વનવગડાના અશ્વત્થામા : કાંટા .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- કાંટા જેટલી પારદર્શકતા પુષ્પો પાસે હોતી નથી. ફૂલો તો પોતાના પ્રભાવથી કોઈને ભરમાવી શકે છે કાંટા નહિ. કાંટા પાસે તો તીક્ષ્ણતા અને કઠોરતા જ હોય છે
આ પણે જેટલા ફૂલોના પરિચયમાં છીએ એટલી કાંટાની ઓળખ ધરાવતા નથી. ભૂલો આપણી શિષ્ટ કવિતા કે પદ-પ્રાર્થના ભલે હોય પણ કાંટા તો લાંબી હલકે ગવાતા લોકગીતો છે. આપણા દોહરા અને સોરઠા છે. કાંટા જેટલી પારદર્શકતા પુષ્પો પાસે હોતી નથી. ફૂલો તો પોતાના પ્રભાવથી કોઈને ભરમાવી શકે છે કાંટા નહિ. ફૂલો પાસે રંગો છે, આકારો છે વળી સુગંધ પણ છે એ બધાને કારણે સૌંદર્ય છે એ સૌંદર્યને કારણે પ્રતારણા (છળ) રચી શકે. કાંટા પાસે તો તીક્ષ્ણતા અને કઠોરતા જ હોય છે. મૃદુ પુષ્પોની સાથે રહેવા છતાં કાંટામાં જે કઠોરતા એ એની પોતીકી છે. ફૂલો જેવું આકર્ષણ કાંટા ધરાવતા નથી. ફૂલ તો અપ્સરા છે. પરી છે. એની લગોલગ ઊભેલા કાંટા સંયમી સાધુઓ છે. કંટકોને નથી હોતું રૂપ, નથી હોતા રંગ કે નથી હોતી સુગંધ પરંતુ છોડ ઉપર એનું સ્થાન સજ્જડ, પર્વત જેવું અટલ હોય છે. ફૂલો વનસ્પતિને છોડે છે, વિકસીને ખરી પડે છે પણ કાંટા તો અડિંગા લગાવીને બેઠેલા મસ્તરામ છે.
કાંટા ઓલિયા ફકીર જેવા છે. તેમને કશાની ફિકર હોતી નથી તેમ છતાં સમાજમાં એ દ્રષ્ટાંતરૂપ ગણાય છે. ફકીર સંસારીઓના રાગની વચ્ચે ઊભા રહીને જે ત્યાગનો ચીપિયો ખખડાવે છે, સંયમ પાળે છે એવી જ સ્થિતિ વનસ્પતિ ઉપર કાંટાની છે. ફૂલો તો ડાળી છોડી દેવના શિરે ચઢે છે, પ્રેમીપાત્રોનો પ્રેમ બને છે, પૂજાની સામગ્રી થાય છે, અત્તરમાં રૂપાંતરિત થાય છે કોઈનો શણગાર તો કોઈના સ્નેહનું પ્રતીક બને છે. જન્મદિન, વિવાહ, લગ્ન, પૂજા, આવકાર ટાણે ફૂલો ઉપયોગમાં લેવાય છે. કોઈના ગળાનો હાર થઈ દીપી ઊઠે છે. મૃત્યુટાણે પણ ફૂલો પોતીકી સુગંધ પાથરે છે. કાંટા ફૂલો જેટલા જનપ્રિય બની શક્યા નથી.
કાંટા વનસ્પતિને છોડીને ક્યાંય જતા નથી. સમાજમાં ભલે સ્ત્રી અને પુરુષ બંને પરસ્પરને છોડી છૂટાછેડા લે, અહીં વનસ્પતિને ફૂલો છોડે છે - કાંટા નહિ. ફૂલો કરતાં વૃક્ષ સાથેનો કાયમી નાતો કાંટાને હોય છે. આંધી, તોફાન કે વરસાદી પૂર આવે ત્યારે પણ જેટલી ઝડપથી ફૂલો વનસ્પતિનો સાથ છોડે છે તેટલી ઝડપથી કાંટા સાથ છોડતા નથી, કાંટા એ સંરક્ષક જ નહિ સાચા સાથીદાર છે. વૃક્ષો-વનસ્પતિના મૃત્યુટાણે પણ કંટકો જીવે છે. કાળનો કાટ સૌથી છેલ્લે કાંટાને લાગે છે. કાંટા વનવગડાના અશ્વત્થામા છે. એ કાંટા એક અર્થમાં અમર છે. વિયોગ જીરવે છે. પવન તેને નથી લોભાવી શકતો કે આંધી તેને નથી ઉથાપી શકતી.
આપણે કાંટો વાગે એટલે એની ઉપેક્ષા કરીએ છીએ પણ આપણે ભૂલી જઈએ છીએ કે કાંટાને પણ ચુંબન કરવાનો અધિકાર છે. રાહદારીનાં ચરણ મોકો મળે ચૂમે તો ખોટું શું છે? પુષ્પો તો પ્રેમીઓને પોકારી પોકારી બોલાવે છે - કાંટાની પાસે તો કોઈક ભૂલેચૂકે જાય છે. કંટકો અણિયાળા હોય છે તે તેની ઓળખ છે. કંટક પાસે સંયમ, હિંમત અને તીતીક્ષા જેવા સદ્ગુણો છે - આરપાર વીંધાઈ જવાની જવાંમર્દી છે, એની તીક્ષ્ણતા સ્વના જ નહિ અન્યના સંરક્ષણમાં પણ ખપમાં લેવાય છે. કેટલા બધા પ્રકારના કંટકો હોય છે? દારૂડી, થોર, જેપટું, ભંઠ, ગોખરું, ગૈત્રણી, એખરા, ભોંયરીંગણી, ગારુડી, બોરડી, કંથેર, મકરોડી, ગુલાબ, કાંટી, કેર જેવી વનસ્પતિ ઉપરાંત બાવળ, બીલી, શીમળો, ખીજડો જેવા વૃક્ષો પણ કાંટાળાં હોય છે. ખેતરની વાડ પણ કાંટાળી. હવે તો તારના કૃત્રિમ કાંટા આવી ગયા છે - બધી જ કાંટાળી સૃષ્ટિમાં તીક્ષ્ણતા લઘુત્તમ સાધારણતા હોય છે. બાવળની શૂળનો આકાર અંગ્રેજી વી જેવો હોય છે જે સંવૃત્ત (કંજૂસ)થી વિવૃત્ત (ઉદાર) થવાનો ગુણનો બોધ કરાવે છે.
બાવળ કૃષ્ણ જેવો શ્યામ હોય છે એનાં બધાં અંગ વક્ર હોય છે - એને પીળાં ફૂલો અને આંબલી જેવા પાન હોય છે પરંતુ તેના કાંટા - સીધા અને સફેદ હોય છે. કંથેરના કાંટા કૂવામાં પાશવાની મીંદડી જેવા, ગલ-આંકડાવાળા કથ્થઈ રંગના હોય છે થોરના કાંટા આછા જામલી રંગના હોય છે. બીલીના કાંટા બાવળ કરતાંય કઠોર, મકરોડના કાંટા એ બંનેની તુલનામાં ઊભા રહી શકે તેવા હોય છે. ખીજડાના કાંટા શામળા અને તીક્ષ્ણ હોય છે. કેરના કાંટા ઝીણા અને ઊજળા હોય છે. ભંઠના કાંટા કપડે વળગે એવા હોય છે. ગુલાબના કાંટા ભાલા જેવા હોય છે. આપણે ગુલાબ ઉછેરીએ ત્યારે કાંટા વગરના ગુલાબને નથી ઉછેરતા. ગુણ સાથે અવગુણ જોડાયેલા જ રહે છે. પ્રકૃતિમાં જેમ કાંટા હોય છે તેમ સમાજમાં પણ કાંટા હોય જ છે. કેટલાક લોકો કાંટા પાથરે છે - વેરે છે તો કેટલાક કાંટા ઉપાડે છે - ઉભય પ્રકારની દ્વન્દ્વાત્મક સ્થિતિ છે. કાંટાએ ફૂલોના કુદરતી માળી છે. કાંટાની કવિતા જુઓ.
- હો રાજ રે વાવડીના પાણી ભરવા ગ્યા'તા મને કેર કાંટો વાગ્યો (લોકગીત)
- ફૂલને મારગ સૌ કોઈ ચાલે, કંટક મારગ કોઈ (પ્રહલાદ પારેખ)
- કેવડિયાનો કાંટો મને વન વગડામાં વાગ્યો રે (રાજેન્દ્ર શાહ)
દેવોના યજ્ઞાોમાં દાનવોએ કાંટા વેર્યા છે, જ્યાં જ્યાં અડચણો આવે ત્યાં 'કાંટા' શબ્દ ઉપયોગમાં લેવાય છે. ઘડિયાળનો કાંટો સમયસૂચક છે, વજનકાંટો પ્રમાણસૂચક છે નજરનો કાંટો એ વેર અને પ્રેમ સૂચક છે. કાંટા વાવવા કાંટા વેરવા, કાંટા કાઢવા, એવા રૂઢિપ્રયોગો ભાષક વાપરે છે કોઈ ખરાબ કર્મનાં પરિણામો માટે 'કાંટા વાવ્યા હોય તો કેરી ક્યાંથી પામીએ?' જેવી વાત કરતા હોઈએ છીએ.
સમગ્ર સૃષ્ટિનો સઘળો કારોબાર 'ધરમના કાંટા' ઉપર ચાલે છે. ન્યાયાલયો પ્રતીકરૂપે 'ધરમતુલા' વાપરે છે. આપણે પણ આપણા જીવનમાં ધરમના કાંટે ચાલવાનું - જીવવાનું રાખીએ તો લગભગ કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહિ. ચાલો, આપણે કાંટામાંથી પણ કંઈક બોધપાઠ પામીએ.