પાકિસ્તાન સાથેનું પાંચમું અને આખરી યુદ્ધ .
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર શાંતિકાળમાં સરહદ પર લશ્કર ફરજ બજાવી શકતું નથી તેથી સરહદ સલામતી દળ જેવા અર્ધલશ્કરી દળોને એ કામગીરી સોંપાય છે
ભા રત-પાકિસ્તાન સરહદે આમ તો ચાર મહિનાથી તાણ વર્તાતી હતી પરંતુ પહેલગામના આતંકી હુમલા પછી માહોલ ગરમાયો છે. યુદ્ધનાં વાદળ ઘેરાવા લાગ્યા છે.
સીમા પર પાકિસ્તાની દળોની જમાવટ સામેના પ્રતિકાર રૂપે આપણાં લશ્કરી દળોને સરહદ પ્રાંતમાં ખસેડવા માટે પશ્ચિમ રેલવે અને ઉત્તર રેલવેની સંખ્યાબંધ ટ્રેનો હવે ઊપયોગમાં લેવી પડશે. પાકિસ્તાનની સીમા નજીક હોવાથી કચ્છ, ભૂજ, જામનગર જતાં હાઈ-વે માત્ર લશ્કરી શસ્ત્રસરંજામની હેરફેર માટે ખુલ્લા રાખી એસ.ટી.ની બસોને બીજા રસ્તે ફંટાવી દેવામાં આવે. એવું પણ બને.
આ લખાય છે ત્યારે યુદ્ધના ભયાનક ભણકારા વાગે છે પણ હજુ યુદ્ધ શરૂ થયું નથી પરંતુ વાતાવરણ અમંગળ છે. ભારતની સરહદે પાકિસ્તાને કરેલી લશ્કરી જમાવટ એવાં એંધાણ આપી રહી છે કે ભારત પર અચાનક આક્રમણ કરવાનો મનસૂબો જનરલ આસીમ મુનીરે ઘડી રાખ્યો હોય. જો કે છેલ્લા થોડા દિવસોમાં વિવિધ પાક. નેતાઓએ તથા અન્ય પાક. મિલિટરી જનરલોએ કરેલા નિવેદનો પરથી એવું ફલિત થાય છે કે પાકિસ્તાન ગભરાયું છે.
પાકિસ્તાની સૈન્ય સરહદ પરનાં મોટાભાગનાં ગામો ખાલી કરાવી ત્યાં મિલિટરી ઓપરેશન માટેની તૈયારી કરી રહ્યું છે. નદી-નાળાં પર બ્રિજ બાંધી, ખાઈઓ ખોદી, નવી છાવણીઓ ઊભી કરીને સુરંગો પાથરવાનું વગેરે કામ ઝપાટાબંધ ચાલી રહ્યું છે. 'મુઝાહિદ' અને 'જાંબાઝ' (એર ડિફેન્સ માટેના ખાસ દળ) જેવાં અર્ધલશ્કરી દળોને પણ સચેત કરવામાં આવ્યાં છે. તેમની બે ડિવિઝનો છેક દક્ષિણના વિસ્તારમાંથી ૩૦૦ કિલોમીટર આગળ વધી સતલજ નદી પાર કરીને રાજસ્થાન સેક્ટર પાસે મોરચો માંડશે એવુ જણાય છે. ખેમકરણ, ફિરોઝપુર, ગુરુદાસપુર, અમૃતસર જેવા પંજાબના સરહદી વિસ્તારો પર ત્રાટકી શકાય તે રીતે પાકિસ્તાન સૈન્ય આપણી એકદમ લગોલગ આવી પહોંચ્યું હોય ત્યારે આપણું લશ્કર હાથ જોડીને બેસી ન જ રહે. હવાઈદળની મદદથી પાકિસ્તાનનું પાયદળ લાહોર સેક્ટર નજીકથી આપણા હુસૈનીવાલા (પંજાબ) શહેર પાસેના સતલજ નદી પરના હરાઈકે બ્રિજ પર ત્રાટકે તો અમૃતસર-ફિરોઝપુર વિખુટા પડી જાય પછી લશ્કરી દળોને જમ્મુ વિસ્તારમાં ખસેડવાનું પણ મુશ્કેલ બની જાય.
દુશ્મન દેશ આક્રમણ કરશે તેવા સંકેત મળે અથવા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ જાય તો સામાન્ય રીતે સૈન્ય કેવાં પગલાં ભરે છે તેની ઉચ્ચ લશ્કરી અધિકારીએ આપેલી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય નિયમ એવો છે કે શાંતિકાળમાં સરહદની રખેવાળી કરવાનું કામ અર્ધલશ્કરી દળોને સોંપવામાં આવે એટલે ખપ પૂરતાં જવાનોને તૈનાત રાખીને બાકીના જવાનો કમાન્ડ વિસ્તારમાં રહે છે. અત્યારે આપણા લશ્કરનું સંખ્યાબળ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય એમ પાંચ કમાન્ડ એરિયામાં વહેંચાયેલું છે. કોઈપણ દિશામાંથી દુશ્મનો ત્રાટકે તો સૈન્યને તાબડતોબ એ દિશામાં રવાના કરી શકાય તે રીતે લશ્કરી તાકાતની યોગ્ય વહેંચણી થયેલી હોય છે.
ધારી લો કે ભારતની દક્ષિણ સરહદે ખતરો પેદા થાય તો સધર્ન (દક્ષિણ) કમાન્ડ હેઠળના સૈન્યને તાબડતોબ યુદ્ધ મોરચે મોકલી શકાય. એ જ રીતે, ઉત્તર-પૂર્વમાં ચીન હુમલો કરે તો આસામ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાં નોર્ધર્ને અને ઈસ્ટર્ન કમાન્ડમાંથી સૈન્ય પહોંચી જાય.
દુશ્મનોની તૈયારી કેવા પ્રકારની છે, કયા મોરચા પર કેટલા સૈનિકો તેમ જ કેવાં શસ્ત્રોની જરૂર છે તેનો નિર્ણય દિલ્હીના સાઉથ બ્લોકમાં આવેલા 'ટોપ સિક્રેટ ઓપરેશન્સ' રૂમમાં ઉચ્ચ લશ્કરી અમલદારો લે પછી તેમના હુકમ પ્રમાણે વિવિધ કમાન્ડ એરિયાના ઈન્ચાર્જ અધિકારી પોતાના વિસ્તારમાંથી સૈનિકો અને શસ્ત્રસામગ્રીનો પુરવઠો મોકલી આપે. સાથોસાથ રજા પર ઊતરેલા કે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતા સૈનિકોને 'એલર્ટ નોટિસ' મળતાં જ બધાં કામ પડતાં મૂકી સરહદ પર જવાની તૈયારી શરૂ કરી દેવી પડે. યુદ્ધ જાહેર થાય તો નક્કી થયેલી તારીખે દૂર દૂરના ખૂણેથી સૈનિકોને સરહદ વિસ્તારમાં પહોંચાડવા સામાન્ય નાગરિકો માટેની સંખ્યાબંધ ટ્રેનો રદ કરી જવાનોથી ભરેલી ટ્રેનો સરહદ તરફ દોડાવવી પડે છે. આવતી-જતી ટ્રેનોની વિગતો પણ ગુપ્ત રખાય છે. સંરક્ષણ ખાતું એકવાર 'આર્મી મોબિલાઈઝેશન'નો નિર્ણય લે કે તરત જ રેલવે ખાતાના ઉચ્ચ અધિકારીઓએ તેમને મળેલી સૂચના મુજબ ટ્રેનો ફાળવવી જ પડે. સૈનિકો ઉપરાંત તોતીંગ ટેન્ક, જીપ, ખટારા અને બીજી બખ્તરિયા ગાડીઓ પણ ટ્રેન મારફતે સીમા પર ખસેડવામાં આવે છે. મોટા કદના રોકેટ લોંચર, મિસાઈલો નજીકના વિસ્તારમાંથી જ લાવવાના હોય તો પણ રાતે અંધારામાં હેરફેર થાય છે. ભૂજ, બારમેર, જોધપુર, જેસલમેર, બિકાનેર વગેરે સરહદ નજીકનાં શહેરોમાં રહેવાવાળા લોકોને તો આવી લશ્કરી હિલચાલ સગી આંખે જોવાની તક મળતી જ રહે છે.
બોર્ડર પર પહોંચ્યા પછી લશ્કરના જુદાં જુદાં વિભાગો પોતાની પ્રારંભિક તૈયારી શરૂ કરી દે. દાખલા તરીકે ભૂજ વિસ્તારમાં ભારતીય લશ્કરની એક આખી ડિવિઝન (આશરે ૧૬ હજાર સૈનિક) ખસેડવામાં આવે તો તેમાં પાયદળ ઉપરાંત આર્મર, આર્ટિલરી, (બખ્તરિયા ગાડી અને તોપદળ) સપ્લાય અને ટ્રાન્સપોર્ટ યુનિટ, સિગ્નલ યુનિટ, એન્જિનિયરિંગ કોર, મેડિકલ કોર જેવા વિભાગ હોય છે. પાયદળના સૈનિકો ખાઈઓ ખોદીને સંરક્ષણ તેમજ વળતો હુમલો કરવા માટે શ્રેષ્ઠ વ્યૂહાત્મક પોઝિશન લઈ લે. મોટાં મોટાં બંકરો ખોદી તેમાં તોપ, મોર્ટાર, મશીનગન અને બીજો દારૂગોળો ભરી રાખવામાં આવે. અમુક સ્થળે નાના ટેકરા કે ઝાડી ઝાંખરા હોય તો તેની ઓથ લઈને મોટી તોપ કે ટેન્કોને સંતાડીને ઊંચાઈવાળા ભાગ પર ચોકી ઊભી કરવામાં આવે. તોપદળવાળા પણ યોગ્ય લાગે તે સ્થળે હુમલો કરવા વિવિધ પ્રકારની તોપ ગોઠવી મોરચાબંધી કરી લે. પાયદળને આ કામ કરવા માટે જરૂર હોય તે જગ્યાએ રસ્તા તૈયાર કરી આપવા, નદીનાળાં પર પુલ બાંધી આપવા વગેરે કામગીરી એન્જિનિયરિંગ કોરવાળા કરી આપે છે.
યુદ્ધ થાય તો ક્યા મહત્ત્વનાં મથકો પર હુમલો થવાની શક્યતા વધી જાય?
એફ-૧૬ વિમાન વડે પાકિસ્તાન મુંબઈ શહેર પર હુમલો કરવાનું જરૂર વિચારે. ૧૯૭૧માં પણ બે સેબરજેટ વિમાન મુંબઈની લગોલગ આવી ગયાં હતાં. આ વખતે દુશ્મનો ઓ.એન.જી.સી.ના બોમ્બે હાઈ ખાતેના તેલકૂવાને તેમજ ઓઈલ પ્લેટફોર્મને પોતાના લક્ષ્યાંક બનાવે તેવી શક્યતા વધી ગઈ હોવાથી બોમ્બે હાઈ તથા ખંભાતના અખાત નજીક વિસ્તારના ૨૦૦ ચોરસ માઈલ વિસ્તારમાં નૌકાદળે કડક મિલિટરી મોરચો ગોઠવ્યો છે. દુશ્મન સબમરીન, ટોર્પીડો કે હવાઈ હુમલો કરીને બોમ્બે હાઈનાં મથકો ફૂંકી ન મારે એ માટે નૌકાદળ અને હવાઈદળ સતેજ બનાવ્યાં છે. સરફેસ ટુ એર મિસાઈલો અને મિગ-૨૯ વિમાનોની સ્કવોડ્રન તૈયાર રાખીને મુંબઈ તરફ ફરકનારા કોઈ પણ એફ-૧૬ વિમાનને તોડી પાડવા આપણે પુરતાં સજ્જ થઈ ગયા છીએ. હુમલો લઈ આવનારા વિમાનો ચાર કે આઠની ટુકડીમાં આવે તો પણ તેની સમયસર ભાળ મેળવી આપનારા રડાર આપણે ઠેરઠેર ગોઠવી દીધાં છે.
મુંબઈ શહેર અને એના દરિયા કાંઠાથી ૧૫૦ માઈલ દૂર આવેલાં ઓ.એન.જી.સી.ના પ્લેટફોર્મ સિવાય આપણે ટ્રોમ્બે, નરોડા, રાણા પ્રતાપસાગર અને કલપક્કમ જેવાં અણુમથકોનું પણ રક્ષણ કરવાનું છે, જ્યારે ભારતીય હવાઈદળનું મુખ્ય લક્ષ્યાંક હશે કાહુટાનું પાક અણુમથક! કરાચીના બંદરને તો અગાઉની લડાઈમાં પણ ભારતીય નૌકાદળે ભારે જફા પહોંચાડી હતી. આ વખતે તો નૌકાદળનો વ્યાપ ઘણો મોટો હશે. યુદ્ધ થાય તો આઈ.એન.એસ. વિક્રમા દિત્ય અને વિક્રાંત વિમાનવાહક જહાજ પણ અરબી સમુદ્રને ધમરોળી નાખશે.
આપણી પાસે બે વિમાનવાહક જહાજ છે તો પાકિસ્તાન પાસે એક પણ નથી. તેમ પાકિસ્તાન પાસે પાંચ સબમરીન છે તો જેમાંથી હાલમાં માત્ર બે જ ઓપરેશનલ છે. બીજી ત્રણ જહાજીવાડે સમારકામની રાહ જુએ છે! આપણી પાસે માત્ર ૧૮ સબમરીન છે. જો કે એ બંને વાતને લશ્કરી નિષ્ણાતો વધુ મહત્ત્વ આપતા નથી, કારણ કે દેશના ૭૦૦૦ કિલોમીટરથી વધુ લાંબા દરિયાઈ કાંઠાની રખેવાળી કરવા માટે આપણું નૌકાદળ સુસજ્જ છે. આપણે સૌથી મોટો ખતરો છે કાશ્મીરની સુરક્ષાનો!
કાશ્મીરનો પશ્ચિમ ભાગ ૧૨,૯૦૦ ચોરસ કિલોમીટર પાકિસ્તાન અને પૂર્વનો ૩૯,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ચીન પચાવી બેઠું છે. આ પચાવી પાડેલા પ્રદેશ પર કબજો જમાવી રાખવા ભારત પાસેથી કેટલાંક વ્યૂહાત્મક વિસ્તારો છીનવી લેવાની પાકિસ્તાન અને ચીન લાંબા સમયથી મેલી મુરાદ સેવી રહ્યા છે. લડાખના સિયાચીન વિસ્તારમાં ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા હિમખંડ પર ભારતે ચોકી પહેરો ગોઠવ્યો છે. દુનિયાના કોઈ દેશ પાસે આટલું ઊંચું લશ્કરી મથક નથી.
૧૯૭૮માં ભારતીય ભૂમિદળની એક ટૂકડીએ આ વિસ્તારમાં પર્વતારોહણ કરવા નકશા તપાસ્યા ત્યારે અમેરિકી નકશામાં આ પ્રદેશ પાકિસ્તાનનો દર્શાવેલો જોઈને ભૂમિદળની આંખ ઊઘડી ગઈ. તરત જ એ પ્રદેશનાં વ્યૂહાત્મક સ્થાનો પર ચોકી બેસાડવાનો નિર્ણય લેવાયો. ભારત સામે મોરચો માંડવા અને જરૂર પડે એકબીજાને જલદીથી લશ્કરી મદદ મોકલવા ચીન-પાકિસ્તાને સાથે મળીને અક્ષય ચીનથી પાકિસ્તાનના કબજા હેઠળના આઝાદ કાશ્મીર સુધી ૭૯૫ કિલોમીટર લાંબો કારાકોરમ હાઈ-વે બાંધ્યો છે જેનો એક છેડો પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ સુધી પહોંચે છે. આ હાઈ-વેનું ખાસ મહત્ત્વ એ છે કે ૧૭૦૦૦ ફૂટની ઊંચાઈએ જ્યાં ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયાની સરહદ મળે છે તે વિસ્તારમાંથી તે પસાર થાય છે. અફઘાનિસ્તાનની સરહદ પણ અહીંથી ઘણી નજીક છે. ચીન અને પાકિસ્તાનના પંદર હજાર સૈનિકોએ ભેગાં મળીને વીસ વર્ષની મહેનતે અને ૪૦૦ વ્યક્તિના ભોગે કારાકોરમ હાઈ-વે બનાવવા બંને ભાઈબંધ દેશોએ જે વિરાટ ખર્ચ કર્યો તેના આંકડા પણ ગુપ્ત રખાયા છે. અત્યારે આ હાઈ-વેની રક્ષા માટે દસ હજાર પાકિસ્તાની જવાનો પહેરો ભરી રહ્યાં છે.
પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો ચીન કદાચ સંઘર્ષમાં ઉતરવાનું ટાળે, પરંતુ ઉત્તર-પૂર્વમાં હિમાચલના બર્ફીલા પર્વત વિસ્તારની સરહદ પર જંગી જમાવટ કરીને ભારતીય લશ્કર માટે ટેન્શન વધારી શકે. આમે ય ચીનનો ડોળો ભારતનું બાવીસમું રાજ્ય બનેલુ અરુણાચલ પ્રદેશ પર તો છે જ...
જેમ ઉત્તર-પૂર્વમાં હિમાલય આપણા સરહદની રખેવાળી કરે છે તેમ પશ્ચિમમાં પાકિસ્તાન સાથેની ૧૫૦૦ કિલોમીટર લાંબી કાશ્મીરથી કચ્છ સુધીની સરહદમાં રણ વિસ્તાર 'બફર' તરીકે ઉપયોગી નીવડયો છે. કચ્છનું રણ બંને દેશો વચ્ચે ૬૦ માઈલનું અંતર ઊભું કરે છે. પૂર્વ-પશ્ચિમે ૨૫૬ કિલોમીટર લાંબુ અને ઉત્તર-દક્ષિણે ૧૨૩ કિલોમીટર પહોળું કચ્છનું રણ તેમ જ રાજસ્થાનનો રણપ્રદેશ વરસના છ-સાત મહિના ઊંટ સિવાય બીજો કોઈ પણ પ્રકારના વાહન માટે નકામો બની જતો હોવાથી એ માર્ગે લશ્કરી આક્રમણ કરવામાં પારાવાર મુશકેલીઓ નડે.
આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર શાંતિકાળમાં સરહદ પર લશ્કર ફરજ બજાવી શકતું નથી તેથી સરહદ સલામતી દળ જેવા અર્ધલશ્કરી દળોને એ કામગીરી સોંપાય છે.
આ બધા જ પાસાનો વિચાર કર્યાં પછી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારત-પાક વચ્ચેની લડાઈમાં ચીન સીધી રીતે ન સંડોવાય તો આપણું સૈન્ય પાકિસ્તાનને એક વધુ સજ્જડ હાર આપી શકે એટલું સમર્થ અને સાબદુ છે. પરંતુ લડાઈની નીતિ-રીતિ હવે બદલાઈ ચૂકી છે. કબજે કરેલો વિસ્તાર વિજેતા દેશ પોતાના તાબામાં રાખી શકતો નથી, જેનો અનુભવ પાકિસ્તાન સાથેની અગાઉની લડાઈમાં આપણે કરી ચૂક્યા છીએ. એટલે આવી લડાઈમાં લાભ થવાની કોઈ શક્યતા નથી. જ્યારે બીજી બાજુ, પંદર દિવસની લડાઈ પણ ભારત જેવા દેશની પ્રગતિને પાંચ વર્ષ પાછળ ધકેલી દે ત્યારે જીત પણ હાર જેવી જ બની રહે...! જોકે પાકિસ્તાન નામના ગુમડાંનો કાયમી ઈલાજ કરવો હોય તો આ વખતે ખરાખરીનો જંગ લડી આ પાડોશી દેશની શાન હંમેશ માટે ઠેકાણે લાવી દેવી જોઈએ. તેમજ કમસે કમ પી.ઓ.કે. (પાક. કબ્જા હેઠળનું કાશ્મીર) પાછું લેવું જોઇએ.