ભુજમાં પ્રાગ મહેલનું પ્રાગટય .
- પ્રાગ મહેલને જોઈને સૌને મૂળિયા આવે યાદ
- રસવલ્લરી-સુધા ભટ્ટ
આ દુનિયાના તમામ દેશોની માટીની સોડમ અને ખાસિયત નોખી નોખી છે. દરેકમાં કંઈક તો એવું તત્ત્વ છે જે એની ખૂબી કહેવાય, પરંતુ આપણા ભારત દેશની વાત તો સાવ અનોખી- અનુઠી છે. પ્રાચીન કાળથી જ વિશ્વમાં જુદી તરી આવતી આપણી સંસ્કૃતિનો પ્રભાવ દેશના દરેક પ્રાંતે- હવે રાજ્યે વિવિધ રીતે ઝીલ્યો છે. હા, સમય સાથેના બદલાવને કારણે દેશના પિંડનો આકાર અને દળ બદલાતો રહ્યો છે પણ તેથી તો ઉલટાનો આપણા હૃદયનો તંતુ વધુ મજબુત બનતો અનુભવાય છે. આ જુઓને ! આપણાં રાજા- રજવાડાની જ વાત કરીએ તો આજે પણ એમની જીવન શૈલી, તે સમયના સિદ્ધાંતો અને કળા સાહિત્ય તેમજ શિક્ષણ માટેનો તેમનો લગાવ, તેમનો અભિગમ આપણને આકર્ષિત કરે જ છે. ગુજરાતની ગૌરવાન્વિત ભૂમિને ઘમરોળીને જે રાજાઓએ એનું ગૌરવ કર્યું, બહુમાન વધાર્યું એમણે આપણે માટે કેવો ભવ્ય વારસો છોડયો છે ! એમની આર્ષદ્રષ્ટિ અને દેશપ્રેમને કારણે આજે પણ આ ધરા રળિયાત છે. એ સમે સૂકી ભઠ બિનઉપજાઉ કહેવાતી ધરતીએ નવા હરિત વાઘા ધારણ કર્યા છે, આધુનિક ટેક્નોલોજીએ જ્ઞાાનનેત્રો વિસ્તારી આપ્યા છે. તેના મૂળમાં- પાયામાં આપણી પાક્કી વિરાસત છે. બરાબર સમજ્યા, અહીં સગર્વ માંડવી છે. 'અસાંજો કચ્છડો બારે માસ'ની બારમાસી, તરોતાજા ચિરંજીવી સંસ્કૃતિની ગાથા ભુજના ઇતિહાસવિદ, લેખક અને કલાકાર શ્રી પ્રમોદભાઈ જેઠીના રસપૂર્વકના સંશોધનને અંતે, તેમના તારણ મુજબ કચ્છમાં ત્રણસોથી વધુ મહેલો, કિલ્લાઓ હતા જેમાં ભુજના પ્રાગમહેલ, આયના મહેલ, શરદબાગ મહેલ જેવા સ્થાપત્યો ભવ્ય ભૂતકાળને સંગોપીને બેઠા છે.
ભિન્ન કળાઓ, ભિન્ન કળાકારો કેવું કૌતુંક કરે!
ભુજ શહેરને તોરણથી મઢનાર પ્રથમ રાજા ખેંગારજી (પહેલા) ઇ.સ. ૧૫૪૯- વિક્રમ સંવત ૧૬૦૫માં ભુજિયા ડુંગર પર ગયા ત્યારે અમદાવાદની સાબરમતી નદીને કિનારે બનેલી ઘટના પુન: ઘટી. એક શિકારી કૂતરા અને સસલા વચ્ચે દ્વંદ્વયુદ્ધ થયું. રાવ શ્રી ખેંગારજીએ આ જ સમયગાળામાં મહેલ સંકુલની રચના કરાવડાવેલી ત્યારબાદ ત્રણસો વર્ષે દરબારગઢના ભાગ રૂપે મહારાજા પ્રાગમલજી બીજાએ આ પ્રાગમહેલ બંધાવ્યો. મૂળ સંરચનાનું એ વિસ્તૃત સ્વરૂપ ભુજનું ઘરેણું બની રહ્યું. આમ તો એ વખતે આ મહેલ પૌરાણિક ભુજ નગરની બહાર સીમને વળોટીને બનેલો પણ હવે તે શહેરના હૃદય સમા વિસ્તાર દરબાર ગઢ રોડ, જૂના ધાતિયા ફળિયા ભુજના કેન્દ્રસ્થ છે. ઓગણીસમી સદીમાં ૧૮૬૫માં પ્રાગમહેલની પહેલી ઇંટ મુકાયેલી. ૧૮૭૫માં રાજાનું મૃત્યુ થયું અને એમના સુપુત્ર ખેંગારજી ત્રીજાના કાર્યકાળમાં ૧૮૭૯માં પ્રસ્તુત મહેલનું ચણતર પૂરું થયું. જાડેજા કુળના પરખંદા રાજવીઓમાં મહારાવ પ્રાગમલજી, ખેંગારજી, વિજયરાજજી અને અંતિમ રાજા મદનસિંહે વખતો વખત પ્રાગમહેલનું અપૂર્વ જતન કર્યું. ઇટાલિયન સ્થપતિ કર્નલ હેન્રી વિલ્કિન્સે ઇટાલિયન ગૉથિક શૈલીમાં આ મહેલ બંધાવ્યો જેમાં રોમન જેવી ઇન્ડો સાર્સેનિક રિવાઇવલ શૈલીનો પ્રયોગ કર્યો. ઇટાલીથી આવેલા શ્રમિકો ઉપરાંત છેલ્લા તબક્કે કચ્છી મિસ્ત્રીઓ પણ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા જેમને સોનાના સિક્કાઓ રૂપે ભથ્થુ ચૂકવાતું. એ સમયે અધધ...રૂા. એકત્રીસ લાખનો ખર્ચ થયેલો. અલબત્ત થોડા વર્ષો પહેલાં જ રિસ્ટોરેશનમાં રૂા. પાંચ કરોડ વપરાયા એ અલગ વાત છે. કચ્છના બન્નીના ક્ષેત્રના 'અંધૌ'ના પીળા રેતિયા પથ્થર અને રાજસ્થાનના ગુલાબી ઝાંયવાળા રેતિયા પથ્થર ઉપરાંત આ રચનામાં ઇટાલિયન માર્બલનું પણ સંયોજન થયું છે.
ઘંટાઘરની અટારીએથી ભુજનું વિહંગદર્શન
પ્રાગ મહેલ- દરબારગઢના મુખ્ય દ્વારે ૪૫ ફિટ ઉંચો ક્લૉક ટાવર ઘંટા ઘર છે. જેની આન-બાન-શાન જાજરમાન ભવ્ય મહેલની જાણે કે શોભા છે ! ત્યાં જ તોરણિયા નાકા પર બહારના ભાગે ડચ લોકો જેવા પહેરવેશમાં- ટોપીમાં દરવાનો નજરે પડે છે. અઢારમી સદીની અસર એની ઉપર જણાય છે જેની નોંધ ભૂજના રામસિંગ માલમે હૉલેન્ડ મુલાકાત દરમ્યાન લીધી હતી. ઉપરાંત પેલા કુતરા- સસલાના પ્રસંગ આધારિત શિલ્પોની મોટી પેનલ પણ અહીં વિદ્યમાન છે.
પ્રાગ મહેલની અંદર દાખલ થતા જ રેતિયા પથ્થરોથી બનેલી તિલા મેડી જોવા મળે જ્યાં નવા રાજાનો રાજ્યાભિષેક થાય. વળી, કચ્છના અઢાર રાજાઓના માનીતા દેવસ્થાનોને ૧૯૭૦માં આ સ્થળે ભેળા કરી તેની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પણ પૂજા અર્ચના થાય છે. પરિણામે, આયના મહેલ સહિત પ્રાગ મહેલમાં પ્રાચીન સ્થાપત્યોનો મેળો જોવા મળે.
પ્રાગ મહેલની અંદર મુખ્ય હૉલમાં ઝળહળતા ઇટાલિયન ઝુમ્મરો અને પ્રાચીન શિલ્પો છે. મૃત પ્રાણીના શરીરમાં મસાલો ભરી, તેને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અલબત્ત 'એન્ટિક' કહી શકાય એવી ભગ્ન કલાકૃતિઓ ય અહીં છે. 'હેરિટેજ સાઇટ'નો દરજ્જો મેળવેલો આ મહેલ બે માળનો છે. બન્ને માળે બારી- બારણા અને બાલ્કનીઓમાં ગૉથિક વળાંક અને કમાન ધરાવતું માળખું છે. છલોછલ યુરોપિયન શૈલીના સ્તંભો અને ગીચ નકશીકામ સાથે ભારતીય જાળીકામનું સંયોજન આ સંરચનાને અતિ કલાત્મક ઓપ આપે છે. કોતરણીમાંથી યુરોપિયન વનસ્પતિ 'ફ્લોરા એન્ડ ફૌના'ના ઉપનામે ડોકાય છે, તો પ્રાણીઓના ચહેરા, ઊભા- આડા વળાંકોયુક્ત વેલ ફૂલપત્તીની ગોઠવણી ગુચ્છા સ્વરૂપે ફૂલદાનીમાં પરિવર્તિત થાય છે. પ્રાણીઓની હારની હાર સાથે સ્તંભ પોતે એક વૃક્ષ બની જતો ભાસે છે.
ભોક્તા વિણ કલા નહિ કલાકારના સાથ જેવું બીજું કાંઈ નહિ
'આર્કિટેક્ચરલ વંડર' ગણાતું આ બાંધકામ જાણે કે ઇટાલિયન કલા સાહિત્યમાંથી ઉતરી આવેલું એક અવતરણ છે. પ્રાગ મહેલ દરબારગઢ એક સંયુક્ત સ્થાપત્ય નજરાણું એટલા માટે છે કે કલારસિકો ભૂગોળની મર્યાદા ભૂલી જઈ માત્ર રસઝરણમાં ડૂબકી મારે છે. ગઢમાં નાનકા સ્તંભોનો ઠાઠ જુઓ ! પહોળા- ત્રેવડા સ્તંભો પાટલે ઊભા રહી માથે માનવાકૃતિને ઝીલે ! સોનેરી કિનારી અને કમાનો, ફૂલજાળી, ટેકો મદલનો અને છતમાં ય ભૌમિતિક ભાત. છોમાં પાછી ચાઇના મોઝેકની ભૌમિતિક શૈલી ! પ્રવેશતાં જ ગોળ થાંભલા, જુદા જુદા લેવલ- પગથિયા, જૂના ફર્નિચર, છત પર ફૂલવાડી, ડાઇનિંગ- ડ્રેસિંગ ટેબલ સીસમના સૌને આવકારો મીઠો આપે. છાપરા પરના વાંછોટિયા અને કમાનોની નીચે લટકતા નાજુક ટોડલા સજાવટમાં મકાઈ ડુંડા કે દ્રાક્ષના ઝૂમખા અને કૂંજા જેવી ડિઝાઇન દેવી- દેવતા અને માનવાકૃતિઓ પણ ખરા. કોતરણીમાં વળિયા અને પુષ્પોને ગોઠવ્યા હોય નિશાન. ડંકાના આકારમાં અરે ! 'કોરિન્થિયન' સ્તંભોની તો વાત જ નિરાળી ! ગ્રીસના નગર 'કોરિન્ય'ની પદ્ધતિએ ઊંચી ગુણવત્તાવાળું સુશોભિત ગ્રીક સ્થાપત્ય કોતરણીયુક્ત અને શિર પર મથોટી-પાંદડાના મુગટની ડિઝાઇન. ચાલો પ્રાગમહેલના કલાત્મક ઝરૂખા આપણી રાહ જુએ છે !
લસરકો :
દેશો વચ્ચેનું અંતર ઘટી જાય; જ્યારે અંતરમાંથી સૌંદર્ય રસઝરણ થાય.