સ્વાર્થનો પરાજય, માણસાઈની જીત .
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- યાત્રાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તારે ભારત જવું હોય તો ભલે જા અને રહેવું હોય તેટલું ભલે રહે, હું તારી સાથે નહીં આવું. આ સાંભળીને સમયને ભારે આઘાત લાગ્યો હતો
પૂ રાં વીસ વર્ષ થયાં અમેરિકામાં સમય પાણીની જેમ વહી ગયો... ત્યારે સમય ત્રીસ વર્ષનો હતો. સંજોગ નવ વર્ષનો અને લીપ્સા બે વર્ષની હતી. પોતાની પત્ની યાત્રા સાથે સમયે ભારત છોડયું, ત્યારે એને એમ લાગતું હતું કે પોતાનાં તમામ સ્વજનોમાં પોતે જ એક એવી નસીબદાર વ્યક્તિ છે, જેને પરિવાર સાથે વિદેશમાં વસવાટ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ રહ્યું છે.
સમયે અમેરિકામાં દામ્પત્ય જીવન શરૂ કર્યું ત્યારથી એના મનમાં એક જ ઇચ્છા રમ્યા કરતી હતી, બસ વર્ષમાં એક જ વાર ભારત જવાનું મળે. યાત્રાના મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન બધાં અમેરિકામાં વસવાટ કરતાં હતાં એટલે યાત્રાને કશી વાતની ઉણપ નહોતી. સમય એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચો હોદ્દો ધરાવતો હતો એટલે યાત્રા માટે સુખ-સાહ્યબીનાં તમામ સાધનો તેના ઘરમાં હાજર હતાં. યાત્રા ખુશ હતી, બાળકો સંજોગો અને લીપ્સા પણ ખુશ હતાં. છતાંય સમયને ભારત અને પોતાનાં મમ્મી-પપ્પા તથા નાનીબેન બહુ યાદ આવતી હતી.
યાત્રા એને સમજાવતી : 'સમય, તું અમેરિકા તો આવી ગયો, પણ અમેરિકન શૈલીને અપનાવશે નહિ તો દુ:ખી થઇ જઇશ, સંજોગ અને લિપ્સાને ઇન્ડિઅન પેરેન્ટસની જેમ તું લાડ પ્યાર કરે, એ વાત સારી છે. પણ તારાં લાડ-પ્યાર એમને વેવલાં ન બનાવે એ પણ આપણે જોવું પડશે. મારી સાથેના વ્યવહારમાં પણ તારે આ જ દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. અહીં સ્ત્રીઓને પતિ ન જમે ત્યાં સુધી નહીં જમવાનું એ પોસાય નહીં. માંદગીમાં અડધી રાત સુધી પત્ની જાગતી રહીને તાવગ્રસ્ત પતિને માથે પોતાં મૂકતી રહે, એવી ફુરસદ અહીં કોઈ પત્નીને નથી હોતી. હા, નર્સ-ડૉક્ટર વગેરેને ઉત્તમ વ્યવસ્થા તેઓ અચૂક કરી આપે. જો મારે પણ સવારે ઊઠીને જોબ પર જવાનું હોય છે. એટલે જેટલો થાક તને લાગે એટલો જ થાક મને પણ લાગે કે નહીં ? પ્લીઝ અમેરિકામાં રહેવું હોય તો કન્ટ્રીટાઈપ વિચારો છોડીને પ્રેક્ટીકલ થવું પડશે.'
યાત્રાએ આ આચાર સંહિતાનો આરંભ પણ કરી દીધો હતો. બન્ને બાળકોનો ઉછેર પણ અમેરિકન ઢબનો. યાત્રાએ પૈસા અને પ્રતિષ્ઠાને પોતાના જીવનનું ધ્યેય બનાવી દીધું હતું. એટલે નાના-મોટાં સેમિનારો અને કોન્ફરન્સોમાં ભાગ લેવા માટે તેણે ઘર બહાર રહેવું પડતું હતું.
સમય જ્યારે ભારત જવાની ઇચ્છા પ્રદર્શિત કરતો, ત્યારે કોઈ બહાનુ કાઢીને યાત્રા ભારત આવવાનું માંડી વળાવતી. હકીકતમાં યાત્રા કે બાળકોને ભારત આવવાનું ગમતું જ નહોતું. યાત્રા પણ બાળકોના મનમાં એવું ઠસાવ્યા કરતી હતી કે ભારતમાં ગરીબી અને ગંદકી વચ્ચે મોટા ભાગનાં લોકો જીવે છે. સંજોગ અને લીપ્સાને તો એક કલાક માટે પણ ત્યાં રહેવું ભારે પડી જાય.
માનસિક તનાવ અને કચવાટોને કારણે સમયની તબિયત વારંવાર બગડવા માંડી. 'માતા-પિતાનો પોતે એકનો એક દીકરો છે. એમના પ્રત્યે પણ મારે ફરજ બજાવવી જોઇએ. આ ઉંમરે માતા-પિતાની સેવા કરવી જોઇએ. પોતાની બેન મોટી થઇ ગઈ. લગ્ન પણ કરી લીધાં છતાં પોતે ભારત જઇ શક્યો નહીં...' આવા બધા વિચારો સમયને દુ:ખી કરી નાખતા હતા. નાની ઉંમરથી જ તે બ્લડ પ્રેશરનો ભોગ બન્યો હતો.
બીમારી વખતે યાત્રા સમયને લઇને હોસ્પિટલ જઇ શક્તી નહોતી એટલે સંજોગ અને લિપ્સા પણ પોતાના પપ્પાની બીમારીને ગંભીરતાપૂર્વક લેતા નહોતા. સોળ વર્ષની ઉંમરે જ સંજોગ મમ્મી-પપ્પાથી અલગ થઇ ગયો હતો, પોતાની રીતે જીવવા માટે લીપ્સા પણ વોર્નિંગ આપ્યા કરતી હતી : 'પપ્પા, તમે આમ ઇન્ડિયન બનીને જ રહેવા માગતા હો તો હું હોસ્ટેલમાં રહેવા ચાલી જઈશ. અને ખરું પૂછો તો તમારી જરૂર પણ શી છે? ડેડી, મોમ પોતે સારું એવું કમાય છે. પછી શા માટે જીદ કરીને તમને ઇન્ડિયા જવા નથી દેતી? મોમ તો મોટે ભાગે ઓફિસના કામે બહાર જ ફરતી હોય છે. ડેડી તમે અમેરિકન બની શકવાના નથી અને અમે ઇન્ડિયન બનવા માગતા નથી. તમારી સાદગી એને ગંભીરતાને કારણે તમને ફ્રેન્ડ સરકલમાં મારા પપ્પા તરીકે ઇન્ટ્રોડયૂસ કરાવતાં પણ મને શરમ આવે છે. પપ્પા તમે એમ કરો, મોમને સરપ્રાઇઝ આપો. વગર કહે અહીંથી ઇન્ડિયા ચાલ્યા જાવ. તમે ઇન્ડિયા જશો એટલે તમારી બધી બીમારી દૂર થઇ જશે. અને તમને જોઇતું વાતાવરણ પણ મળી જશે. કન્ટ્રીટાઈપ પેરેન્ટસ અને કન્ટ્રીટાઈપ સન, સરસ જોડી જામશે.'
'પણ બેટા, આ ઉંમરે તારી મોમને એકલી મૂકીને ના જવાય...' સમયે અચકાતાં અચકાતાં કહ્યું.
'જો, પાછા સેન્ટીમેન્ટલ પણ થવા માંડયાને! ઇન્ડિયન પતિની આ જ કમજોરી છે. તમે પત્નીને પોતાની આશ્રિત માનો છો. અમે ડેડી, મોમ એટલું કમાય છે કે તમારે પણ કમાવાની જરૂર નથી, તમે આરામથી બેઠાં બેઠાં ખાઈ શકો તેમ છો. મોમને તમારી સેલરીની તો જરૂર જ નથી. પછી શેની ચિંતા કરો છો? ડેડ, તમે એમ કરો ને મોમને જ પૂછી લો કે : એ તમને એકલા ભારત જવા દેવામાં માને છે કે નહીં? હા, બીઝી હોવાને કારણે તમારી સાથે ભારત નહી આવી શકે પણ તમને તો ભારત જરૂર જવા દેશે.'
સમય એમ માનતો હતો કે યાત્રાને તેના વગર ન જ ફાવે. સમય પણ પોતે યાત્રાનો પડતો બોલ ઝીલી લેતો હતો. સમય અધિકારમાં માનતો જ નહોતો. પરંતુ યાત્રાએ જ્યારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સમયને ભારત જવું હોય તો ભલે જાય અને રહેવું હોય તેટલું ભલે રહે, ત્યારે સમયને ભારે આઘાત લાગ્યો હતો.
સમયે નક્કી કર્યું કે આવતા અઠવાડિયે પોતે એકલો ભારત જશે. સંજોગને પણ એણે ટેલિફોન કરી પોતાના ઇરાદાથી વાકેફ કર્યો. સંજોગે પણ ડેડના ગુડ ડીસીસનની પ્રશંસા કરી. પણ યાત્રા સમયના રહેવાના કે જવાની બાબત પ્રત્યે સાવ ઉદાસીન હતી. ટિકિટ વગેરેની વ્યવસ્થા કરવાનું લીપ્સાએ સ્વીકારી લીધું હતું. સમયના જવાના બે દિવસ અગાઉ જ યાત્રાએ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે યુરોપ જવાના પોતાના કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી.
સમય સાથે સાવ ઔપચારિક વાતો કરીને યાત્રા યુરોપના પ્રવાસે ઉપડી ગઈ, ત્યારે સમય નાના બાળકની જેમ રડી પડયો હતો. પરંતુ યાત્રાએ કહ્યું : 'સમય તારા રડવાથી કાંઈ હું મારો યુરોપનો પ્રવાસ કેન્સલ નહીં કરું.'
સમયે નક્કી કર્યું હતું કે 'હવેથી તે પત્ની કે બાળકોની ચિંતા નહીં કરે. જ્યાં સુધી યાત્રા પોતાને માનભેર તેડવા માટે ભારત નહીં આવે, ત્યાં સુધી પોતે અમેરિકા પાછો નહીં ફરે.'
બીજા દિવસે સમય અનુસાર લીપ્સા સમય સાથે એરપોર્ટ પહોંચી હતી. સમય ખૂબ જ ગંભીર જણાતો હતો. લોંજમાં પોતાની મોમને જોઇને
લીપ્સાને આશ્ચર્ય થયું હતું. વિલ્સનઅંકલ સાથે ઉભેલી યાત્રા મરક મરક હસતી હતી.
વિલ્સન અંકલ સમય પાસે આવ્યા અને કહ્યું : 'મિ. સમય, લીપ્સા મારે ઘેર રહેશે અને આ તમારી ઇડિયટ પત્ની યાત્રા તમારી સાથે ભારત આવી રહી છે. એટલે છ મહીનાની રજા લીધી છે. બે દિવસથી એ મારા ઘરે જ હતી. ગઇકાલે રડતાં-રડતાં એણે મને કહ્યું હતું.' 'હું સમય વગર નહીં રહી શકું. આ દેશ મને બધું જ આપી શકશે... પણ એક ભારતીય પતિની લાગણીની ઉષ્માની ખોટ એ ક્યારેય ન પૂરી શકે. મેં ભારતીય મટવાની કોશિશ કરી પણ સમયનો સંગ અને તેના સંસ્કાર, હું મારા મન પરથી ભૂંસવામાં સદાય નાકામિયાબ રહી. આજ સુધીનું મારું તેની સાથેનું વર્તન કૃત્રિમ હતું. જીવનની આ ઢળતી સંધ્યાએ મારે સમયના મનમાં કશો જ કલેશ નથી રહેવા દેવો. સમયને હું જરાપણ દુ:ખી જોવા માગતી નથી. હું ભારત જવા સમય સાથે તૈયાર છું. બીજા સાથે જીતવું સહેલું છે, પણ પોતાની જાત સાથે જીતવું મહામુશ્કેલ છે. હું મારા પતિની થાપણ છું. એને કોઈ અભડાવે એ હું સાંખી શકું નહીં. નમસ્તે વિલ્સન, તમારો આભાર. મારો દેશ ભારત મને પોકારે છે. એક સન્નારીની વેદના મને કોરી ખાય છે. હું ગર્વભેર હવે સૌને જણાવવા માગું છું કે હું ભારતીય છું અને જીવીશ ત્યાં સુધી ભારતીય જ રહીશ. ભારતમાતા ઝિંદાબાદ.'