Get The App

વસંતની ડાળી ઉપર ગ્રીષ્મની ઉષ્ણતા

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
વસંતની ડાળી ઉપર ગ્રીષ્મની ઉષ્ણતા 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ચૈત્રના દિવસોમાં સવારે જ બપોર થઈ જાય છે. સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો મધ્યાહ્ન લંબાય છે. શિરીષનાં પુષ્પો તડકાના તોરમાં આછી ગંધનો ઉજાસ વેરે છે

વ સંતની વચલી ડાળીએ ગ્રીષ્મ નામનું પુષ્પ ઊગાડયું છે કે ફાગણના ફાગનું ગ્રીષ્મની આગમાં રૂપાંતરણ થતું જાય છે! કેસૂડા, ગરમાળા અને આમ્રમંજરી ફાગણનો વૈભવ છે, એ વૈભવને નિહાળી ચૈત્ર ચોંકી ઊઠયો છે ! એ વિસ્મય જ ચૈત્રી દ્વારા ઊભેલો તડકો છે કે શું ? હોળીના ઢોલ જંપી ગયા છે, રાજસ્થાની ભાઈઓ હવે હોળી પૂર્ણ કરી, કામે વળવા તરફ જઈ રહ્યા છે. જે અપપ્રચારથી તડકો પૃથ્વી ઉપર પથરાઈ જાય છે ત્યારે પૃથ્વીને વ્હારે આવી જાય છે વૃક્ષો ! તડકાથી પૃથ્વીને બચાવવા છાંયો થઈ રહ્યાં છે વૃક્ષો ! હમણાં વૃક્ષો વૈરાગી લાગતાં હતાં તે હવે વળી પાછાં સંસારી બની ગયાં છે ! આકાશ સૂનાં ભાસે છે. પારિજાત પરવારી ચૂક્યાં છે. મોગરા મોસમને ઉમ્બરે ઊભા છે. ચંપાનાં પુષ્પો તડકાનાં પાણી પીને ઊઘડી રહ્યાં છે. રજનીગંધા તડકો પીને, રાત્રે સુગંધ પ્રસરાવે છે. એ ગંધ તડકાની છે. આમ્રવૃક્ષે કાચી કેરીની કાયામાં તડકો પ્રવેશીને એ કેરીનું મીઠાશમાં રૂપાંતરણ કરે છે. દીપચંપાને સારા દિવસો જાય છે. ફાગણની કાયા ઉપર ચૈત્રનો ચળકાટ સુગંધનો પર્યાય બનતો જાય છે. નગરના કોલાહલમાં કોયલનો ટહુકો અટવાઈ ગયો છે. તડકીલા યુદ્ધનાં પડઘમ સાંભળી છાંયડાં થથરી રહ્યા છે !

ચૈત્રના દિવસોમાં સવારે જ બપોર થઈ જાય છે. સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો મધ્યાહ્ન લંબાય છે. શિરીષનાં પુષ્પો તડકાના તોરમાં આછી ગંધનો ઉજાસ વેરે છે. ફાગણની પ્રસન્નતા અને ગ્રીષ્મની ઉષ્ણતાનો સંગમ રચાય છે ચૈત્રના ચહેરા ઉપર ! ચૈત્રના વૃક્ષનું નામ છે લીમડો. લીમડો પોતાની કડવાશને સાચવી રાખી શીતળ છાંયે જે મધુરતાનો અનુભવ કરાવે છે તે ગ્રીષ્મ સામેનું પ્રકૃતિનું યુદ્ધ છે જાણે ! ઘઉંના ખેતરો કપાઈ રહ્યાં છે. ઠાલાં ખેતરોમાં તડકો આળોટી રહ્યો છે. રાઈ, રાજગરો પણ ખળે પહોંચ્યા છે. ઉનાળુ બાજરી સિંચાઈનાં જળ અને તડકાનાં જળ બંને એક સાથે ગટગટાવે છે. મહુડા, ઉમરા અને ગરમાળા ખરવા માંડયા છે. ઉનાળાનો તડકો ડરામણો ભાસે છે. તાજગી નામના શબ્દને પળમાં પરાજિત કરે છે. ઉનાળાને સૂર્ય વધારે માફક આવે છે, એની ભાષા જટાળા જોગીની ભાષા છે.

પર્વતો પણ ઉનાળાના યજ્ઞામાં આહુતિ આપવાની પહેલ કરે છે. તડકાના પૂરમાં રોડ-સડક ઉપરના ડામરને પીગળીને તણાઈ જવાનો ડર લાગે છે. કૂંપળોને કરમાઈ જવાની ભીતિ પેદા થાય છે ! કવિ જયંત પાઠકે ઉનાળાને 'જટાળો જોગી' કહ્યો છે. એ સાચી બાબત છે. ઉનાળા કાળભૈરવનું રૂપ ધરીને પૃથ્વી ઉપર ફાળો ઉપર ફાળો ભરે છે. 'કોપિત કાળ' થઈને એ ચાલે છે. જયંત ખત્રી અને કચ્છનું રણ બંનેએ ઉનાળાને પ્રેમ કર્યો છે ! પૃથ્વી નામના મોટા તપેલામાં આખી સજીવ સૃષ્ટિનો ખીચડો રંધાઈ રહ્યો છે. એમ સતત લાગ્યા કરે છે ! ઉનાળો દઝાડે છે. કરંટ લાગ્યો હોય, એવી પીડા પણ કરાવે છે પણ વીજળી તો મોત નોતરે છે ઉનાળો એટલી હદે ખતરનાક નથી. પંખી-પ્રાણીને થતો ત્રાસ ઉનાળાના પ્રકોપનું પરિણામ છે. આપણા જીવનની તમામ ઘટનાઓ ઉપર ઉનાળો આક્રમણ કરે છે. ઠંડા પાણીનાં માટલાંનો વપરાશ, ફ્રિજના પાણીનો વપરાશ ઉનાળાને ઠારવા માટેના પ્રયત્નો માત્ર છે. તડકાનું તોફાન સમુદ્રના તોફાન જેટલંા જ ભયાવહ હોય છે. ઉનાળા પાસે તપ કરવાની શક્તિ છે. યોગીઓ, ઋષિમુનિઓ તપ કરવાનું ઉનાળા પાસેથી શીખ્યા હોવા જોઈએ. ઉનાળો એ કોરા આંસુ છે. મહાકાવ્ય કોટિનાં આંસુ છે. એમાં આંસુની ઉષ્ણતા કરતાં જીવન વેદનાની દાહકતા વધારે જોવા મળે છે. વેદના અને ડૂસકાંનો દરબાર ભરીને ઉનાળો બેઠો છે. વૃક્ષોના છાંયડે છાંયડે ઉનાળાનો પરસેવો સુકાતો હોય છે. વસંત સજીને ઊભેલી નારીનો તડકો આ રીતે ઓવારણાં લઈ રહ્યો છે કે શું? તડકો પંખા એસીને ગાંઠતો નથી. આકાશમાંથી તડકો નહિ, લૂ વરસે છે. તડકાના મંડપ નીચે સૃષ્ટિના જીવો જીવનસંસાર ચલાવી રહ્યા છે. અને હોળાષ્ટક હજુ લંબાયાં હોય એવો માહોલ રચાયો છે !

તડકાના પાણીથી સિંચાઈને આમ્રવૃક્ષનું આમ્રફળ તૈયાર થઈ રહ્યું છે. એમાં તડકો મીઠાશ રેડે છે. મજૂરો હવે બાર વાગે કામ સમેટી લેતાં નથી. અગિયાર વાગે છૂટાં થઈ જવાની રાહ જુએ છે. ફાગણની ડાળ ઉપર વસંત નામની કન્યાના ચહેરા ઉપર પ્રસ્વેદના રેલા છે રેલા ! ઘઉંના ખેતર માથું મુંડાવીને બેઠાં છે. શેરડીના કોલાં પાણીની પરબ થઈ ગયાં છે !

પંખીના ટહુકા અને અબોલ જીવોના નિસાસાને કોઈ ટેપરેકોર્ડરમાં ઝીલવાનો પ્રયત્ન કરતું નથી. નહિ તો ઉનાળામાં વૃક્ષોને પર્ણે પર્ણે સમાય એટલા આશિષ આપવાનું કામ તે બંને કરતાં હોય છે. વૃક્ષોના શુભાશિષથી ધરા ટકી છે. ધરાની મમતાએ વૃક્ષો ઊભાં રાખ્યાં છે. બાકી તડકાનાં આક્રમણો ક્યાં ઓછાં છે ? પૃથ્વી ઉપર કેવળ ટ્રમ્પ નથી વસતો, આકાશમાંથી વરસતો તડકો અદકેરો ટ્રમ્પ જ છે !

હમણાં જ પાણી પિવડાવેલા બાજરીના ખેતરમાં ઊભેલો બાજરીનો છોડ સૂરજ સામે જોતો જ નથી લજામણીની જેમ બીડાઈ ગયો, ડરી ગયેલો લાગે છે ! સૂરજ સાથે કિટ્ટા કરતો હોય જાણે ! સૂરજ સૌના દેહને દઝાડે છે એમ કહેવા કરતાં સૌને પરિપકવ થવાની તાલીમ આપે છે એમ કહેવું વધારે યથોચિત્ છે. વસંતની ડાળી ઉપર ગ્રીષ્મને ઝુલવાની કેવી ઉતાવળ આવી છે ?