Get The App

જયંતી બુરુદાનું 'જંગલ રાની' .

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
જયંતી બુરુદાનું 'જંગલ રાની'                        . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- 2023માં 'જંગલ રાની' નામનું સોશિયલ મીડિયા સમાચાર પ્લેટફૉર્મ શરૂ કર્યું અને આદિવાસી સમાજના સમાચાર આપે છે

ઓ ડિશાના મલ્કાનગિરી જિલ્લામાં સેરપલ્લી ગામમાં જયંતી બુરુદાનો જન્મ થયો હતો. કોયા જનજાતિમાં જન્મેલી જયંતીનો અગિયાર ભાઈ-બહેનોમાં નવમો નંબર હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ રીસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટના હેવાલ પ્રમાણે કોયા જનજાતિમાં છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ અત્યંત ઓછું હતું. જયંતી પોતાની માતાને સેરપલ્લી ગામની આસપાસ જંગલમાં લાકડા વીણવામાં, ગાયોને ચરાવવામાં મદદ કરતી હતી. મલ્કાનગિરી જિલ્લાના આ ગામમાં એક જ સ્કૂલ હતી અને એમાં પ્રવેશ મેળવવા માટે જયંતી નસીબદાર બની. દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર વિદ્યાર્થિની હતી. નાનપણથી જંગલ સાથે એનો નાતો હતો અને વનવગડાનાં એકાંતમાં રહેતી. તેના સમવયસ્ક અન્ય મિત્રો ફોનમાં વ્યસ્ત રહેતા અથવા તો કોઈ રમત ખેલતા ત્યારે જયંતી કુદરતની ગોદમાં જઈને આનંદ મેળવતી.

જયંતી બુરુદા કહે છે કે તેના પિતા હંમેશાં ધોતી પહેરતા અને આદિવાસીઓના અધિકાર માટે સંઘર્ષ કરતા હતા, આમ છતાં ગામ છોડીને જયંતીને આગળ અભ્યાસ કરાવવા માટે અન્યત્ર મોકલવામાં  ખચકાટ અનુભવતા, પરંતુ જયંતીએ મલ્કાનગિરી જઈને બી.એ.ની ડિગ્રી મેળવી. અહીં એણે ઝૂંપડપટ્ટીમાં રહેતાં આદિવાસી બાળકોને અભ્યાસ કરાવ્યો અને વાર્તાઓ કહીને તેમનું ઘડતર કર્યું. જયંતીની સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધી અને ભારતીય રેડ ક્રોસ સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ. અહીં એણે સત્તાસ્થાને બેઠેલા પુરુષો દ્વારા થતાં ભેદભાવનો અનુભવ કર્યો. તેણે જોયું કે આ સમાજમાં સત્તાસ્થાને બેઠેલા, હોદ્દેદારો કે પત્રકારની વાત સહુ કોઈ સાંભળે છે. એણે પત્રકારત્વનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને પિતાને વાત કરી, પિતાને પોતાની પુત્રી પત્રકાર બને તે વાત પસંદ પડી નહીં. પિતાને સમજાવ્યું કે આપણી કોયા જાતિમાં ન કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર છે કે ન કોઈ પત્રકાર! જયંતી બુરુદાએ ગામથી દોઢસો કિમી. દૂર કોરાપુટમાં સેન્ટ્રલ યુનિવર્સિટી આફ ઓડિશામાં પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ મેળવ્યો અને કોયા જનજાતિની પ્રથમ મહિલા પત્રકાર બની. કોયી ભાષા જાણનાર બહુ જ જૂજ વ્યક્તિ છે તેમાંની એક જયંતી બુરુદા છે. પત્રકારત્વનો અભ્યાસ કરવો તેના માટે સહેલો નહોતો. અભ્યાસની અને હોસ્ટેલની ફી ભરવાની અને વળી એકાએક જુદા જ વાતાવરણનો અનુભવ કરવાનો હતો, પરંતુ સહુના સહયોગથી ૨૦૧૪માં તેણે પત્રકારત્વની ડિગ્રી મેળવી. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર અને પત્રકાર બિરેન દાસ સાથે ઈન્ટર્નશિપ કરી અને તેઓ તેના માર્ગદર્શક બન્યા.

ભુવનેશ્વરના અજીરા ઓડિશા સ્ટુડિયોમાં એક મહિનો ઈન્ટર્નશિપ કરી અને બિરેન દાસના માર્ગદર્શનમાં કેમેરા ચલાવતા, ઈન્ટરવ્યૂ લેતા, વીડિયો ઉતારતા તથા એડિટિંગ કરતા શીખી. તે કલિંગા ટી.વી.માં જોડાઈ. અહીં જયંતી બુરુદાએ જોયું કે મલ્કાનગિરીના સમાચારમાં ખાસ કોઈને રસ પડતો નહોતો. માત્ર માઓવાદી સાથે અથડામણ થઈ હોય એવી ઘટનાના સમાચારને મહત્ત્વ આપવામાં આવતું. એ ઉપરાંત તેની સાથે કામ કરતાં પુરુષો તેને ગણકારતા નહીં. એની બનાવેલી સ્ટોરી પ્રસારિત થાય તોપણ તેનું નામ આપવામાં આવતું નહીં. એને કોઈ કામનું શ્રેય આપવામાં આવતું નહીં. તેણે નેટવર્ક ફૉર વિમેન ઈન મીડિયા-ઇન્ડિયામાં ફેલોશિપ માટે અરજી કરી અને ૨૦૧૭માં તેને આર્થિક સહાય ઉપરાંત લેપટોપ પણ મળ્યું. જયંતી બુરુદા પોતાના અત્યાર સુધીના અભ્યાસ અને કામના અનુભવથી ઘણું શીખી હતી. તે હાંસિયામાં ધકેલાયેલા માનવીઓ તથા આદિવાસી મહિલા અને બાળકોની સમસ્યાને વાચા આપવા માગતી હતી. સામાજિક અસમાનતા અને લિંગભેદનો તેને જાતઅનુભવ હતો. તે પોતાની જનજાતિના પ્રશ્નો પણ રજૂ કરવા માગતી હતી.

જયંતીએ મલ્કાનગિરીમાં કોઈ પણ મેડિકલ સગવડ વિના બાળકને જન્મ આપનાર સ્ત્રીઓની સમસ્યા વિશે ડોક્યુમેન્ટેશન કર્યું. તેમાં તેણે માળખાકીય સુવિધા વધારવી જોઈએ તેમ જણાવ્યું, કારણ કે પૂરની પરિસ્થિતિ સમયે એક પ્રસૂતા સ્ત્રીને ટ્રેક્ટર કે બળદ ગાડામાં લાવવી પડી, જ્યાં એણે થોડા જ સમયમાં સંતાનને જન્મ આપ્યો. શિક્ષણનો અભાવ, ઘરેલુ હિંસા, દારૂનું વ્યસન, છોકરીઓને સ્કૂલે ન મોકલવી વગેરે પ્રશ્નોને રજૂ કરીને એ લોકોમાં જાગૃતિ લાવે છે. ૨૦૧૮માં તેણે બડા દીદી યુનિયનની શરૂઆત કરી. જેમાં સ્ત્રીઓના આરોગ્ય વિશે અને સ્ત્રી-સુરક્ષા વિશે વાત કરી.

૨૦૨૩માં 'જંગલ રાની' નામનું સોશિયલ મીડિયા સમાચાર પ્લેટફાર્મ શરૂ કર્યું અને આદિવાસી સમાજના એવા સમાચાર આપે છે, તેની ટેગલાઇન છે - અમારી વાત, અમારા દ્વારા અને અમારા માટે. દોઢસો રૂપિયા ભરીને તેમાં જોડાઈ શકાય છે. મહિલા પત્રકાર તરીકે કલાકો સુધી બહાર ફરવું અને સાંજ પહેલાં ઘરે પાછા ફરવું સલામતીની દ્રષ્ટિએ મુશ્કેલ હોય છે, તેથી તે માર્શલ આર્ટ શીખી છે. પાંત્રીસ વર્ષની જયંતીએ મલ્કાનગિરીમાં પચાસથી વધુ મહિલાઓને સ્ક્રીપ્ટ રાઈટિંગ, ફિલ્ડ રીપોર્ટ, વીડિયો શૂટિંગ અને એડિટિંગ શીખવ્યું છે અને તેના દ્વારા તે સમાજમાં પરિવર્તન લાવવા માગે છે.

કેરીનો જાદુગર કલીમુલ્લાહ

 કેરીનો આકાર વરસાદ પર આધારિત હોય છે. જો વરસાદ ઓછો થાય તો કેરી નાની થાય છે, તેથી આંબાને યોગ્ય પ્રમાણમાં પાણી મળે તે જરૂરી છે

ભા રતનાં રાષ્ટ્રીય ફળ તરીકે સ્થાન પામનારી કેરી એક એવું ફળ છે, જે લગ્નપ્રસંગે કે ઉજવણીઓમાં આદરભર્યું સ્થાન પામે છે. સામાન્ય માનવીને કેરીની જાત વિશે પૂછીએ તો આઠ-દસ નામથી આગળ જઈ શકતા નથી, પરંતુ ભારતમાં આશરે દોઢ હજાર જેટલી કેરીની જાતો થાય છે. આમાંથી એક જ જગ્યાએ જો ત્રણસો જાતની કેરી મળે તો કેટલી મજા આવે? આવી મજા માણવી હોય તો લખનઉ પાસે મલિહાબાદમાં કલીમુલ્લાહ ખાનના આંબાવાડિયામાં જવું પડે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે ત્રણસો જાતની કેરી ઉગાડવા માટે જુદા જુદા આંબા નથી વાવ્યા, પરંતુ એક જ વૃક્ષ પર આશરે ત્રણસોથી સાડા ત્રણસો જાતની કેરી ઉગાડી છે! ૮૪ વર્ષના કલીમુલ્લાહ ખાને કોઈ વૈજ્ઞાનિક નથી કે હોર્ટીકલ્ચરનો અભ્યાસ પણ નથી કર્યો. સાતમા ધોરણમાં નાપાસ થતા તેમણે સ્કૂલે જવાનું છોડી દીધું અને પરિવારના આંબાના બગીચાઓમાં ફરતા અને પોતાની કોઠાસૂઝથી આટલી સફળતા પ્રાપ્ત કરી છે. તેઓ કહે છે કે દાદાના અવસાન પછી તેમણે બાગમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેમને લાગ્યું કે જેમાં તેમના રસ-રુચિ છે તેમાં જ મહેનત કરું.

૧૯૫૭માં તેમને એક અભિનવ વિચાર આવ્યો અને એક જ વૃક્ષ પર જુદા જુદા પ્રકારની સાત જાતની કેરી ઉગાડવાનો પ્રયત્ન કર્યો. તે વર્ષે ભારે પૂર આવ્યું અને તે વૃક્ષ નષ્ટ થયું. ખેતીમાં ગ્રાફ્ટિંગ કરવું તે ઘણી જૂની પદ્ધતિ છે. જેમાં એક છોડની શાખાને બીજા છોડ સાથે જોડવાની હોય છે. જેને કલમ બનાવવી પણ કહેવાય છે. આ પદ્ધતિથી વિવિધ પ્રકારના છોડ ઉગાડી શકાય છે. તેમણે કલમ બનાવવાનાં જુદા જુદા પ્રયોગો કર્યા. કેરીના ગોટલાને વાવીને તેમાંથી રોપા તૈયાર કર્યા પછી તેને ચાર ઈંચની પ્લાસ્ટિક બેગમાં રાખવામાં આવે છે અને તેના યોગ્ય સમયે ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે.

૧૯૮૭ સુધીમાં તેમણે બાવીસ એકરની જમીન પર આવેલા એક જૂના વૃક્ષ પર કેરીની કલમો લગાવવાનું શરૂ કર્યું. કલીમુલ્લાહ કહે છે કે તે વૃક્ષ તેમના દાદાના સમયનું છે અને આશરે સવાસો વર્ષ જૂનું છે. વર્ષો વીતતા ગયા તેમ જુદી જુદી જાતની કેરીના છોડની કલમો લગાવતા ગયા. આજે એ વૃક્ષ પર આશરે ત્રણસો જાતની કેરીઓ છે અને તેમાં દરેકનો સ્વાદ, રંગ અને સુગંધ અલગ અલગ છે. અત્યાર સુધીમાં તેમણે કેટલા વૃક્ષ ઊગાડયા છે, તેની ખબર નથી. લોકો તેમને સ્વશિક્ષિત વૈજ્ઞાનિક કહે છે, પરંતુ તેઓ માને છે કે આ જ્ઞાન તેમને ભેટમાં મળ્યું છે અને વૃક્ષો જ તેમના શિક્ષક છે. ગ્રાફ્ટિંગની કલા ચોક્સાઈ અને ધીરજ માગી લેનારી છે. તેમાં તેની યોગ્ય જાતની પસંદગી કરવી પડે છે અને ખૂબ સાવધાનીપૂર્વક યોગ્ય સમયે જોડવી પડે છે. વર્ષો સુધી તેની સંભાળ રાખવાની હોય છે. એમાંય સંકર જાતિ બનાવવામાં દસ વર્ષ લાગે છે. જેમકે દશહરી અને સિંદૂરીને જોડીને 'દશહરી કલીમ'ને વિકસિત કરવામાં તેમને બાર વર્ષ લાગેલા - કલમ લગાવનારા નિષ્ણાતો એક સ્વસ્થ મૂળિયાને વૃક્ષની શાખાઓને અત્યંત સાવધાનીપૂર્વક કાપીને તેની સાથે જોડે છે. એક વખત તે જોડાય જાય, પછી એ વિકસિત થાય છે.

જેના પર જુદી જુદી જાતની કેરી ઊગે છે તે વૃક્ષ નવ મીટર ઊંચું છે, તેનું ખૂબ સાવધાનીપૂર્વક જતન કરવામાં આવે છે. કલીમુલ્લાહનો પુત્ર નજીમુલ્લાહ પણ બારમા ધોરણ પછી અભ્યાસ છોડીને પિતા સાથે કામ કરે છે. તેમણે તેમની સંકર જાતોના નામ જાણીતી વ્યક્તિ પર રાખ્યા છે. જેમકે લાંબી તોતાપુરી કેરીનું નામ અમિતાભ બચ્ચન, કેરી પાકી થાય તે પહેલાં નારંગી રંગની થઈ જાય તેને નરેન્દ્ર મોદીનું નામ આપ્યું છે. આ ઉપરાંત અનારકલી, સચિન તેંડૂલકર, ઐશ્વર્યા રાય જેવાં નામો પણ આપ્યાં છે. તેઓ કહે છે કે કેરીનો આકાર વરસાદ પર આધારિત હોય છે. જો વરસાદ ઓછો થાય તો કેરી નાની થાય છે, તેથી આંબાને યોગ્ય પ્રમાણમાં પાણી મળે તે જરૂરી છે. જીવાતોથી બચાવવાની હોય છે અને વધુ વરસાદમાં ફૂગ ન લાગી જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. જો પાણી વધુ પ્રમાણમાં એકઠું થઈ જાય તો મશીનથી કાઢવું પડે છે અને તેને જમા થતું રોકવા માટી નાખવી પડે છે.

પિતા-પુત્ર સમગ્ર ભારતમાંથી કેરીની જાતો મંગાવે છે. કેટલાક લોકો સામે ચાલીને બી મોકલે છે. તો ક્યારેક તે લોકો પણ ગુણવત્તાવાળા અને અન્ય જાતના બી લેવા મુંબઈ, દિલ્હી, કૉલકાતા, બઁગાલુરુ, પૂણે અને ભોપાલ જેવાં શહેરોમાં જાય છે. આજે હાફુસ, કેસર, દશહરી, નીલમ, હિમસાગર, રસપુરી જાતની કેરી વધુ વેચાય છે, પરંતુ ભારતમાં કે વિશ્વમાં હાફુસને કેરીનો રાજા ગણવામાં આવે છે. દેશ-વિદેશથી ઘણા ખેડૂતો કલીમુલ્લાહનો બગીચો જોવા આવે છે. કલીમુલ્લાહની ઇચ્છા તેમના મૃત્યુ પછી પણ આ બગીચા પાસે જ રહેવાની છે. તેનું કારણ દર્શાવતાં તેઓ કહે છે કે, 'સમગ્ર જીવન આ વૃક્ષો સાથે વીતાવ્યું છે અને તેઓ હંમેશાં મારા જીવનનો જ ભાગ રહ્યા છે.'

Tags :