હરે કૃષ્ણ મહામંત્ર અને ષોડશાક્ષરી શ્રીવિદ્યા!
- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
કૃ ષ્ણ મહામંત્ર અંગેનું સવિશેષ રહસ્ય ધરબાયેલું છે, તેના અક્ષરોની સંખ્યામાં! જેનો કુલ સરવાળો થાય છે બત્રીસ. બે ભાગોમાં વિભાજીત આ મંત્રનું પ્રથમ 'હરે કૃષ્ણ' પદ ૧૬ અક્ષરોનું બનેલું છે અને 'હરે રામ' પદ ૧૬ અક્ષરોનું!
સોળના અંક સાથે તંત્રશાસ્ત્રનો ગાઢ સંબંધ છે. સર્વોચ્ચ બ્રહ્માંડીય તંત્રવિદ્યા અને પ્રધાન મહાવિદ્યા તરીકે શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે, એવા મા લલિતા મહાત્રિપુરસુંદરીનો મંત્ર ષોડશાક્ષરી અર્થાત્ સોળ અક્ષરોનો છે, જેના કારણે શ્રીવિદ્યાને 'ષોડશી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ અંગે 'પદ્મપુરાણ'માં દેવાધિદેવ મહાદેવ દ્વારા મા પાર્વતીને કહેવામાં આવ્યું : 'રાજ્યં દેહિ, શિરો દેહિ, ન દેયં ષોડશાક્ષરી'! અર્થાત્ 'હે વરાનને, જ્યારે ભક્તની સાધનાથી પ્રસન્ન થઈને આપ એમને વરદાન આપો, એ સમયે રાજ્યો દાનમાં આપી દો. આમ છતાં, જો એ સંતુષ્ટ ન હોય તો આપનું મસ્તક કાપીને અર્પણ કરી દો, પરંતુ ક્યારેય એક અયોગ્ય સાધકને આપનો ષોડશાક્ષરી મંત્ર ન આપતાં!'
આની પાછળનું મૂળ કારણ એ કે ષોડશાક્ષરી મંત્ર જેવો મહાશક્તિશાળી મંત્ર બીજો કોઈ નથી. મહાદેવના આ વિધાન પાછળનું તાત્પર્ય એ હતું કે સાધક ષોડશાક્ષરી મંત્ર થકી ક્યાંક અન્ય દેવી મા લલિતાનું સર્જન ન કરી નાખે! કારણ કે ષોડશાક્ષરી થકી એ પણ સંભવ છે અને અનેકકોટિ બ્રહ્માંડોનું નિર્માણ પણ!
શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક શ્રી ઓમ સ્વામીએ એક વખત એમના પ્રવચનમાં કહ્યું હતું કે જે શ્રીયંત્રમાં પાંચ ત્રિકોણ નીચેની બાજુ હોય, અર્થાત્ અધોત્રિકોણ હોય, અને ચાર ત્રિકોણ ઉપરની બાજુ (એટલે કે ઉર્ધ્વત્રિકોણ) હોય, તો એના પર લલિતા માતાની શ્રીવિદ્યા સાધના અને શ્રીયંત્રપૂજન થઈ શકે. એ જ રીતે, જો શ્રીયંત્રને ઊંધું કરી દેવામાં આવે (એટલે કે ચાર ત્રિકોણ નીચેની બાજુ અને પાંચ ત્રિકોણ ઉપરની બાજુ) તો તેના પર સદાશિવ (ભગવાન કામેશ્વર)ની કાપાલિક સાધના કરવી સંભવ છે. જેનો અર્થ એમ કે એક જ શ્રીયંત્ર પર મા કામેશ્વરીને પણ જાગૃત કરી શકાય અને એમના અર્ધાંગ ભગવાન કામેશ્વરને પણ! એક જ યંત્ર થકી પ્રધાનપુરુષ અને મૂળ પ્રકૃતિઊર્જાને જાગૃત કરવી સંભવ છે.
હવે જો આ પાસાંને 'હરે કૃષ્ણ' મહામંત્ર સાથે જોડીએ તો ૧૬-૧૬ અક્ષરોના બે ભાગોમાં વિભાજીત આ મંત્ર થકી પણ કૃષ્ણરૂપી પ્રધાનપુરુષેશ્વર અને એમની સંગિનીશક્તિ રાધારૂપી પ્રકૃતિસ્વરૂપાને આહ્વાન આપી શકવું સંભવ છે. પાછલાં અંકોમાં આપણે જોઈ ચૂક્યાં છીએ કે કઈ રીતે શિવ, શક્તિ અને વિષ્ણુ એમ ત્રણેય ઊર્જાઓ આ મંત્રમાં સમાવિષ્ટ છે.
આ કારણોસર જ, શાસ્ત્રોએ માર્મિક અને ગુહ્ય પ્રકારે જણાવ્યું કે જે પણ સાધક મા લલિતા ત્રિપુરસુંદરીની સાધના કરે, એમની સાધનાની પૂર્ણાહુતિ પર દેવી મા એમને ભગવાન કૃષ્ણ પાસે અચૂકપણે મોકલે અને એવી જ રીતે, શ્રીકૃષ્ણના ઉપાસકોએ દેવી મા પાસે અચૂકપણે જવું પડે. શ્રી ઓમ સ્વામીએ પણ હિમાલયનાં જંગલોમાં ભગવતી આદિ પરાશક્તિનો સાક્ષાત્કાર કર્યા પછી જ તો ચક્રધારી શ્રીનારાયણના દર્શન કર્યા હતાં. 'શ્રીમદ્ ભગવદ્ગીતા' અને 'શ્રીદુર્ગાસપ્તશતી' બંને સાતસો શ્લોેક ધરાવતાં ગ્રંથો છે, એનું કારણ પણ એ જ છે.
રોચક વાત તો એ પણ છે કે કથા અનુસાર, દેવી મા રાધાનાં જન્મ પૂર્વે એમના માતા-પિતા કીતદા અને વૃષભાનુજીએ મા લલિતા મહાત્રિપુરસુંદરીની શ્રીવિદ્યા સાધના કરી હોવાનું વર્ણન મળી આવે છે. મા લલિતાનાં આશીર્વાદરૂપે જ એમને ત્યાં રાધાજીનું પ્રાગટય થયું હતું. 'શ્રીલલિતા સહસ્ત્રનામ'માં દેવી માનું એક નામ છે, 'પદ્મનાભસહોદરી'! અર્થાત્ જેઓ ભગવાન પદ્મનાભ (શ્રીવિષ્ણુ) સાથે એક જ ઉદરમાં વાસ કરે છે. જેનો અર્થ છે કે મા લલિતા ભગવાન શ્રીવિષ્ણુનાં સહોદરી (ભગિની) છે. તમિલનાડુના મીનાક્ષી અમ્મા (મદુરાઈ)ના ભીંતચિત્રો પર પણ આનુ પ્રમાણ મળી આવે છે. ભગવાન મહાદેવ કૈલાસથી દક્ષિણ ભારત આવ્યાં અને દેવી મીનાક્ષી (મા લલિતા) સાથે વિવાહ (મીનાક્ષીકલ્યાણમ્) કરવા જઈ રહ્યા હતા, એ વેળા ભગવાન વિષ્ણુએ દેવી માનાં ભાઈ તરીકે હાજરી નોંધાવી હતી.
તો આ છે હરે કૃષ્ણ મહામંત્રની સુંદરતા/ભવ્યતા અને શ્રીવિદ્યા સાથે તેનો દિવ્ય સંબંધ!