ રિવ્યુઅરો બન્ને તેના પર ફિદા છે. તમે મોટી સ્ક્રીન પર જોજો. મોજ પડશે.
શો સ્ટોપર
મારી આગામી ફિલ્મ 'બોલિવુડ વાઇવ્ઝ' મેં અસલી સ્ટાર્સની પત્નીઓના અંગત જીવન પરથી બનાવી છે. 'પેજ થ્રી' કરતાં તે અનેકગણી વધુ સ્ફોટક સાબિત થવાની છે.
- મધુર ભંડારકર (ફિલ્મમેકર)


