મારે ફરી ગુલામ બનવું છે .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'ભારત આજે આઝાદ છે પણ પ્રજા હજી ગુલામીની જ માનસિકતામાં જીવે છે. પહેલાં બહારના લુંટારા હતા અને હવે અંદરના જ છે.'
'ભા ઈઓ અને બહેનો, વહાલા બાળકો અને નવયુવાનો હું તમામને વિનંતી કરવા માગું છું કે, તાળીઓથી આપણે એવી વ્યક્તિને વધાવીએ જેણે આપણા દેશની આઝાદી સમયે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને આજે જીવનમાં શતાયુ વર્ષ પૂર્ણ કરીને ૧૦૧માં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. માત્ર આપણા આમંત્રણને માન આપીને તેઓ લંડનથી વિશેષ રીતે આ કાર્યક્રમ માટે પધાર્યા છે.' - અમદાવાદના જાણીતા ટાગોર હોલમાં ખીચોખીચ ભરેલી જનમેદની વચ્ચે રમણલાલ ગાંધી સ્ટેજ ઉપર પ્રવેશ્યા.
સાવ એકલવડું શરીર, સફેદ વાન, વૈષ્ણવ પરંપરાને વ્યક્ત કરતું સુંદર તિલક કપાળે શોભતું હતું, જીવનના ૧૦૦ વર્ષ પૂરા થવા છતાં હજી મજબૂત અને ટટ્ટાર ચાલ, લગભગ અડધી સદીથી વિદેશમાં રહેતા હોવા છતાં ભારતીય પોષાક એવા ધોતી અને કુર્તામાંં સજ્જ રમણલાલ સ્ટેજ ઉપર આવ્યા અને ત્યાં ગોઠવાયેલી ખુરશીઓમાંથી વચ્ચોવચ મુકેલી ખુરશીમાં ગોઠવાયા. હોલમાં હાજર તમામ લોકો પણ તાળીઓનો વરસાદ વરસાવતા વરસાવતા પોતાના સ્થાન ઉપર ગોઠવાઈ ગયા.
'મિત્રો, રમણલાલ ગાંધી એક માત્ર નામ નહીં પણ આઝાદીની ચળવળ સાથે જોડી શકાય અન ગર્વ લઈ શકાય તેવું નામ છે. એક સમયે અંગ્રેજો સામે બાંયો ચડાવનાર રમણલાલ ગાંધીએ કોટ વિસ્તારમાં રહીને અંગ્રેજ અમલદારો ઉપર હુમલો કર્યો હતો. તો બીજી તરફ ગાંધીજીની અહિંસાની ચળવળ માટે પોતાનું મકાન વેચીને પૈસા પણ આપી દીધા હતા. ક્રાંતિ અને અહિંસાને પોતાની અંદર સમાવીને રાખનારા રમણલાલ ગાંધી એક સાચા દેશભક્ત અને સ્વાતંત્ર્ય સેનાની છે. આ દેશ પોતાની આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યો છે ત્યારે રમણલાલ ગાંધી પોતાની ઉંમરની હીરક જયંતી ઉજવી રહ્યા છે. આઝાદીના આ અમૃતકાળની ઉજવણીને વિશેષ બનાવતા અને ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવા આપણે ફરી એક વખત સ્વાગત કરીએ રમણલાલ ગાંધીનું.' - મહિલા એન્કરે પૂર્વભૂમિકા બાંધી અને ફરી એક વખત હોલમાં તાળીઓનો ગડગડાટ વ્યાપી ગયો.
બિલકુલ સરકારી કાર્યક્રમની જેમ દીપ પ્રાગટય, મંચ ઉપર હાજર નેતાઓની અભિભૂત કરી દેનારી સ્પીચ, અદ્વિતીય વિકાસની વાત, આઝાદી માટે જીવ આપનારા અને સંઘર્ષ કરનારા દેશવાસીઓ અને ગુજરાતીઓની ગાથાની વાતો જેવું ઘણું બધું ચાલ્યું. રમણલાલ ગાંધીને ગુજરાત રાજ્યનો વિશેષ પારિતોષક અપાયો. ભારત સરકાર દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કેટલીક સંસ્થાઓ અને કોર્પોરેટ્સ દ્વારા તેમનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું.
એક કલાક સુધી આ બધું ચાલ્યું અને અંતે જેમના માનમાં કાર્યક્રમ યોજાયો હતો તેવા રમણલાલ ગાંધીને માઈક સોંપવામાં આવ્યું. તેઓ હજી તો બોલવાની શરૂઆત કરે ત્યાં જ લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ લગાવીને હોલમાં દેશભક્તિનું વાતાવરણ સર્જી કાઢયું.
'આઝાદ ભારતના નાગરિકો, મારા કેટલાક જૂના મિત્રો અને સ્વતંત્રતાની ચળવળમાં મારી પડખે રહેલા શહીદ મિત્રો તથા આ દેશને આઝાદ કરવામાં પહેલા દિવસથી અંગ્રેેજો સામે પડેલા અને આઝાદીની રાત સુધી લડતા રહેલા તમામ ક્રાંતિકારીઓ, ચળવળકર્તા અને સ્વતંત્રતા સેનાનીઓને મારા વંદન અને વહાલ.' - રમણલાલ આટલું બોલ્યા ત્યાં ફરી ભારત માતા કી જયના નારા લાગ્યા. તેમણે હાથ ઉંચો કરીને બધાને શાંત રહેવા જણાવ્યું.
'મિત્રો, આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્ય મહેમાન તરીકે મને બોલાવવામાં આવ્યો, મારું બહુમાન કરવામાં આવ્યું અને મને વિશેષ હોવાની લાગણી અનુભવાઈ તે બદલ હું તમામનો આભારી છું. આ દેશ આઝાદ થયો ત્યારબાદ સ્થિતિ ઘણી કપરી હતી. સરકારો નવી હતી, વસતી વધતી હતી અને તેને સાચવવી, વિકસાવવી, સેવા આપવી, સુવિધા આપવી જેવી ઘણી સમસ્યાઓ હતી. સમયાંતરે ભારતની સરકારોએ તેના સમાધાન શોધી લીધા અને આજે આ દેશ આઝાદીના અમૃતકાળ સુધી પહોંચી ગયો છે.'
'આ દેશ આઝાદ થયો ત્યારે હું માત્ર ૨૬ વર્ષનો હતો. મારી જિંદગીના અતિમૂલ્ય ૧૨ વર્ષ મેં આઝાદીની ઝંખના ક્રાંતિકારી પ્રયાસોને આપ્યા હતા. તે સમયે દેશના દરેક લોકોને આઝાદીની ઝંખના હતી. બધાએ તેના માટે અથાક મહેનત કરી હતી. આખરે ભારતીયોની મહેનત સંયુક્ત રીતે રંગ લાવી અને બ્રિટન નબળું પડયું અને ભારત આઝાદ થયો.'
'દેશ આઝાદ થયા પછી પરિસ્થિતિઓ એકાએક બદલાવા લાગી. દેશદાઝ ધરાવતા, દેશ માટે મરી છુટવા અને કંઈપણ કરી છુટવા સજ્જ રહેતા આગેવાનો એકાએક નેતા થવા લાગ્યા. તેમની કથની અને કરણીઓ બદલાવા લાગી. જેમ જેમ આ દેશની પેઢી વિકસતી ગઈ, વિસ્તરતી ગઈ તેમ તેમ બધું જ બદલાતું ગયું. આજની સ્થિતિ જોઈએ ત્યારે એક તરફ આનંદ થાય છે કે, આધુનિકતાના રંગે ભારત રંગાઈ ગયો છે અને બીજી તરફ ચિંતા થાય કે, પ્રજા પાંગળી થતી ગઈ છે. મારે શું, મારું શું અને આપણે શું જેવા સવાલોમાંથી જ આ લોકો બહાર આવતા નથી.'
'માત્ર એક બંધૂકની ગોળીના ઉપયોગ માટે થઈને મંગલ પાંડેએ અંગ્રેજો સામે બંડ પોકાર્યું હતું. સ્વધર્મ અને રાજધર્મ માટે થઈને તેણે ગુલામી ન સ્વીકારી અને મોત વહાલું કર્યું હતું. ત્યાંથી શરૂ કરીને લક્ષ્મીબાઈ, કેટકેટલા રાજાઓ, શિવાજી, મરાઠા સરદારો, સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસમિલ, અશફાકુલ્લા ખાન, લાખો ક્રાંતિકારીઓ, સુભાષચંદ્ર બોઝ કે જેમણે માત્ર પોતાનું લોહી વહાવડાવીને અને દુશ્મનોના લોહી વહાવીને આઝાદીનો રંગ લગાવ્યો હતો. બીજી તરફ ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, બીજા મોટા નેતાઓ કે જેમણે અહિંસક ક્રાંતિનો માર્ગ અપનાવ્યો, ચળવળનો માર્ગ અપનાવ્યો, અસહકારનો રસ્તો પસંદ કર્યો અને આંદોલનનો માર્ગ પસંદ કર્યો.'
'આ તમામ લોકોએ પોતાના જીવનની આહુતી માત્ર એટલા માટે આપી કે આપણે દેશ આઝાદ થાય. આ દેશની નવી પેઢી ખુલ્લી હવામાં શ્વાસ લેતી થાય, તેમના માથે કોઈ બોજ ન હોય, કોઈ ભાર ન હોય. દેશની આઝાદી માટે લાખો લોકોએ જીવ આપ્યા, લાખો ક્રાંતિકારીઓ હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા તેમ છતાં તે લોકોએ હયાત હોવા દરમિયાન કે તેમના મૃત્યુ પછી તેમના પરિવારે કોઈ લાભ લીધો નહોતો કે તેમનું નામ ક્યાંય જોડાય તેવો આગ્રહ રાખ્યો નહોતો. આજે એક પુલ બનાવવામાં આવે તો પણ તેમાં પચીસ તો નેતાઓના નામ લખાય છે અને પચાસથી વધુ તો કૌભાંડ કરી જાય છે. નાના બાળકોને ચાર ચોકલેટ આપીને ચારસો ફોટા પડાવતા નેતાઓ આજેના દેશમાં પ્રવર્તમાન છે. તેમને કામ શરૂ કરવામાં અને કામ પૂરું કરવામાં જ વધારે રસ હોય છે. આ બંને પ્રસંગે તસવીરો ખેંચાવી શકાય છે અને સોશિયલ મીડિયામાં આપી શકાય છે.'
'હાલના ભારતની સૌથી મોટી કરુણતા એ છે કે, અહીંયા ભારતીયો રહેતા જ નથી. અહીંયા તો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, યહુદી અને બીજા સમુદાયના લોકો રહે છે. તેમાંય બ્રાહ્મણ, વાણીયા, પાટીદાર, આદિવાસી, દલિત અને બીજી કેટકેટલી પેટા જાતીના લોકો રહે છે. મુસ્લિમોમાં સુન્ની અને શિયા વહેંચાઈ ગયા છે. ખ્રિસ્તીઓમાં પણ કેથલિક અને પ્રોટેસ્ટન્ટ જેવા ભાગ છે. આજની પેઢીએ ભણતર મેળવ્યું પણ ક્યારેય જીવનનું ગણતર મેળવ્યું નથી.'
'આજના લોકો જાતીઓમાં અને સંપ્રદાયોમાં વહેંચાઈ જાય છે. પોતાનું અને પોતાનાને બચાવવામાં જ વ્યસ્ત થઈ જાય છે. લોકોમાં ધર્મના અને સંપ્રદાયના નામે, સમાજ અને સમજના નામે તથા અમીરી અને ગરીબીના નામે ભાગલા પડી ગયા છે. સમાજમાં સુધારો લાવવાના ઉપાયો કોઈની પાસે નથી અને કોઈ તેના વિશે વિચાર કરતા પણ નથી. મને આ વાત ઘણા સમય પહેલાં સમજાઈ ગઈ હતી અને તેથી જ હું વિદેશ જતો રહ્યો હતો. મેં બ્રિટનને એટલે પસંદ કર્યું હતું કે, તેમણે ભૂતકાળમાં જે કર્યું તેના ઉપર આંતરિક રીતે હરખાવાના સાથે તેઓ બદલાતા સમયગાળામાં જે-જે દેશો સાથે અન્યાય કર્યો તેની માફી માગવા જેટલી સભાનતા પણ ધરાવે છે.'
'ભારત આજે આઝાદ છે પણ પ્રજા હજી ગુલામીની જ માનસિકતામાં જીવે છે. પહેલાં બહારના લુંટારા હતા અને હવે અંદરના જ છે. મને અવસર મળે તો ટાઈમ મશીન દ્વારા હું ફરી એક સદી પહેલાંના સમયમાં જવા માગીશ જેથી ફરી ગુલામ બની શકાય. તેનો સૌથી મોટો લાભ એ થશે કે મને ત્યાં સાચા અને અવિભક્ત ભારતીયો મળશે.' - રમણલાલે પોતાની વાત પૂરી કરી અને સમગ્ર હોલમાં સન્નાટો છવાઈ ગયો.