- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- અમેરિકા, ઈઝરાયલ, રશિયા, બ્રિટન જેવા દેશો જ્યારે યુદ્ધો લડે ત્યારે તેમના લડાકુ વિમાનો, બોમ્બર પ્લેન, યુદ્ધ જહાજો વગેરે કેટલી સચોટ કામગીરી બજાવે છે...
'ન વી ગિલ્લી નવો દાવ' એ ઉક્તિ યુદ્ધખોર અમેરિકાને બરાબર લાગુ પડે છે. નજીકનો ભૂતકાળ ચકાસી જશો તો ખ્યાલ આવશે કે થોડાં થોડાં વરસે અમેરિકા ક્યાંકને ક્યાંક નાનામોટાં યુદ્ધ લડતું જ રહ્યું છે. જાણે પોતાની સંરક્ષણ પ્રયોગશાળાઓમાં તૈયાર થયેલાં નવાં શસ્ત્ર-અસ્ત્ર ચકાસી જોવાના હોય, તે રીતે અમેરિકા દુનિયાના એક યા બીજા દેશ પર આક્રમણ કરી ચાર-છ દિવસના સશસ્ત્ર છમકલાં કરે છે. પછી તેનો સ્વાર્થ સંધાઇ જાય એટલે ભીનું સંકેલી લે છે.
સંરક્ષણ બાબતોના એક ભારતીય નિષ્ણાતે જણાવ્યું તેમ વર્તમાન મિડલ ઈસ્ટમાં જે યુધ્ધ ચાલી રહ્યું છે તેમાં સામેલ થયેલાં દેશો કે અસરગ્રસ્ત દેશો પોતપોતાના શસ્ત્ર-અસ્ત્ર અજમાવી રહ્યા છે. જેને કારણે તેમના દ્વારા વપરાતા વેપન્સની ઉપયોગિતા-અસરકારકતા સિધ્ધ થઇ શકે. તેમ જ તેમના સૈનિકોની પણ પૂરેપૂરી કસોટી થાય.
ગાઝા, સિરિયા, લેબેનોન, યમન અને રાતા સમુદ્ર વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી જંગ ચાલી રહ્યો છે તેમાં અમેરિકા, રશિયા, ઈઝરાયલ, તુર્કી અને ઈરાન જેવા દેશો તેમનાં શસ્ત્રોની ભરપૂર અજમાયેશ કરી રહ્યા છે. આ દેશો ઉપરાંત નોન-સ્ટેટ એકટર્સ જેવા કે હેઝબુલ્લા, હુથી, હમાસ, હયાત તહેરીર અલ શામ અને કુર્દીશ બળવાખોરો તેમના હથિયારો પણ 'ધારદાર' બનાવી રહ્યા છે.
એ પણ કેવી વિચિત્રતા કહેવાય કે એક બાજુ મિડલ ઇસ્ટના જંગમાં સૈનિકો અને સામાન્ય નાગરિકો જાન ગુમાવે છે. એની સાથે પ્રોપર્ટી, જંગી ઇન્ફ્રાસ્ટ્રકચરોનો પણ નાશ થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાક યુધ્ધખોર દેશો તેમના શસ્ત્રો ચકાસી રહ્યા છે અને તેમના સૈન્યને રિયલ-લાઈફ મિલિટરી ટ્રેનિંગ પૂરી પાડી રહ્યા છે. જેથી તેમનો યુધ્ધાભ્યાસ સંપૂર્ણ રીતે પાર પડે!
ઈઝરાયલનો જ દાખલો લઈએ તો એણે છેલ્લાં કેટલાક વર્ષોથી ગાઝા, લેબેનેન અને સિરિયાને પોતાના સૈન્ય માટે ફાયરીંગ રેન્જમાં ફેરવી નાંખ્યો છે. જાવ જઈને અંધાધૂધ ગોળીબાર કરો, ટેન્કો દોડાવો, બોમ્બ મારો કરો અને મિસાઈલો વડે પ્રહાર કરો... અમેરિકાએ થોડાં વર્ષ પૂર્વે આ જ રીતે ઈરાક પર વારંવાર હવાઈ હુમલા કરી પોતાના વિવિધ ફાઈટર-બોમ્બર પ્લેનોની ક્ષમતા ચકાસી હતી તો રશિયા એ વારંવાર સિરિયાનો મિસાઈલ ટેસ્ટિંગ માટે ઉપયોગ કર્યો છે.
નેવુંના દાયકામાં અમેરિકાએ ઇરાક સામેના 'ગલ્ફવોર' પછી નવા મિલેનિયમનું પહેલું યુદ્ધ ઈરાન સામે આદર્યું હતું. પરંતુ વચગાળામાં એ કંઇ શાંત, જંપીને બેઠું નથી. સોમાલિયા, યુગોસ્લાવિયા, સારાવો, સબયા, સુદાન અને ઈરાનમાં સુદ્ધાં અમેરિકાએ સશસ્ત્ર ઊંબાડિયા કર્યા છે. દરેક નાનામોટા જંગમાં અમેરિકા તેના શસ્ત્રો ચકાસી લે છે. નવો અનુભવ મેળવે છે અને તેના સૈન્યને પણ ખડતલ, તાલીમબધ્ધ અને ખૂબ અનુભવી બનાવે છે. અમેરિકા આજે જગતનો એકમાત્ર સુપરપાવર (મહાસત્તા) દેશ છે. વિશ્વમાં સૌથી મોટું, સુગઠિત સંરક્ષણ તંત્ર ધરાવે છે. સૌથી આધુનિક શસ્ત્રો, લડાકુ વિમાનો, અણુ સંચાલિત સબમરીનો અમેરિકા પાસે છે. દેખીતી રીતે જ અમેરિકામાં વિરાટ શસ્ત્રઉદ્યોગ ફુલ્યોફાલ્યો છે.
અમેરિકાના એક ટોચના મિલિટરી કમાન્ડરે એકવાર કહ્યું હતું કે યુદ્ધમાં ખાસ કરીને નવા ફાઇટર-બોમ્બર પ્લેન તથા એર ડિફેન્સ સિસ્ટમનો વપરાશ તેની ટેકનિકલ ક્ષમતા અંગે સચોટ માહિતી ઉપલબ્ધ કરાવે છે. યુદ્ધ વખતે વાયુસેનાના પાયલટ તથા એર ડિફેન્સ સિસ્ટમ ઓપરેટ કરનારા એન્જિનિયરોને વાસ્તવદર્શી, ખૂબ ઉપયોગી માહિતી મેળવી આપે છે.
ગઇ ૨૭ ફેબુ્રઆરીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સેનાને ઈરાન પર આક્રમણનો આદેશ આપ્યો એ સાથે ઈઝરાયલ અને અમેરિકાના સંરક્ષણ ખાતાએ તેમના દેશની શસ્ત્રોત્પાદન કરતી કંપનીઓને કહેવડાવી દીધું છે કે યુદ્ધની જરૂરિયાતને પહોંચી વળવા પ્રોડક્શન વધારો. લશ્કરી શસ્ત્ર-સરંજામ અંગે શોધખોળ કરનારા નિષ્ણાતો પણ પ્રયોગશાળામાં ટેબલ પરનાં નવાં શસ્ત્રો ઝડપથી તૈયાર કરવા અધીરાં બન્યાં . તેમને મન આવો સુવર્ણ અવસર ક્યારે આવવાનો હતો? મધ્ય એશિયામાં અફઘાનિસ્તાન પછી ઈરાન ફરી એકવાર અમેરિકા માટે નવાં શસ્ત્રો ચકાસવાની વિરાટ લેબોરેટરીમાં ફેરવાઇ ગયું છે.
એક નિવૃત્ત લશ્કરી અમલદારે કહ્યું તેમ યુધ્ધ સમયે જ દરેક શસ્ત્રની તાકાત અને નબળાઈ સારી રીતે જાણી-સમજી શકાય છે. યુધ્ધે ચઢેલા દેશો અને દૂરથી આ જંગને નીરખી રહેલા લોકો રણભૂમિમાં કામિયાબ નીવડતા શસ્ત્રોની તરત નકલ કરે છે અથવા એવાં જ શસ્ત્ર ઉત્પાદક દેશ પાસેથી મેળવવાની કોશિશ કરે છે. તાજેતરની ગલ્ફવોરમાં પણ યુક્રેનમાં વપરાયેલા કેટલાંય નાનામોટાં શસ્ત્ર, બોમ્બ થોડા બદલાયેલા સ્વરૂપે ફરી જોવા મળી રહ્યા છે.
અખબારોમાં રોજ અમેરિકા દ્વારા યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતાં અદ્યતન લડાકુ વિમાનો, નવા પ્રકારની મિસાઇલો, નોખી જાતના સ્માર્ટ બોમ્બ તેમજ કમાન્ડો દ્વારા વપરાતાં આધુનિક ઉપકરણોની વાત આવે છે. સંદેશવ્યવહાર માટે પણ મિલિટરી સેટેલાઇટ, સેટેલાઈટ ફોન, તથા ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમનો આ વખતના યુદ્ધમાં વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે.
આપણે જાણીએ છીએ તેમ ઈરાન સામેના જંગના બે સપ્તાહ પૂરાં થયા પછી અમેરિકાએ ક્રુઝ મિસાઇલ અને લડાયક તથા બોમ્બર વિમાનોનો ઉપયોગ ઘટાડી નાંખ્યો છે. તેના બદલે ભૂમિયુદ્ધ માટેની તૈયારીના ભાગરૂપે કમાન્ડો ટુકડીઓ જુદાં જુદાં સ્થળે ઉતારી છે. અલબત્ત, પ્રારંભના દસ દિવસથી બાર દિવસમાં પેન્ટાગોને તેની ક્રુઝ મિસાઇલની નેવિગેશન સિસ્ટમને ફરીવાર ચકાસી લીધી છે. ઇરાક સામેના ગલ્ફવોરમાં અમેરિકાએ પહેલીવાર ક્રુઝ મિસાઇલનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ તેના લક્ષ પર ત્રાટકવામાં પાંચ-દસ ટકા આઘીપાછી થતી હતી. આ વાતની નોંધ લઇને અમેરિકાના લશ્કરી નિષ્ણાતોએ ટૉમહાઁક ક્રુઝ મિસાઇલમાં નવી નેવિગેશન સિસ્ટમ બેસાડી હતી. આ મિસાઇલના ઓનબોર્ડ કોમ્પ્યુટરમાં પણ સુધારા કર્યા હતા. ખાસ તો ક્રુઝ મિસાઇલની વૉરહેડ (દારૂગોળો) વહન કરવાની ક્ષમતા વધારી હતી. આ બધા ફેરફાર પછી ક્રુઝ મિસાઇલ કેવું પરફોર્મન્સ આપે છે તે જોવાની ઉમદા તક ઈરાન યુદ્ધમાં અમેરિકાને સાંપડી છે. અરે, બ્રિટને સુદ્ધાં પોતાની સબમરીનમાંથી (દરિયાના પાણીની અંદરથી) ટૉમહૉક ક્રુઝ મિસાઇલ લોંચ કરવાની ક્ષમતાને પુન: ચકાસી લીધી છે.
ઘણાં ઓછાં વાચકો એ જાણતા હશે કે અમેરિકા, બ્રિટન કે ઈઝરાયલ જેવા દેશો જ્યારે યુદ્ધો લડે ત્યારે તેમના લડાકુ વિમાનો, બોમ્બર પ્લેન, યુદ્ધ જહાજો વગેરે કેટલી સચોટ કામગીરી બજાવે છે, ક્યાં, કઇ કચાશ રહી જાય છે તેની વિડિયો ફિલ્મ પણ ઉતારે છે. બૉમ્બ ફેંકવા જઈ રહેલાં પ્લેનમાં કે તે પ્લેનની પાછળ ઊડતાં બીજા પ્લેનમાંથી બૉમ્બમારાની વિડિયો ફિલ્મ ઉતારાય છે. આકાશમાં તરતાં મૂકાયેલા ઉપગ્રહો પણ આવી તસવીરો ઝડપે છે. આ ફિલ્મો અને તસવીરોનો સંરક્ષણ પ્રયોગશાળામાં અભ્યાસ થાય છે અને ક્યાં ભૂલચૂક થાય છે તેની વિસ્તૃત નોંધ કરાય છે. સમય મળતાં આ પૃથ્થકરણના આધારે શસ્ત્રો અને વિમાનોમાં જરૂરી સુધારા કરાય છે.
બીજી તરફ પેન્ટાગોનના નિષ્ણાતો આ તસવીરો પ્રાપ્ત કરીને ચાલુ યુદ્ધને આગળ ધપાવવા માટેના વ્યૂહાત્મક નિર્ણયો લે છે. ક્યા વિસ્તારમાંથી શત્રુને હઠાવવા, તેની તાકાત તેની મોરચાબંધી તોડીફોડી પાડવા ક્યા પ્રકારનો પ્રહાર કરવો જોઇએ. તેનો નિર્ણય પણ આ તસવીરો જોઇને લેવાય છે.
આમ અમેરિકા માટે તો ઈરાનની યુદ્ધભૂમિ એક મોટી ડિફેન્સ લેબોરેટરી બની ગઇ છે. કોઇપણ દેશ તેના લશ્કરને તત્પર, તૈયાર, આક્રમક જુસ્સો બરકરાર રાખવા વારંવાર કવાયત યોજે છે. યુદ્ધની ડ્રીલ કરાવાય છે. જવાનોને નવા શસ્ત્રોની અજમાયેશ કરવા દેવાય છે. પરંતુ આ બધા પ્રયોગોથી એ અનુભવ નથી મળતો જે વ્યવહારુ જ્ઞાન યુદ્ધભૂમિ પર પ્રાપ્ત થાય. તેથી જ અમેરિકા પોતાની શક્તિશાળી સેનાને સતત સામર્થ્યવાન બનાવવા નાનામોટાં યુદ્ધો લડતું જ રહે છે. તેમની આ યુદ્ધખોર મનોવૃત્તિએ સમગ્ર એશિયાને એક મોટા રણમેદાનમાં ફેરવી નાખ્યું છે. બને છે પણ એવું કે મધ્ય-પૂર્વ એશિયાના નાના નાના ઇસ્લામિક દેશો વચ્ચે અંદરોઅંદર પણ સતત સંઘર્ષ ચાલતો રહે છે. તેથી તેઓ અમેરિકન શસ્ત્રોની ખરીદી કરતાં જ જાય છે. આ રીતે એશિયન દેશોમાં ખડકાતાં નવાં શસ્ત્રો દર વખતે નવું યુદ્ધ ઊભું કરતાં આવ્યાં છે. આ વખતે પણ ઈરાનના હુમલાથી બચવા યુએઈ, બહેરીન, જોર્ડન, સાઉદી આરબ તથા ઈજિપ્તે નવા ઓર્ડર આપ્યાં છે.
છેક ૧૯૬૭ના આરબ-ઇઝરાયલ યુદ્ધકાળથી મહાસત્તાઓએ મધ્યપૂર્વ એશિયાના રેગિસ્તાનને નવાં શસ્ત્રોનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવી દીધું છે. શસ્ત્ર બનાવ્યા પછી દેખાવમાં તો એ ખોફનાક લાગે જ. પરંતુ સાચુકલા યુદ્ધમાં તેને વાપર્યા પછી જ તે કેવુંક અસરકારક છે એ વાતની ખબર પડે.
૧૯૬૭ પહેલાં રશિયાએ ઇજિપ્તને 'સામ- ટુ' પ્રકારનાં વિમાનવિરોધી મિસાઇલ આપ્યાં હતાં. આ મિસાઇલોની ઇઝરાયલને ભારે ફડક હતી. છતાં જ્યારે ઇઝરાયલી પાયલટોને આરબો પર ઓચિંતો હુમલો કર્યો ત્યારે સામ-ટુ મિસાઇલ તેમનો સામનો કરી શક્યાં નહોતા. તે પછી રશિયાએ ઇજિપ્તને સામ-૩ અને સામ-૬ તથા ઇરાકને સામ- ૭ મિસાઇલો ભેટ આપ્યા. ૧૯૭૩માં ઇજિપ્તે આ મિસાઇલો વડે ૭૦ ઇઝરાયલી વિમાનોને તોડી પાડયા. આ જાણીને રશિયાના સંરક્ષણ વિજ્ઞાનીઓ ખુશ થઇ ગયા હતા. કેમ કે તેમણે સુધારેલા સામ મિસાઇલ યુદ્ધભૂમિમાં ખરાખરીની કસોટીમાં પાર ઊતર્યા હતાં.
રશિયાએ સિરિયા યુદ્ધમાંથી મેળવેલો અનુભવ કામે લગાડીને જ ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાએ જે અદ્યતન ક્રુઝ અને બેલાસ્ટિક મિસાઇલ્સ તથા સુખોય-૩૪ અને સુખોય-૩૫ ફાઇટર પ્લેનનો ઉપયોગ સિરિયામાં કર્યો હતો એ જ અદ્યતન શસ્ત્ર અસ્ત્રનો ઉપયોગ યુક્રેન યુદ્ધમાં શરૂ કર્યો. જોવાની વાત એ છે કે ૨૦૨૦ની સાલમાં રશિયાને યુક્રેન સામે લડવા જે ડ્રોન્સ સેંકડોની સંખ્યામાં અને બેલાસ્ટિક મિસાઇલ્સ ઇરાને આપ્યા હતા તે રશિયાએ ઇરાનને અગાઉ વચન આપ્યું હતું છતાં સુખોય ૩૫ જેટ અને એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ આજ સુધી આપ્યા નથી.
ઇરાને પણ સિરિયન જંગમાં જંપલાવીને અનુભવનું ભાથું બાંધી લીધું હતું. આ યુદ્ધ થકી ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ તથા લેબેનોન સ્થિત ઇરાનનું પ્રોક્સી આતંકી ગુ્રપ હેઝબોલ્લાહને ઘણી નવી ટેકનિકલ જાણવા મળી હતી. એટલું જ નહીં, સિરિયન સરફેસ ટુ સરફેસ મિસાઇલ એમ-૬૦૦ પરથી ઇરાને ફતેહ-૧૧૦ મિસાઇલ તૈયાર કરી હતી. તેમજ ડ્રોન, કેમિકલ અને બાયોલોજિકલ શસ્ત્રો બનાવવાની મહારથ હાંસલ કરી હતી.
રશિયાનો દાખલો લઇને અમેરિકાએ પણ ૭૦ના દાયકામાં પોતાના હથિયારોની ચકાસણી માટે પશ્ચિમ એશિયાના રેગિસ્તાનનો ઉપયોગ શરૂ કર્યો હતો. રશિયાના સામ મિસાઇલો સામે તેણે ઇઝરાયલને હાઁક મિસાઇલ આપ્યાં હતાં. અમેરિકાની આ ચાલથી ઉશ્કેરાયેલા રશિયાએ પછી તો ટૅન્કવિરોધી રોકેટો 'સ્નિપર' આપ્યાં હતાં. આ જ શસ્ત્રો વડે આરબોએ ઇઝરાયલની ૩૦૦ રણગાડીઓ તોડી નાંખી હતી. આ રીતે પાછલાં પાંચ દાયકામાં રશિયાએ અને અમેરિકાએ અખાતના દેશોને કેટલાંય શસ્ત્રો વેંચ્યા છે. અમેરિકાએ તેનું મેવરિક નામનું ટેન્કવિરોધી મિસાઇલ ૧૯૭૩ના યુદ્ધમાં ચકાસી લીધું હતું. ત્યારબાદ ૧૯૯૧ના ગલ્ફવોરમાં ટૉમહાઁક ક્રુઝ મિસાઇલ તથા પેટ્રિયટ મિસાઇલ (જે એન્ટીમિસાઇલ સિસ્ટમ છે)ની ચકાસણી કરી લીધી હતી. પાકિસ્તાને અમેરિકા પાસેથી 'સાઇડવાઇન્ડર' મિસાઇલ મેળવ્યા છે તેનો ઉપયોગ અમેરિકાએ સિનાઇના આકાશમાં કરી લીધો હતો. મેવરિક મિસાઇલ વડે ૮૦૦ આરબ રણગાડીઓ અને ૧૫૦ વિમાનોનો ખુરદો બોલાવવામાં આવ્યો હતો.
ઈરાન સામેના વર્તમાન જંગમાં અમેરિકાએ ટૉમહૉંક ક્રુઝ મિસાઇલની સુધારેલી આવૃત્તિની અજમાયેશ કરી લીધી છે. ઉપરાંત ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉપર્સ (ૈંઇય્ભ) ના સૈનિકો જેમાં લપાઇને બેઠાં છે તેવા બોગદાં કે બંકરો તોડવા અમેરિકાએ નવા, વધુ શક્તિશાળી બંકર-બસ્ટર બૉમ્બનો આ યુદ્ધમાં ભારોભાર ઉપયોગ કર્યો છે. એક પ્રકારની લેસર ગાઈડેડ મિસાઇલ જમીનમાં ૩૧ ફૂટ ઊંડે ઘુસી જઈને બંકરમાં ઊંડા ઊતરી પ્રચંડ ધડાકા સાથે ફાટે છે.
અગાઉ રશિયા તેની નવીનકોર ટેન્કોની યુદ્ધક્ષમતા વહેલી તકે જાણવા માગતું હોય તો તરત જ કોઇ એક આરબ દેશને કિફાયતી ભાવે આ ટેન્ક મોકલી આપતું. વહેલામોડા એક યા બીજો આરબ દેશ સામસામા બાવડાં ચઢાવે એટલે તેમના બળની કસોટી થાય તેની સાથે રશિયન ટેન્કોની ટેસ્ટ પણ લેવાઇ જતી.
અખાતી યુદ્ધમાં રશિયાએ ઇરાકને આપેલા સ્કડ મિસાઇલનું પરિક્ષણ થયું હતું. તો અમેરિકાએ ઇઝરાયલને પેટ્રિયટ મિસાઇલ પૂરાં પાડી પોતાના આ નવા વિકસાવેલા ક્ષેપકાસ્ત્રો ચકાસી જોયા હતા. ગલ્ફવોરમાં ફ્રાન્સે ઇરાકને પૂરા પાડેલા રડાર યંત્રોનો પણ પૂરો કસ કાઢવામાં આવ્યો હતો. અમેરિકાએ તો ગલ્ફવોરમાં તેના અનેક પ્રકારના બોમ્બર વિમાનો ચકાસી જોયા હતા. જેમાં એફ-૧૧૭ સ્ટેલ્થ બૉમ્બર, એ-૧૦ થન્ડર બોલ્ટ, બી-ટુ બોમ્બર વગેરેનો સમાવેશ થાય છે.
ફ્રાન્સે આ જ યુદ્ધમાં મિરાજ ૨૦૦૦ની નવી સ્ક્વોડ્રન બહુરાષ્ટ્રીય દળો વતી મેદાનમાં ઊતારી આ પ્લેનની નવી એવિઓનિક્સ સિસ્ટમ ચકાસી જોઇ હતી. આ સિવાય અમેરિકન બનાવટના વિમાનવિરોધી હૉંક મિસાઇલ પણ અમેરિકાએ કુવૈતની ભૂમિ પર તૈયાર રાખ્યા હતા. અલબત્ત, આ યુદ્ધમાં ઇરાકને તેના વિમાનો આકાશમાં ઊડાડવાનો મોકો જ ન મળ્યો તેથી હાઁક મિસાઇલનું પરિક્ષણ કરવાનો અમેરિકાને ચાન્સ ન મળ્યો.
અમેરિકાએ ઇઝરાયલને ૨૦૨૦ની સાલમાં નવા ડિઝાઇન કરેલા એફ-૩૫ ફાઇટર પ્લેન આપ્યા હતા. આ અદ્યતન પ્લેન મેળવનાર ઇઝરાયલ પ્રથમ દેશ હતો. જોકે ઇઝરાયલ પર આવી મહેરબાની કરવા પાછળ અમેરિકાનો સ્વાર્થ છુપાયેલો હતો. પેન્ટાગોન જાણતું હતું કે ઇઝરાયલી એરફોર્સ પાસે જગતના સૌથી ચુનંદા પાયલટ્સ છે. એટલે તેના નવા, અદ્યતન ફાઇટર પ્લેનોની અજમાયેશ ઇઝરાયલ દ્વારા થાય તેવી અમેરિકાની ગણતરી હતી. અને સાચે જ ઇઝરાયલે સિરિયા ખાતેના ઇરાનીયન લશ્કરી થાણા પર બોમ્બમારો કરવા આ પ્લેનનો બખૂબી ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, આ આક્રમણ પરથી અનુભવ લઇને યહુદી પાયલટોએ પેન્ટાગોનને અમુક સુધારા વધારા સૂચવ્યા હતા તેનો પણ અમેરિકાએ અમલ કર્યો અને નવા નક્કોર એફ-૩૫ વન આદિર પ્લેનનો કાફલો તેલઅવીવને પહોંચતો કર્યો !
છેલ્લાં પાંચ દાયકાથી સતત યુધ્ધના ઓથાર હેઠળ જીવતાં ઇઝરાયલે ખૂબ જ મારક ક્ષમતા અને ચોકસાઈપૂર્વક માર કરતા અનેક શસ્ત્રો, મિસાઈલ બનાવ્યાં છે. પેલેસ્ટાઈન અને લેબેનોન જેવા દેશો સાથે વારંવાર યુધ્ધે ચઢતાં ઈઝરાયલે શત્રુની ગતિવિધીઓનો તાગ મેળવવા અનેક નવી જાસૂસી ટેકનિક, વિજાણુ ઉપકરણો વિકસાવ્યા છે.
શત્રુના ડ્રોન પર હુમલો કરવા પેગાસસ સ્પાયેવર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતી સૈન્ય પ્રણાલીને તોડી પાડવા ઈઝરાયલે ઘણી નવી મિકેનીઝમ વિકસાવી છે. એક શસ્ત્ર સોદાગરે ટીપ્પણી કરી હતી તેમ ગાઝા પ્રદેશ ઇઝરાયલ માટે પોતાના શસ્ત્રો ચકાસવા ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. આ પ્રયોગોના આધારે જ ઈઝરાયલની વેપન ઇન્ડસ્ટ્રી અનેક દેશોને પોતાના શસ્ત્રો વેંચે છે.
જોકે આ વખતના યુદ્ધમાં ઈઝરાયલનેએક કડવો ઘૂંટ પીવો પડયો. તે એકે તેની આયર્ન ડોમ સિસ્ટમ ઈરાનના ક્લસ્ટર બોમ્બ સામે બોદી સાબિત થઈ. અત્રે એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બના વપરાશ પર જગતના સો દેશોએ જાગતિક પ્રતિબંધ મૂક્યો છે. છતાં ઈરાને નિયમોને નેવે મૂકી ઈઝરાયલ પર વારંવાર ક્લસ્ટર બોમ્બ ઝીંકીને પારાવાર નુકસાન પહોંચાડયું છે.
અમેરિકાએ ગલ્ફવોરમાં જેનો ઉપયોગ નહોતો કર્યો એવા એક અનોખા લડાકુ પ્લેનનો વપરાશ ઈરાન પર મોત વરસાવવા કર્યો હતો. એસી-૧૩૦ ગનશીપ તરીકે ઓળખાતા આ વિમાન 'સ્પુકી-ટુ' તરીકે ય ઓળખાય છે. તેનો ફાયરપાવર અદ્ભુત છે. આ પ્લેન તેના લક્ષ્યાંક તરફ નીચી સપાટીએ ધસી જાય છે. ત્યારબાદ તેની ત્રણ કોમ્પ્યુટર કન્ટ્રોલ તોપો એ રીતે ગોલંદાજી કરે છે કે ભૂમિગત લક્ષ્યાંક ચારે તરફથી ઘેરાઇ જાય આ પ્લેનની હેવી મશીનગન અને નાની તોપો પણ દર મિનિટે ૧૮૦૦ રાઉન્ડ ફાયર કરે છે. અમેરિકન વાયુસેનાના જુનવાણી હર્ક્યુલસ પ્લેનની નવેસરથી રચના કરી તેમને એસી-૧૩૦માં ફેરવવામાં આવ્યા છે.
અમેરિકાએ ઈરાન સામેના જંગમાં જે 'લ્યુકાસ' (લો કોસ્ટ અનક્રુ કોમ્બાટ એટેક સિસ્ટમ) નામે ઓળખાતા ડ્રોન વાપર્યા એ ઈરાનના શાહીદ-૧૩૬ ડ્રોનની જ કાર્બન કોપી છે. ઈરાનની નકલ કરીને અમેરિકાએ આ ડ્રોન ઈરાન સામે જ વાપર્યા અને હજુ પણ વાપરે છે! આ ડ્રોન ખૂબ લાંબા અંતર સુધી ઉડી પછી અચાનક પોતાના લક્ષ પર ચીલ ઝડપે ત્રાટકે છે. પેન્ટાગોનના અમલદારોને એ વાત પણ સમજાઈ કે જે ટાર્ગેટનો ધ્વંસ કરવા અમેરિકા લાખો ડોલરના ખર્ચે બનેલી ક્રુઝ મિસાઈલ વાપરતું હતું એ જ કામ ૨૦,૦૦૦ રૂપિયા જેટલી નજીવી કિંમત ધરાવતા લ્યુકાસ ડ્રોનથી પાર પાડી શકાય છે.
૨૦૧૧માં એક નાના છમકલામાં ઈરાને અમેરિકાનું યુએસ આરક્યુ-૧૭૦ સેન્ટિનલ સર્વિલન્સ ડ્રોન કબ્જે કર્યું પછી એ જ ડ્રોનની ટેકનિકના આધારે પોતાના માનવરહિત ડ્રોન બનાવ્યા.
ઈરાન પરના આક્રમણમાં અમેરિકા તેના શસ્ત્રાગારમાંના એકથી એક ચઢિયાતા આયુધો વાપરી રહ્યું છે. જ્યારે ઈરાન પાસે પોતાના સંરક્ષણ માટે રશિયન હથિયારો અને ગણીગાંઠી વાયુસેના અને પાંગળી નૌસેના સિવાય કંઇ નથી બચ્યું. એટલે અમેરિકા ટેસથી પોતાના શસ્ત્રો, વિમાનોનું પરિક્ષણ કરી રહ્યું છે. ભારત જેવા અનેક દેશો પણ આ અસમતુલા ધરાવતાં યુદ્ધનું રસપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છે. અમેરિકાને તો ઈરાનનું રેગિસ્તાન અને પહાડી વિસ્તાર પ્રયોગશાળા તરીકે વાપરવાનો મોકો લાંબા સમય પછી હાથ લાગ્યો છે. એટલે આ લહાવો લેવાનું અંકલ સામ ચૂકે ખરા?
તમને થશે કે ખાડી યુધ્ધથી અલિપ્ત રહેલા ભારતને આ જંગમાંથી કોઈ બોધપાઠ મળશે ખરો? તો તમે જણી કે ભારતના મિલિટરી પ્લાનરો આ લડાઈનું બારીકાઈથી નિરિક્ષણ કરી રહ્યા છે. ઓછાં ખર્ચે, શત્રુને ભારી નુકસાન પહોંચાડતા ડ્રોનનો ઉપયોગ કરી લડાઈન ે નિર્ણાયક મોડ આપવામાં સફળતા મળે છે. એ વાત હવે નક્કી થઈ ગઈ છે. આમ પણ ઓપરેશન સિંદુર પછી ભારતે વિવિધ પ્રકારના ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વળી આવા ડ્રોનનું ઓછા સમયમાં મોટી સંખ્યામાં ઉત્પાદન થઈ શકે છે.


