એન્ટર ધ ડ્રેગન: કાશ્મીરમાં ચીની દૈત્યની ગૂઢ ચાલ
- એકનજરઆતરફ- હર્ષલપુષ્કર્ણા
- કાશ્મીરનો આતંકવાદ જો ભારતના પડખે ભોંકાયેલી પાકિસ્તાની શૂળ છે, તો એ શૂળનું મૂળ ચીનમાં નીકળે છે. ઓળખો, આતંકવાદીઓના માઇબાપ પાકના માઇબાપને!
- સિંધુ નદીના વહેણ પર રોક મૂકીને પાકિસ્તાનનું નાક આજે આપણે ભલે દબાવીએ, પણ શક્ય છે કે આવતી કાલે ચીન એ જ રણનીતિ ભારત સામે પણ અપનાવે. કારણ કે ભારત વિરુદ્ધ તેણે જળયુદ્ધ શરૂ કરી દીધું છે.
બોલો, શું લાગે છે? આતંકવાદના મેટરનિટી હોમ સમા પાકિસ્તાનને વન્સ ફોર ઓલ પાંસરુંદોર કરી દેવા માટે ભારતે શાં પગલાં લેવાં જોઈએ?
અંકુશરેખાની પેલી તરફ સંખ્યાબંધ સર્જીકલ સ્ટ્રાઇક્સ કરીને આતંકવાદી કેમ્પ્સનો સફાયો? કે પછી એવા કેમ્પ્સ જેમની દોરવણી હેઠળ ધમધમે છે તે પાકિસ્તાની ખુશ્કીદળ સામે કારગિલ યુદ્ધ જેવી સશસ્ત્ર આર પાર કી લડાઈ? કે પછી સિંધુ નદીના વહેણ પર લાંબો વખત રોક લગાવીને સમગ્ર પાકિસ્તાનને સજા દેવી કે જેથી ત્યાંની ત્રસ્ત પ્રજા આખરે ઇસ્લામાબાદ સરકાર પર આતંકવાદ બંધ કરવા માટે દબાણ લાવે?
ત્રણેય પૈકી કયો વિકલ્પ વધુ કારગત જણાય છે?
તત્કાળ જવાબ આપતાં પહેલાં બહુ ટૂંકમાં એટલું જાણી લો કે, (૧) પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘૂસીને આપણે આતંકવાદી મથકો પર સર્જીકલ સ્ટ્રાઇક અગાઉ કરી ચૂક્યા છીએ. આમ છતાં નથી અકુંશરેખાની ઉસ પાર આતંકવાદી મથકો બંધ થયાં કે નથી અંકુશરેખાની ઇસ પાર આતંકવાદ બંધ થયો.
(૨) કાશ્મીરના મોરચે પાકિસ્તાન જોડે આપણે ચાર ભીષણ સંગ્રામ ખેલી ચૂક્યા છીએ. દરેકમાં બૂરી રીતે હારવા છતાં પાકિસ્તાન લશ્કરની વાંકી પૂંછ સીધી થઈ નથી. આજે ધારો કે, પાંચમું યુદ્ધ ખેલવાનું થાય તો પાકિસ્તાનનું માઇબાપ ચીન તેમાં પરોક્ષ, છતાં નિર્ણાયક એવી પ્રોક્સી-વોર ખેલીને ભાગ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. વળી, યુદ્ધ સળગાવવું આર્થિક સુપર પાવર બનવા માગતા ભારતને પાલવે તેમ નથી. બે અઠવાડિયાના સશસ્ત્ર સંગ્રામ પાછળ થઈ શકનારો અંદાજિત ખર્ચ રૂપિયા ૧૦,૦૦૦ કરોડનો છે. સમયનું મીટર બે સપ્તાહથી આગળ ફરી જાય, તો રોજના ૪૦૦થી પ૦૦ કરોડ રૂપિયા વધારાના ગણી લેવા પડે. ખર્ચનો આટલો માતબર ફટકો વેઠ્યા બાદ ભારત economic slowdown/ આર્થિક મંદીમાં આવી પડે. ફુગાવો, મોંઘવારી, દેશના GDP/ કુલ ઘરેલુ ઉત્પાદનમાં ઘટાડો જેવી માઠી અસરો ભોગવવાની થાય, જેમાંથી બહાર નીકળવામાં સારો એવો સમય પસાર થઈ જાય.
(૩) ત્રીજો વિકલ્પ પાકિસ્તાનને મળતા સિંધુ નદીના પ્રવાહ પર બ્રેક મારવાનો છે. લોજિકની નજરે તે ઓપ્શન કારગત, સુરક્ષિત, સરળ અને ક્યાંય સોંઘું જણાય છે. પરંતુ શું સાચે જ સિંધુ નદીના વહેણ પર ભારતનો માફકસર ભોગવટો છે ખરો? સવાલનો જવાબ બે-અઢી દાયકા પહેલાં નિ:શંક ‘હા’માં આપી શકાત, પણ દુર્ભાગ્યે આજે નહિ. કારણ કે, સિંધુ નદી પર આપણા કરતાં ક્યાંય પાવરફુલ કબજો ચીને જમાવી દીધો છે. કાશ્મીરમાં ચાલતા આતંકવાદની વાત નીકળે ત્યારે ચર્ચામાં ભાગ્યે જ આવતા ચીનનો મુદ્દો અહીં બારીક વિશ્લેષણ સાથે રજૂ કર્યો છે. કાશ્મીર પ્રોબ્લેમનાં મૂળ પાકિસ્તાનને બદલે ક્યાં નીકળે છે તેનું વિવરણ તથ્યો તેમજ તર્ક વડે કર્યું છે. એકાગ્રતાથી વાંચજો.
■■■
ઓગસ્ટ, ૧૯૪૭માં અખંડ હિંદુસ્તાન બે હિસ્સે વહેંચાયું ત્યારે નવોદિત પાકિસ્તાનના કાયદે આઝમ મહમદ અલી ઝીણાએ કહેલું કે, ‘કશ્મીર પાકિસ્તાન કી શાહ-રગ હૈ.’
જનાબ ઝીણાએ કાશ્મીર માટે શાહ-રગ અર્થાત્ ધોરી નસ શબ્દ અમસ્તો યા આલંકારિક સંદર્ભે નહોતો વાપર્યો. બલકે, શબ્દ પ્રયોજન પાછળ ખાસ કારણ હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી માંડીને દક્ષિણે સિંધ પ્રાંત સુધીની લાખો ચોરસ કિલોમીટર જમીનને ખેતીલાયક બનાવતી તેમજ કરોડો લોકો માટે પેયજળ પૂરું પાડતી સિંધુ વત્તા તેની જેલમ અને ચિનાબ જેવી શાખાઓના વહેણનું પાકિસ્તાની પ્રવેશદ્વાર કાશ્મીર છે. કાશ્મીર જો પાકિસ્તાનના હાથમાં ન આવે અગર તો એમ કહો કે ભારતના હસ્તક રહી જાય તો ભવિષ્યમાં પાકિસ્તાને સિંધુ, જેલમ અને ચિનાબનાં જળથી હાથ ધોઈ નાખવાનો વારો આવે તે બનવાજોગ હતું. ખેતી તથા ઔદ્યોગિક એકમો પાણી વિના નકામાં! વળી પ્રજાને પીવા-વાપરવાનું પાણી જ ન મળે તો દુકાળગ્રસ્ત સ્થિતિમાં કેટલો વખત કાઢી શકાય?
આ સંભવિત સ્થિતિને ટાળવા માટે કાયદે આઝમ ઝીણાએ રાષ્ટ્રનું સર્જન થતાંવેંત ઓક્ટોબર, ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કરાવ્યું. ઉત્તરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના લગભગ ૭૪,૦૦૦ ચોરસ કિલોમીટર પ્રદેશનું તથા પશ્ચિમમાં આશરે ૧પ,૦૦૦ ચોરસ કિલોમીટર (આજે કથિત ‘આઝાદ કશ્મીર’ તરીકે ઓળખાતા) વિસ્તારનું બટકું કાપી લીધા પછીયે પાકિસ્તાની સત્તાધીશોની બકાસુર ભૂખ શમી નહિ. જમ્મુ, કાશ્મીર તથા લદ્દાખનો કોળિયો ભરી જવા માટે ૧૯૬પ, ૧૯૭૧ અને ૧૯૯૯માં તેમણે ભારત સામે લશ્કરી બાંયો ચડાવી.
તમામ યુદ્ધમાં કેંદ્રસ્થાને રહેલો પાકિસ્તાની અજેન્ડા કાશ્મીરની કથિત ‘આઝાદી’ હોવાનું માનતા હો તો ભૂલી જજો. વાસ્તવમાં ઇસ્લામાબાદ સરકાર ‘આઝાદી’ નામનું પ્યાદું આગળ ધરીને ચિનાબ, જેલમ અને સિંધુ નદીઓ મેળવવાની વજીર ચાલ ખેલી રહી હતી. આ નદીઓનાં વહેણ અનુક્રમે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં હોવાથી ત્રણેય પ્રાંત પાકિસ્તાની છાબડીમાં આવી જાય, તો પાણી પુરવઠા બાબતે સો ટકા સ્વાવલંબી બની શકાય તેમ હતું. પરંતુ ભારતીય લશ્કરે સજ્જડ પ્રતિકાર વડે પાકિસ્તાનનું ખ્વાબ ધમરોળી નાખ્યું. આમ છતાં પાકિસ્તાને કાશ્મીરની ‘આઝાદી’નું રુદન અને રટણ અટકાવ્યું નહિ.
■■■
સમય વીત્યો. રો-કકળ કરતા બાળકને રમવા માટે બે ઘૂઘરા મળે તે ઉક્તિની રૂએ પાકિસ્તાનને ૨૦૧પમાં ચીન તરફથી સહાનુભૂતિના નામે બે ઘૂઘરા મળ્યા. એક નાણાં વત્તા શસ્ત્રોની ખૈરાતનો હતો, જ્યારે બીજો પાકિસ્તાનના અભૂતપૂર્વ વિકાસનો હતો. ઘૂઘરા પકડાવવા માટે ચીની પ્રમુખ શી જિપિંગ પોતે પાકિસ્તાન પહોંચ્યા અને નવાઝ શરીફ જોડે ૪૬ અબજ ડોલર મૂલ્યના કુલ પ૧ લેખિત કરારો કર્યા. મરણ પથારીએ પોપચાં ઢાળીને સૂતેલા પાકિસ્તાનના માયકાંગલા અર્થતંત્રને સેલાઇન વોટર મળ્યું, પણ ચીનનો એમાં શો ફાયદો હતો?
દીવા જેવી સ્પષ્ટ વાત કે બહારવટિયું ચીન કંઈ ધર્માદાના મૂડમાં નહોતું. પાકિસ્તાનના ગ્વાદર તથા કરાંચી જેવા વ્યાપારી બંદરોને વાયા ગિલગિટ-બાલ્ટિસ્તાન (ઉત્તર કાશ્મીર) છેક ચીન સુધી જોડતો China-Pakistan Economic Corridor નામનો માર્ગ બાંધીને તેણે યુરોપ-અમેરિકા જોડે આયાત નિકાસ કરતા ચીની માલવાહક જહાજોનું પુષ્કળ બળતણ તથા પુષ્કળ સમય બચાવી લીધા. ગ્વાદર બંદર તો આખેઆખું પોતાના નામે કરી લીધું. આવાં તો બીજાં ઘણાં બહારવટિયાં ચીને સિફતથી પાકિસ્તાન સામે ખેલ્યાં. પરંતુ ચીનનું નામ પડતાં જ પૂંછ પટપટાવવા લાગતા ઇસ્લામાબાદના સત્તાધીશો દર થોડા વખતે ચીની ખૈરાતના ચંદ ટુકડા લેવામાં મશગૂલ રહ્યા.
આ મૂર્ખામીનું પરિણામ નજર સામે છે. આજે પાકિસ્તાનના માથે ચીનનું આર્થિક દેવું ૨૮.૭૮ અબજ ડોલરે પહોંચી ચૂક્યું છે. દેવાળિયું ફૂંકી ચૂકેલું પાકિસ્તાન તે રકમ પરત કરી શકે તેમ નથી. મૂછે ચોપડવા તેલ ન હોય ત્યારે ડેલીએ દીવા પ્રગટાવવાનો તો સવાલ જ ન રહે! ચીનના આર્થિક બોજા તળે દબાયેલા પાકિસ્તાન પાસે પોતાના એક કે બાદ એક પ્રાંત ચીનને સુપરત કરી દીધા સિવાય કોઈ વિકલ્પ નથી.
જેમ કે, ઉત્તર કાશ્મીરનો ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંત આજે ચીનના હાથમાં છે. અહીં બિજિંગ સરકારે સિંધુ નદી પર કુલ પાંચ બંધ બાંધવાનો મેગાપ્રોજેક્ટ શરૂ કર્યો છે. પચ્ચીસ અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ તે માટે કર્યું છે. ‘બાશા’ અને ‘બુન્જી’ નામના બે મોટા ડેમનું બાંધકામ તો અત્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સપાટાબંધ ચાલી રહ્યું છે. બેઉ ડેમ કાર્યરત થયા પછી ભારતને સિંધુનું હાલ કરતાં ૩૬ ટકા ઓછું અને પાકિસ્તાનના સિંધ પ્રાંતને તો વર્તમાનની તુલનાએ ૬૩ ટકા ઓછું જળ મળે તેવી સંભાવના છે. વિચારો કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સિંધુ નદી પર ચીન વધુ ત્રણ બંધ ઊભા કરી દેશે ત્યારે જળપુરવઠામાં બીજો કેટલો માતબર કાપ આવશે!
■■■
સિંધુના જળપ્રવાહને બંધ વડે નાથવામાં ચીનની મુરાદ એકમાત્ર જળવિદ્યુત પેદા કરવાની નથી. બલકે, મૂળ પ્લાન સાવ જુદો છે. સિંધુના બહુધા વહેણને ચીન પોતાના સિંક્યાંગ પ્રાંત તરફ વાળી રહ્યું છે કે જ્યાં તેણે ૧૩૦ અબજ ડોલરના ખર્ચે વીજાણુ માઇક્રોચિપ (સેમીકન્ડક્ટર) બનાવવાનાં કારખાનાં નાખ્યાં છે. માઇક્રોચિપ નિર્માણમાં કાઠું કાઢનાર અમેરિકાની સિલિકોન વેલી સામે આર્થિક/વ્યાપારી યુદ્ધે ચડેલું ચીન હવે વૈશ્વિક મોનોપલી સ્થાપવા માગે છે. મોબાઇલ ફોન, કમ્પ્યૂટર, સ્માર્ટવોચ, ટેલિવિઝન, ઓટોમેટિક મશીનો, રોબોટ્સ, ઉપગ્રહો વગેરે જેવી અગણિત ચીજો ચિપ વિના સંભવ નથી.
બીજી તરફ, રેતી (સિલિકા) અને મબલખ પાણી વિના ચિપનું ઉત્પાદન સંભવ નથી. ચીન પાસે રેતીનો તો ભરપૂર ભંડાર છે, કેમ કે રેત ઢૂવાનું બનેલું તેનું તકલામકાન રેગિસ્તાન ૩,૩૭,૦૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે.
ચીનને સતાવતો પ્રશ્ન પાણીના અસ્ખલિત પુરવઠાનો છે. ફક્ત ત્રીસ સેન્ટિમીટર કદની માઇક્રોચિપ બનાવવા માટે વિવિધ તબક્કે કુલ ૧૦,૦૦૦ લિટર અણીશુદ્ધ પાણીનો ખપ પડતો હોય છે. આ હિસાબે સિંક્યાંગમાં સ્થાપિત ચિપ કારખાનાંને રોજનું લાખો લિટર નિર્મળ જળ જોઈએ. આમાં તકલીફ એ છે કે આંધળો ઔદ્યોગિક વિકાસ સાધવા જતાં ચીને પોતાનાં નદીઓ-જળાશયોને ભારોભાર પ્રદૂષિત કરી નાખ્યાં છે. આથી નિર્મળ જળના પુરવઠા માટે તેણે કુલ ત્રણ નૈસર્ગિક સ્રોત પર ડોળો માંડ્યો છે. (૧) ગિલગિટ-બાલ્ટિસ્તાનની ઉત્તરે આવેલો અને વર્ષો પહેલાં પાકિસ્તાને ભેટમાં આપેલો શક્સગામ પ્રદેશ કે જ્યાં બર્ફીલા હિમાલય પહાડોમાં ૨પ૨ જેટલી હિમનદીઓ છે. (૨) અક્સાઇ ચીનનું ૧૬પ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું અક્સાઇ ચીન સરોવર, જેમાં પાણીની માત્રા ૧૩.૬૨ કરોડ ચોરસ કિલોમીટર જેટલી છે. (૩) કૈલાસ પર્વતની તળેટીમાં આવેલા પવિત્ર માનસરોવરથી નીકળીને વાયા કાશ્મીર વહેતી સિંધુ નદી, જેનંસ જળ સિંક્યાંગ તરફ વાળવા માટે અત્યારે ગિલલિટ-બાલ્ટિસ્તાનમાં ચીન પચ્ચીસ અબજ ડોલરના ખર્ચે પાંચ ડેમ ઊભા કરી રહ્યું છે.
■■■
અત્યાર સુધી જે લખ્યું તે બહુ એકાગ્રતાથી વાંચ્યું હોય અને વાંચીને બરાબર સમજ્યું હોય તો હવે એક વિચાર કરો:
આવતી કાલે ધારો કે, ભારતીય લશ્કર કાશ્મીર પર સશસ્ત્ર હુમલો કરે છે. ધારણાને એક ડગલું આગળ વધારીને કલ્પી લો કે પાક હસ્તકનું ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતનું કાશ્મીર ભારત પાછું મેળવી લે છે. શું એ સ્થિતિ ચીન માટે મોકાણની સાબિત ન થાય? સિંધુ નદી પર બાંધેલા બંધ હાથમાંથી જાય એ તો ખરું, તદુપરાંત સિંધુના વહેણને સિંક્યાંગ તરફ વાળવાના મનસૂબા પર પાણી ફરી વળતાં વીજાણુ ચિપનાં કારખાનાં તરસથી મૂરઝાઈ જવા પામે.
એ વાત જુદી કે આમાંનું કશું બનવાનું નથી. કારણ કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રાંત પાકિસ્તાની (કહો કે, ચીનના) આધિપત્ય નીચે રહે એ માટે બિજિંગ સરકાર બહુ સિફતથી રાજકીય સોગઠી ખેલી રહી છે. અગાઉ જણાવ્યું તેમ પાકિસ્તાનને ખૈરાતના નામે દર થોડા વખતે નાણાંનાં ચંદ ટુકડા નાખ્યા કરે છે. આ રકમનો કેટલોક હિસ્સો પાકિસ્તાની લશ્કરને મળે છે અને લશ્કર મારફત તેમાંની કેટલીક રકમ (એક અનુમાન મુજબ પાંચથી દસ કરોડ ડોલર) કાશ્મીરની કથિત ‘આઝાદી’ માટે લડતા આતંકવાદી સંગઠનોને પહોંચતી કરાય છે.
પાંચથી દસ કરોડ ડોલરના ક્ષુલ્લક મૂડીરોકાણ વડે ચીની સરકાર કાશ્મીરમાં આતંકવાદ સળગતો રાખી બેકગ્રાઉન્ડમાં પોતાના આર્થિક-વ્યાપારી હિતો સાધી રહી છે. ભારતને પાકિસ્તાન સામે યુદ્ધ ખેલતું રોકવાનો (અને યુદ્ધમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ ભારતના હાથમાં જતો રોકવાનો) અન્ય કોઈ ઉપાય ચીન પાસે નથી. આથી તેણે કાશ્મીરમાં આતંકવાદ ચાલુ રાખવા માટે નાણાં કોથળી ખોલી દીધી છે.
■■■
હવે કહો કે, આવા સંજોગોમાં પાકિસ્તાનના આતંકી મથકો પર સર્જીકલ સ્ટ્રાઇક્સ કરીને શું વળવાનું હતું? એકાદ-બે મથકો ફૂંકી મારવાથી કશું ન વળે. સફાયો કરવો જ હોય તો પાક હસ્તકના કાશ્મીરમાં જુદાં જુદાં સ્થળે સક્રિય તમામ ૪૨ આતંકી કેમ્પ્સને ધમરોળી દેવાં જોઈએ.
સર્જીકલ સ્ટ્રાઇકને બદલે રીતસરનું યુદ્ધ છેડીએ તો ચીનના સશસ્ત્ર હસ્તક્ષેપની શક્યતાઓ રહેલી છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કરેલા બેહિસાબ મૂડીરોકાણનું ધોવાણ થતું બચાવવા માટે બિજિંગ સરકાર કોઈ પગલાં ન લે એમ માની લેવાની જરૂર નથી.
સિંધુ જળ કરારને ફોક કરીને પાકિસ્તાનને મળવાપાત્ર જળ પુરવઠો અટકાવી દેવો હાલતુરત સરળ, સસ્તો, અસરદાર ઉપાય જણાય છે. પરંતુ એમ કર્યા પછી ભારતે આંતરરાષ્ટ્રીય રાજકીય દબાણનો તેમજ માનવ અધિકાર પંચ જેવી સંસ્થાઓનો સામનો કરવાનો થાય એ સંભવ છે.
—તો પછી પાકિસ્તાનને વન્સ ફોર ઓલ સીધુંદોર કરવા માટે ભારતે અજમાવવા જેવો ઉપાય શો? ટૂંકો જવાબ છે: ભાગલા!
ડિસેમ્બર, ૧૯૭૧માં આપણા જાસૂસી તંત્રએ પૂર્વ પાકિસ્તાનમાં (વર્તમાન બાંગલા દેશમાં) સ્થાનિક બંગાળી મુસ્લિમોને ઇસ્લામાબાદ સરકાર સામે લડી લેવા માટે તૈયાર કરેલા. મુક્તિ વાહિની તરીકે ઓળખાતી તેમની સેનાને શસ્ત્રો આપેલાં અને શસ્ત્ર સંચાલનની તાલીમ આપેલી. આ રણનીતિનું વન્સ-મોર આપણે ગિલગિટ-બાલ્ટિસ્તાન, સિંધ અને બલુચિસ્તાન અને ખૈબર પુખ્તુનખ્વામાં કરવા જેવું લાગે છે. આ ચારેય પ્રાંત ઇસ્લામાબાદ સરકારથી ત્રસ્ત છે એટલું જ નહિ, પાકિસ્તાનથી છેડો ફાડી નાખવા માટે વર્ષોથી તત્પર છે. કોઈક રીતે આપણે તેમને આઝાદી અપાવી શકીએ તો સમજો કે કાશ્મીર પ્રોબ્લેમ નામનું સિરદર્દ હંમેશ માટે દૂર થયું. ભાગલાનું કામ અઘરું છે. સમય અને કુનેહ માગી લેનારું છે. પરંતુ અસંભવ નથી.
દરમ્યાન યાદ રાખવું પડશે કે સિંધુ નદીના વહેણ પર રોક મૂકીને પાકિસ્તાનનું નાક આજે આપણે ભલે દબાવીએ, પણ શક્ય છે કે આવતી કાલે ચીન એ જ રણનીતિ ભારત સામે પણ અપનાવે. પચ્ચીસ અબજ ડોલરના ખર્ચે સિંધુ નદી પર પાંચ-પાંચ બંધ ચણવા પાછળ ચીનનો ઉદ્દેશ માત્ર વીજળી કાંતવાનો તથા સિંક્યાંગનાં કારખાનાંની પ્યાસ બુઝાવવાનો જ નથી. જળ એ નવા જમાનાના યુદ્ધનું અમોઘ આયુધ છે, જેના વડે ખેલી શકાનારા સાઇલન્ટ, રક્તરહિત સંગ્રામનું નામ છે: વોટરવોર!■