- અર્જુનસિંહ કે. રાઉલજી
- 'દીકરા, હવે હું એકલી નથી જ... મારી દીકરી, મારી કલ્યાણી મારી સાથે જ છે.. મારે તારી ઘેર આવવાની જરૂર નથી, જીવીશ ત્યાં સુધી હું અહીં જ રહીશ...
- કેરટેકર કોને લેવા જેવી ? કલ્યાણી જ કેરટેકર કહો તોય અને દીકરી ગણો તોય.. ! મંગલભાઈએ જયારે કહ્યું કે - ચિંતુએ પૈસા આપવાનું કહ્યું છે, ત્યારે કલ્યાણીની આંખોમાંથી તો અશ્રુ નીકળી ગયાં. તેણે રડી દીધું..
ક લ્યાણી નીતાબાના ઘેર પહોંચી ત્યારે તો સવારના લગભગ દસ વાગી ગયા હતા. આમેય કલ્યાણીને ઉતાવળ હતી, હજુ બીજાં બે ઘરનું કામ કરવાનું બાકી હતું, પણ અહીં નીતાબાના ઘેર તો જાણે કે પરમ શાંતિ હતી. દૂધ લેવા બારીની કડી ઉપર લટકાવેલી થેલી પણ તાપમાંથી જાણે કે અંદર જવાની રાહ જોતી હતી. બારણાં બંધ હતાં. નીતાબા હજુ પણ ઉઠયા નહોતાં. દરરોજ તો ક્યારનાય સવારના મળસ્કે પાંચ વાગ્યાના ઉઠી જતાં, નાહી ધોઈ, દીવો દિવેટ કરી, ચા-નાસ્તો કરી, પરવારીને કલ્યાણીની રાહ જોતાં બેઠાં હોય... અરે ! કલ્યાણી આઠ વાગે આવે તો પણ બબડતાં- અલી, આટલું બધું મોડું? જરા પગ ઉપાડતી હોય તો... જરા કામમાં ઝડપ રાખતી હોય તો... લે તું આટલી મોડી આવી, હવે ક્યારે પરવારીશ અને મારું ખાવાનું ક્યારે બનાવીશ ? પછી મોડું થશે તો ભૂખ પણ મરી જશે... ! તેના બદલે દસ વાગ્યા તો ય હજુ નીતાબા ઉઠયા નથી... આવું તો ભાગ્યેજ બને... ! કલ્યાણીના મનમાં ધ્રાસ્કો પડયો, કંઈક અમંગલ થયાનો અંદેશો જાગ્યો, નક્કી કંઈક ના બનવાનું બની ગયું લાગે છે, તેણે બેલ દબાવ્યો - એક બે વખત નહીં, પણ પૂરા સાત વખત, પણ અંદર કોઈ હલચલ જણાઈ નહીં, તેણે બારણું ઠોક્યું અને બૂમો પાડી, ''નીતાબા, નીતાબા...'' પણ અંદરથી કોઈ પ્રત્યુતર જ નહીં. તેણે બારી ખોલી અંદર જોવાનો પ્રયાસ કર્યો, પણ બારી ના ખૂલી તે ના જ ખૂલી. કલ્યાણીના ગળામાંથી લગભગ ચીસ જ નીકળી ગઈ, ''ની...તા...બા...'' તેની ચીસ સાંભળી બાજુવાળા મંગલભાઈ બહાર આવ્યા, ''શું થયું કલ્યાણી ?''
''જુઓને મંગલભાઈ નીતાબા ઉઠતાં જ નથી... હું ક્યારની બેલ વગાડું છું, બારણાં ઠોકું છું અને બૂમો પાડું છું પણ... આટલું બધું થોડું ઊંઘવાનું હોય ?''
''ના... ના... નીતાબા આટલું બધું ઊંઘે એવાં છે જ નહીં... તે તો ક્યારનાય મળસ્કે પાંચ વાગ્યાના ઉઠી જાય, અને પરવારી જાય... અમે ઊઠીએ ત્યારે તો તેમણે પૂજા અર્ચન કરી ચા નાસ્તો પણ કરી લીધો હોય અને નિરાંતે હીંચકે ઝૂલતાં હોય...'' મંગલભાઈ ત્યાં આવી ગયા, તેમની પાછળ તેમનાં ઘરવાળા અંબાબા પણ આવી ગયાં, અને બોલ્યાં, ''અરે ! હું તો એમને કહેતી પણ ખરી કે રોયાં, તમારે ક્યાં ઓફિસ જવાનું છે કે કોઈને ઓફિસ મોકલવાનું છે... ! શું કામ આટલાં બધાં વહેલાં ઉઠી જાવ છો ? પણ એમ માને તો એ નીતાબા જ નહીં... કહેશે, કેટલું ઊંઘવાનું ? ઊંઘ ઊડી જાય પછી ખાટલામાં પડી રહેવાનું મને ના ગમે...''
મંગલભાઈએ પણ પૂરા જોસથી, લગભગ તૂટી જાય એટલી હદે બારણું ઠોક્યું, પણ અંદરથી કોઈ જવાબ જ નહીં. તે પણ થાક્યા એટલે બીજી બાજુ જોઈને રમેશને બૂમ પાડી. નીતાબાની ડાબી બાજુ મંગલભાઈ રહેતા હતા તો જમણી બાજુ રમેશ. મંગલભાઈએ બૂમ પાડી એટલે રમેશ બહાર આવ્યો, ''શું થયું મંગલકાકા?''
''અરે ! આ નીતાબા દસ વાગી ગયા અને આ કલ્યાણી કામ કરવા આવી તોય ઉઠતાં જ નથી. કેટલાં બારણાં ઠોક્યા, બેલ વગાડયા અને બૂમો પાડી, પણ કોઈ જવાબ જ નથી આપતાં... એક કામ કર, પેલા બાજુની ગલીના છેવાડે રામો રહે છે, મિસ્ત્રી કામ કરે છે એને બોલાવી લાવ, કહેજે કે નીતાબાના ઘરનું બારણું ખોલવાનું છે. ના ખૂલે તો તોડી નાખવાનું છે - એટલે સામાન લઈને જ આવે...''
''ભલે કાકા, આ ગયો ને આ આવ્યો...'' કહેતો રમેશ તો પગમાં ચંપલ ઘાલી ચાલતો થયો.
***
આ નીતાબા પણ અલગ જ છે. મોટો પિન્ટુ તો અમેરિકા ન્યુ જર્સી છે. નીતાબાને ત્યાં તેડાવે છે. વિઝા કઢાવવાનું પણ કહ્યું, પણ નીતાબાએ ઘસીને ના પાડી દીધી - ના રે ભાઈ ! હવે આ ઉમરે પારકા પરદેશમાં જઈને હું શું કરું ? ના દેવ દર્શન થાય, કે ભક્તિ થાય... ! અને પારકા પરદેશમાં મરી જઈએ તો ના તો નર્મદા પામીએ કે ના તર્પણ... મારે નથી આવવું અમેરિકા... અને કદાચ પિન્ટુના પેટમાં પાપ નહીં હોય, પણ તેની બૈરી તો ચઢેલી જ છે... ! આપણે ચાર વાર બોલાવીએ ત્યારે તો બોલે... ! બોલવામાં પણ જાણે કે ભાર પડતો ના હોય... ! એ અમેરિકા તને મુબારક... !
નાનો દીકરો વળી બેંગલોર છે - ચિતું. બેંગલોર કોઈક મોટી કંપનીમાં ઓફિસર છે. ગયા તો હતાં નીતાબા તેની સાથે રહેવા બેંગલોર... પણ તેમને ચિતુની વહુ સાથે જ ના ફાવ્યું.... કદાચ સાઉથ ઇંડિયન કે પછી ક્રીશ્ચયન છે, નીતાબા કહે - મને ના ફાવે એ બીજી નાતની સાથે, આખો દહાડો ઓટપીટ ગોટપીટ કર્યા કરે, માંસ મટન ખાય, ઘર અભડાય, એમના માંસ મટન ખાધેલા મોંઢે ફ્રિજમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીએ, એ એઠું પાણી પાછું આપણે પીવાનું... !! ના બાપા ના... ને પાછી ચઢેલી પણ કેટલી ? આપણે ના પાડીએ તો તરત જ ચિંતુને ફરિયાદ કરે... ચિતું પણ બૈરીનું ઉપરાણું લઈ ના બોલવાના બોલ બોલે... એટલે આવતી રહી પાછી. આપણે આપણાં ઘેર જ સારાં - જેમ ફાવે તેમ તો રહેવાય ને ?!
નીતાબા એકલાં જ રહે છે. આજુબાજુવાળાં સારાં છે તે એમનું ધ્યાન રાખે છે. સાંજે સાંજે હાજર રહે છે - કોઈ તકલીફ પડવા દેતાં નથી. અને આ કલ્યાણી તો વરસોથી કામ કરે છે એમને ત્યાં. કચરા, પોતાં, કપડાં, બધું જ કામ કરવાનું અને પાછું એમને ભાવતું ખાવાનું પણ બનાવવાનું... નીતાબા કહે તે રસોઈ તે બનાવી આપે, બંને જણ સાથે બેસીને જ ખાય. વધે તે બધું એને આપી દે. નીતાબા એક ટાઇમ જ જમે છે, રાતે જમતાં જ નથી... રાતે ખાધું હોય તો આખી રાત પડખાં ફર્યા કરવું પડે, પચે જ નહીં. બજારમાંથી કઈ લાવવા, કરવાનું હોય તો આજુબાજુવાળાં લાવી આપે અથવા તો કલ્યાણી લાવી આપે... ! ક્યારેક વરસે બે વરસે એકાદ દીકરો આંટો મારી જાય... બેમાંથી એકેની બૈરી તો આવવા નવરી જ નહીં. બાકી ત્રણ માળનું મકાન છે, નાખી દેતાં પણ કરોડ રૂપિયા ઉપર કિંમત થાય, પણ કોઈ દીકરા ભારવાય આવતા નથી.
***
રામાએ ઘણો પ્રયત્ન કર્યો પણ બારણું અંદરથી વાસેલું હતું, સ્ટોપરો અને આગળો પણ ચઢાવેલો હતો એટલે ક્યાંથી ખૂલે ? લગભગ આખી સોસાયટીવાળા આવી ગયા હતા - એ લોકો એક કુટુંબની માફક જ રહેતા હતાં... ! બધાંયે કહ્યું કે - નીતાબાને ચોક્કસ જ કઈક થયું છે, માટે વધારે મોડું થાય તે પહેલાં જ બારણું તોડી નાખો, એટલે રામાએ મિજાગરામાંથી જ બારણું તોડી નાખ્યું, જેવું બારણું ક..ડ..ડ..ડ... અવાજ સાથે પડયું તે સાથે જ એક સાથે અનેક જોડ આંખો અંદર મંડાઈ ગઈ. નીતાબા આગળની રુમમાં જ હતાં અને ખાટલાની નીચે પડયા હતાં.... આંખો ફાટી ગયેલી હતી, કપડાં ઠેઠ સુધી લગભગ ઊંચાં થઈ ગયાં હતાં, અંબાબા અને બીજી ઓરતોએ દોડીને કપડાં સરખાં કર્યાં. નીતાબાના શરીરનો કમરથી નીચેનો ભાગ આખો ત્રાંસો થઈ ગયો હતો અને નીતાબા ધરતી ઉપર પડયાં હતાં. મંગલભાઈએ આગળ વધી તેમની નાડી તપાસી હૃદયના ધબકારા ચેક કર્યા અને બોલ્યા, 'જીવ છે હજુ, તાત્કાલિક ૧૦૮ બોલાવો અને ઓર્થોપેડિક દવાખાનામાં લઈ જાવ.' કોઇકે ૧૦૮ને ફોન કર્યો. ગણતરીની મિનિટોમાં જ સાયરન વગાડતી ૧૦૮ આવી ગઈ અને નીતાબાને ડો. અવિનાશભાઈના આર્થોપેડિક દવાખાનામાં દાખલ કર્યા. પલંગ ઉપરથી પડવાના કારણે તેમનો પાછળનો બોલ તૂટી ગયો હતો, બોલ બદલવા સર્જરી કરવાની હતી.. સર્જરી પછી પણ લગભગ એકાદ મહિનો તો દવાખાનામાં રહેવું પડશે...!
ફટાફટ રમેશ, મંગલભાઈ અને સોસાયટીના બીજા લોકોએ નીતાબાના દીકરાઓને ફોન લગાડવા માંડયા. રમેશભાઈ અને મંગલભાઈ પાડોશી હોવાના નાતે તેમના બંને દીકરાઓના નંબરો પોતાના મોબાઇલમાં સેવ રાખતા હતા. અમેરિકાવાળા દીકરાના ઘેર તો રિંગ વાગ્યા જ કરી, પણ કોઇ ફોન ઉપાડતું જ નહોતું. કોઇકે કહ્યું - ત્યાં તો અત્યારે રાત હશે - બધાના મોબાઇલ સાયલંટ મોડમાં હશે અથવા તો બંધ હશે - એટલે મોટા પીંટુને ફોન કરવાનું બંધ કરી ચિંતુને ફોન કર્યો. થોડીવાર તો રિંગ વાગતી રહી પછી ચિંતુની વહુએ જ ફોન ઉપાડયો એટલે મંગલભાઈએ વાત કરી કે નીતાબા ઊંઘમાં જ પલંગ ઉપરથી પડી ગયાં છે. પાછળનો બોલ તૂટી ગયો છે અને મોટું ઓપરેશન કરવાનું છે - તો તમે લોકો તાત્કાલિક આવી જાવ... તો તેણે કહ્યું કે ચિંતુ તો ઓફિસે ગયો છે. ત્યાં મોબાઇલ કરી શકાય તેમ નથી - તેનો વીસ દિવસનો સેમિનાર ચાલે છે, આખા દેશમાંથી લગભગ બસ્સો જેટલા મેનેજરો આવ્યા છે, છતાં ચિંતુ આવશે ત્યારે હું વાત કરીશ - તમને ફોન કરશે અને જો અવાય એમ હોય તો ફલાઇટ પકડી આવી જશે.. હાલ પૂરતું તમે મેનેજ કરી લ્યો.
બધાં એકબીજાનાં મોંઢા જોવા લાગ્યાં - શું કરવું ? આવી ફાસ્ટ લાઇફમાં કોની પાસે ટાઇમ હતો કે પડોશી સાથે દવાખાને રહે ? કલ્યાણી પણ હાજર હતી. બધાના ઉતરેલા ચહેરા જોઈ તે બોલી, 'કશો વાંધો નહીં, ચિંતુભાઈ આવે ત્યાં સુધી હું રહીશ બા સાથે.. તમે ચિંતા ના કરશો- બાને એમ કઇ મરવા થોડાં દેવાય ? બધાને હાશ થઈ, દવાખાનાનું બિલ મંગલભાઈ અને રમેશે ભરવાની જવાબદારી લીધી.
કલ્યાણી પણ ક્યાં નવરી હતી ? એ બીજાં ચાર ઘરનું કામ કરતી હતી. તેણે પોતાની દીકરી જે દસમા ધોરણમાં હતી તેને ફોન કરીને કહી દીધું કે મારાથી હવે બીજાં ઘરોમાં કામ પર નહીં જવાય, તું સ્કૂલે ના જતી અને એ કામ પતાવી આવજે... તારા પપ્પાને આજે ખાવાનું બનાવીને ખવડાવજે.. હું ચિંતુભાઈ કે તેમના ઘેરથી કોઈ આવશે ત્યારે આવી જઈશ... દીકરીએ હા પાડી, એટલે કલ્યાણીના જીવને શાંતિ થઈ.
બબ્બે દીકરાઓ હોવા છતાં નીતાબા કામવાળીના ભરોસે હતાં... ના.. ના.. કલ્યાણી કામવાળી તો નહોતી જ.. પણ કામવાળી કરતાં પણ કંઇક વિશેષ હતી ! કદાચ આખા જગતમાં તે એકલી જ નીતાબાની સગી હતી, તેને પોતાને નીતાબાની જેટલી લાગણી થતી હતી, તેટલી કદાચ તેમનાપુત્રોને પણ નહીં થતી હોય... ! મન મૂકીને તે નીતાબાની સેવા કરતી હતી - અને તે પણ કોઈપણ પ્રકારના વળતરની આશા વિના જ...!
બીજા દિવસે નીતાબાનું ઓપરેશન થયું. ઓપરેશન લગભગ અઢી કલાક ચાલ્યું. કલ્યાણી ખડાપગે હાજર.. જ્યાં સુધી ઓપરેશન ચાલ્યું ત્યાં સુધી કલ્યાણી ઓપરેશનની સફળતા માટે ભગવાનની માળા સતત કરતી રહી.. ! જોનારા બધા આશ્ચર્ય પામતા હતાં - નક્કી આ ગયા ભવની જ લેણ દેણ.. બાકી કામવાળી આટલું બધું કરે ખરી ?
ઓપરેશનને પણ ત્રણ દિવસ વીતી ગયા ત્યારે ચિંતુનો ફોન આવ્યો. તેણે મંગલભાઈ સમક્ષ પોતે આવી શકે તેમ નથી તેવી અશકિત દર્શાવી. સાથે સાથે કહ્યું કે અમેરિકા પીન્ટુ સાથે પણ વાતચીત થઈ ગઈ છે - મોટાભાઈ કે ભાભી પણ આવી શકે તેમ નથી - તેમનાં છોકરાંઓની પરીક્ષાઓ ચાલે છે, માટે બા સાથે દવાખાનામાં રહેવા માટે અને દવાખાનામાંથી રજા આપે ત્યારે ચોવીસે કલાક બા સાથે ઘેર રહી શકે તેવી કોઇક કેરટેકરની વ્યવસ્થા કરી લેજો. પૈસાની કોઈ ચિંતા ના કરશો. અમે આવીશું એટલે બધા જ પૈસા આપી દઇશું. અમે વહેલામાં વહેલી તકે આવી જઈશું - હું અથવા મોટાભાઈ... ?!
કેરટેકર કોને લેવા જેવી ? કલ્યાણી જ કેરટેકર કહો તોય અને દીકરી ગણો તોય.. ! મંગલભાઈએ જયારે કહ્યું કે - ચિંતુએ પૈસા આપવાનું કહ્યું છે, ત્યારે કલ્યાણીની આંખોમાંથી તો અશ્રુ નીકળી ગયાં. તેણે રડી દીધું.. અને ડૂસકાં ભરતી ભરતી બોલી, 'ના ના મંગલભાઈ.. તમે લગીરે ચિંતા ના કરશો. નીતાબા મારાં બા જ છે, તેમની સેવાના પૈસા થોડા લેવાય ? કલ્યાણી મન મૂકીને પોતાની સગી મા હોય તે રીતે તેમની સેવા કરતી હતી. નીતાબા ભાનમાં આવ્યાં પછી કલ્યાણીને પોતાની સેવા કરતી જોઈ થોડાંક ભાવુક થઈ ગયાં, તે બધી જ વાત સમજી ગયાં... હજુ તેઓ પથારીવશ જ હતાં.. કલ્યાણી તેમણે ઝાડો પેશાબ કરાવતી, તેમના આખા શરીરે સ્પંજ કરી આપતી, માથું ઓળી આપતી, તેમને ભાવતી રસોઈ પોતાના ઘેરથી માંગવી લેતી અને ચોવીસ કલાક તેમની પાસે જ રહેતી.
લગભગ તેઓ વોકર લઈ ચાલતાં થયાં ત્યારે ચિંતુ આવ્યો. તે પણ એકલો જ. માત્ર ત્રણ કલાક માટે. માની ખબર અંતર પૂછી અને તેઓ ચાલતાં થાય ત્યારે અહીંનું ઘર વેચીને તેમને પોતાની સાથે લઈ જવાની વાત કરી. હવે તે પોતાની માને એકલી રહેવા દેવા માંગતો નહતો.. ! કલ્યાણી પણ હાજર જ હતી. નીતાબાએ ચિંતુને કહ્યું, 'દીકરા, હવે હું એકલી નથી જ... મારી દીકરી, મારી કલ્યાણી મારી સાથે જ છે.. મારે તારી ઘેર આવવાની જરૂર નથી, જીવીશ ત્યાં સુધી હું અહીં જ રહીશ, અને મારી કલ્યાણી મારી સેવા કરશે. તારે મારી ચિંતા કરવાની જરૂર નથી.. અને હા.. મરતાં પહેલાં હું આ ઘર કલ્યાણીના નામે જ કરતી જઈશ. તમે કોઈ આ ઘરની આશા રાખતા નહીં'' હજુ તો નીતાબાની વાતના જવાબમાં ચિંતુ કંઈ બોલે તે પહેલાં તો કલ્યાણી ચીસ પાડીને બોલી ઉઠી, 'બા, એ તમે શું બોલ્યાં ? મારે આ ઘર તો શું પણ તેમાની એક પણ ચીજ ના જોઈએ. હરામનું અને અણહક્કનું મને કશુંયે ના ખપે.. રહી વાત સેવાની તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ - તે પણ કોઇપણ પ્રકારના વળતરની આશા વિના.. માબાપની સેવા કરવાની તો દીકરીની ફરજ છે ને ? ચિંતુ અને નીતાબા બંને કલ્યાણીના ચહેરા તરફ તાકી જ રહ્યાં - કોઈક અજબ પ્રકારનું તેજ તેના ચહેરા ઉપર ઝળહળતું હતું...!


