વિશાલનો ગૃહત્યાગ ? .
- હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
- છેવટે બહુ બહુ વિચાર્યા પછી એને થયું કે લગ્ન થતાં પૂર્વે જ બારોબાર રશ્મિને મોબાઇલ પર પેટછૂટી વાત કરી દેવી અને તેને મુક્ત કરવી..
(ગતાંકથી આગળ)
વિ શાલ રાતભર વિકલ્પ-સંકલ્પમાં ગોથાં ખાતો ચિંતાસભર રાત ગુજારતો હતો. સવારે વહેલો જાગી ગયો ત્યારે પણ એની મમ્મી જાણે એના જાગવાની રાહ જોતી જ એના રૂમ પાસે આંટાફેરા કરતી હતી. વિશાલ કોઇ ઊંડી ચિંતામાં છે તેટલું તો એ પામી ગઇ હતી. પણ વિશાલ કશો જ ફોડ પાડતો નહોતો. એ પોતે જ વિકલ્પોનો કેદી હતો ત્યાં શી સ્પષ્ટતા કરે ?
સવારની ચા પીતાં એક 'નર્વસ' શેર્પિેજ વિચાર એવો પણ આવી ગયો કે લગ્ન માટે નિર્ણયો લેવાઇ ચૂક્યા છે. લગ્નમાંથી હવે પાછાં પગલાં થઇ શકશે નહીં. અને લગ્નના નિર્ણયને ઠીક ઠીક વખત થયો હતો. કેટલાક વિઘ્નો એને મદદમાં આવ્યાં હતાં. પણ ક્યાં સુધી ?
અચાનક એક સવારે જાગતાં જ વિચાર ઝબક્યો : 'લગ્ન અનિવાર્ય છે. બંને પક્ષે વડીલોની મહત્ત્વાકાંક્ષા છે. રશ્મિ પોતે લગ્નની મુદત વિશાલ પર છોડવા સંમત હતી. વિશાલને ગમશે તે એને ગમશે જ' એણે મનોમન નિર્ણય કર્યો હતો.
પણ સરળ પ્રેમાળ સ્વભાવની રશ્મિ, વિશાલના મનમાં ઝબકી ગયેલા વિચારથી સાવ અજાણ હતી.
'બસ.' વિશાલ મનોમન બોલી પડયો. વડીલોની ઇચ્છા સ્વીકારીશ.. પણ.
પણ... પાછો એ ખમચાયો.
રશ્મિને એ 'કલુષિત' પરણીને કુટુંબમાં સાચવી શકશે ? માટે એના પક્ષે ઊભો રહી શકશે ? તો ?? 'ગામગામ' એને ખબર હતી. ટૂંક સમયમાં, કોઇને કોઇ સચજૂઠ કરીને વડીલોને સમજાવીને, કરગરીને, કંઇક દૂર, રશ્મિ સાથે લગ્ન પછી રહેવા જઇ શકશે.
વિશાલે વિચાર તો કરી દીધો. પણ જ્યાં લગ્ન પછી છૂટા રહેવાની વાત થશે કે તરત પરિવારમાં ધરતીકંપ થશે, ત્યારે ?
વિશાલ ખરેખર બહુ જ મૂંઝવણમાં હતો. એને માર્ગદર્શન કોનું મળે ?
એણે એક પ્રસંગે લગ્ન પછી જુદા રહેવા જવાનો ચોખો મમ્મી પાસે ચાંપી જોયો હતો. મમ્મી જડપ્રભ બની ગઇ હતી.
'બેટા, આવો વિચાર સ્વપ્નાંમાંય ના કરીશ. આખું કુટુંબ છિન્નભિન્ન થઇ જશે' અને પછી સહેજે પૂછ્યું 'રશ્મિ તારા જુદા રહેવાની વાત માનશે ?
વિશાલના યુવાન ગભરુ માનસમાં રશ્મિ શું કરશે એ વિશેનો વિચાર પણ ઝબક્યો નહોતો. મનથી માની લીધેલું કે રશ્મિ સંમત થશે.
સામાન્ય પરિસ્થિતિમાં જેમ માની લેવાય કે જ્યાં પતિ ત્યાં પત્ની. પતિ જો બહારગામ બદલી પામે તો પત્ની તેની સાથે જાય કે નહિ ? પતિ વિના ભર્યા ભાદર્યા કુટુંબમાં તે એકલી રહી શકે ખરી ? નવી કેળવણી આપેલી સ્વતંત્ર મિજાજ ધરાવનારી પત્ની કુટુંબથી જુદા રહેવાની વાત હોંશે હોંશે સ્વીકારી લે, એ સમાજની પ્રચલિત હકીકત હતી. વિશાલને એવી સામાન્ય બાબતોની ખબર હતી.
પણ રશ્મિ ? એ સ્વભાવથી કુટુંબ પરસ્ત હતી. એને સંયુક્ત પરિવાર ગમતો હતો. એ એવી રીતે ટેવાઇ પણ હતી.
છતાં, છતાં સ્વતંત્રતા કોને ના ગમે ? - બધું એ કદાચ રશ્મિ પણ...? વિશાલ પોતે બધું મન માની લેતો હતો. એ ખરેખર બહુ જ ગૂંચવાઇ ગયો હતો.
લગ્ન પછી રશ્મિ સાથે જુદા ઘર માંડવાના વિચારનો સહુ કરતાં સહુએ ચોખ્ખી ના સાથે વિરોધ કર્યો હતો.
ખુદ વિશાલના પપ્પાએ પણ વિશાલની ઇચ્છાને 'નાદાન' ગણાવી હતી.
'એવું શું દુઃખ છે કે બંનેને જુદાં રહેવા જવું પડે ?'
વિશાલને બધેથી 'નકાર' જ મળ્યો. છતાં એનું મન માનતું નહોતું. રશ્મિ સહેજ પણ દુઃખી થાય... તો... તો ?
એ એવા વિચાર પર આવ્યો કે લગ્ન કરવા પૂર્વે રશ્મિને જિંદગીભરની કૌટુંબિક બબાલમાંથી મુક્ત રાખવી એની ફરજ છે. એણે મનઘડંત નિર્ણય કરી લીધો કોડભરી, પ્રેમાળ જિંદગીને બરબાદ નથી થવા દેવી.
છેક છેવટે બહુ બહુ વિચાર્યા પછી એને થયું કે લગ્ન થતાં પૂર્વે જ બારોબાર રશ્મિને મોબાઇલ પર પેટછૂટી વાત કરી દેવી એને મુક્ત કરવી..
વિચારતાં જ એની આંખ છલકાઇ ઊઠી.