ગાંધીજીની પહેલાં 'મહાત્મા' હતા 'ફૂલે', જેના સત્કાર્યો સ્ત્રીઓ ના ભૂલે!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- જ્યોતિબા અને સાવિત્રીબાઈ દંપતી જેવા સમાજ સુધારકોના સ્વીકારને લીધે ભારત આજે ભારત બન્યું ને પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન ન થયું !
કા શીબાઈ નામની એક વિધવા સ્ત્રી. ૧૯મી સદીનું એ ભારત, કાશીભાઈ એ સમયના ક્રૂર રિવાજ મુજબ માથે મુંડન કરીને બીજે રસોઈકામ કરે. સુંદર અને સારા પરિવારની, ને એ સમયના બાળલગ્નોને લીધે યૌવન પહેલા વિધવા થઈ આજીવન નિયમોની કેદમાં જીવવા મજબૂર કાશીબાઈનો કોઈ એની પડોશના શાસ્ત્રીએ મોકો જોઈ ગેરલાભ લીધો. કાશીબાઈ ગરીબ, વિધવા અને વળી અભણ. કારણ કે, સ્ત્રીઓને શાળાએ મોકલવાનું ઘણાખરા ભારતીયો ત્યારે સ્વીકારતા નહોતા. પ્રેગનન્ટ થયેલા કાશીબાઈએ એક બાળકને જન્મ આપ્યો. બાળક જેના થકી થયું, એ પુરૂષે જવાબદારી ના સ્વીકારી. મુંઝાયેલી ને અકળાયેલી કાશીબાઈએ પોતાના જ શિશુને ગળાટૂંપો દઈ મારી નાખ્યું. લાશ પોતે રસોઈકામ કરતી એ ગાવંડેના ઘરના કૂવામાં ફેંકી દીધી. પણ મામલો બહાર આવ્યો. અંગ્રેજ પોલીસે કાશીબાઈની ધરપકડ કરી એને કાળા પાણીની સજા થઈ. આંદામાનની કાતિલ જેલમાં જનમટીપ. કોઈ સ્ત્રીને આવી ભયંકર સજા થવાનું અગાઉ બન્યું નહોતું. અરેરાટી ફેલાઈ ગઈ.
ઘટના બ્રાહ્મણ સમાજની હતી. પણ એમણે એને કલંક ગણ્યું, ત્યારે આજીવન બ્રાહ્મણવાદને લીધે વકરેલી અસ્પૃશ્યતા સામે અડીખમ રહેલા અને એ સમયના કટ્ટર સનાતની બ્રાહ્મણો દ્વારા ખૂબ સતાવાયેલા એક દંપતીને આનાથી એટલું દુ:ખ થયું કે શૂદ્ર વર્ગ માટેનો આજે માન્ય 'દલિત' શબ્દ જેમણે આપ્યો, જેમણે 'ગુલામીગીરી' પુસ્તક લખી અહીં લખી પણ ન શકાય એવી ભાષામાં પરશુરામને ભગવાન ગણવાનો (અને મૂળ તો અવતારવાદ ને પૌરાણિક ધર્મનો જ) આકરો વિરોધ કરેલો, એ જ્યાતિબા ફૂલે અને એમના ખરા અર્થમાં લાઈફ 'પાર્ટનર' પત્ની સાવિત્રીબાઈ ફૂલે બ્રાહ્મણ વિધવાઓની વ્હારે આવ્યા.
જ્યોતિબા (નામ જોતિરાવ, માનવાચક મરાઠીમાં બા)ને સાવિત્રીબાઈએ ''કાળા પાણીની સજા ના થાય એ માટે'' એવું લખેલી જાહેરખબરો એ સમયે જાત્રાધામોમાં મુકાવી. પોતાના જ ઘરમાં શિશુરક્ષકગૃહ અને બ્રાહ્મણ વિધવાઓ માટેનું આશ્રય ગૃહ શરૂ કર્યું ! પાંત્રીસેક દુ:ખિયારી, તરછોડાયેલી વિધવા સ્ત્રીઓને આશરો મળ્યો. એક આ જ રીતે ગર્ભવતી બ્રાહ્મણ વિધવાના બાળકને જ્યોતિબા-સાવિત્રીબાઈએ પોતે નિ:સંતાન હોઈને કાયદેસર દત્તક લીધું અને એ એમનો દીકરો યશવંતરાવ પછીથી ડોક્ટર બન્યો. જેનો બચપણથી ઉછેર કરી પ્રેમ અને નામ ફૂલે દંપતીએ આપ્યું, પણ મૂળે એ બ્રાહ્મણ વિધવાનું અનૌરસ સંતાન !
રિલીઝ થતા પહેલા બ્રાહ્મણ વિરૂદ્ધ દલિતના વિવાદમાં અટવાઈને સેન્સર થયેલી ફિલ્મ બાબતે હોહાગોકીરો કરનારા આટલું પણ જાણે છે ? આપણા જ જ્યોર્તિધરો વિશે જ્ઞાાતિજાતિના અહોભાવ કે એલર્જીના ખાના વિના ભારતીય નાગરિક તરીકે આપણે પૂરું જાણીએ છીએ ?
બીજું તો ઠીક, સમજવાનું એ પણ છે કે અભ્યાસ, અનુભવ કે આક્રોશની કોઈ શબ્દોમાં કડવા લાગે એટલે માણસ તરીકે એને કાયમ માટે કોઈ લેબલની ફ્રેમમાં ફિટ કરીને જોવા એ આજે પણ આપણને નડી શકે એમ છે.
***
પેશવાઈ.
ફિલ્મો જોઈને નેચરલી ભારે ગૌરવ થાય છે ને ઘણાને એવો અફસોસ થાય છે કે મુઘલ અને અંગ્રેજોને બદલે મહાન મરાઠા સામ્રાજયનો ભારતમાં સદીઓ સુધી સૂરજ તપ્યો હોત તો ? પણ ઈતિહાસનું અધ્યયન કરનારાને ખબર હશે કે દક્ષતા ને વહીવટી સમાનતામાં કંઈ બધા છત્રપતિ શિવાજી મહારાજ નહોતા. જ્યોતિરાવ ફૂલેને ફૂલે અટક જ એમના બાપદાદા પેશ્વાના બગીચામાં ફૂલોની દેખરેખ સરસ રાખતા એમાં ઈનામમાં જમીન મળી એમ મળેલી. પરિવાર પ્રમાણમાં સંપન્ન, પણ મૂળ જ્ઞાાતિએ માળી એટલે સમાજના ઉચ્ચવર્ણોનો આદર ન મળે. નાની વયે પિતા ગોવિંદરાવે દીકરાને પરણાવ્યો ને બાલિકા વધૂ તરીકે આવેલી સાવિત્રીની ભણવાની હોંશ જોઈને પતિએ પોતાની પ્રથમ શિષ્યા બનાવી એને ભણાવી. ખુદ જ્યોતિરાવનો અભ્યાસ છૂટી ગયેલો, જે તો એમણે અંગ્રેજોની મદદથી પાછળથી પૂરો કરેલો. જે સાવિત્રીબાઈને એમણે ભણાવ્યા, એ જ ભારતના જી હા, ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા !
જ્યોતિરાવ મોટા થતા હતા ત્યારે પેશવાઈના સમયની એ વખતની વકરેલી સામાજિક બદીઓના કડવા અનુભવો એમને થયા. પહેલી તો દેશભરની કલંકતા હતી : આભડછેટ. ચાર્તુવણ્યને વિદ્વાનો ચાર પ્રકારના મનુષ્યો હોય : એક જ્ઞાાન ને કળામાં રસ લેનારા (બ્રાહ્મણ), બીજા લડાયકવૃત્તિ ધરાવનાર રમતવીર (ક્ષત્રિય), ત્રીજા વેપારઉદ્યોગ, હિસાબમાં પ્રભુત્વ ધરાવનારા (વૈશ્ય) અને ચોથા મહેનતનું શ્રમનું કામ કરવામાં કુશળતા ધરાવનારા (શૂદ્ર) - એવું વર્ગીકરણ કરે તો 'ડાયવર્જન્ટ' જેવી સાયન્સ ફિકશન ફિલ્મનો પ્લોટ લાગે. પણ પછી એમાં બ્રાહ્મણ ઉંચા ને શૂદ્ર નીચા જેવા ઊંચનીચના ખાના પાડે તો હિટલરની નાઝી પાર્ટી લાગે ! ધર્મના નામે ઉંચનીચને લીધે સવર્ણ-દલિતના વિભાજન તો થયા પણ ત્યારે 'શૂદ્ર' કહેવાય એને ઘેર અન્યાય ને અત્યાચાર વેઠવાના આવ્યા. સદીઓનું શોષણ અને વેદના.
જગતમાં સજીવોની અનેક જાતિઓ (જ્ઞાાતિ નહિ, પણ સ્પિશિઝ) છે. પણ માત્ર મનુષ્યમાં જ એ વિકૃતિ છે કે પોતાની જ પ્રજાતિના વ્યક્તિઓમાં કોઈને મોટા ને કોઈને છોટા ગણે. જ્ઞાાતિવાદી વાડાબંધી તો હજુ આપણી આસપાસ છે. મોટે ઉપાડે એકતાની વાતો કરનારા નેતાઓ ચૂંટણીની ટિકિટો પણ જ્ઞાાતિના ગણિત વિના ફાળવતા નથી. પણ ભારતમાં સવર્ણ-દલિતની ખાઈ સદીઓથી પહોળી ને ઉંડી થતી જતી હતી. સનાતની શબ્દ આજે લોકો સોશ્યલ મીડિયામાં મેડલની જેમ લટકાવીને ફરે એવો ક્રેઝ છે, પણ એ વખતે સનાતની બ્રાહ્મણોએ ધાર્મિકતાને આગળ કરી પરંપરાઓના નામે જે સામાજિક સાંસ્કૃતિક કબજો લીધેલો, એ વેલડોક્યુમેન્ટેડ છે. ધર્મની વાતે પંડિત પુરોહિત આગળ એટલે બ્રાહ્મણવાદ શબ્દ વપરાય પણ ઘણાખરા સવર્ણો આ માનસિકતાની જડતામાં હતા એટલે મનુસ્મૃતિમાં વર્ણવ્યવસ્થા પર ભાર છે, એ સંદર્ભે મનુવાદી શબ્દ પણ હજુ ચલણમાં છે. આરંભે ગાંધીજી પણ એને ઈશ્વરપ્રણીત ગણતા પણ પછી એમના વિચારો ધરમૂળથી બદલાયા ને માનવતાનું સત્ય શાસ્ત્ર કરતાં મહાન છે, એ સમજાવવા માટે આજીવન મથ્યા ને ત્યારના ચુસ્ત સનાતની મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોના એક જૂથની આંખે ચડયા (ગોડસે કોણ હતો ? ભૂલી ગયા ?)
જેમ અમેરિકામાં અને અન્યત્ર ચામડીના કાળા રંગને લીધે ઉતરતી કક્ષાના માણસ ગણી ગોરાઓએ રંગભેદ શરૂ કર્યો, એવું જ ભારતમાં પણ થયું. અહીં સવર્ણો કરતા શૂદ્રો-અતિશૂદ્રોને નીચલી કક્ષાના ગણવામાં આવ્યા. ત્યાં રંગભેદ હતો તો અહીં જન્મભેદ આવ્યો. એવા શૂદ્રવર્ગમાં જે ગણાય એની સેવા બધા લઈ લે, પણ એને અડે ય નહિ ! હડધૂત કરે. યુરોપ-અમેરિકામાં કાળા આફ્રિકનો ગરીબાઈમાં સબડે એવું અહીં પણ. વિકાસમાં, સમૃદ્ધિમાં જ સમાજના આખા એક વર્ગને પછાત ગણી લેવામાં આવે. સમાન તક એમને મળે નહિ, સમાન હક એમને મળે નહિ. એટલે પેઢી દર પેઢી માણસ હોવા છતાં માણસ નહિ ગણાવાનું, પશુ જેવો વ્યવહાર સહન કરવાનો !
આ વ્યથાના વીતક (સૌજન્ય : સ્વ. જૉસેફ મેકવાન)ની દારૂણ દાસ્તાન તો લાંબી છે પણ આપણે એક લેખમાં ફૂલે-દંપતીની ક્રાંતિને સલામી આપવાની છે. નાનપણથી એમણે આ ધર્મના નામે ઉચ્ચ વર્ગ દ્વારા થતી અવહેલના જોઈ. કેવી અવહેલના ? દલિત વ્યક્તિએ ચાલે તો પણ પોતાના પગલા ભૂંસાય એમ પાછળ એક ઝાડુ બાંધીને ચાલવાનું ! (ભવની ભવાઈ ગુજરાતી ફિલ્મ ના જોઈ હોય તો જોજો!) અરે વ્યક્તિ કોઈને અડે ને પાપ લાગે એ અસ્પૃશ્યતા જ વાહિયાતપણાની પરાકાષ્ઠા કહેવાય પણ દલિતોનો પડછાયો પણ ઉચ્ચ કુલીન બ્રાહ્મણવર્ગને અડે (હા, પડછાયો પણ !) તો ય પાપ લાગે ને સવર્ણોએ તો સ્નાન કરવું પડે પણ શૂદ્રવર્ગની ધોલાઈ કરી નાખે !
સમસમીને સહન તો બધા કરતા હતા પણ જ્યારે અંગ્રેજોનું રાજ ભારતમાં વિસ્તર્યું ત્યારે મોટી રાહત એ થઈ કે એમનામાં ક્લાસ સીસ્ટમ (વર્ગભેદ) તો હતો, પણ કાસ્ટ સીસ્ટમ (વર્ણભેદ) નહોતો. વળી એ સમયે યુરોપમાં ફ્રેન્ચ રાજ્યક્રાંતિ બાદ નવજાગરણનો યુગ હતો. વૈજ્ઞાાનિક ક્રાંતિ થવા લાગેલી, ઔદ્યોગિક પ્રગતિ હતી. શિક્ષણે ધર્મસત્તાને પાછળ રાખેલી ને કળાસાહિત્યને લીધે સંવેદનાઓ જાગૃત હતી. ભારતમાં આર્થિક શોષણ ને જુલ્મસિતમ સાથે બ્રિટીશરાજના આ આડફાયદા મળ્યા. પહેલી વાર ધર્મ કે વંશપરંપરાને બદલે કાયદાનું રાજ આવ્યું. વળી ખ્રિસ્તી ધર્મપ્રચારકો ધાર્મિક રીતે ગરીબો, અંત્યજોની સેવાને પુણ્ય ગણે એટલે છેવાડાના, નીચલા, કચડાયેલા વર્ગને માથું ઉંચું કરવાનો મોકો મળ્યો.
રાજા રામમોહનરાયથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સુધીના સુધારકો બ્રિટીશ રાજના ત્યારના કેન્દ્ર બંગાળથી આવ્યા, પણ પોતે ઉચ્ચવર્ગના એટલે એમની અસર પણ ઉપલા વર્ગ સુધી. છતાં એમણે પ્રેરણાત્મક પહેલ કરી. આર્યસમાજની સ્થાપનાથી સ્વામી દયાનંદ સરસ્વતીએ સદીઓથી જામી ગયેલો હિન્દુ ધર્મના પાખંડનો મેલ ધોવાનો શરૂ કર્યો. દયાનંદ સરસ્વતીની હિંમત જબરી ને એમના યોગદાનના પ્રમાણ જેટલા આપણે એમને આજે યાદ નથી કરતા, એટલા બોલ્ડ એમના વિચારો ખુલીને વ્યક્ત કરવામાં. પણ એક તો બાકી બધું નકામું પણ વેદ શ્રેષ્ઠત્તમ એ એમની ચુસ્ત માન્યતા. એટલે ગ્રંથ આગળ રહે ને માણસ માટેની ગ્રંથિ એટલી ઉભી રહે. અને બહુ અગત્યની વાત એ છે કે સ્ત્રીઓને પુરૂષોની અને ધાર્મિક પરંપરાની ગુલામીમાંથી મુક્ત કરવાની વાત એમાં ખાસ થઈ નહિ. એટલે હિન્દુ નવજાગરણ પછી પણ નારી તો શોષિતવંચિતપીડિત ગુલામ જ રહે ! એ અરસામાં મુસ્લિમોમાં શિક્ષણની અહાલેક સર સૈયદ અહેમદે જગાવી. પણ ત્યાં ય આ મર્યાદા. બદીઓની સફાઈ કરીને પણ કેન્દ્રસ્થાને કાયદો કે માણસાઈ નહિ, 'શુદ્ધ' સ્વરૂપનો ધર્મ રાખવાનો અને સ્ત્રીને તો સેકન્ડરી સિટિઝન જ ગણવાની !
વિવેકાનંદ લાંબુ જીવ્યા નહિ ને ગાંધીજી તો બાળક હતા (ફૂલે દંપતીએ અહાલેક જગાવી ત્યારે તો જન્મ્યા પણ નહોતા !) એ સમયે જ્યોતિબા ફુલેએ આ બે મર્મસ્થાન પર પ્રહાર કર્યો. ધાર્મિકતાના પ્રપંચમાંથી સંપૂર્ણ મુક્તિ અને સ્ત્રીઓ માટે સંપૂર્ણ આઝાદી ! કેવું અઘરું ને વિકટ કાર્ય હશે ? ઘરમાંથી બાપે કાઢી મૂક્યા તો મિત્ર ઉસ્માન શેખને ત્યાં રહ્યા. આજે જે નથી થતું એ પરાક્રમ ત્યારે કર્યું, ઉસ્માનની બહેન ફાતિમાને પોતાની પત્ની સાવિત્રી સાથે એ સમયે ખ્રિસ્તી મહિલા કોન્વેન્ટ ચલાવતા મિસ ફર્રાર ને ત્યાં ભણવા મોકલી ! ભડકેલા બ્રાહ્મણો અને ઉચ્ચ જાતિના એવા સંકુચિત માનસના સવર્ણો હિંસક હુમલા કરે, દબાણ કરે, ચીડવે ! ભણીને પછી ભારતની સર્વજ્ઞાાતિય સ્ત્રીઓ માટેની પોતે ખોલેલી પ્રથમ શાળામાં ભણાવવા જતા સાવિત્રીબાઈએ ત્રણ સાડી ભેગી રાખવી પડે રોજ, કારણ કે જતાં, વળતાં કે ભણાવતા ગમે ત્યારે એમના પર છાણ ફેંકાય !
આ બધા વચ્ચે જ્યોતિબા ફુલેના સહયોગથી સાવિત્રીબાઈ ભારતના કહી શકાય એવા પ્રથમ મહિલા શિક્ષકા બન્યા અને છેવાડાના ગણાતા વર્ગની દીકરીઓ ભણાવવા માટેની પ્રથમ શાળા ફાતિમા શેખ સાથે મળીને એમણે શરૂ કરી. એમાં એમને તાત્યાસાહેબ જેવા બ્રાહ્મણોનો ટેકો મળ્યો. જ્યોતિબા ફુલેના સમર્થનમાં એમના બ્રાહ્મણ દોસ્તો પણ હતા છેક છેલ્લા શ્વાસ સુધી. તરૂણ વયે એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં પંડિત દ્વારા અપમાનિત થવાનું આવ્યું ને આગ લાગી હતી મનમાં. પણ કેવળ બળતરા ઠાલવવાને બદલે એમણે વાસ્તવિકતામાં સ્થિતિ સુધારવાનો પડકાર ઝીલ્યો તો બીજા બધા પણ જોડાયા. કોઈ પણ ધર્મ કે જ્ઞાાતિમાં બધા જ લોકો એકસરખા સારા કે એકસરખા ખરાબ ના જ હોય. જેણે પોઝિટિવ પરિવર્તન લાવવું હોય એમણે જેમની સામે લડતા હો એમાંના પણ સારાનો સથવારો લેવો પડે, નઠારાને પરાજીત કરવામાં વિભીષણ કે વિદૂર મળી જ રહે. એકથી વધુ !
પણ આવા ઉદાહરણ ફૂલે દંપતીને ગમ્યા ન હોત. એમણે ગુલામીગીરી, કિસાન કા કોડા જેવા જે પુસ્તકો લખ્યા - એમાં એ આ બધી ભક્તિ- ભગવાનની કથાઓ પર આકરા પાણીએ વરસ્યા છે ! સદીઓથી ઘૂંઘવાયેલા આક્રોશને લીધે એમણે કથાઓના બોધને બદલે મૂળમાંથી જ એમને ઝાટકી નાખી. ભારતીય પ્રથા સંવાદોમાં શાસ્ત્ર લખવાની છે એકવચનના ઉપદેશોમાં નહિ, સત્યાર્થ પ્રકાશ એ જ રીતે લખાયેલો દયાનંદ સરસ્વતીનો.
ફૂલેએ મરાઠીમાં 'ગુલામગીરી' ઘોડિંબા જેવું પાત્ર રચીને લખ્યું. આજે જેએનયુમાં જેને લીધે ધડબડાટી સામસામી બોલે છે, એ આર્ય- અનાર્યવાળા વિચારોની સોર્સ ફાઇલ એમાં છે. બલિરાજાને દલિત હોવાથી અસુર ગણાવીને અન્યાય કરાયો ને પિતાની આજ્ઞાાને લીધે માતાને મારીને પરશુરામથી સ્ત્રીને વ્યક્તિને બદલે વસ્તુ જેવી ટ્રીટમેન્ટ મળી એવા ઘણા જલદ વિચારો જ્યોતિબા ફૂલેએ એમાં લખ્યા. આ બધાની ચર્ચા- સમીક્ષા અલગ મુદ્દો છે,પણ એમનું રેશનલ એપ્રોચથી સામાજીક ક્રાંતિનું પ્રચંડ કાર્ય છે, એ આવી મતમતાંતરની કોમેન્ટબાજીથી ક્યાંય ઉંચુ છે.
'વિદ્યા બિન મતિ ગઈ, મતિ બિન ગઈ નીતિ, નીતિ બિન ગઈ ગતિ, ગતિ બિન ગયા વિત્ત' કહીને શુદ્રો પરના અનર્થની વાત કરતા મહાત્મા ફૂલે અહીં મથતા હતા ત્યારે યુરોપમાં મજૂરોના અધિકાર માટે કાર્લ માર્કસ લડતા હતા ને અમેરિકામાં કાળાઓના અધિકાર માટે અબ્રાહમ લિંકન લડતા હતા, એ વખતે ભારતમાં અઢળક અંધશ્રદ્ધા અને કુરિવાજોના વિજ્ઞાાનવિરોધી અને ગુલામ માહોલમાં જ્યોતિબા અને એમની પ્રેરણાથી સાવિત્રીબાઈ સમાજકલ્યાણ, માનવમૂલ્યોની રક્ષા. નારી અધિકાર અને ખેડૂત હક માટે લડતા હતા ! પણ માર્કસ કે લિંકન જેટલું એમનું નામ આપણે પ્રતિષ્ઠિત કર્યું ખરું ?
આજે જેહાદી કટ્ટર ત્રાસવાદની વરવી વિકૃતિ જોઈ ઇસ્લામને શિખામણ અપાય છે સુધારા માટે, પણ હિન્દુ ધર્મની વિશેષતા એ છે કે એમાં સુધારકોને, ધર્મના જ સાચા ટીકાકારોને સ્થાન અને માન મળ્યું છે. અધોગતિના મૂળ ધર્મમાં હોય તો ધર્મસુધારણા કરી, મૂર્તિપૂજા- જાતિભેદ બંધ કરી, સ્ત્રી સશક્તિકરણ કરી, ખેતીથી જીવન પદ્ધતિમાં આધુનિક વિજ્ઞાાન અપનાવી, દરેક ધર્મે પોતાની ખામી દૂર કરવાનું સત્યશોધન કરી, ધર્મની ઓથે ચાલતી રૂઢિચુસ્ત પરંપરાઓ છોડી, વચેટિયા એજન્ટ જેવા ગુરૂઓ છોડી કોઈ ગ્રંથને ઇશ્વરપ્રણીત માન્યા વિના એક જ ઇશ્વરની ભક્તિ કરવી આ એમની મૂળ વાત. એ માટે એમણે ૧૮૨૭થી ૧૮૯૦ સુધીના ૬૩ વર્ષના જીવનમાં અનેક શાળા અને સત્યશોધક સભા સ્થાપી. રાજા રવિવર્મા અને દાદાસાહેબ ફાળકેને પણ પ્રોત્સાહિત કરનારા આપણા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને 'મહાત્મા' કહ્યા.
માતા એક વર્ષની ઉંમરે ગુજરી ગયા હોઈને માસી સગુણાબાઈ પાસે મોટા થયેલા ને એમના લીધે અંગ્રેજી શિક્ષણ તરફ ઢળેલા મહાત્મા ફૂલે ટકી શક્યા એના કારણ બે : થોમસ પાઇનના પુસ્તક 'રાઇટ્સ ઓફ મેમ'થી એમને વિચારનો વારસો મળ્યો. પુસ્તક કે વાચન કે જ્ઞાાન શું કરી શકે એ સવાલનો આ જવાબ. અને સતત એમને માનની નજરે જોતા, કાયદાથી એમનું રક્ષણ કરતા અંગ્રેજોનો સાથ મળ્યો, જેમણે એમનું સન્માન કર્યું, એમને કોન્ટ્રાક્ટરનું કામ અપાવી આવક પણ અપાવી અને પછી એમણે ચણેલા પાયા પર ડો. ભીમરાવ આંબેડકર જેવી પ્રતિભાએ પ્રચંડ પુરૂષાર્થથી ભારતમાં નાગરિક હકો, મહિલા હકોની તાસીર પ્રગતિશીલ રીતે બદલી !
કમનસીબે અનંત નારાયણ મહાદેવન જેવા બ્રાહ્મણે 'ફૂલે' ફિલ્મ બનાવી એક દ્રષ્ટાંત પૂરું પાડયું ને આપણા ગુજરાતી પ્રતીક ગાંધીએ બાકીના બધા અભિનેતાઓની સરખામણીમાં ઉત્તમ અભિનય કર્યો પણ ફિલ્મ તદ્દન બોરિંગ અને ફ્લેટ બની કે ફૂલેનું નામ ને કામ હજુ પહોંચવું જોઈએ એટલું પ્રસિદ્ધ ન થયું ! હોલીવૂડ રિપોર્ટરે લખ્યું એમ ગ્રાન્ટ સ્ટોરી, બ્લાન્ડ (ફિક્કું) સ્ટોરીટેલિંગ !
ફાસ્ટ ફોરવર્ડ
'હકીકત બદલાય ત્યારે હું મારું મન બદલું છું. તમે શું કરો છો ?'
(જોન મેનાર્ડ કેઇન્સ)