Get The App

એરસ્પેસ : ધરતી પરથી અંકાતી અફાટ આકાશની સરહદ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
એરસ્પેસ : ધરતી પરથી અંકાતી અફાટ આકાશની સરહદ 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભારત અને પાકિસ્તાને સામ-સામી એરસ્પેસ બંધ કરી દીધી, તેનાથી વિમાની રૂટ લાંબો અને ખર્ચાળ થશે. વેલ, આકાશમાં સરહદ નક્કી કેવી રીતે થાય છે?

વો ટ ઈઝ એરસ્પેસ? 

વિમાન આકાશમાં જે નિર્ધારિત માર્ગે ઉડવાનું હોય છે એ માર્ગને એરરૂટ કહેવાય. જે ઊંચાઈએ ઉડે છે એને કહેવાય એરએલ્ટિટયૂડ ને એક દેશથી બીજા દેશના આકાશમાં પ્રવેશે એ વિસ્તાર માટે શબ્દ છે - એરસ્પેસ.

પેસેન્જરે ભારતથી અમેરિકા જવાનું હોય તો એ તેનો એક દેશનો પ્રવાસ થયો, પરંતુ રસ્તે આવતાં અનેક દેશ ને આંતરરાષ્ટ્રીય સરહદોમાંથી એનું વિમાન પસાર થાય છે. પાયલટ એની જાણકારી પણ આપે છે. જે દેશમાંથી વિમાન પસાર થાય ત્યારે એ દેશની એરસ્પેસનો ઉપયોગ કરે છે.

ડોમેસ્ટિક ફ્લાઈટ્સને એરસ્પેસનો મુદ્દો સ્પર્શતો નથી. ડોમેસ્ટિક ફ્લાઈટ જે તે દેશની પોતાની એરસ્પેસનો ઉપયોગ કરે છે ને પાયલટ રાજ્યની હદ બદલાય કે મોટું શહેર વિમાની રૂટમાં આવે કે સમુદ્ર આવે ત્યારે એની જાણકારી આપે છે, પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાટ્સ માટે એરસ્પેસ ઈમ્પોર્ટન્ટ છે.

કોઈ બે દેશો વચ્ચે તંગદિલી સર્જાય ને અચાનક એક દેશ કે બંને દેશો એકબીજાના દેશોની એરલાઈન્સ માટે કે પછી એ દેશમાં આવતી તમામ દેશી-વિદેશી એરલાઈન્સના વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દે તો અધવચ્ચેથી વિમાનોએ રૂટ બદલવો પડે છે. ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડે છે. આ એરસ્પેસનો મુદ્દો ઘણી વખત પેસેન્જર્સ માટે અણધારી લાંબી જર્ની નોતરે છે. 

વીતેલા સપ્તાહમાં બે વખત આવી ઘટના બની. પાકિસ્તાનના આતંકવાદીઓએ પહલગામમાં હુમલો કર્યો એ પછી ભારેત સિંધુ જળ સમજૂતી રદ્ કરી દીધી. પાકિસ્તાનના નાગરિકોને તાકીદે દેશ છોડવાનો આદેશ આપી દીધો. તેનાથી અકળાયેલા પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરી દીધી. ભારતીય એરલાઈન્સની કેટલીય ફ્લાઈટ પાકિસ્તાનની એરસ્પેસમાંથી પસાર થતી હતી એ તમામે લાંબો રૂટ લેવો પડયો. ભારતથી અન્ય દેશની એરલાઈન્સના વિમાનોએ પણ એકાએક રૂટ બદલવો પડયો. વિદેશથી આવતી ઘણી ફ્લાઈટ્સને છેક છેલ્લી ઘડીએ સૂચના મળી કે ભારતમાં જવા માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ નહીં કરી શકે, એ બધી ફ્લાઈટ્સ ડાઈવર્ટ થઈ. દરેક એક્શનનું રિએક્શન હોય છે. ભારતે પણ વળતો જવાબ આપીને પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરી દીધી. જોકે, ભારતે અગાઉથી જાહેરાત કરીને સમય આપ્યો હતો એટલે ફ્લાઈટ ડાઈવર્ટ કરવા માટે એરલાઈન્સને પૂરતો સમય મળ્યો. ભારત-પાકિસ્તાન જ નહીં, ઘણાં દેશો આંતરિક તંગદિલી વખતે આવું પગલું ભરતા હોય છે.

વેલ, અહીં સવાલ એ છે કે કોઈ દેશનું હવાઈ ક્ષેત્ર કેવી રીતે નક્કી થાય? એના માટે શું માપદંડો છે? કોઈ આંતરરાષ્ટ્રીય નિયમ છે કે નહીં?

***

હંગેરિયન-અમરિકન એરોસ્પેસ એન્જિનિયર થિયોડોર વોન કાર્મન દુનિયાના એવા પહેલા ઈનસાન હતા જેમણે પૃથ્વી અને આકાશ વચ્ચે સરહદ આંકી હતી. એવિએશન ઈન્ડસ્ટ્રી જ્યારે વિકસી રહી હતી ત્યારે વિમાન ઉડ્ડયનના ક્ષેત્રમાં અનેક પ્રયોગો થતાં હતાં. એરોનોટિક્સમાં કામ કરતા હતા ત્યારે કાર્મને ગણતરીઓ માંડીને વિમાનોના ઉડ્ડયન માટેની મેક્સિમમ હદ નક્કી કરી. સમુદ્ર સપાટીથી ૮૩.૮ કિલોમીટરની ઊંચાઈ સુધી પૃથ્વીનું વાતાવરણ ગણાય. એ પછીનો વિસ્તાર આઉટર સ્પેસ કહેવાય.

તેમણે જે સરહદ ખેંચી હતી એ સર્વસ્વીકૃત બની. આ એરોસ્પેસ એન્જિનિયરના નામે એ હવાઈહદ 'કાર્મન લાઈન' તરીકે ઓળખાઈ. જુદી જુદી ગણતરી પછી હવે ૮૩.૮ને બદલે પૃથ્વી અને આકાશ વચ્ચે સરહદ ૧૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી નક્કી થઈ છે. એ પછીનો હિસ્સો અવકાશનો છે. એમાં પૃથ્વીને કંઈ લાગે વળગે નહીં!

આ 'કાર્મન લાઈન' એરસ્પેસ નક્કી કરવામાં ચાવીરૂપ બની. સેકન્ડ વર્લ્ડવોર પછી એવિએશન ઈન્ડસ્ટ્રીનો ઝડપભેર વિકાસ થયો. ત્યારે હજુ વિમાની રૂટ પર કોઈ અંકુશ ન હતો. એરલાઈન્સને દરેક દેશના આકાશમાંથી પસાર થવાની છૂટ હતી, પરંતુ અમેરિકાએ ૧૯૫૦ પછી આસપાસના દેશોના દરિયામાં ક્લેમ શરૂ કર્યો એટલે પહેલાં તો સમુદ્રની હદ નક્કી કરવાનું જરૂરી બન્યું. અમેરિકાની જેમ રશિયા-બ્રિટને પણ પોત-પોતાની જળસીમા પર દાવો માંડયો. દરિયામાં ક્યાં સુધી દેશની જળસીમા કહેવાય ને ક્યાં સૌનો અધિકાર કહેવાય? એવા સવાલો ઉઠયા.

તેમાંથી એક્સક્લૂસિવ ઈકોનોમિક ઝોનનો વિચાર જન્મ્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય કાયદો બનાવ્યો. દેશો વચ્ચેય આંતરિક સમજૂતી થવા માંડી. શરૂઆતમાં છ કિલોમીટર સુધીના વિસ્તારને જે તે દેશની જળસીમા અને એ પછીના દરિયાને આંતરરાષ્ટ્રીય જળસીમા કહેવાતી. પછી ૧૯૮૨માં સત્તાવાર રીતે કાયદો બન્યો અને સૌએ સ્વીકાર્યો એ પ્રમાણે દેશથી ૧૨ નોટિકલ માઈલ યાને લગભગ ૨૨ કિલોમીટર સુધીનો વિસ્તાર એક્સક્લૂસિવ ઈકોનોમિક ઝોન કહેવાય. ત્યાં સુધીનો વિસ્તાર જે તે દેશની જળસીમા થઈ. એમાં પરવાનગી વગર ઘૂસી શકાય નહીં. એની આગળ પણ ટેરિટોરિટલ સમુદ્રનો એક કૉન્સેપ્ટ પણ છે, જે દરિયામાં ૩૭૦ કિલોમીટર સુધી સાર્વભૌમ અધિકાર આપે છે.

જળસીમાના પગલે એરસ્પેસનો ખ્યાલ પણ વિકસ્યો. જમીની હદ તો સદીઓથી નક્કી થતી હતી. જળસીમાના માપદંડો ઘડાયા ને એમાં કાર્મન લાઈનને ઉમેરીને દેશની એરસ્પેસ નક્કી કરવામાં આવી. એ પ્રમાણે સમુદ્ર સપાટીથી ૧૦૦ કિલોમીટરની ઉંચાઈ સુધી, દેશની જમીન જ્યાં સુધી હોય એની ઉપરનું આકાશ અને દેશની જળસીમા પૂરી થતી હોય ત્યાં સુધીનું આકાશ - એ જે તે દેશની એરસ્પેસ કહેવાય. એરસ્પેસ એટલે માત્ર ધરતીની ઉપરનો વિસ્તાર જ નહીં, દેશનો એક્સક્લૂસિવ ઈકોનોમિક ઝોન હોય ત્યાં સુધી એરસ્પેસનો અધિકાર મળે છે. એ રીતે જોઈએ તો અત્યારે ભારતની જમીન ઉપરથી કે ભારતની હદમાં ૨૨ કિલોમીટરના સમુદ્ર ઉપરથી પણ પાકિસ્તાનના વિમાનો પસાર થઈ શકે નહીં.

***

વિમાનો ૧૦૦ કિલોમીટર યાને ત્રણ લાખ ફૂટની ઊંચાઈ સુધી ઉડતાં નથી. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ૨૫ હજાર ફૂટની ઊંચાઈ સુધી જાય છે ને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ૩૦થી ૪૦ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચે છે. એરસ્પેસનો બાકીનો હિસ્સો વપરાતો નથી. હવાઈ સરહદને લગતો કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો નથી. જમીન અને સમુદ્રની સરહદના આધારે હવાઈહદ નક્કી થઈ છે. જોકે, ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન કન્વેન્શનના આર્ટિકલ-૧માં એરસ્પેસ વિશે સ્પષ્ટતા કરતા લખાયું છે - 'દરેક દેશને તેમની જળ-જમીન ઉપર આવેલા હવાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ અને વિશિષ્ટ અધિકાર મળે છે.' જળ-જમીનની ઉપર કેટલા ફૂટ સુધી એરસ્પેસ રહેશે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા થઈ નથી. મોસ્ટલી કાર્મન લાઈનને હવાઈહદ તરીકે સ્વીકારવામાં આવે છે.

વેલ, અમેરિકા-બ્રિટન જેવા દેશો તો ૧૦૦ કિલોમીટર સુધીની ઊંચાઈને એરસ્પેસ ગણવામાં એટલા સહમત થતાં નથી. ૩૦ કિલોમીટરની એટલે કે એક લાખ ફૂટની ઉંચાઈ સુધી જ દેશની એરસ્પેસ ગણાય એવું અમેરિકન એક્સપર્ટ્સ માને છે. કારણ કે અમેરિકાએ જે સ્પેસ આર્મી બનાવી છે એ ૨૫ હજાર ફૂટથી ઉપર હોય એ આકાશ પર ફ્રી ફ્લાયનો અધિકાર ગણે છે. ભવિષ્યમાં શક્તિશાળી દેશો સ્પેસ આર્મી બનાવતા થશે પછી એરસ્પેસનું મહત્ત્વ વધી જવાનું છે. કદાચ નવેસરથી હવાઈહદ નક્કી કરવાની થાય એમ પણ બને.

વેલ, ૨૦મી સદીની શરૂઆત સુધી માનવીએ અવકાશમાં સરહદ હોય એવી કલ્પના પણ કરી ન હતી. આજે દરેક દેશની હવાઈહદ નક્કી થઈ ગઈ છે. જે ઝડપે વિસ્તારવાદ વધ્યો છે એ જોતાં આજે નહીં કો કાલે માનવી ધરતીથી માંડીને અવકાશમાં પહોંચી શકશે ત્યાં સુધી સરહદ આંકી લેશે.   

એરસ્પેસ પોલિટિક્સ

એરસ્પેસ બંધ કરવાથી પ્રતિબંધ મૂકનાર દેશને આમ સીધો કોઈ ફાયદો નથી. જેના પર પ્રતિબંધ મૂકાયો છે એને નુકસાન ખરું. એ દેશના પેસેન્જર્સને ટિકિટ મોંઘી પડે. એરલાઈન્સનો રૂટ બદલાય ને લાંબો રૂટ થાય તેની સીધી અસર ટિકિટના ભાવમાં થાય. એ દેશની એરલાઈન્સને આર્થિક ફટકો પડે ને સરવાળે પેસેન્જર્સ ભોગ બને. એરસ્પેસ પ્રતિબંધ એક રીતે આર્થિક એરસ્ટ્રાઈક છે. અનેક દેશો આ એરસ્પેસ પોલિટિક્સ કરતા હોય છે.

યુક્રેન સામે રશિયાએ યુદ્ધ શરૂ કર્યું એ દિવસથી યુક્રેન-રશિયાએ સામ-સામી એરસ્પેસ બંધ કરી હતી. વળી, યુરોપિયન સંઘે રશિયન એરલાઈન્સ માટે એરસ્પેસ ક્લોઝ કરી દીધી છે, હજુય ક્લોઝ છે. રશિયા માટે તો બ્રિટન-અમેરિકા-કેનેડાએ પણ એરસ્પેસ બંધ કરી છે. ૨૦૧૭માં સાઉદી, યુએઈ, બહેરિન, ઈજિપ્તે મળીને કતર માટે એરસ્પેસ બંધ કરી દીધી હતી તે છેક ૨૦૨૧ સુધી એરસ્પેસ બંધ કરી હતી.

અગાઉ ઈઝરાયલે ઘણાં દેશો માટે એરસ્પેસ બંધ રાખી હતી, તો સામે એ દેશોએ ઈઝરાયલી એરલાઈન્સ માટેય એરસ્પેસ ક્લોઝ રાખી હતી. થોડા મહિના પહેલાં તુર્કીને એવો ભય હતો કે ઈઝરાયલ તેના પર હુમલો કરશે. તે વખતે તુર્કીએ ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા અને એરસ્પેસ પણ ક્લોઝ કરી દીધી હતી. જોકે, બંને દેશોના એવિએશન મંત્રાલયે વાટાઘાટો પછી એરસ્પેસ ઓપન થઈ હતી. જે દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નથી હોતા એ પણ પેસેન્જર વિમાનો માટે એરસ્પેસ ઓપન રાખે છે. ઘણા કિસ્સામાં જે તે દેશના પ્રાઈવેટ વિમાનો માટે એરસ્પેસ ક્લોઝ રહે છે. જેમ જેમ વિમાની મુસાફરો વધતા જાય છે તેમ તેમ તંગદિલીના સમયે નાક દબાવવા માટે એરસ્પેસ પોલિટિક્સ પણ વધતું જશે.

Tags :