Get The App

સ્વાર્થ માટે સજીવો પાસે જાસૂસી કરાવતી માનવજાત!

Updated: Jun 4th, 2023

GS TEAM

Google News
Google News
સ્વાર્થ માટે સજીવો પાસે જાસૂસી કરાવતી માનવજાત! 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- રશિયાની બેલુગા વ્હેલ પર સ્વીડને જાસૂસીનો આરોપ મૂક્યો. પ્રાણીઓનો ઉપયોગ જાસૂસીમાં થતો હોય એવો આ પહેલો કિસ્સો નથી અને છેલ્લો ય નહીં હોય...

જાસૂસી.

આ એક્ટ સદીઓથી થાય છે. પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓ ને સામંતો એકબીજાની ગુપ્ત વિગતો મેળવવા જાસૂસો ગોઠવતા હતા. રાજ્યો ગુપ્ત બાતમીદારો રાખતા અને પછી તો રાજાઓ ગુપ્તચરતંત્ર નામનો અલગ વિભાગ રાખતા થયા હતા. સંસ્કૃત કવિ ભવભૂતિએ ઉત્તર રામચરિતમાં લખ્યું છે કે મંથરા રાવણના મામા મયદાનવની જાસૂસ હતી. મહાભારતના યુદ્ધ પહેલાં કૌરવો અને પાંડવોએ પોત-પોતાના જાસૂસો એકબીજાની પાછળ મૂક્યા હતા એવી કથાઓ છે. દુર્યોધનને એવા જ જાસૂસો મારફત પાંડવોના અજ્ઞાતવાસના સ્થળની જાણકારી મળી હતી.

ઓનલાઈન ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે સિકંદરથી લઈને ચંગેઝખાન, હલાકૂ, નાદિરશાહ, એલિઝાબેઝ પ્રથમ, ઓલિવર ક્રોમવેલ, નેપોલિયન બોનાપાર્ટ જેવા શાસકોએ ગુપ્તચર તંત્ર વિકસાવીને ધારી સફળતા મેળવી હતી. ભારતમાં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટને જાસૂસીતંત્રનો ઉપયોગ કર્યો હતો અને તેનાથી જ એ જંગમાં વિજય મેળવ્યો હતો. તે ગાળામાં ભારતીય રાજવીઓ પણ ગુપ્તચરતંત્રનો ઉપયોગ કરતા હતા. ઈ.સ. પૂર્વે ૨૦૦૦ આસપાસ એક સેનાપતિને સૈન્ય લઈ આવવાનો ગુપ્ત મેસેજ જાસૂસે મોકલ્યો હતો. એનો પુરાવો ચાર હજાર જૂની માટીની તકતીમાં મળી આવ્યો હતો.

ખોદકામ દરમિયાન દુનિયાભરમાંથી જાસૂસીના પુરાવા મળ્યા છે. ઐતિહાસિક દસ્તાવેજો અને કથાઓમાં પણ ગુપ્તચર વિભાગની વાતો છે. ૧૮-૧૯મી સદી સુધી એક માણસ જ બીજા માણસની જાસૂસી કરતો હતો, તેના વિશેની ગુપ્ત માહિતી જે તે રાજ્યને કે લશ્કરી વડાને આપતો હતો. પરંતુ ૧૯મી સદીના અંતે અને વીસમી સદીની શરૂઆતમાં માણસે સજીવો પાસેથી પણ જાસૂસીનું કામ લેવાનું શરૂ કર્યું.

;;;

પ્રથમ વિશ્વયુદ્ધમાં સજીવોનો જાસૂસીમાં સ્ટ્રેટેજિકલી ઉપયોગ શરૂ થયો હતો. કબૂતરમાં કુદરતી નેવિગેશન સિસ્ટમ ખૂબ સતેજ હોય છે. તેનો ઉપયોગ યુદ્ધખોર માણસે શરૂ કર્યો. કબૂતરો યુદ્ધોમાં મેસેજની આપ-લે કરતા. ત્યારે તો કોમ્યુનિકેશનની ટેકનોલોજી વિકસી ન હતી એટલે લશ્કરના બે દળો વચ્ચે વાતચીત શક્ય બનતી નહીં. એકબીજા ગુ્રપને મદદ કરવા કે બીજી કોઈ પણ માહિતી આપવાની હોય ત્યારે કબૂતરો ઉપયોગી થઈ પડતાં. અમેરિકન લશ્કરે પ્રથમ વિશ્વયુદ્ધમાં ૬૦૦ કબૂતરોને જાસૂસીનું કામ સોંપ્યું હતું. કૂતરાઓને પણ તાલીમ આપીને માહિતીની આપ-લે થતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં અમેરિકન લશ્કર પાસે ૨૦ હજાર કૂતરાઓની તાલીમબદ્ધ ફોજ હતી, જે સામાન અને મેસેજની આપ-લેમાં મદદ કરતા હતા.

પ્રથમ વિશ્વયુદ્ધમાં ચેર અમી નામના કબૂતરે જાસૂસીથી યોગ્ય માહિતી મેળવીને ૨૦૦ જેટલા સૈનિકોનો જીવ બચાવ્યો હોવાનો ઈતિહાસ જાણીતો છે. ચેર અમી ફ્રેન્ચ નામ છે અને તેનો અર્થ થાય છે - ડીયર ફ્રેન્ડ. અમેરિકન આર્મી માટે કામ કરતા આ ડીયર ફ્રેન્ડે જર્મન સૈન્યની હિલચાલ પાંખમાં મૂકેલા કેમેરાથી કંડારી લીધી હતી. ફોટાના આધારે લશ્કરને ભારે મદદ મળી હતી. ચેર અમીએ જાસૂસી કરી છે તેની જાણકારી જર્મન સૈન્યને થઈ ચૂકી હતી. જર્મનીએ તેના પર ગોળીબાર કર્યો હતો. એક ગોળી પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત થયા પછી પણ દુશ્મન સૈન્યની માહિતી પહોંચાડનાર આ કબૂતરને યુદ્ધમાં શૌર્ય બતાવવા માટે એવોર્ડ્સ સુદ્ધાં મળ્યા હતાં. 

કબૂતરોનો જાસૂસીમાં સૌથી વધુ ઉપયોગ થતો હતો અને તેનો સફળતાનો રેટ પણ ઘણો ઊંચો હતો. એ વખતે નવા નવા ડેવલપ થઈ રહેલા કેમેરા કબૂતરના શરીરે વિંટાળી દેવામાં આવતા અને એમાં પાંખો ફફડે ત્યારે ફોટો પડી જાય એવી તરકીબનો ઉપયોગ થતો. વર્ષો સુધી એ પદ્ધતિ વપરાતી હતી. વિશ્વયુદ્ધમાં અમેરિકાના સ્પાઈક નામના કબૂતરે ૫૦ કરતાં વધુ મિશનો ઈજાગ્રસ્ત થયા વગર પાર પાડયા હતા. તે સમયે અમેરિકન અખબારોમાં સ્પાઈકના પરાક્રમો રસપ્રદ રીતે છપાતા હતા. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં કબૂતરે કેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે એનો પુરાવો એવોર્ડ્સના લિસ્ટમાંથી મળે છે. ૩૨ કબૂતરોને એકલા અમેરિકાએ પુરસ્કારો આપ્યા હતાં. એક અંદાજ તો એવોય છે કે મિત્રરાષ્ટ્રોના સૈન્યએ ૧૫૦૦ કરતાં વધુ કબૂતરોની મદદ લીધી હતી. આ કબૂતરોએ ૨૫૦થી વધુ ઉપયોગી મેસેજની આપ-લે કરી હતી.

હજુય ઘણાં દેશો આવી રીતે પાડોશી દેશોની સરહદે જાસૂસી કરે છે. બીજા વિશ્વયુદ્ધમાં સજીવોનો જાસૂસીમાં સર્વાધિક ઉપયોગ થયો. ૧૯૪૦ પછી જુદા જુદા દેશોની નેવીએ દરિયાઈ સજીવો પાસેથી પણ જાસૂસીનું કામ કઢાવ્યું. અમેરિકન નૌકાદળે તો કોલ્ડવોરના જમાનામાં ડોલ્ફિન અને સીલ જેવા સમુદ્રી જીવોને જાસૂસીની તાલીમ આપવા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના અધિકારીઓએ બિલાડીઓને જાસૂસ બનાવી હતી. બિલાડીના શરીરમાં દુશ્મનોની વાત સાંભળી શકાય એવાં ડિવાઈસ ફિટ કરીને ગુપ્ત માહિતી મેળવાતી હતી.

ટેકનોલોજીના વિકાસ પછીય હજુ સજીવોનો ઉપયોગ જાસૂસીમાં થાય છે. ૨૧મી સદીમાં અસંખ્ય પ્રાણી-પંખીઓ માણસ માટે જાસૂસીના મિશનો પાર પાડે છે.

;;;

રશિયાની બેલુગા વ્હેલ સ્વીડનના દરિયાકાંઠે જોવા મળી એટલે સ્વીડિશ સરકારે વ્હેલની મદદથી જાસૂસી કરી હોવાનો આરોપ રશિયા પર મૂક્યો. 'હ્વાલદિમીર' નામની આ બેલુગા વ્હેલ ચારેક વર્ષ પહેલાં નોર્વેમાં પણ જોવા મળી હતી. એના ગળામાં બેલ્ટ બાંધવામાં આવ્યો હતો. બેલ્ટ સ્વીડનના મરીન અધિકારીએ હટાવી દીધો હતો. વ્હેલના ગળા ફરતે વિંટાળેલા બેલ્ટમાં રશિયન શહેર સેન્ટ પીટર્સબર્ગનું નામ હતું. બેલ્ટમાં કેમેરાની ખાલી જગ્યા મળી આવી એના પરથી અધિકારીઓએ અંદાજ લગાવ્યો કે વ્હેલના ટકરાવવાથી કેમેરા નીકળી ગયો હશે. બ્લૂ વ્હેલથી કદમાં ઘણી નાની બેલુગા બહુ જ ચપળ દરિયાઈ જીવ છે. તેનું સરેરાશ આયુષ્ય ૫૦થી ૬૦ વર્ષ છે. ૨૦ ફૂટ લાંબી આ રશિયન જાસૂસી વ્હેલની વય ૧૩થી ૧૪ વર્ષ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે રશિયાએ એને તાલીમ આપીને પાંચેક વર્ષથી દરિયામાં છોડી મૂકી હશે.

૨૦૨૦માં ચીનના ૧૪ યાક ભારતની સરહદમાં પકડાયા હતા. યાકની મદદથી ચીન ભારતીય ટેરેટરીની ગુપ્ત વિગતો મેળવે છે એવો આરોપ લાગ્યો હતો. ભારત-ચીનના સૈન્ય વચ્ચે એ વખતે સ્ટેન્ડ ઓફની સ્થિતિ સર્જાઈ હતી. કોઈ શંકાસ્પદ ડિવાઈસ ન મળતાં આખરે ભારતે તમામ યાક ચીનને પાછા આપ્યા હતા. ઈઝરાયલ ગીધની મદદથી જાસૂસી કરતું હોવાની ફરિયાદ સાઉદી અરેબિયાએ ૨૦૧૧માં કરી હતી. સાઉદીના અધિકારીઓએ ટ્રાન્સમિશન ડિવાઈસ સાથે ગીધને પકડયું હતું અને એવો દાવો કર્યો હતો કે સુદાન પણ આવી રીતે ગીધને જાસૂસી માટે છોડે છે.

એ પહેલાં ૨૦૧૦માં ઈજિપ્તએ ઈઝરાયલની જાસૂસી એજન્સી મોસાદ પર શાર્કની મદદથી જાસૂસી થતી હોવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં, શાર્કને તાલીમ આપીને ઈઝરાયલ રાતા સમુદ્રમાં હુમલા કરાવે છે એવો દાવો પણ ઈજિપ્તના અધિકારીઓએ કર્યો હતો. શાર્કનો જાસૂસીમાં ઉપયોગ કરવાનો આરોપ અમેરિકા પર પણ લાગી ચૂક્યો છે.

ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા ઈઝરાયલ હંમેશા આક્રમક રહે છે. ગુપ્ત ઓપરેશન હાથ ધરીને પરમાણુ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કેટલાય એક્સપર્ટ્સની હત્યા કરી દેવાનો આરોપ મોસાદ પર લાગ્યો છે. ઈરાને ૨૦૦૭માં પરમાણુ સાઈટમાંથી ખિસકોલી અને કાચંડો પકડયો હતો. ઈરાનના અધિકારીઓનો દાવો હતો કે એ ઈઝરાયલે મોકલેલા જાસૂસો છે. આ સજીવો પાસેથી માઈક્રો ડિવાઈસ મળી આવ્યાં હતાં.

;;;

૬૦ કરોડ સજીવો આજેય માનવસહાયક બનીને દિવસ-રાત મજૂરી કરે છે. ટેકનોલોજીની મદદ મળતી થઈ પછીય માણસે સજીવોની સેવા લેવાનું શરૂ રાખ્યું છે. ક્લિનિકલ ટ્રાયલમાં વર્ષે ૧૦ કરોડ જેટલાં સજીવોનો ભોગ લેવાય છે. આટલું ઓછું હોય એમ માણસે જાસૂસીમાં નિર્દોષ સજીવોનો ઉપયોગ બંધ કર્યો નથી.

ગુપ્તચર તંત્રના એજન્ટને તો બરાબર ખબર હોય છે કે એ જાસૂસી કરે છે ને એમાં એના જીવનું જોખમ છે, પરંતુ સજીવોને એનો અંદાજ આવતો નથી કે પોતાના સ્વાર્થ માટે માણસ એને 'જાસૂસ' બનાવે છે. નિર્દોષ સજીવો પોતાની મસ્તીમાં બોર્ડર ક્રોસ કરતા રહે છે અને સુરક્ષાદળોની ગોળીનો શિકાર બનતા રહે છે. હજારો પક્ષીઓ દર વર્ષે સુરક્ષાદળોના હાથે માર્યા જાય છે. 'જાસૂસ' બની ગયેલા સજીવોને એ ગુનાની સજા મળે છે, જેનો તેને અણસાર સુદ્ધાં નથી હોતો! ;

ભારતની જાસૂસી કરતા પાકિસ્તાનના કબૂતરો

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડે છે અને આતંકવાદી હુમલાના ષડયંત્રો રચે છે. તે ઉપરાંત પાકિસ્તાન સજીવોને પણ જાસૂસી માટે વારંવાર ભારતમાં ઘૂસાડે છે. એકાદ દોઢ દશકામાં એવા ઘણાં ચર્ચાસ્પદ કિસ્સા નોંધાયા છે. ૨૦૧૫માં પાકિસ્તાનનું એક કબૂતર પંજાબ સરહદે પકડાયું હતું. એ કબૂતર ગળામાં દૂરબીન લટકાવીને ભારતના સીમાડાની જાસૂસી કરતું હતું. સુરક્ષાદળોને ઉડતા કબૂતર પર શંકા પડી હતી એટલે એને પકડયું હતું. વધુ તપાસ કરતા ખબર પડી કે કબૂતરના પગમાં એક પાકિસ્તાની નંબર લખ્યા હતા. જેનો પછીથી કોઈ જ અત્તો-પત્તો ન લાગ્યો. ૨૦૧૦માં આ રીતે એક પાકિસ્તાની કબૂતરને સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીર સરહદે ઝડપી લીધું હતું. છેલ્લે ૨૦૨૦માં એલઓસી નજીક વારંવાર ઉડતા એક કબૂતરને ભારતીય સુરક્ષાદળોએ પકડયું હતું. તેની સઘન તપાસ કરી હતી, પરંતુ કોઈ ડિવાઈસ હાથ ન લાગતા અંતે તેને છોડી મૂકાયું હતું.

જનરલ પરવેઝ મુશર્રફની સરકાર વખતે એક પાકિસ્તાની ઊંટ કચ્છમાં ઘૂસી આવ્યું હતું. જાસૂસીના હેતુથી પાકિસ્તાને ભારતમાં એ ઊંટ ઘૂસાડયાનું કહેવાતું હતું. એ ઊંટનું નામ મુશર્રફ રાખવામાં આવ્યું હતું. આ ઊંટનું કચ્છમાં જ મોત થયું હતું. 

થોડા વર્ષો પહેલાં ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનના બહાવલપુર જિલ્લામાં પકડાઈ ગયેલા વાંદરાને પાકિસ્તાનના લશ્કરે જાસૂસીના આરોપમાં પકડી લીધો હતો. પાકિસ્તાનમાં તેની સામે જાસૂસીનો કેસ ચાલ્યો હતો, પરંતુ ભારત માટે જાસૂસી કરી હોવાનું કોર્ટમાં સાબિત ન થતાં એ વાંદરાનો કબજો સ્થાનિક ઝૂને આપી દેવામાં આવ્યો હતો.