Get The App

સહદેવ બનવું કે ડગલે અને પગલે બધાને સલાહ આપવી?

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
સહદેવ બનવું કે ડગલે અને પગલે બધાને સલાહ આપવી? 1 - image

- પાત્રતા વગરનું દાન અને જીજ્ઞાસા વગરનું જ્ઞાન વ્યર્થ છે. 'જો સામેની વ્યક્તિ પૂછે જ નહીં, તો તેનો અર્થ એ છે કે તેનામાં હજુ સત્ય સ્વીકારવાની તૈયારી નથી

- હોરાઈઝન-ભવેન કચ્છી

- છોડને આપણે હાથથી ખેંચીને મોટો કરી શકતા નથી, પણ તેને યોગ્ય ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ આપી શકીએ છીએ

મ હાભારતના વિશાળ ફલક પર પાંચ પાંડવોના વ્યક્તિત્વના અલગ-અલગ રંગો છે. અર્જુનનું ગાંડિવ પુરુષાર્થનું પ્રતીક છે, ભીમની ગદા અજેય શક્તિનું, યુધિષ્ઠિરનો ધર્મ અટલ નિષ્ઠાનું અને નકુલનું સૌંદર્ય કુદરતી વરદાનનું. પરંતુ આ બધાની વચ્ચે સૌથી નાના પાંડવ સહદેવ એક એવું પાત્ર છે જે શાંતિ, ગંભીરતા અને અગાધ જ્ઞાનનું પ્રતીક છે. સહદેવ 'ત્રિકાળજ્ઞાની' હતા. તેઓ જાણતા હતા કે આવતીકાલે કુરુક્ષેત્રના મેદાનમાં શું થવાનું છે, કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. છતાં, ઇતિહાસ સાક્ષી છે કે સહદેવે ક્યારેય સામે ચાલીને કોઈને સલાહ આપી નહીં.

આજના ૨૧મી સદીના ડિજિટલ યુગમાં, જ્યાં ફેસબુકની વોલથી લઈને પોડકાસ્ટના માઈક્રોફોન સુધી દરેક વ્યક્તિ 'ગુરુ' બનીને બેઠી છે, ત્યાં સહદેવનું આ મૌન આપણને એક ગંભીર પ્રશ્ન પૂછે છે : 'શું આપણે બીજાને સુધારવાની મમતમાં  આપણી જ્ઞાનની ગરિમા ખોઈ રહ્યા છીએ?'

આજના ઇન્ફ્લુએન્સર્સ અને ડિજિટલ ગુરુઓ જ્ઞાનને 'પ્રોડક્ટ' બનાવી રહ્યા છે, જે ગ્રાહકની જરૂરિયાત જોયા વગર જ વેચવામાં આવે છે.

વણપૂછયા મંતવ્યો

જ્યારે આપણે સતત બીજાના મંતવ્યોથી ઘેરાયેલા હોઈએ છીએ, ત્યારે આપણો પોતાનો અવાજ દબાઈ જાય છે. આજના યુગમાં યુવાનોમાં ડિપ્રેશન અને એન્ઝાઈટી વધવાનું એક કારણ 'માહિતીનો અતિરેક' છે. દરેક વ્યક્તિ તમને કહે છે કે તમારે શું કરવું જોઈએ, પરિણામે તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો કે ખરેખર મારે શું કરવું છે?

સહદેવનો સિદ્ધાંત

સહદેવ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો, પણ એ જ્ઞાન પ્રદર્શન માટે નહીં, પણ જરૂરિયાત માટે હતું. પ્રાચીન કથાઓ મુજબ, સહદેવને ભવિષ્ય જોવાનું વરદાન હતું, પણ સાથે એક શરત હતી (અથવા શ્રીકૃષ્ણની ચેતવણી હતી) કે જો તેઓ પૂછયા વગર ભવિષ્યની વાત જાહેર કરશે, તો તેમનું મૃત્યુ થશે. આ શરત માત્ર એક પૌરાણિક કથા નથી, પણ એક ગહન મનોવૈજ્ઞાનિક સત્ય છે. જ્યારે જ્ઞાન વગર પૂછયે પીરસવામાં આવે છે, ત્યારે તેની અસરકારકતા મરી જાય છે. 

સહદેવે યુદ્ધ પહેલાં જ દુર્યોધનને કહ્યું હોત કે તું હારવાનો છે, તો કદાચ દુર્યોધન વધુ આક્રમક બન્યો હોત અથવા તેણે કોઈ છળકપટ કર્યું હોત. જ્ઞાનની પણ એક ગતિ હોય છે.જો યુધિષ્ઠિરને અગાઉથી એમ કહ્યું હોત કે 'આપણો વિજય છે તો તેઓ યુદ્ધ જીતવા માટેનો પુરુષાર્થ ન  કરત.

શ્રીકૃષ્ણની 'પરીક્ષા'

એક પ્રસંગ મુજબ, શ્રીકૃષ્ણ સહદેવની પરીક્ષા લેવા ગયા અને પૂછયું કે, 'કૌરવો અને પાંડવો વચ્ચેનું આ યુદ્ધ અટકાવવા મારે શું કરવું જોઈએ?' ત્યારે સહદેવે બહુ ગંભીરતાથી કહ્યું હતું કે 'જો તમે શકુનિ અને દુર્યોધનને બાંધી લો અને પાંડવોને વનમાં જ રહેવા દો, તો યુદ્ધ અટકી શકે.'

આ સાંભળી શ્રીકૃષ્ણ હસી પડયા હતા કારણ કે તેઓ જાણતા હતા કે સહદેવ બધું જ સમજે છે. સહદેવ  પાંડવોના 'સાયલન્ટ હીરો' હતા - શાંત, ગંભીર અને અત્યંત જ્ઞાની. સહદેવ એ જ્ઞાન, ધૈર્ય અને જ્યોતિષ વિદ્યાનું પ્રતીક હતા.

સહદેવ બનો 

આજે જ્યારે દરેક જણ 'સ્પીકર' બનવા માંગે છે, ત્યારે આપણે સારા 'લિસનર' (સાંભળનાર) બનવાની જરૂર છે. સહદેવ પાંડવોના સલાહકાર હતા, પણ તેઓ ક્યારેય પોતાના જ્ઞાનનો અહંકાર કરતા નહીં. તેઓ દ્રૌપદીના દુ:ખમાં શાંત હતા, ભીમના ક્રોધમાં શાંત હતા અને યુધિષ્ઠિરના જુગારના સમયે પણ શાંત હતા. આ શાંતિ એ કાયરતા નહોતી, પણ પરિણામની સ્વીકૃતિ હતી.

કેમ પરિવર્ર્તન નથી આવતું?

ભારતમાં ગલીએ ગલીએ કથાઓ થાય છે, હજારો સાધુ-સંતો પ્રવચનો આપે છે અને હવે તો 'મોટિવેશનલ સ્પીકર્સ'નો રાફડો ફાટયો છે. છતાં સમાજમાં નૈતિક મૂલ્યો કેમ નથી બદલાતા? તેનું કારણ એ છે કે સાંભળનાર પોતાની જાતને બદલવા માંગતો જ નથી.

મનોવિજ્ઞાન કહે છે કે માણસનું મગજ જ્યારે કોઈ સલાહ સાંભળે છે, ત્યારે તે ડિફેન્સિવ મોડમાં આવી જાય છે. તેને લાગે છે કે સામેની વ્યક્તિ તેને 'નીચો' બતાવી રહી છે. સહદેવ આ જાણતા હતા. જો સામેની વ્યક્તિ 'પાત્ર' ન હોય, તો ગમે તેટલો શ્રેષ્ઠ ઉપદેશ પણ પથ્થર પર પડેલા વરસાદના ટીપા જેવો છે 'જે પથ્થરને ભીંજવે છે ખરો, પણ પથ્થર તેની અંદર ઉતારી શકતો નથી.'

પુણ્ય કમાવવા 

 મોટાભાગના લોકો પ્રવચનો કે કથાઓમાં 'પુણ્ય' કમાવવા જાય છે, 'પરિવર્તન' લાવવા નહીં. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને બદલવા તૈયાર જ ન હોય, ત્યારે દુનિયાના શ્રેષ્ઠ શબ્દો પણ તેની ઉપરથી વહી જાય છે. સહદેવનો સિદ્ધાંત હતો કે 'પાત્રતા વગરનું દાન અને જીજ્ઞાસા વગરનું જ્ઞાન વ્યર્થ છે.' જો સામેની વ્યક્તિ પૂછે જ નહીં, તો તેનો અર્થ એ છે કે તેનામાં હજુ સત્ય સ્વીકારવાની તૈયારી નથી.

માહિતીનો અતિરેક 

આજે માહિતી એટલી બધી ઉપલબ્ધ છે કે તેનું મૂલ્ય ઘટી ગયું છે. લોકો સાંભળે છે બધું, પણ આચરે છે કશું જ નહીં. સોશિયલ મીડિયા પર 'શેર' કરવામાં આવતા સુવિચારો માત્ર ડિજિટલ દેખાવો છે. સહદેવ પાસે ભવિષ્યનું જ્ઞાન હતું, પણ તેઓ જાણતા હતા કે જો હું આ જ્ઞાન મફતમાં વહેંચીશ, તો તેની ગંભીરતા ખતમ થઈ જશે.

જે. કૃષ્ણમૂત કહેતા કે 'સત્ય ત્યારે જ પ્રગટે છે જ્યારે સાંભળનાર અને બોલનાર બંને એક જ સ્તર પર હોય.જો સાંભળનાર પોતાની પૂર્વગ્રહની દીવાલ તોડવા તૈયાર ન હોય, તો કૃષ્ણનું ગીતાજ્ઞાન પણ તેના માટે માત્ર એક કવિતા બનીને રહી જાય છે.'

સ્વજનને સલાહ અપાય ?

અહીં એક પાયાનો પ્રશ્ન ઊભો થાય છે : 'જો આપણે જેને ચાહીએ છીએ તે આપણી નજર સામે તેનું જીવન વ્યર્થ કરતો હોય, તો શું તેને સલાહ ન આપવી?'

આ એક ભાવનાત્મક સઘર્ષ છે. અહીં સહદેવના 'જ્ઞાન' અને કૃષ્ણના 'પ્રેમ' વચ્ચેનો સમન્વય સમજવો જરૂરી છે. જ્યારે કોઈ સ્વજન ખોટા માર્ગે જતું હોય, ત્યારે તેને 'સલાહ' આપવાને બદલે તેની સાથે 'સંવાદ' કરવો જોઈએ. સલાહમાં પિતા કે ગુરુનો હોદ્દો હોય છે, જ્યારે સંવાદમાં મિત્રતાની હૂંફ હોય છે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેને એકવાર પ્રેમથી ટોકો, પણ જો તે સ્વીકારવા તૈયાર ન હોય, તો તેને તેના 'કર્મની પીડા' ભોગવવા દેવી એ જ કદાચ સૌથી મોટો ઉપચાર છે. માણસ ઘણીવાર લાખો શબ્દોથી જે નથી શીખતો, તે જીવનની એક ઠોકરથી શીખી જાય છે. પાત્ર ખાલી હોય તો જ઼ તેમાં કંઈક ભરી શકાય. 'હું તો બરાબર છું'તેવી વ્યક્તિને કાં તો સ્વીકારો કે ત્યજી દો.

કૃષ્ણનો માર્ગ 

મહાભારતમાં સહદેવ મૌન હતા, પણ શ્રીકૃષ્ણ મૌન નહોતા. કૃષ્ણે અર્જુનને ગીતા ત્યારે જ કહી જ્યારે અર્જુને કહ્યું કે 'હું તમારો શિષ્ય છું, મને માર્ગ બતાવો.' પરંતુ, તે પહેલાં કૃષ્ણ સતત અર્જુનની સાથે રહ્યા, તેને પ્રોત્સાહન આપ્યું અને તેની મનોસ્થિતિ સમજી. જો સ્વજન પૂછતું નથી, તો આપણે 'સલાહકાર' બનવાને બદલે 'સારથિ' બનવું જોઈએ. આપણી હાજરી જ એવી હોવી જોઈએ કે તેને આપમેળે પૂછવાનું મન થાય.

પ્રાણ અને પ્રકૃતિ 

માતરમાં જેમનું સ્થાન અને સમાધિ છે તેવા બ્રહ્મલીન બાલ અવધૂત મહારાજ઼ કહેતા કે  'પાણીને દૂધ અને કંટકને ગુલાબ ન બનાવી શકાય.' પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. જો કોઈની પ્રકૃતિ જ વિનાશક હોય, તો શું તેને સુધારવાનો પ્રયત્ન વ્યર્થ છે?

હા, એક ઉપાય છે. આપણે કોઈની પ્રકૃતિ 'બદલી' શકતા નથી, પણ તેનું 'રૂપાંતરણ' (્ચિહજર્કસિર્ચૌહ) કરી શકીએ છીએ. નદીનો પ્રવાહ રોકી શકાતો નથી, પણ તેને નહેર વાટે વાળી શકાય છે. પાણીને દૂધ ન બનાવી શકાય, પણ ગંદા પાણીને ગાળીને શુદ્ધ તો કરી જ શકાય ને? કંટકને ગુલાબ ન બનાવી શકાય, પણ કંટક (કાંટા) વાડ બનીને ગુલાબનું રક્ષણ તો કરી જ શકે ને?

વાલ્મીકી લૂંટારા હતા, તેમની પ્રકૃતિમાં 'તીવ્રતા' હતી. નારદ મુનિએ તેમને સલાહ આપી ત્યારે તેમની તીવ્રતા બદલાઈ નહીં, પણ તેની દિશા બદલાઈ ગઈ - લૂંટમાંથી તે ભક્તિમાં રૂપાંતરિત થઈ. સહદેવ આ જાણતા હતા, એટલે જ તેઓ જ્ઞાન આપતા પહેલા એ જોતા કે સામેની વ્યક્તિની પ્રકૃતિમાં 'ગ્રાહ્યતા' (સ્વીકારવાની ક્ષમતા) કેટલી છે.

સહદેવ કેમ બનવું 

જ્ઞાનની ગરિમા : જ્યારે તમે ઓછું બોલો છો, ત્યારે તમારા શબ્દો કે વાણીની  કિંમત વધે છે. આજના ઇન્ફ્લુએન્સર્સ કલાકો સુધી બોલે છે, છતાં લોકો તેમને ગંભીરતાથી નથી લેતા. સહદેવ જ્યારે એક વાક્ય બોલતા ત્યારે પૃથ્વી ધૂ્રજી જતી, કારણ કે તે સત્ય અને મૌનનું મિશ્રણ હતું.

પાત્રતાની પરખ : દરેક વ્યક્તિ સલાહને લાયક નથી હોતી. જો કોઈ માનસિક રીતે તૈયાર ન હોય, તો તેને જ્ઞાન આપવું એ 'અંધારામાં તીર' ચલાવવા જેવું છે.

શાંતિની પ્રાપ્તિ : બીજાના જીવનમાં દખલગીરી બંધ કરવાથી આપણી પોતાની માનસિક શાંતિ વધે છે. સોશિયલ મીડિયા પર કોઈની પોસ્ટ નીચે કોમેન્ટ કરીને આપણે માત્ર આપણી શક્તિ વેડફીએ છીએ.

જ્ઞાન પોસ્ટ 

'જ્ઞાનનો દીવો બીજાના ઘરમાં ત્યારે જ પ્રકાશ આપશે જ્યારે તેના ઘરના બારી-બારણાં ખુલ્લાં હશે. જો બારણાં બંધ હોય, તો તમારો દીવો તમારા જ ઘરને અજવાળે તે વધુ શ્રેષ્ઠ છે.'