- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- દેવદૂત સમા ડૉક્ટર અન્કલ અને આકાશીનું ઋણાનુંબંધ
ત્યા રે આકાશી આઠ વર્ષની હતી. ગામના ડૉક્ટરે તેને બોલાવીને કહ્યું : ''આકાશી, તારી માતાની સારવાર મારાથી થઈ શકે તેમ નથી. રોગ મોટો છે. એટલે અમદાવાદની મોટી હોસ્પિટલમાં તેમને લઈ જા. મને ખબર છે કે અહીં તારું કોઈ સગુંવહાલું નથી. લે આ એક હજાર રૂપિયા તને કામ લાગશે.''
આકાશી ડૉક્ટરના ચહેરા તરફ તાકી રહી. મોટા શહેરમાં કેવી રીતે જવાય તેની પણ તેને ખબર નહોતી. શહેરમાંથી એકવાર એણે બસ આવતી જોઈ હતી. બસ ઉતારુઓને ઉતારીને પાછી વળે એટલે ગામનાં નાનાં છોકરાં બસની પાછળના ભાગને પકડીને દોડતાં એમની સાથે આકાશી પણ દોડતી. ધૂળ અને ધુમાડાની ચિંતા નહીં. બસ વેગ પકડે એટલે તેને પકડીને દોડતાં બે-ચાર છોકરાં ગબડી પડતાં છોકરાઓ કપડાં ખંખેરી ઊભા થઈને કિલકારીઓ કરતાં પાછા ફરતાં. એ બાળકો પૈકીની એક આકાશી પણ હતી. આકાશી છોકરી હતી પણ તેને જે રમતો છોકરાઓ રમતાં તેમાં જ વધુ રસ પડતો. તેના મમ્મી ક્ષમાદેવી આકાશીને ઠપકો આપતા ત્યારે આકાશી કહેતી : ''મા, હું તો તમારો દીકરો છું, એવું તો તમે રોજ કહો છો. પછી હું શું કામ પાછી પડું. હું તમારો દીકરો થઈને બતાવીશ. મા હું મોટી થઈને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. મા, જુઓ મને ડ્રેસ પહેરવાને બદલે પેન્ટ-શર્ટ પહેરવાં જ વધારે ગમે છે. આપણાં મહોલ્લાના બધાં છોકરાં મારા ભાઈબંધ છે. હું બધાંની લીડર છું. હું કહું તેમ જ બધાં કરે છે. બોલો, મા તમે તો કહેતાં હતાં કે દીકરા-દિકરીનો ભેદ ના રાખવો જોઈએ.''
પોતાની મા જોડે આવા સંવાદો રચનારી આકાશી ડૉક્ટરની વાત સાંભળી ઢીલી પડી ગઈ. પાસે પૈસા નથી, મા બીમાર છે, પોતે હજી ઘણી નાની છે શું કરશે ? કેવી રીતે શહેરમાં પોતાની માને લઈ જશે ? ડૉક્ટરે આકાશીને બૂમ પાડીને બોલાવી અને શહેરના ડૉક્ટરનો ભલામણ પત્ર લખી આપ્યો....એટલે આકાશીના પગમાં જોર આવ્યું. એણે માને ભેટીને કહ્યું : ''મા, હું તારી દવા કરાવીશ. ભગવાન આપણને મદદ કરશે. કાલે સવારની બસમાં આપણે શહેરમાં જઈશું. તું સાથે લઈ જવા ઢેબરાં બનાવી લે, બે-ત્રણ દિવસ ચાલે એટલાં અને લે આ હજાર રૂપિયા રાખ. બસનું ભાડું તો નીકળી જશે.''
ક્ષમાદેવીએ આકાશીના ચહેરા તરફ નજર કરી. એનો માસૂમ ચહેરો, નિર્દોષ આંખો, ઈશ્વરે એને નાની ઉંમરે નોંધારી બનાવી દીધી હતી. એના પપ્પા એકાએક બ્રેઈન હેમરેજ થયું અને બે જ દિવસમાં અનંતયાત્રાએ ઊપડી ગયા. વિધવા માતા અને આકાશી પર આભ તૂટી પડયું. ગામના લોકો પણ અંદરોઅંદર ચર્ચા કરતાં : ''ઈશ્વરને ઘરે પણ ન્યાય નથી. પાપના પૈસાનાં પોટલાં બાંધનારનાં છોકરાં તાગડધિન્ના કરે છે અને આ ગરીબ બ્રાહ્મણની દીકરી પૈસા પૈસા માટે ટળવળે છે. એનો બાપ કેટલો બધો ઈમાનદાર હતો ! કોઈ દિવસ ગામના કોઈપણ માણસ સામે હાથ લાંબો કર્યો નથી. ખેતર-પાદરની બાંધી આવક, એમાં ગુજારો કર્યો. એમાં પાછી મા માંદી પડી. બિચારી આકાશી શું કરશે ?''
બીજે દિવસે આકાશી સવારે પોતાની માતાને લઈને અમદાવાદ પહોંચી. મ્યુનિસિપાલિટીની હોસ્પિટલ, બસ સ્ટેન્ડની નજીક જ હતી. મા-દીકરી ચાલતાં ચાલતાં હોસ્પિટલ પહોંચ્યાં. ત્યારે ઓપીડીનો સમય પૂરો થઈ ગયો હતો. 'હવે ડૉક્ટર સાહેબ સાંજે મળશે'- એવું વોડ બોયે કહ્યું.
અને વોડબોયને વિનંતી કરીને સાંજ સુધી હોસ્પિટલના બાકડા પર બીમાર માતાને પડયા રહેવાની મંજૂરી આકાશીએ મેળવી લીધી હતી.
સાંજે ડૉક્ટર ઓપીડીના રૂમમાં પ્રવેશ્યા ત્યારે નાનકડી આકાશીને એ વાતની ખબર નહોતી કે ડૉક્ટરની મુલાકાત કેવી રીતે કરાય. અન્ય દર્દીઓ ડૉક્ટરની કેબિનમાં જતાં અને ડૉક્ટરને બતાવીને પાછા ફરતા. એટલામાં ડૉક્ટરનું ધ્યાન બાંકડા પર સૂતેલી આકાશીની મા તરફ ગયું ડૉક્ટર સાહેબે વોડબોયને કહ્યું : 'પેલા બેન, જે બાંકડા પર સૂતા છે એમને મારી કેબિનમાં લઈ આવો.' અને આકાશી પોતાની બીમાર માતાને લઈને ડૉક્ટર સમક્ષ પહોંચી હતી.
ડૉક્ટરે આકાશીના મમ્મીને તપાસ્યા અને આકાશીને પૂછ્યું હતું : ''બેટા, તારી સાથે કોઈ વડીલ છે ?''
'ના સાહેબ, અહીં મારું કોઈ સગુવ્હાલું નથી, સિવાય કે ભગવાન અને બીજા તમે.'
એક નાનકડી બાળકીનો જવાબ સાંભળી ડૉક્ટર ગદ્ગદ્ થઈ ગયા હતા. આકાશીએ કહ્યું : ''સાહેબ, અમારાં ગામના ડૉક્ટર સાહેબે આપની પર મને ચિઠ્ઠી લખીને આપી છે અને ખર્ચ માટે એક હજાર રૂપિયા છે. પાંચસો રૂપિયા બસ ભાડુ થયું. બાકીના પાંચસો માં મારી મમ્મી સાજી થઈ જશે ને ? મારાથી રૂપિયા સચવાશે નહીં, આપ જ આ પાંચસો રૂપિયા રાખો ને. રાત્રે અમને અહીં સૂવા દો તો સારું. કાલે અમે અમારા ગામ પાછા જતાં રહીશું. દવા લખી આપશોને ?''
ડૉક્ટરનું હૈયું કૂણું પડી રહ્યું હતું. તેઓ મનોમન વિચારતા હતા કે આ બાળકીને ક્યાં ખબર છે કે એની મમ્મીનું ઓપરેશન જરૂરી છે, અને પંદર-વીસ દિવસ હોસ્પિટલમાં રોકાવું પડે તેમ છે !
ડૉક્ટરના હૃદયમાં કરુણાની ગંગા વહી રહી હતી. નસીબ એક અનાથ દીકરીની આકરી કસોટી કરી રહ્યું હતું.
ડૉક્ટર સાહેબે કહ્યું : ''બેટા, તારી મમ્મી ખૂબ જ બીમાર છે. એને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. તું એના પલંગ પાસે સૂઈ જજે. તમારા જમવાની ગોઠવણ હું કરી દઈશ. તું ચિંતા ના કરતી. તારી મમ્મીને સાજી કરીને તારી સાથે તારા ગામ મોકલવાની જવાબદારી મારી.'' કહીને વોર્ડબોયને આકાશીની મમ્મીને વોડમાં ખસેડવાની ડૉક્ટર સાહેબે સૂચના આપી હતી.
આકાશીની મમ્મીને ગાયનેક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. વોર્ડના એકે એક ખાટલામાં બીમાર સ્ત્રીઓ સૂતેલી હતી. આકાશી સ્વગત બોલી હતી : 'બાપ રે, આટલી બધી મમ્મીઓ બીમાર ! પણ એમાંની એક પણ મમ્મી પાસે મારા જેવી એકેય દીકરી કે દિકરો કેમ નથી ?'
પણ એનો ઉત્તર આકાશીને જડતો નહોતો રાત્રે તેની મમ્મીનું જમવાનું હોસ્પિટલ તરફથી આવ્યું....મમ્મીએ અડધું ખાઈને બાકીનું પોતાની વ્હાલસોયી દીકરી માટે રાખ્યું. આકાશીને ખબર હતી કે મમ્મીએ અડધી ભૂખી રહીને પોતાની દીકરી માટે ખાવા બચાવ્યું છે. આકાશીએ સોગંદ નાખીને મમ્મીને ખવડાવ્યું અને થોડું વધેલું પોતે ખાધું.
ચિંતા, દુ:ખ અને ભૂખને લીધે થાકેલી આકાશી મમ્મીની છાતી પર માથુ મૂકી ગાઢ નિદ્રામાં સરી પડી, વોર્ડબોય તેને પલંગ પર સૂવાડવાની વેતવરણમાં હતો એવામાં કૃપા સિસ્ટર આવી પહોંચ્યા. એમણે વોર્ડબોયને કહ્યું : ''દીકરી, સાવ અનાથ છે. ડૉક્ટરે એની દેખરેખ રાખવાની મને ભલામણ કરી છે.
એને કોઈપણ ખાલી પલંગ પર સુવાડી દો. એની મમ્મીને ઓપરેશન થાય ત્યાં સુધી આપણે જ તેનાં માબાપ !''
સવાર થઈ, મમ્મીએ આપેલી અડધી ચા અને ઘેરથી લાવેલાં ઢેબરાનું બટકું આકાશીએ ગળા નીચે ઉતારવાની કોશિશ કરી, પણ મમ્મીની ચિંતા તેને સતાવી રહી હતી. ગળે ડૂમો ભરાયો હતો.
લાંબા ડગલા પહેરેલાં ડૉક્ટરોની આવજા શરૂ થઈ ગઈ...જુદા જુદા પલંગ પર સૂતેલા દર્દીઓને તેઓ તપાસતા હતા. પણ 'ગઈકાલવાળા' ડૉક્ટર હજી નજરે પડતા નહોતા. એ નહીં આવે તો મમ્મીને કોણ સાજી કરશે ? અને બીજા પૈસા માગશે તો હું શું કરીશ....
અને અંતે આકાશીની પ્રતીક્ષા ફળી. 'ગઈકાલવાળા' ડૉક્ટર આવી પહોંચ્યા. આકાશી દોડતી તેમની પાસે ગઈ. એમનો હાથ ખેંચીને પોતાની મમ્મીને પહેલા તપાસવાનો આગ્રહ કરવા લાગી. ટીમના એક ડૉક્ટરે નર્સને કહ્યું : 'આ નોટી ગર્લને, હાથ પકડીને એની મમ્મી પાસે મૂકી આવો.' પણ પેલા ડૉક્ટરે કહ્યું : ''પ્લીઝ એમ ન કરશો. એને આપણી સાથે આવવા દો.'' અને આકાશીને માથે હાથ મૂકીને કહ્યું : ''જો બેટા, કેટલી બધી મમ્મીઓ માંદી છે. એમની પાસે જઈને તારે બધી મમ્મીઓની ખબર પૂછવાની અને મારી પણ ખબર પૂછવાની.''
''તમારી ? કેમ ડૉક્ટર અંકલ ?''
''કારણ કે મારે પણ મમ્મી નથી. હું મમ્મી વગરનો છું. એટલે તારી મમ્મી અને અહીંની સર્વ મમ્મીઓનો હું દીકરો ખરું ને ?''
આકાશીની આંખો ભીની થઈ ગઈ. ડૉક્ટર અંકલે આકાશીની મમ્મીને તપાસી સાથેના ડૉક્ટરો સાથે અંગ્રેજીમાં વાતચીત કરી. આકાશીને બીજું કશું તો ન સમજાયું પણ વારંવાર સાંભળવા મળતો 'ઓપરેશન' શબ્દ સમજાયો.
એણે ડૉક્ટર અંકલનો હાથ પકડી લીધો અને પૂછ્યું : ''ડૉક્ટર અંકલ, મમ્મીનું ઓપરેશન કરવાનું છે ? એને કાંઈક થઈ તો નહીં જાય ને ?''
ડૉક્ટરે એને માથે હાથ ફેરવીને કહ્યું : ''કશું નહીં થાય બેટા, હું બેઠો છું. તારી મમ્મી સાજી થશે ત્યાં સુધી આ કૃપા સિસ્ટર તારી સારસંભાળ રાખશે.''
અને ડૉક્ટર અંકલની સૂચના મુજબ આકાશી વોર્ડની તમામ મમ્મીઓની ખબર પૂછી આવી હતી. બીમાર માતાઓ આકાશીનો માતૃપ્રેમ જોઈ દ્રવિત થઈ જતી. તેનું મસ્તક ચૂમી કહેતી : ''ડૉક્ટર સાહેબ તો દેવદૂત જેવા છે. તારી મમ્મીને કશું જ નહીં થાય. ચિંતા ના કરીશ.''
અને બે દિવસ પછી આકાશીની મમ્મીનું ઓપરેશન કરવાનું નક્કી થયું. આકાશી ઓપરેશન થિયેટરની બહાર બાંકડા પર બેસી રહી. ઓપરેશન દરમિયાન એણે પાણીનું ટીપું સરખું ગળા નીચે ઉતાર્યું નહીં. ચાર કલાક પછી ઓપરેશન થિયેટરનું બારણું ખૂલ્યું. વોર્ડબોય સ્ટ્રેચર પર સુવાડેલા આકાશીના મમ્મી સાથે બહાર આવ્યો. તેની મમ્મીને સફેદ ચાદર ઓઢાડવામાં આવી હતી. કૃપા સિસ્ટરનો ચહેરો ગમગીન હતો. આકાશીની મમ્મીને ડૉક્ટર સાહેબ બચાવી ન શક્યા તેનો તેમને ભારે આઘાત હતો. લોકો ટોળે વળેલા હતા. આકાશીને માં દેખાડવાની ડૉક્ટરમાં હિંમત નહોતી. મોત જીત્યું હતું અને સર્જન અને સર્જરી હાર્યાં હતા. પેલા અજ્ઞાન સર્જનહારની લીલાને પાર પામવાનું મનુષ્ય જાતિ માટે અસાધ્ય છે.
ડૉક્ટર અંકલે આકાશીની મમ્મીના અગ્નિ સંસ્કારની સઘળી વ્યવસ્થા ગોઠવી દીધી. આકાશીના આંસુ સુકાતાં નહોતાં. સાંજે ડૉક્ટર અંકલ આકાશીને પોતાના ઘેર લઈ ગયા અને કહ્યું : ''આકાશી, હવે આ શહેર તારું ગામ, અને કૃપા સિસ્ટર તારાં મમ્મી તને ભણાવી-ગણાવીને ડૉક્ટર બનાવવાની જવાબદારી મારી. તેં એક મમ્મી ગુમાવી પણ હજારો મમ્મીઓ તારા જેવી પ્રેમાળ ડૉક્ટરની રાહ જુએ છે. એમને જિવાડવાની જવાબદારી તારી છે. અમે ડૉક્ટરો દર્દીઓ માટે ભગવાન છીએ. ધન ખાતર અમારો સેવાધર્મ વીસરી જઈએ તો ભગવાનના ગુનેગાર ઠરીએ. બેટા, હું દર્દી-જગતને તારા સ્વરૂપે એક સારો ડૉક્ટર આપી શકીશ તો એમ માનીશ કે તારાં મૃત્યુ પામેલા મમ્મીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. આકાશી તું પણ કહેતી હતી ને તારી મમ્મીને કે 'હું તારો દીકરો છું' બસ, હવે તારે દીકરો બનીને એ જ ફરજ બજાવવાની છે, બીમાર બધી માતાઓની સેવા કરીને.''
અને કૃપા સિસ્ટર આકાશીને વ્હાલથી પોતાને ઘેર લઈ ગયા હતા. આકાશીનો બધો ખર્ચો ડૉક્ટર અંકલ ઊઠાવતાં હતાં.
એ વાતને ૧૮ વર્ષ વીતી ગયાં. કૃપા સિસ્ટર વૃદ્ધ થઈ ગયાં છે. પેલા દેવદૂત સમા ડૉક્ટર અંકલ પણ વૃદ્ધ થઈ ગયા છે અને તેમની કેબિનમાં બેઠી છે ડૉ. આકાશી. ખુરશીના ઉપરના ભાગની ભીંત પર સુશોભિત બે તસવીરો 'ડૉક્ટર પપ્પા' અને 'કરૂણા મમ્મી'.


