પ્રેમ એટલે મિલન જ એવું નહીં, પ્રેમ એટલે પ્રેમળ જ્યોત
- મેડિકલમાં અભ્યાસ કરતો અત્યંત ગરીબ એવો સમીર શહેરના શ્રીમંત ઉચ્ચ અધિકારીના પુત્રીનો હાથ માંગવા ગયો અને સર્જાઈ એક ફિલ્મ બને તેવી ઘટના
- હોરાઈઝન-ભવેન કચ્છી
- વર્ષો પછી ડો.સમીર ગોલ્ડ મેડલ લેવા મુંબઈ ગયા અને અનામિકાએ તે સમારંભમાં હાજરી આપી : બન્નેની આંખોમાં અશ્રુ સાથે ફ્લેશ બેક ફરી વળ્યો
આ કોઈ ફિલ્મની વાર્તા નથી પણ સત્ય ઘટના છે. 'બદમાશ, લુચ્ચા, ભીખારી..તારા જેવા ફૂટપાથિયાની જોડે હું મારી રૂડી, રૂપાળી અને માલેતુજાર પુત્રીને લગ્ન કરવાની સંમતિ આપું? તારી હિંમત જ અહીં આવવાની કેમ ચાલી. ખબરદાર હવે પછી તેની જોડે બહાર રખડતો દેખાયો છે તો. શહેરમાંથી ગાયબ થઈ જઈશ તો ખબર નહીં પડે'
૧૯૬૬ની આ વાત છે. ઉપરોક્ત શબ્દો વડોદરાના એક ભ્રષ્ટ સરકારી ઉચ્ચ અધિકારી ધનંજય (તમામ પાત્રોના નામ બદલ્યા છે)ના બંગલાની બહાર પડઘાતા હોય છે.
૨૬ વર્ષના યુવાન સમીરને લાગ્યું કે અનામિકાના પિતાને મારે મારી લાગણી વ્યક્ત કરવી જોઈએ.
ધનંજય ગુસ્સાથી લાલ પીળા તો હતા જ પણ ચિક્કાર દારૂ પીધો હોય તેવી દુર્ગંધ પણ વિશાળ ડ્રોઈંગ રૂમમાં ફેલાઈ ગઈ હતી.
૨૬ વર્ષીય સમીરે કહ્યું કે 'માફ કરશો સાહેબ, પણ તમે માનો છો તેમ હું તમારી પુત્રી અનામિકા જોડે રખડતો નથી. અમે ક્યારેય એકલા સિનેમા જોવા કે બગીચામાં પણ નથી ગયા. મેં તમારી પુત્રી અનામિકાને સ્પર્શ સુધ્ધા નથી કર્યો. અમે બંને સાથે લાઇબ્રેરીમાં અભ્યાસ કરીએ છીએ. બંને તબીબી કોલેજમાં અભ્યાસ કરી ટોપર છીએ. હું સાવ ગરીબ છું. બે જોડી કપડાં અને સાયકલ મારી મિલકત છે. તમે શ્રીમંત અને ઉચ્ચ અધિકારી છો તે જાણું છું પણ સાહેબ, તમને ખાતરી આપું છું કે હું અનામિકાને સ્વર્ગ જેવું સુખ આપતો પ્રેમ કરીશ. અમે બંને થોડા જ વર્ષોમાં અભ્યાસ પૂરો કરીને લોન લઈને નાની હોસ્પિટલથી શરૂ કરીને ખ્યાતિ પામી મોટી હોસ્પિટલ બનાવી સમાજની સેવા કરતા પૈસા ટકે પણ પ્રગતિ કરી બતાવીશું. અનામિકા પણ મને પ્રેમ કરે છે અને જીવનસાથી બનાવવા તૈયાર છે. તેની પરવાનગીથી જ હું તેનો હાથ માંગવા તમારી પાસે આવ્યો છું.'
એક શ્વાસે ગભરાટ સાથે ધૂ્રજતા સમીરે હજુ તો માંડ તેની વાત પૂરી કરી હશે ત્યાં તો ધનજયનો નશો મગજ પર સવાર થઈ ગયો હોય તેમ તે જોરથી ચિલ્લાયો 'ગેટ આઉટ.. હાઉ ડેર યુ..' કહેતા જ સમીરને જોરથી ધક્કો માર્યો અને સમીરનું માથું દાદરના કઠેડા જોડે અથડાયું. લોહી નીંગળવા સાથે સમીરને ચક્કર આવી ગયા.
સમીરે બે હાથ જોડીને કહ્યું કે 'પ્લીઝ, અમને આશીર્વાદ આપો.અમારો પ્રેમ દિવ્ય અને સ્વચ્છ છે.'
ફરી તેની પુત્રીનો હાથ માંગવાની વાત કાને પડતા જ ધનંજયની આંખોમાં જાણે અગનવર્ષા ફરી વળી હોય તેવા ડરામણા ક્રોધ સાથે તાડુકીને તેણે કહ્યું કે 'તારા જેવા બે કોડીના બદમાશની ચાલ હું જાણું છું. મારી સોનપરી જેવી પુત્રીને ફસાવીને તું લગ્ન બાદ મારી સંપત્તિનો માલિક બનવા માંગે છે. લાવ તારા પ્રપંચી પ્રેમની વાત મારી પાસે ફરી ન આવે તેની દવા તને પીવડાવું.' તેમ કહીને ધનંજયે બંગલાના બગીચા જેવડા ખુલ્લા પ્લોટમાં બેસેલ ચોકીદારોને બોલાવીને કહ્યું કે 'આને બરાબરનો ફટકારી,અધમૂઓ કરીને ટીંગા ટોળી કરીને દરવાજા બહાર ફેંકી દો.'
ચોકીદારોએ સમીરને નિર્દયતાથી ફટકાર્યો. માથા પર પણ પુષ્કળ ઇજા થઈ હતી.
સમીર આમ છતાં આ બંગલાની બહારની જગ્યાએ ફસડાઈ પડવા કરતા મહામહેનતે ભારે સ્વસ્થતા સાથે તેની સાયકલ લઈને બંગલાથી થોડે જ દૂર ફૂટપાથના ખૂણે રસ્તા પર ફસડાઈ પડયો.
તેને ભાન આવ્યું ત્યારે સમીર સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં હતો. પોલીસ ફૂટપાથ પરથી સમીરને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ આવી હતી અને ડો.મણિભાઈ પટેલ અને ટીમે સર્જન ડો. કોન્ટ્રાકટર સાથે મળીને સમીરના માથા પરની ઇજાની ગંભીર સારવાર અને સર્જરી કરી હતી.૧૨ કલાક પછી તો ભાન આવ્યું હતું. બીજા ૧૨ કલાક સમીરને આરામ કરવા દેવાયેલ ત્યાં તો પોલીસ તેનું નિવેદન લેવા આવી ગઈ.
સમીરે ધાર્યું હોત તો શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઓળખતા ધનંજયના નશાના ધૂત બન્યા બાદની હેવાનિયતને જાહેર કરી હોત. હવે આ રીતે અનામિકા જોડે લગ્ન કરવાનો તો કોઈ અર્થ નહોતો. કેમ કે પિતા ધનંજય અનામિકા પર પણ પાશવી મારપીટ કરે તેવા હતા.અનામિકાનો હાથ માંગવા ગયો હતો તેમ સમીર જણાવે તો પણ અનામિકા બદનામ થાય.તેની સાથે કોઈ લગ્ન ન કરે. આવા વિચારો વચ્ચે સમીરે પોલીસને લખાવ્યું કે 'એકદમ યાદ નથી આવતું પણ મારી સાયકલ જોડે ઊંધી દિશાથી આવેલ કારની મને જોરથી ટક્કર વાગી હતી અને હું ફંગોળાયો હતો.હજુ તેમને કંઈક કહેવા માંડ બે હોઠ ભીડયા ત્યાં તો દારૂના નશામાં લાગતા કદાવર ડ્રાઈવરે કારમાંથી ઊતરીને મને ગડદા પાટુથી પુષ્કળ માર ફટકાર્યો. બસ તે પછી ભાન આવ્યું ત્યારે મારા પર સર્જરી થઈ ગઈ હતી.'
કેટલાક અઠવાડિયાની સારવાર બાદ સમીર બધું જ ભૂલી જઈને તેના તબીબી અભ્યાસમાં ગળાડૂબ થઈ ગયો.તેની સારવાર પછી તે એક જ વખત અનામિકાને મળ્યો. અનામિકા આત્મહત્યા કરવાનું કહેતી હતી ત્યારે સમીરે તેને તેઓના પ્રેમના સોગંદ આપીને તેમ ન કરે તેવું વચન લીધું અને અનામિકા બીજા કોઈ પાત્ર જોડે લગ્ન કરી લે તેવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરી.
અનામિકાના લગ્ન મુંબઈના ઉધોગપતિના છેલબટાઉ અને અસંસ્કારી પુત્ર સાથે થયા. ક્લબ, દારૂ, માંસાહાર અને જુદી જુદી છોકરીઓ જોડેના તેના લફરા હતા. અનામિકાના પિતા ધનંજય તો હવે નિવૃત થઈ ગયા હતા. જમાઈ તેને ધુત્કારતો હતો. ધનંજયની મિલકત પણ હવે તેણે હડપી લીધી હતી.
વર્ષો વીતતા ગયા. સમીરે અનામિકાને હૃદયમાં એક ખૂણામાં સ્થાન આપીને બધું ભૂલી જઈને તબીબી અભ્યાસની સખત મહેનત કરી. યુનિવર્સિટીમાં રેન્ક પણ મેળવ્યો.
બાળ રોગના નિષ્ણાત તરીકે તેમના વતન ગોધરામાં સમીર ક્લિનિકના નામ સાથે હોસ્પિટલ ખોલી.તેમની જ જ્ઞાાતિની ખૂબ જ સંસ્કારી અને પ્રેમાળ યુવતી જોડે તેના લગ્ન થયા. સમીરે અનામિકા સાથેના તેના પ્રેમ અને તેના પગલે શું થયેલું તે બધી વાતો કરી હતી.
કેટલાક વર્ષો પછી મુંબઈમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ તેમાં કેટલાક ઉદાહરણીય સેવા કરતા તબીબોનું સન્માન થવાનું હતું. સમીર ગરીબો અને આદિવાસી વિસ્તારમાં જઈને સેવા કેમ્પ યોજતા હતા. ગોધરાની હોસ્પિટલમાં મધરાતે પણ તેઓ દર્દીની સારવાર માટે દોડી જતા. મુખ્ય શહેરોથી દૂર રહી સેવા કરનાર તરીકે સમીરનું નામ પણ યાદીમાં સામેલ હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો.અમુભાઈ શુક્લના હસ્તે ડો. સમીરને ગોલ્ડ મેડલ એનાયત થયો.
અનામિકા પણ ડોક્ટર હતી. તેને આ સમારંભ બાબતની જાણ મુખપત્ર દ્વારા થઈ હતી.જેમ તેણે સમીરનું નામ વાંચ્યું હતું.
અનામિકા તેની દસ વર્ષની પુત્રી સાથે સમારંભમાં આવી હતી અને આંખોમાં અશ્રુ સાથે તેણે તાળીઓ પાડી હતી. કાર્યક્રમ પૂરો થતા અનામિકા સામે ચાલીને સમીરને મળવા આવી.સમીર તો અનામિકાની હાજરીથી આશ્ચર્ય પામ્યો. બંનેએ રડવા પર માંડ સંયમ ધારણ કર્યો. અનામિકાની હાલત જોઈને સમીર આઘાત પામ્યો. અનામિકાની આંખો ઉંડી ઊતરી ગયેલી, શરીર સફેદ લાશ જેવું ફિક્કું હતું.
સમીર તેમની પત્નીને સાથે લાવ્યા હતો. તેણે તરત જ કહ્યું કે 'મેં તને જેની વાત કરી હતી ને તે આ ડો. અનામિકા.'
અનામિકાએ આગ્રહ કરતા તેઓ હોલની નજીક જ બાંદ્રા સ્થિત તેના જર્જરિત એપાર્ટમેન્ટમાં ગયા. આમ પણ સમીરે દેહરાદૂન એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હતી જેથી બાંદ્રાથી બેસવું અનુકૂળ પડે તેવું હતું.અનામિકાના ઘરમાં સન્નાટો હતો. અંદરના રૂમમાંથી અનામિકા વ્હીલ ચેર પર બેસેલ શખ્સને લઈને આવી અને કહ્યું કે 'આ મારા પિતાજી.. ધનંજય પપ્પા.. થોડા વર્ષો પહેલા તેમને પેરેલિસીસનો સખ્ત હુમલો આવ્યો હતો.'
સમીર ધનજયને પગે લાગ્યો. અનામિકાએ પપ્પા ધનંજયને સમીરનો અને તેના પત્નીનો પરિચય આપ્યો. ધનંજયને તે દિવસ યાદ આવી ગયો જ્યારે તે રાક્ષસ બની ગયો હતો. પેરેલિસિસને કારણે ધનંજયનુ મોં વાંકું થઈ ગયું હોઈ તે ધુ્રસકેથી રડી પણ ન શક્યા પણ ચોધાર અશ્રુ દડતા હોય તે સ્થિતિમાં બે હાથ મહામહેનતે નજીક લાવીને માફી માંગતા રહ્યા.
અનામિકાએ ભીની આંખો સાથે કહ્યું કે, 'મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે.' તે પછી હાર પહેરાવેલ ફોટા તરફ આંગળી ચીંધી ઉમેર્યું કે 'આ મારા સ્વર્ગસ્થ પતિ છે.' (તે પછી સમીરને જાણવા મળ્યું હતું કે સટ્ટામાં લાખો રૂપિયા ગુમાવવાને કારણે તેણે આત્મહત્યા કરી હતી.)
અશ્રુભીની આંખો સાથે સમીર અને તેના પત્નીએ અનામિકા અને ધનંજયની વિદાય લીધી.
સમીર અને તેમના પત્ની પામી ગયા હતા કે અનામિકા પાસે આજીવિકા માટે ખાસ કોઈ રકમ નહીં હોય. બંને વચ્ચેના પ્રેમના સોગંદ આપી સમીરના પત્નીના આગ્રહથી જ અનામિકાને બે ત્રણ મહિને એક વખત નોંધપાત્ર રકમ તેઓ મોકલતા.આવું ત્રણેક વર્ષ ચાલ્યું.
એક દિવસ અનામિકાના કાકાનો ફોન આવ્યો કે 'અનામિકા અંતિમ શ્વાસ લઈ રહી છે. તેમની ઇચ્છા તમા૨ા હસ્તે અગ્નિ સંસ્કાર થાય તેવી છે.'
સમીર અને તેના પત્ની મુંબઈ દોડી ગયા. સમીરના હાથમાં હાથ મૂકીને અનામિકાએ ચિરવિદાઈ લીધી.સમીરે તેના અગ્નિ સંસ્કાર કર્ર્યા.
સમીર એટલે આજે તો ૮૭ વર્ષની વયના થઈ ગયેલા ગોધરાના ખૂબ જ આદરણીય ડો.ટી.એચ.સાહેરવાલા.
પંચમહાલ, દાહોદ, ગોધરા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સુધી ફરીને તેમણે કેમ્પ સહિત ચાર દાયકાથી વધુ વર્ષોમાં ૧૦ લાખથી વધુ બાળકોની સારવાર કરી છે. નિવૃત્ત વય પછી પણ સેવા આપતા રહેલા. તેમને રાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ સન્માન મળ્યા છે.
આગામી ૭ મેના રોજ તેમના દાંપત્ય જીવનને ૫૫ વર્ષ થશે તેની ઉજવણી તેઓ હાલ તેમની ઓસ્ટ્રેલિયા સ્થિત પુત્રીને ઘેર કરશે.
તેમણે તેમના જીવનની આ પ્રેમ ગાથા સંભળાવી એટલે વિચાર આવ્યો કે પ્રેમ એટલે મિલન જ નહીં પ્રેમ એટલે અમર પ્રેમ.
હા, ડોક્ટરના પત્નીને પણ સમજદારી, ખેલદિલી અને સંવેદનાની પરાકાષ્ઠા બદલ અભિનંદન આપવા રહ્યા.