રંગબેરંગી, સુગંધી ફુલો ખાવાની ફેશન
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ગુલાબ, જાઈ, સેવંતી અને લેવેન્ડરનાં ફૂલોની શાકભાજી ખૂબ સ્વાદિષ્ટ બને છે. ચીનમાં કમળ જેવાં લીલી ફૂલ તેમ જ સેવંતીનો ઉપયોગ શાક બનાવવામાં કરે છે.
પૌષ્ટિક તત્વોથી છલોછલ ફળો અને શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ઉપકારક સિદ્ધ થયાં છે એ વાત સર્વવિદિત છે. તેવી જ રીતે આપણા રસોડામાં વપરાતા તેજાના-મરી-મસાલા પણ વિવિધ પ્રકારના આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સૂચિમાં ફૂલોનો પણ સમાવેશ થાય છે. એક અભ્યાસ મુજબ ચીનમાં એવા ઘણાં ફૂલો રસોઈમાં વપરાય છે જે એન્ટિઓક્સિડંટ સહિત અનેક પોષક તત્વોથી સમૃધ્ધ હોય છે. આ ફૂલોમાં રહેલા તત્વો ઘણાં રોગોને ખાળવામાં સહાયક પુરવાર થાય છે.
આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનમાં સદીઓથી ભોજન રાંધવામાં ખાઈ શકાય એવા ફૂલોનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ હવે અન્ય દેશના લોકોને પણ તેમાં રસ જાગ્યો છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ભોજનને સ્વાદિષ્ટ બનાવતા આવશ્યક મસાલા તરીકે તેમ જ વાનગીની સજાવટ માટે ચોક્કસ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાવા માટે ફ્લાવરની ડિશ તૈયાર કરતાં પહેલાં ફૂલોને પાણીથી સારી પેઠે ધોવામાં આવે છે. ફૂલમાં કે પાંદડાંઓમાં જરાસરખુંય જીવડું ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફૂલો હાથેથી ચૂંટવામાં આવે છે અને તેના છોડ પર કોઈ રસાયણ નથી છાંટવામાં આવતું.
ફ્લાવર ટેમ્પુરા નામની વાનગીની ડિશ તીખા થાઈ ચિલી સૉસ સાથે આપવામાં આવે છે. ટેમ્પુરાની ડિશ લાલ અને જાંબુડી રંગનાં ઑર્કિડ તેમ જ કેસરી રંગનાં બોગનવિલેમાંથી તૈયાર કરવામાં આવે છે. ગુલાબની ડિશ પણ સર્વ કરવામાં આવે છે.
ઓર્કિડનાં ફૂલો થાઈલેન્ડમાં સારા પ્રમાણમાં ઊગે છે, પણ ટેમ્પુરાની મિકસ્ડ ફ્લાવરની વેજિટેરિયન ડિશ બનાવવી સહેલી નથી. આ ડિશમાં વપરાતી વસ્તુઓ એકઠી કરતાં બે દિવસનો સમય લાગે છે. જોકે આ ડિશ હિટ થઈ ગઈ છે. જપાની ટૂરિસ્ટોની તો એ ફેવરિટ બની ગઈ છે. એની કિંમત પણ ઝાઝી નથી. એક પ્લેટના ૮૦ બાહત (આશરે ૯૦ રૂપિયા). ઓર્કિડ સેલડની ડિશ થોડી મોંઘી છે. એને માટે ૧૨૦ બાહત (આશરે ૧૩૫ રૂપિયા) ચૂકવવા પડે છે.
હવે આપણે પાછા મૂળ વાત પર આવીએ અને વિવિધ ફૂલોનો રસોઈમાં કઈ રીતે ઉપયોગ થાય છે તે જોઈએ.
શુભ પ્રસંગે કોઈ ખસનું શરબત માગે છે તો કોઈ કલકતા જતા મિત્ર પાસે કેવડાનું શરબત મગાવે. ગુલાબ, કેવડો કે સેવંતી આપણાં જણીતાં ફૂલોનાં નામ છે. અગાઉ ફૂલોનો ઉપયોગ માશુકાના અંબોડે ભરાવવા, અત્તર બનાવવા કે વધુમાં વધુ શરબત બનાવવા થતો. આજે દુનિયાભરમાં ફૂલોનો ઉપયોગ હેલ્થ ફૂડ (આરોગ્યદાયક આહાર) તરીકે થવા માંડયો છે. વડોદરાની એક જાણીતી હોટેલમાં કમળકાકડીની મસાલેદાર ઉત્તર ભારતીય વાનગી કે ફ્લાવરનો સૂપ પીરસાય છે. મહારાષ્ટ્રમાં કેળફૂલનું શાક હોંશે હોંશે પીરસાય છે. જ્યારે કાશ્મીરી વાનગી રોગન જોશમાં માવલ તરીકે ઓળખાતાં કાશ્મીરી ફૂલ ઉમેરીને ખાસ પ્રકારની સોડમ સર્જવામાં આવે છે.
ફૂલોનો પાકશાસ્ત્રમાં ઉપયોગ આજનો નથી. સેંકડો વરસોથી ફૂલો ખાદ્યપદાર્થમાં કાચી સામગ્રી તરીકે વપરાતાં રહ્યાં છે. ઇસવીસન ૧૬૧૪માં ઈટાલિયન ગ્લકેમો કાસ્તેલવેટ્રો નામના પાકશાસ્ત્રીએ ફૂલોની વિવિધ વાનગી વિશે પુસ્તક લખેલું. એ જોઈને ૧૬૯૯માં બ્રિટિશ વનસ્પતિશાી જ્હૉન એવેલીને ડિસ્કોર્સ ઓફ સેલેડ્સ નામે ગ્રંથ લખ્યો. એવાં બીજાં ઘણાં પુસ્તકો છે. રોમન ઇતિહાસમાં ગુલાબ અને વ્હાયોલેટના ફૂલમાંથી બનેલા શરાબનો ઉલ્લેખ જોવા મળે છે. જાણીતા વનસ્પતિ શાી ડાક્ટર ચંદ્રકાંત પાસે આવી વાતોનો ખજાનો છે. એ કહે છે, સરગવાની શિંગનું આપણે ચણાનો લોટ ભરેલું શાક બનાવીએ છીએ તેમ હાતગા (અગસ્તા) અને સરગવાનાં ફૂલનું પણ શાક બને. વડના ટેટા પક્ષીઓને બહુ ભાવે છે. આ ટેટાનું પણ સરસ શાક બને. એ જ રીતે કેળફૂલ, નાળિયેર ફૂલ અને અંજીરની પણ વાનગીઓ બને. ફૂલોનું શાક કરતી વખતે આપણે તેમાંનું ીકેસર-પુંકેસર કાઢી લઈએ છીએ, કારણ કે ીકેસર-પુંકેસરનો સ્વાદ કડવો હોય છે. મિષ્ટાન્ન પર ગુલાબની પાંદડીઓ છંટકારતી વેળા તેનો સફેદ ભાગ કાઢી લેવો પડે કારણ, એ ભાગ પણ કડવો હોય છે.
ગુલાબ ઉપરાંત જાઈ, સેવંતી અને લેવેન્ડરનાં ફૂલોની શાકભાજી ખૂબ સ્વાદિષ્ટ બને છે. ચીનમાં કમળ જેવાં લીલી ફૂલ તેમ જ સેવંતીનો ઉપયોગ શાક બનાવવામાં કરે છે. એ જ રીતે ગલગોટા તેમ જ ચમેલીનો પણ શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. અમુક ફૂલ અમુક જ સિઝનમાં મળે. જ્યારે વાનગીચાહકો તો બારેમાસ વાનગી માગે એટલે હવે ફૂલોના ટિન જથ્થાબંધ વેચાય છે.
કાશ્મીરી માંસાહારી વાનગીઓમાં ખાસ પ્રકારની સુગંધ લાવવા માટે રતનજ્યોત નામનાં ફૂલ વપરાય છે. જાંબુડી રંગના આ ફૂલને કારણે વાનગીના રંગ અને સ્વાદ બંનેમાં લિજ્જત વધે છે. વાસ્તવમાં ઓછી કેલરી અને ઓછા કોલેસ્ટરોલ માટે ફૂલની વાનગીની માગ વધી છે એટલે એને હેલ્થ ફૂડ કહી શકાય. અગસ્તિ અને કેળફૂલની ભાજી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે.
સરસોં કા સાગ ઉત્તર ભારતની પ્રસિદ્ધ વાનગી છે. એમાં સ્વાદ ઉપરાંત સુવાસ આણવા માટે રાઈનાં ફૂલની પાંખડી છાંટવામાં આવે છે. આપણે જેમ મિષ્ટાન્ન પર ગુલાબની પાંખડીઓ છાંટીએ તેમ સરસોં કા સાગ પર મોહરી તરીકે ઓળખાતા રાઈનાં ફૂલની પાંદડીઓ પાથરે છે, એથી એમાં ખાસ મહેંક પ્રસરે છે.
ઘણી ફાઈવ સ્ટાર હોટેલોમાં નાદુરમુંજી નામની કાશ્મીરી ડિશ બને છે તેમાં કમળકાકડી વપરાય છે. ભજિયાં જેવી આ વાનગી સાથે ખાવા સૂર્યમુખીનાં ફૂલમાંથી બી કાઢી લઈને તેની ખાસ ચટણી બનાવાય છે. એ જ રીતે જાસ્મિનના ફૂલનું જાસ્મિન કોડઅલ નામનું ખાસ શરબત પીરસાય છે.
તમે જાણો છો કે સરગવાની શિંગનાં ફૂલ થાય છે. એ ફૂલનો સૂપ ઘણી હોટેલોમાં પીરસાય છે અને સ્વાદશોખીનો હોંશે હોંશે ખાય છે તો કેળફૂલનું હિંગનો વઘારવાળું શાક ભલભલાના મોંમાં પાણી લાવી દે છે. કોળું (ભોપલું) તરીકે જાણીતા શાકનાં ફૂલને આદુ-મરીની ચટણીવાળા ભાત સાથે રાંધીને બનતી વાનગી પણ મોંમા પાણી લાવે એવી હોય છે.
ગુલાબ : ફૂલોની વાત થાય એટલે સૌપ્રથમ ગુલાબનું જ નામ યાદ આવે. એટલે ગુલાબથી તો તમે પરિચિત હશો જ. બધાં પ્રકારનાં ગુલાબ ખાવાલાયક હોય છે. ગુલાબનાં ફૂલનો સ્વાદ એનો પ્રકાર, રંગ અને માટીની પ્રકૃતિ પર આધાર રાખે છે. એના મોટાભાગના પ્રકારની મીઠાશ સાથેની ફ્લેવર સ્ટ્રોબેરી તથા લીલા સફરજનમાંથી મળે છે. એની પાંદળીઓનો ઉપયોગ સેલડ, આઈસક્રીમ, મીઠાઈ બનાવવા અને ગાર્નિશ કરવામાં તથા આઈસ ક્યૂબ જમાવવા માટે પણ કરવામાં આવે છે, જેને કોલ્ડ ડ્રિંક, દૂધ વગેરે સાથે મિક્સ કરતા ફ્લેવર તો આવે જ છે સાથે ઠંડકનો પણ અનુભવ થાય છે. એનો ઉપયોગ ગુલાબજળ, જામ, ગુલકંદ, જેલી, શરબત વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.
ફૂલોના આ રાજાને ચીનની ઔષધિઓમાં ખાસ સ્થાન પ્રાપ્ત થયું છે. એમ કહેવામાં આવે છે કે ગુલાબમાં એન્ટિ-ઈન્ફલેમેટરી ગુણધર્મ ધરાવતાં ફેનોલિક્સ હોય છે. તેમાં પ્રચૂર પ્રમાણમાં વિવિધ પ્રકારના વિટામીન હોય છે. આ ફૂલ હૃદય રોગ, કેન્સર અને ડાયાબિટિસ જેવા રોગ ખાળવામાં સહાયક બને છે.
કેલેંડુલા : મેરી ગોલ્ડના નામે ઓળખાતું આ ફૂલ ઘણું સ્વાદિષ્ટ છે. એનો સ્વાદ થોડો કડવો હોય છે. એનો તીખો સ્વાદ કેસર સાથે મળતો આવે છે. એની પાંદડીઓ ખૂબસુરત ગોલ્ડન ઓરેન્જ રંગની હોય છે. તેને સૂપ, પાસ્તા અથવા ભાતની ડિશ, સેલડ વગેરે પર ડેકોરેટ કરી ગાર્નિશ કરવામાં આવે છે, જે ભોજનની સુંદરતાની સાથે સાથે સ્વાદ પણ વધારે છે. આ ફૂલ કેસરનો સારો વિકલ્પ બની શકે છે.
રેડિશ ફ્લાવર (મૂળાનું ફૂલ) : એનો સ્વાદ પણ એના પ્રકાર પર આધાર રાખે છે. એનાં ફૂલ ગુલાબી, સફેદ અને પીળાં હોય છે. એમાં મૂળાની ફ્લેવર હોય છે. એનો સૌથી સારો ઉપયોગ સેલડમાં થાય છે.
ગ્લાઈડોલસ : એના સ્વાદનું વર્ણન કરી શકાય એમ નથી. એને તો તમે ખાઈને જ જાણી શકો છો. થોડી મીઠાશ માટે આ ફૂલની પાંદડીઓનો ઉપયોગ મીઠાઈ બનાવવા, ગાર્નિશ કરવા અને સેલડમાં થાય છે.
જાસ્મીન : આ ફૂલોનો પારંપારિક ઉપયોગ ચાને સુગંધિત બનાવવા અને અત્તર બનાવવામાં થાય છે.
લવન્ડર (ચમેલી) : મીઠા સ્વાદવાળું આ ફૂલ સુંદર તો હોય જ છે, સ્વાદમાં પણ એટલું જ સરસ હોય છે. એનો ઉપયોગ શેમ્પેઈન, ચોકલેટ, કેક, કસ્ટર્ડ, શરબત અને જેલી બનાવવા તેમજ ચાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.
ઈંગ્લિશ ડેઝી : થોડો કડવો સ્વાદ ધરાવતાં આ ફૂલનો ઉપયોગ ઘણો સામાન્ય છે. એનાં પાંદડાંનો ઉપયોગ સેલડ બનાવવા તથા ગાર્નિશ કરવામાં થાય છે.
ટયૂલિપ : એના સ્વાદમાં પરિવર્તન થતું રહે છે, પરંતુ સામાન્ય રીતે એનો સ્વાદ ફ્રેશ બેબી પીઝ અને કાકડી સાથે મળતો આવે છે, પરંતુ કેટલાક લોકોને આનું સ્પર્શ થતાં જ એલર્જી થઈ જાય છે. એ લોકોએ આનું સેવન ન કરવું જોઈએ.
ક્રિસેંથમ (ગુલદાઉદી) : લાલ, સફેદ, પીળાં અને ઓરેન્જ રંગનાં આ ફૂલોનો સ્વાદ થોડો કડવો હોય છે. એની પાંદડીઓનો ઉપયોગ સેલડમાં તથા સિરકામાં ફ્લેવર વધારવા માટે કરવામાં આવે છે.
નેસ્ટર્શમ અને વોટર ક્રેસ (જલકુંભી) : આ ફૂલનો સ્વાદ તીખો અને ચટપટો હોય છે. એનું અથાણું પણ બને છે અને સેલડ તરીકે પણ ખાઈ શકાય છે. એ સિવાય પ્રાઈમ રોઝ, બેરોઝ અને ડેંડેલિયન ફૂલોને તમે સેલડ સાથે પણ ખાઈ શકો છો.
એપલ એન્ડ ઓરેન્જ બ્લોસમ: વાનગીઓમાં આ ફૂલોનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થાય છે. જોકે તેના ફાયદાઓ વિશે ખાસ જાણકારી મળતી નથી. પણ લોકપ્રિયતામાં તે સૌથી આગળ છે.
શેમોમાઈલ: આ ફૂલ શરીરમાં થતી બળતરાને શાંત કરવાના ગુણો માટે જાણીતું છે. તેનો સૌથી વધુ ઉપયોગ ચામાં થાય છે. તે માત્ર પેટમાં થતી બળતરાને જ શાંત નથી કરતું પણ ઘા રૂઝવામાં પણ મદદ કરે છે.
હિબિસ્કસ: સામાન્ય રીતે આ ફૂલોનો ઉપયોગ સલાડની સજાવટ માટે કરવામાં આવે છે. પરંતુ શૂ ફ્લાવર તરીકે ઓળખાતા આ ફૂલ ચામાં પણ વપરાય છે. એમ કહેવાય છે કે તેમાં પ્રચૂર માત્રામાં એન્ટિઓક્સિડંટ્સ અને એન્થોસાયનિન્સ હોય છે. આ ફૂલ બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલ ઘટાડવામાં સહાયક બને છે.
લવંડર: મોટાભાગે લવંડરનો ઉપયોગ આઈસ્ક્રીમ કે દહીંમાં સુગંધી તત્વ તરીકે થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે એન્ટિસેપ્ટિક તરીકે પણ કામ આપે છે. તે ચહેરા પર થતા ખીલ દૂર કરવામાં પણ ઉપયોગી નીવડે છે.
પીઓની: આ ફૂલમાં ડિપ્રેશન દૂર કરવાના ગુણધર્મ સમાયેલા છે.
જાસ્મીન: આ સુગંધી ફૂલ સામાન્ય રીતે ગ્રીન ટીમાં નાખવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે તેમાં એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-વાયરલ ગુણધર્મ સમાયેલા છે.
મેરીગોલ્ડ: ભારતમાં આ ફૂલને ગેંદા કે ગલગોટા તરીકે ઓળખવામાં આવે છે. ચીનના લોકો તેનો ઉપયોગ ચામાં કરે છે. તેવી જ રીતે ઘા રૂઝવવા તેને ઈજાગ્રસ્ત ભાગ પર લગાવવામાં આવે છે. ચીનની પ્રજા તેને આંખોના વીટામીન તરીકે ઓળખતાં કહે છે કે મેરીગોલ્ડ નેણની વ્યાધિઓને દૂર રાખે છે.
પાન્સીસ: ઘેરા રંગનું આ આકર્ષક ફૂલ પોટેશ્યમ અને અન્ય ખનીજ તત્વોથી પ્રચૂર હોય છે. તે હૃદય, કિડની, બ્લડ પ્રેશર જેવી સંખ્યાબંધ વ્યાધિઓમાં લાભકારક પુરવાર થાય છે.
ક્રીસન્થીમમ: ચીનમાં શેમોમાઈલની જેમ ક્રીસન્થીમમ ફૂલનો ઉપયોગ પણ ચામાં થાય છે. એમ કહેવાય છે કે આ ફૂલ ભારે માત્રામાં એન્ટિઓક્સિડંટ, ખનીજ તત્વો ધરાવે છે. તે એન્ટિકાર્સિનોજેનિક અને એન્ટિ-ઈન્ફલેમેટરી ગુણો પણ ધરાવે છે.
નિષ્ણાતો ફૂલો શી રીતે ખાવા તેની જાણકારી આપતાં કહે છે કે ખાવા માટે માત્ર એવા જ ફૂલોને ઉપયોગ કરવો જોઈએ જે ખોરાકમાં લેવા માટે જાણીતા હોય. વળી જો તે તમારા પોતાના ઘરમાં જ ઉગાડવામાં આવ્યા હોય તો તેમાં જંતુનાશકો ન હોવાની તમને ખાતરી રહે છે. તેઓ વધુમાં જણાવે છે કે કોઈપણ ફૂલની માત્ર પાંખડીઓ જ ખાવાના ઉપયોગમાં લેવી. તેના અન્ય ભાગ ખાવાનો પ્રયાસ ન કરવો. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે લોકોને કોઈપણ વસ્તુથી બહુ જલદી એલર્જી થઈ જતી હોય તેણે આરંભના તબક્કામાં અલ્પ માત્રામાં ફૂલનો ઉપયોગ ખાવા માટે કરી જોવો. જો તેનાથી એલર્જી ન થાય તો જ તે થોડા વધારે પ્રમાણમાં ખાવા.
ફૂલોના ઉપયોગ માટેની સૌથી મહત્ત્વની વાત એ છે કે કેવા ફૂલને કેવા પ્રકારની ફ્લેવર સાથે ખાઈ શકાય કે સજાવી શકાય. તેમ જ ગાર્નિશ કરતી વખતે કઈ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે તે જાણી લો.
- કોઈપણ ફૂલનો ભોજનમાં ત્યારે જ ઉપયોગ કરો જ્યારે તમે સંપૂર્ણપણે નિશ્ચિંત હો કે એ ફૂલ ખાવાયોગ્ય છે. જો તમને પૂરતી માહિતી ન હોય તો એડિબલ ફ્લાવર વિશેની કોઈ સારી બુક અથવા ગાઈડમાંથી જાણકારી મેળવી લો.
- ઘણીવાર પાર્ટી અથવા હોટેલમાં ફૂલથી ફૂડ ડેકોરેટ કરવામાં આવે છે. આ સ્થિતિમાં એ જરૂરી નથી કે એ ફૂલો ખાવા યોગ્ય હોય જ માટે જાણકારી ન હોય એવાં ફૂલો ખાવાનું ટાળો.
- જો તમે ફૂલોનો ઉપયોગ ઘરમાં સેલડ બનાવવા અથવા ગાર્નિશિંગમાં કરવા માંગતા હો તો ફૂલો કોઈ ફૂલવાળા પાસેથી, નર્સરીમાંથી કે ગાર્ડન સેન્ટરમાંથી ન ખરીદતાં. કારણ કે આ જગ્યાએ ફૂલોને કીટકોથી બચાવવા માટે ઝેરી પેસ્ટીસાઈડ છાંટવામાં આવે છે.
- એડિબલ ફ્લાવર તમારા બાગમાં ઉગાડો અથવા એવી જગ્યાએથી ખરીદો જ્યાં ફૂલો પર એ પ્રકારના પેસ્ટીસાઈડનો ઉપયોગ ન થતો હોય.
- ફૂલોનો ખાવામાં ઉપયોગ કરતાં પહેલાં એના તાંતણા અને પિસ્ટિલ કાઢી નાખો, કારણ કે એ કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન ફેલાવી શકે છે.
- મોટાભાગનાં ફૂલોની માત્ર પાંદડીઓ જ ખાવા યોગ્ય હોય છે.
- રસ્તા પરથી તોડેલાં ફૂલોનો ઉપયોગ ભોજનમાં ન કરો.
- એક જ ફૂલનો સ્વાદ તથા સુગંધ સિઝનની શરૂઆતમાં અને સિઝનના અંતે અલગ અલગ હોઈ શકે છે, કારણ કે વિવિધ ફૂલોનો સ્વાદ અને સુગંધ અલગ અલગ પર્યાવરણ ખાતર અને માટીના પ્રકાર પર આધારિત હોય છે.
- જો તમે તમારા ભોજનમાં ફૂલોનો ઉપયોગ પહેલી જ વખત કરતાં હો તો એકવાર એક જ પ્રકારનાં ફૂલો લો. વધુ પ્રમાણમાં ન લો. એક કરતાં વધુ પ્રકારનાં ફૂલ તમારી ડાયજેશન સિસ્ટમ બગાડી શકે છે.
- ફૂલો સંપૂર્ણ ખીલી જાય પછી જ એનો ઉપયોગ કરો. કળીઓ કે કરમાઈ ગયેલાં ફૂલોનો ઉપયોગ ન કરો.
- ફૂલોનો ઉપયોગ કરતાં પહેલાં એ બરાબર ધોઈ લો તથા તપાસી લો કે ક્યાંક તેના પર સૂક્ષ્મ જીવાણું, ઇયળ તો નથી ને.
- કેટલાંક ફૂલો જેવાં કે ગુલાબ, ટયૂલિપ, ઈંગ્લિશ ડેઝી, મેરી ગોલ્ડ વગેરેની પાંદડીઓનો સફેદ ભાગ કડવો હોય છે માટે ઉપયોગ કરતી વખતે એ કાઢી નાખો.
- જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો શરૂઆતમાં ફૂલોનું સેવન ઓછા પ્રમાણમાં કરો. નહીંતર એલર્જી વધી જશે. એડિબલ ફૂલ એવી દુકાનોથી ખરીદો જ્યાં ખાદ્યસામગ્રી સારી મળતી હોય.
- હવે જ્યારે પાર્ટી આપવાની હોય ત્યારે માત્ર ફૂલોથી ઘરની સજાવટ કરવાને બદલે ભોજનમાં પણ એનો ઉપયોગ કરી પાર્ટીની શાન વધારો.