સિદ્ધ યોગ અને મંત્ર શક્તિથી થતા અદ્ભુત ચમત્કારો
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- મંત્ર સ્વરશક્તિના સમાયોજનનું વિજ્ઞાન છે. એમાં બે તત્વોનો સમાવેશ થાય છે. સ્વર આધારિત શબ્દ શક્તિના સૂક્ષ્મ ચેતના વિજ્ઞાનનો ઉપયોગ અને વ્યક્તિની આંતરિક દિવ્ય ક્ષમતાનો સમન્વય
'મ નનાત્ ત્રાયતે યસ્માત્તસ્માત્ મંત્રઃ પ્રકીર્તિતઃ । મનન કરવાથી જે આપણને બચાવે છે, જે આપણું રક્ષણ કરે છે તે મંત્ર.' પ્રપંચસાર તંત્રમાં કહેવામાં આવ્યું છે - 'મનનાત્સર્વભાવાનાં ત્રાણાત્ સંસાર સાગરાત્ । મંત્રરૂપા હિ તચ્છિક્તિર્મનન ત્રાણ રૂપિણી ।। મન, મનન, ભાવનાઓ અને જગતનું રક્ષણ કરનારી શક્તિનું નામ મંત્ર છે. ઋગ્વેદ (૫-૫૪-૧૨)માં કહેવાયું છે - 'સ્વરન્તિ ઘોષં વિતતં ઋતાયવઃ ।' આ બ્રહ્માણ્ડમાં સર્વત્ર સંવ્યાપ્ત દિવ્ય ઘોષને ઋતની આકાંક્ષા રખનારા વ્યક્તિ સ્વરયુક્ત કરતા રહે છે. સ્વર શક્તિનો મહિમા રજૂ કરતાં ગૌતમીય તંત્રમાં દર્શાવવામાં આવ્યું છે - વ્યાપિની વ્યોર્મરૂપઃ સ્યુરનન્તાઃ સ્વર શક્તયઃ । આકાશની જેમ બધે જ સારી રીતે વ્યાપેલી સ્વરની શક્તિઓ અસીમ, અનન્ત છે.'
મંત્ર સ્વરશક્તિના સમાયોજનનું વિજ્ઞાન છે. એમાં બે તત્વોનો સમાવેશ થાય છે. સ્વર આધારિત શબ્દ શક્તિના સૂક્ષ્મ ચેતના વિજ્ઞાનનો ઉપયોગ અને વ્યક્તિની આંતરિક દિવ્ય ક્ષમતાનો સમન્વય. વેદો અને પુરાણોમાં મંત્ર શક્તિ વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મંત્ર શક્તિ સાધકને અનેક સિદ્ધિઓ પ્રદાન કરે છે. યોગસાધના કરતી વખતે પણ યોગીએ મંત્રો, બીજમંત્રોનો વિધિવત્ પ્રયોગ કરવો પડે છે.
સિદ્ધ યોગી યોગબળ અને મંત્ર શક્તિથી અનેક પ્રકારના ચમત્કારો કરી શકે છે. મંત્ર શક્તિથી ચમત્કાર કરવાના અનેક પ્રસંગો નોંધાયેલા છે. બિરલા હાઉસ, નવી દિલ્લીમાં એના પુરાવાઓ સચવાયેલા છે. જુગલકિશોર બિરલાના સમયમાં ડોકટર લેન પર આવેલા આર્યનિવાસ નંબર ૧ માં ગોપાલદાસ નામના એક યોગી, સાધુ ત્રણેક મહિનાથી રહેતા હતા ત્યારે અનેક લોકોએ એમના ચમત્કારો જોયા હતા. તેમણે તેમના ઓરડામાં ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો નાની સરખી લાકડાની બેઠક પર મૂક્યો હતો. એની ચારેબાજુ કરેણના ફૂલ મૂકતા. એ બેઠકની બાજુમાં એક સાદડી પાથરી તેના પર બેસતા અને યોગ સાધના તથા મંત્ર-જાપ કરતા રહેતા. એ ફોટાની આગળ એક કેળનું પાંદડુ મૂકતા. તેના પર લાલ ઈંટના નાના નાના ટુકડા મૂકતા. જે કોઈ તેમને મળવા આવે તેને પોતાની બાજુમાં સાદડી પર બેસાડતા અને તેને પ્રસાદ તરીકે ઈંટનો ટુકડો આપતા. વિસ્મય ઉપજાવે એવી વાત એ બનતી કે તે ટુકડો જેવો પેલી વ્યક્તિની હથેળી પર આવે તે સાથે તે સફેદ સાકરનો ગાંગડો બની જતી. તેને ખાવામાં આવે ત્યારે ગળી સાકરનો સ્વાદ જ આવતો. તે બીજા જેટલાને આપો તે બધાને તેનાથી સાકરનો જ સ્વાદ આવતો અને લેબોરેટરીમાં તેનું પૃથક્કરણ કરાવે તો ય તે સાકાર જ પુરવાર થતી. કેટલીકવાર પ્રસાદ તરીકે આપેલા લાલ ઈંટના ટુકડા સફેદ દૂધ અને માવાની બરફીના ટુકડા રૂપે પરિવર્તિત થઈ જતા.
એકવાર એક બુદ્ધિજીવી, શંકાશીલ વ્યક્તિએ કહ્યું - હું તો ગોપાલદાસ બાબાજીની મંત્રસિદ્ધિના ચમત્કારને ત્યારે સાચો માનું જ્યારે તે જુગલકિશોર બિરલા દ્વારા લાવવામાં આવેલી આખી ઈંટને અમારા બધાની સામે સાકરની ઈંટ બનાવી દે. આ સાંભળી ગોપાલદાસે કહ્યું - જો મંત્ર સિદ્ધિ ઈંટના ટુકડાને સાકરનો ટુકડો બનાવી દેતી હોય તો આખી ઈંટને પણ કેમ ના બનાવી શકે ? એટલે ૧૮ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ રાત્રે ૮ વાગે શ્રી જુગલકિશોર બિરલા તથા અન્ય અનેક બુદ્ધિજીવીઓ સમક્ષ એ પ્રયોગ કરાયો. તેમના જ દ્વારા લાવવામાં આવેલા. એક નંબરની આખી ઈંટને ભગવાન શ્રીકૃષ્ણની છબી સમક્ષ મૂકવામાં આવી. ગોપાલદાસ ત્રણ-ચાર મિનિટ સુધી કોઈ મંત્ર જાપ કરવા લાગ્યા. ત્યારબાદ બધાએ જોયું તો તે સાકરની ઈંટ બની ગઈ હતી ! તે સફેદ સાકરની ઈંટ જુગલકિશોર બિરલાએ સાચવી રાખી હતી. અત્યારે પણ તે બિરલા હાઉસમાં સુરક્ષિત છે.
શ્રી ગોપાલદાસ બાબાજીના મંત્ર શક્તિના ચમત્કારો જોવા તત્કાલીન જર્મન રાજદૂત, જાપાની રાજદૂત, સંસદના અધ્યક્ષ શ્રી માવલંકર, શ્રી સત્યાનારાયણસિંહ, રાયબહાદુર લક્ષ્મીકાંત મિશ્ર વગેરે અનેક મહાનુભાવો ગયા હતા. એક દિવસ શ્રી જુગલકિશોર બિરલાએ શ્રી ગોપાલદાસ બાબાજીએ પૂછ્યું - 'શું તમે ધાતુનું પણ પરિવર્તન કરી શકો ?' બાબાજીએ કહ્યું - 'હા, કેમ નહીં ?' એટલે તે પોતાની સાથે એક તાંબાની ચમચી લઈને આવ્યા. બાબાજીએ તેમને કેળના પાંદડામાં તે વીંટાળી પોતાના હાથમાં રાખવા કહ્યું. પછી તેમને તે સૂર્ય સામે રહે એવી જગ્યાએ લઈ ગયા. પછી શ્રી ગોપાલદાસે મંત્રોચ્ચાર કરવાનો શરૂ કર્યો. ત્રણ-ચાર મિનિટ બાદ શ્રી જુગલકિશોરે જોયું તો પોતાના હાથમાં કેળના પાંદડામાં વીંટાળીને રાખેલી તાંબાની ચમચી સોનાની બની ગઈ હતી. તેમણે તે ચમચી તેમના મુનીમ ડાલૂરામજીને સોંપી દીધી હતી. જે અત્યારે પણ 'આયભવન'માં રાખવામાં આવેલી છે.
એક દિવસ શ્રી જુગલકિશોરે એમને કહ્યું - 'બાબાજી, એકવાર તમે પ્રભુદયાલજી, હિંમતસિંહ, માધવપ્રસાદ જેવા મહાનુભાવો સમક્ષ પાણીમાંથી દૂધ બનાવવાનો ચમત્કાર કર્યો હતો. તે અમારે બધાએ ફરી જોવો છે. તે વખતે તેમની સાથે સંગીતકાર પંડિત રમેશજી ઠાકુર, શ્રી ગોપાલજી નેવટિયા પણ હતા. શ્રી ગોપાલદાસ બાબાજીએ તેમને કહ્યું - 'સારું હું તમને એ બતાવું છું.' તેમણે એક ડોલ ભરીને પાણી મંગાવ્યું. એમાંથી એક વાડકો ભરીને બધાને થોડું પીવડાવ્યું. બધાએ કહ્યું - 'આ પાણી જ છે.' પછી શ્રી ગોપાલદાસ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પાસે બેસી ગયા અને મંત્રજાપ કરવા લાગ્યા. તેમણે તે પાણી ભરેલી ડોલ પોતાની પાસે મંગાવી. ભગવાનની મૂર્તિ પાસે મૂકેલું લાલ કરેણનું એક ફૂલ ઉઠાવી મંત્ર બોલી તે ડોલમાં પધરાવ્યું. બે-ચાર પળ બાદ બધાએ જોયું તો ડોલમાં પાણી નહીં, પણ દૂધ હતું. બધાને એક-એક વાડકી દૂધ પીવડાવ્યું. તેમણે બધાએ ખાતરીપૂર્વક કહ્યું કે તે ખરેખર દૂધ જ છે. ડોલનું વધેલું દૂધ બિરલા હાઉસ મોકલી દેવામાં આવ્યું. તે લગભગ અઢી શેર જેટલું દૂધ હતું. તેને ગરમ કરી જમાવવામાં આવ્યું અને બીજે દિવસે તેમાંથી માખણ કાઢવામાં આવ્યું.
સિદ્ધ યોગી શ્રી વિશુદ્ધાનંદ પરમહંસ (૧૮૫૩-૧૯૩૭) પણ સૂર્યવિજ્ઞાન અને મંત્રવિજ્ઞાનથી એક પ્રદાર્થનું બીજા પદાર્થ રૂપે રૂપાંતરણ કરી દેતા હતા. પદ્મવિભૂષણ પંડિત ગોપીનાથ કવિરાજ, બ્રિટિશ પત્રકાર પોલ બ્રન્ટન, ક્વિન્સ કૉલેજના પ્રાધ્યાપક અભયચરણ સાન્યાલ જેવા અનેક સુપ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં તેમણે અનેકવાર આવા પદાર્થ પરિવર્તનના પ્રયોગો કરી બતાવ્યા હતા. એકવાર તેમણે એરંડાના ઝાડ પર દ્રાક્ષ ઉગાડી હતી અને ગલગોટાના છોડને ગુલાબનો છોડ બનાવી દીધો હતો. એક અમેરિકન પત્રકાર લાકડાનો ટુકડો લઈને આવ્યો તે વખતે તેની માગણી મુજબ તેનો અડધો ભાગ પથ્થરનો બનાવી દીધો હતો. શ્રી વિશુદ્ધાનંદજીએ એકવાર એમના યોગબળ અને મંત્ર શક્તિથી મહાભારતના યુદ્ધ વખતે ઉપયોગમાં લેવાતું હતું તેવું આગ્નેયાસ્ત્ર સરકંડાની સળીઓમાંથી બનાવી દૈવી આગ ઉત્પન્ન કરી બતાવી હતી જેને વરસાદ વરસાવતા અસ્ત્રથી જ બુઝાવી શકાઈ હતી.