Get The App

ચૂંટણીમાં ઝંપલાવવાનું કામ સરદારે શાળામાં જ શરૂ કર્યું હતું

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
ચૂંટણીમાં ઝંપલાવવાનું કામ સરદારે શાળામાં જ શરૂ કર્યું હતું 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- ઘણાં વર્ષો અગાઉ વિદ્યાર્થી અવસ્થાએ વલ્લભભાઈએ વિલ્ક્સના ચુંટણીવિજય જેવા ઐતિહાસિક અને ક્રાંતિકારી કાર્યો કરી બતાવ્યાં હતાં

જોન વિલ્ક્સ, ઈંગ્લેન્ડ

બ્રિ ટીશ સંસદમાં, ઈ.સ.૧૭૫૭માં, મિડલસેક્સની ચૂંટણી વખતે એકવાર એવું બનેલું કે મતદાતાઓએ પોતાના મતના ઉમેદવાર, એટલે કે કોમનમેનને, એટલે કે 'હાઉસ આફ કોમન્સ'ના રાજાપ્રેરિત કે રાજાતરફી ઉમેદવારને બદલે એક સામાન્ય અને કદરૂપા માણસ, નામે જોન વિલ્ક્સ (ઈ.સ.૧૭૨૫-૧૭૯૭)ને, પહેલી વખત જીતાડીને અંગ્રેજ સંસદમાં મોકલ્યાં હતા. ઈંગ્લેન્ડના ઈતિહાસમાં આ વિલ્ક્સની ચૂંટણીનો મામલો ઘણો ચર્ચાયો, લખાયો અને ક્રાંતિકારી ગણાયો હતો.

તો, વલ્લભભાઈ પણ આવી બાબતોમાં જીવનના અનેક ક્રાંતિકારી નિર્ણયો, પડકારો અને કાર્યોની છાબડી ભરી શક્યા છે. ભારતના સ્વાતંત્ર્ય  સંગ્રામમાં તેમનું જાહેરજીવન શરૂ થયું. તેનાં ઘણાં વર્ષો અગાઉ, વિદ્યાર્થી અવસ્થાએ વલ્લભભાઈએ પણ વિલ્ક્સના ચુંટણીવિજય જેવા ઐતિહાસિક અને ક્રાંતિકારી કાર્યો કરી બતાવ્યાં છે.

વિલ્ક્સ ઈંગ્લેન્ડનો સૌથી અસુંદર માણસ ગણાતો. તે પોતાના ટેડા જડબાં અને ટેડી (બાડી) નજરને કારણે સ્હેજેય પ્રતિભાશાળી નહોતો લાગતો, પરંતુ વાકપટુતા, હાજરજવાબીપણું અને સામાન્ય માણસ માટેની સંવેદનપટુતાને કારણે તે સ્થાનિકોમાં હીરો ગણાતાં, તેમ વલ્લભભાઈ પણ પોતાનો દેખાવ સામાન્ય હોવા છતાં તર્કબદ્ધ અભિગમ, નિડરતા અને ન્યાયનિષ્ઠ આગેવાન તરીકે શાળાજીવનથી ઉભરી આવ્યાં હતા, અને ધારે તેને ચૂંટણી જીતાડી શક્તા હતા.

વલ્લભભાઈની સરખામણી અનેક વખત જર્મનીના બિસ્માર્ક, રશિયાની બોલ્શેવિઝમ ક્રાંતિ કે ઈંગ્લેન્ડના જોન વિલ્ક્સ સાથે કરવાની નબળી ઘટનાઓ લખાઈ છે. પરંતુ વલ્લભભાઈનું જીવનકાર્ય એ બધાથી તદ્દન અલગ અને ઘણું ઉત્તમ હોવાનું જણાયું છે.

તેઓ પાતાના વિચારોમાં હિંમતબાજ અને મક્કમ હતા. સૈદ્ધાંતિક બાબતમાં તસુભાર પણ ઉતરે તેમ ન હતા. તેમની ધારદાર દલીલબાજી પાછળ વિરોધીઓની નબળી કડી પારખી લેવાની આવડત હતી. તેથી એમણે શાળામાં ભણતાં હતા ત્યારે એક મોટી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, ઝંપલાવ્યા પછી એમાં રસાકસીની લડત આપી હતી, અને લડતને અંતે વિજયી પણ થયા હતા.

આ વાત છે ઈ.સ. ૧૮૯૫ આસપાસની. ત્યારે તેઓ મેટ્રિકનો અભ્યાસ કરવા માટે નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલી ગર્વમેન્ટ અંગ્રેજી શાળામાં દાખલ થયા હતા. આ શાળાના શિક્ષકો અને સિસ્ટમ સામે તેમણે ઘણાં વાંધા હતા. તેથી તેમણે શાળામાં એકાધિક હડતાળો પણ પડાવી હતી.

બરાબર આવું જ બન્યું હતું એ સમયની નડિયાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી વખતે. પ્રજાના પ્રતિનિધિએ તેમાં જીતીને જવાનું હતું. સમૃદ્ધ કૂળના એક ઉમેદવાર એવી શેખી મારતાં હતા કે તેમને કોઈ હરાવી શકે નહીં, અને જો કોઈ હરાવે તો પોતે મૂછ મૂંડાવી નાંખશે. આ પડકારથી છંછેડાયેલા વિદ્યાર્થી વલ્લભભાઈનો જાહેર, સ્થાનિક રાજકારણમાં પ્રવેશ શરૂ થયો.

વલ્લભભાઈએ અંગ્રેજ તરફેના એ હરિફને હરાવવા હામ ભીડી, અને પોતાની જ શાળાના એક સામાન્ય શિક્ષક, નામે મહાનંદ ભટ્ટને તેમની સામે ચૂંટણીમાં ઉભા રાખ્યાં. એકતરફ નડિયાદનું ભાઉ સાહેબ દેસાઈનું મોટું કુટુંબ, જે વર્ષોથી જાહેરજીવનમાં, અંગ્રેજો તરફેના વહીવટમાં, ચૂંટણી જેવી અનેક બાબતોમાં સક્રીય અને સફળ. એ અનુભવી કુળવાન ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહ્યાં, અને બીજીતરફ હાઈસ્કૂલના એક સામાન્ય શિક્ષક, જે પહેલીવાર ચુંટણી લડી રહ્યાં હતા.

પરંતુ વલ્લભભાઈએ તો હામ ભીડી એટલે ભીડી. એમણે શાળાના વિદ્યાર્થીઓની આખી પ્રચારફોજ ખડી કરી, અને એવું જડબેસલાક કામ કર્યું કે વર્ષોથી ચુંટણી જીતતા આવેલા અને પેલી શેખી મારનાર દેસાઈ ઉમેદવારને તેમણે હરાવડાવ્યાં. સામાન્ય શાળાશિક્ષક મહાનંદ ભટ્ટને ચુંટણીમાં ફતેહ અપાવીને જ વિદ્યાર્થી વલ્લભભાઈ જંપ્યા. પોતાના આ શિક્ષકને વિદ્યાર્થીઓએ ઉંચકીને સરઘસ કાઢયું, 'મહાનંદ ગુરુ કી જય'ના પોકારો કર્યા અને મોટા માથાને હરાવ્યાનો જલસો રંગેચંગે ઉજવ્યો હતો, એટલું જ નહીં પેલી શેખી યાદ કરાવવા વિદ્યાર્થીઓના ટોળાને અને એક વાળંદભાઈને લઈને તેઓ તો ઉપડયાં પેલા હારેલા ઉમેદવારને ઘેર, તેમની મૂછ મૂંડાવવા માટે જ સ્તો.

જો કે વલ્લભભાઈના અનેક જીવનચરિત્રોમાં આ શાળાજીવનની ચુંટણીમાં મહાનંદ ભટ્ટને જીતાડયા હોવાની અને દેસાઈ નબીરાને હરાવ્યાંની ઘટનાઓ લખાઈ છે. પરંતુ એ દેસાઈકૂળના તે વખતના જાહેર સેવક શ્રી ગીરધરદાસ મંગળભાઈ દેસાઈ (તાત્યાસાહેબ)ની અંગત ડાયરીમાં તો પોતે ૧૮૯૫માં પહેલી વખત મ્યુનિસિપાલિટીમાં મેમ્બર થયાની નોંધ લખે છે. તો પછી તેઓ હાર્યા હતા કે નહીં? તે વણઉકલ્યો પ્રશ્ન ઈતિહાસ પાસે જમા રહે છે. પરંતુ જો પેલી અનેક સરદાર જીવનકથાઓમાં લખાયેલી ઘટના સાચી હોય તો એ ચૂંટણીમાં સેનાપતિ હતા વિદ્યાર્થી વલ્લભભાઈ, જેમનામાં ત્યારે ભારતના સરદાર થવાનો સ્ફટીક બંધાઈ રહ્યો હતો.

Tags :