આ પણે ત્યાં કહેવત છે કે 'ભણ્યા પણ ગણ્યા નહીં.' હકીકતમાં કેટલાક લોકો પૉઝિટિવ દ્રષ્ટિએ 'ગણ્યા પણ ભણ્યા નહીં' જેવા હોય છે અને એમાંના એક છે હરેકલા હજબ્બા. મેંગલુરુની બાજુના નાનકડા ગામ ન્યૂપડાપુમાં રહેતા હરેકલા ક્યારેય સ્કૂલે ગયા નથી. આજે ૬૮ વર્ષની વય ધરાવતા હરેકલાના ગામમાં ઈ. સ. ૨૦૦૦ સુધી ભણવા માટે કોઈ સ્કૂલ નહોતી. તેઓ મેંગલુરુમાં સંતરા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ એક સામાન્ય ઘટનાએ વિચારવંત અને કોઠાસૂઝ ધરાવતા હરેકલા હજબ્બાના મનમાં અસામાન્ય વિચારને જન્મ આપ્યો. બન્યું એવું કે તેઓ રોજની જેમ સંતરાં વેચતા હતા, ત્યારે એમની પાસે એક વિદેશી દંપતી સંતરાં ખરીદવા આવ્યું. તેઓએ સંતરાનો ભાવ પૂછયો, પરંતુ હરેકલા ન કંઈ સમજી શક્યા કે ન વિદેશી દંપતી એને સમજાવી શક્યું. કારણ કે આ દંપતી માત્ર અંગ્રેજી ભાષા જ જાણતું હતું જ્યારે હરેકલા તુલુ અને બેરી ભાષા જ જાણતા હતા. આ પરિસ્થિતિને પરિણામે હજબ્બા નિઃસહાયતા અનુભવવા લાગ્યા. એમને અફસોસ થયો કે તેઓ એ દંપતીની મદદ કરી શક્યા નહીં.
હરેકલા હજબ્બાને મનોમન આ સામાન્ય ઘટનાનો એવો અસામાન્ય આઘાત લાગ્યો કે એમણે નક્કી કર્યું કે તેઓ પોતાના ગામમાં એક સ્કૂલનું નિર્માણ કરશે, જેથી પોતાના ગામના બાળકોને આવી કફોડી સ્થિતિમાં મૂકાવું પડે નહીં. રોજ આશરે દોઢસો રૂપિયાની કમાણી કરતા હજબ્બાએ ત્યાંની ત્વાહા જુમ્મા મસ્જિદ સમિતિના સભ્યોને વાત કરી અને પૂછયું કે શું તેઓ મસ્જિદમાં સ્કૂલ ખોલી શકે. સભ્યોએ સંમતિ આપી. પોતાની પાસે જે કંઈ બચત હતી, તેમાંથી એમણે નાની પાઠશાળાની શરૂઆત કરી. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઈ અને જગ્યા નાની પડવા લાગી.
સ્થાનિક લોકોને ખબર પડી અને કેટલાક સમૃદ્ધ લોકોએ થોડા પૈસા દાનમાં આપ્યા. એમના કામને ઓળખ મળવા લાગી. થોડા સમયમાં જ તેમને મસ્જિદ સમિતિના ખજાનચી બનાવ્યા. આ રીતે એક બાજુ ગામના બાળકોને શિક્ષણ મળતું રહ્યું તો બીજી બાજુ હરેકલાની ઇચ્છા સ્કૂલ બનાવવાની હોવાથી તેઓ તેમની કમાણીમાંથી થોડી થોડી બચત કરતા રહ્યા. ૧૯૯૯માં ચાલીસ ચોરસફૂટનો જમીનનો એક નાનો ટુકડો એમણે ખરીદ્યો. એમનો દ્રઢનિશ્ચય અને લગન જોઈને સમાજસેવકોએ એમને એક એકર જમીન ખરીદવામાં મદદ કરી.
ઈ. સ. ૨૦૦૦માં કર્ણાટક સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી મેળવવા અનેક ધક્કા ખાવા પડયા. ત્યારબાદ સ્કૂલનું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી. જોકે આ દરમિયાન હરેકલા હજબ્બાને કેટલાક એવા અધિકારીઓ પણ મળ્યા, જેઓ એમની મદદ કરવા તૈયાર હતા. ૨૦૦૧ના જૂન મહિનામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ઉદ્ઘાટન થયું. તે સમયે ઘણા સ્થાનિક રાજકારણીઓ અને શ્રીમંતોએ બેંચ, સ્ટેશનરી અને અન્ય ઉપયોગી વસ્તુઓ દાનમાં આપી. શિક્ષણ વિભાગે સ્કૂલ ડેવલપમેન્ટ ઍન્ડ મોનીટરીંગ કમિટી સ્થાપવાનું કહ્યું અને તેના વાઈસ-ચૅરમૅન તરીકે હરેકલા હજબ્બા નીમાયા.
હજબ્બાનું સ્કૂલ સ્થાપવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ હજી તેમની ઇચ્છાઓ વણપૂરી હતી. થોડા મહિના પછી એમણે હાઈસ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો. સ્કૂલમાં પૂરતી જગ્યા તો હતી અને હવે સરકારી અધિકારીઓ પણ તેમને ઓળખતા હોવાથી તરત જ મંજૂરી મળી ગઈ. ૨૦૧૦માં હાઈસ્કૂલનું નિર્માણ શરૂ કર્યું અને ૨૦૧૨માં તે પૂર્ણ થયું. અન્ય સ્કૂલોની જેમ જ અહીં લાઈબ્રેરી, કમ્પ્યૂટર લેબ અને અન્ય સગવડો ઉપલબ્ધ કરી.
અહીં ક્લાસરૂમનાં નામ જાણીતી વ્યક્તિઓનાં નામ પરથી રાખવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ એમના વિશે જાણે અને એમના જીવનકાર્યથી પ્રેરિત થાય. જેમકે કલ્પના ચાવલા, સ્વામી વિવેકાનંદ, રાની અબક્કા, શિવરામ કારંથ વગેરે. આ સ્કૂલનું દસમા ધોરણનું પરિણામ આશરે નેવું ટકા આવે છે. જો તમે હજબ્બાને એના ભવિષ્યના આયોજન વિશે પૂછો તો એમની ઇચ્છા તો કૉલેજનું બિલ્ડિંગ બાંધીને અભ્યાસ માટેની ઉજળી તકો સર્જવાની છે.
એમને નાનામાં નાની રકમ આપનાર દાતાઓના નામ યાદ છે. સ્કૂલમાં ઘણા દાતાઓની નામાવલિ છે, પરંતુ ક્યાંય હરેકલા હજબ્બાનું નામ વાંચવા નહીં મળે ! તેઓ સવારે ઉઠીને સ્કૂલે આવી જાય છે. એનું આંગણું વાળી નાખે છે. વિદ્યાર્થીઓ માટે ઉકાળેલું પાણી તૈયાર કરે છે.
તેઓ દાનમાં આટલા બધા પૈસા મેળવે છે, પરંતુ એક રૂપિયો પણ પોતાના માટે વાપરતા નથી. આજેય એમનું ઘર ઝૂંપડા જેવું જ છે. તેમાં તેમના ઝૂંપડાંની ત્રણેય દીવાલો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મળેલા સન્માનોથી ભરેલી છે. તેમાં આ વર્ષે ભારત સરકાર તરફથી પદ્મશ્રીના સન્માનનો ઉમેરો થાય છે. ૨૫ જાન્યુઆરીએ એમને આ અંગે જાણ કરવા જ્યારે ફોન કર્યો, ત્યારે તેઓ રાશન લેવા માટે લાઈનમાં ઉભા હતા !
મેંગલોર યુનિવર્સિટી, કુવેમ્યુ યુનિવર્સિટી અને દાવણગેરે યુનિવસટીના વિદ્યાર્થીઓ એમના પાઠયપુસ્તકમાં હરેકલા હજબ્બાના જીવનને ભણી રહ્યા છે.

કાજલની મોટી કામયાબી
કાજલ સૌથી પહેલા ઈન્ટરનેટ દ્વારા જાતે જ સિસ્ટમ બનાવવાનું શીખી. એની પાસે લેપટોપ કે સ્માર્ટ ફોન નહોતા, તેથી તે ઈન્ટરનેટ કાફેમાં જઈને શીખતી. તેના પરથી એક અભ્યાસક્રમ તૈયાર કર્યો.
મ હારાષ્ટ્રના અકોલા શહેરના સામાન્ય પરિવારમાં કાજલ પ્રકાશ રાજવૈદ્યનો જન્મ થયો. એના પિતા પહેલાં પાનની લારી ચલાવતા અને ત્યારબાદ બેંકમાં રીકરીંગ એજન્ટ તરીકે નોકરી કરતા હતા. પિતા બાળકોને સારું શિક્ષણ આપવા માગતા હતા, પરંતુ આથક મુશ્કેલીને કારણે ચાર ધોરણ પછી કાજલને ઘરથી ચાર કિમી. દૂર મનુતાઈ કન્યા શાળામાં અભ્યાસ માટે મૂકી, કારણ કે ત્યાં કોઈ ફી ભરવાની નહોતી. કાજલ દૂરદર્શન પર રોબોટને લગતા શો જોતી, ત્યારથી એના મનમાં એક પ્રબળ ઇચ્છા હતી કે તે પણ એક દિવસ રોબોટ બનાવશે.
અભ્યાસમાં તેજસ્વી કાજલે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવ્યો. આથક મુશ્કેલીઓ વચ્ચે કાજલે એક વખત અભ્યાસ છોડવાનો વિચાર કર્યો, પરંતુ પિતાએ લોન લઈને પણ તેનો અભ્યાસ ચાલુ રખાવ્યો. કૉલેજમાંથી જ એક ટી.વી. કંપનીમાં નોકરી મળી અને તે પણ પાંચ હજારની ! એણે એના સાહેબને આટલા ઓછા પગાર વિશે પૂછયું, ત્યારે એના જવાબમાં એને ટી.વી.ના પાર્ટ્સ વિશે પ્રશ્ન પૂછયો, જેનો જવાબ કાજલ ન આપી શકી. એને સમજાવ્યું કે માત્ર પુસ્તકિયા જ્ઞાાનથી કશું ન થાય. તે ક્ષણે કાજલે નોકરી છોડી અને નક્કી કર્યું કે પ્રૅક્ટીકલ જ્ઞાાન મેળવીને જ નોકરી માટે અરજી કરીશ.
પહેલું કામ ઈન્ટરનેટ દ્વારા જાતે સિસ્ટમ બનાવવાનું શીખી. એની પાસે લેપટોપ કે સ્માર્ટ ફોન નહોતા, તેથી તે ઈન્ટરનેટ કાફેમાં જઈને શીખતી. તેના પરથી એક અભ્યાસક્રમ તૈયાર કર્યો. એણે વિચાર્યું કે વિજ્ઞાાનની મૂળ શરૂઆત પાંચમા ધોરણથી થાય છે. ત્યારથી જ એની સમજને યોગ્ય દિશામાં વિકસાવવામાં આવે તો એન્જિનિયરીંગ સુધીમાં તો રૉબોટિક્સ જેવા વિષયોના પ્રૅક્ટીકલ શીખવા માટે વિદ્યાર્થી તૈયાર થઈ જશે. એણે પાંચમા ધોરણનાં બાળકો માટે રૉબોટિક્સ વર્કશોપનું આયોજન કર્યું. ૨૦૧૫માં માત્ર એકવીસ વર્ષની વયે કાજલે ઈનોવેશન ઍન્ડ ટૅક્નિકલ સોલ્યુશન (કીટ્સ) નામની કંપનીની સ્થાપના કરી.
કાજલને ઘણી સારી ઑફર મળવા લાગી, પરંતુ કાજલે વિચાર્યું કે આવા વર્કશોપની સૌથી વધુ જરૂર તો પોતે જ્યાં ભણી છે તેવી મનુતાઈ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને છે. ૨૦૧૭માં એણે અકોલામાં પોતાની ઑફિસ શરૂ કરી અને નિયમિત રીતે એ શાળામાં જવા લાગી. એણે વિદ્યાર્થિનીઓને નાટયસ્પર્ધા માટે તૈયાર કરી, પરંતુ અંગ્રેજી માધ્યમની સ્કૂલો આગળ મરાઠી માધ્યમની આ સ્કૂલને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નહીં તેથી કાજલને ખૂબ લાગી આવ્યું.
એણે નક્કી કર્યું કે આ વિદ્યાર્થિનીઓને સ્થાનિક નહીં, પરંતુ વિશ્વસ્તરીય સ્પર્ધા માટે તૈયાર કરશે. મુંબઈમાં જાન્યુઆરી ૨૦૨૦માં અમેરિકાની પ્રખ્યાત કંપની લેગો દ્વારા આયોજિત રૉબોટિક્સ સ્પર્ધા ફર્સ્ટ લેગો લીગ યોજાવાની હતી. એના માટે એણે સપ્ટેમ્બર ૨૦૧૯થી તૈયારી શરૂ કરી. જ્યારે એણે સ્કૂલમાં વાત કરી, ત્યારે સહુ એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા.
દસ વિદ્યાથનીઓ જ સ્પર્ધામાં જઈ શકશે તેવું કાજલે સ્પષ્ટ કર્યું અને છતાં ૧૪ વિદ્યાથનીઓએ તાલીમ લેવાનું શરૂ કર્યું. કાજલ અને તેના સાથીદારોએ આ વિદ્યાથનીઓને રૉબોટિક્સ ઉપરાંત બુફે ભોજન કેમ કરવુંથી માંડીને અંગ્રેજી ટોઈલેટ કેવી રીતે વાપરવું ત્યાં સુધીની તાલીમ આપી.
એમને એવું પણ સમજાવ્યું કે ત્યાં તમારા કરતાં વધુ સારું અંગ્રેજી બોલનારા, વધુ સારાં કપડાં પહેરીને આવનારા હશે. એમના માતા-પિતાએ જુદાં પ્રકારના વસ્ત્રો પહેર્યાં હશે. આ સમજાવવાનું કારણ એટલું જ હતું કે અચાનક જ મોડર્ન દુનિયા જોઈને તેમનું મન લક્ષ્ય પરથી ખસી ન જાય.
આ સમય દરમિયાન કાજલને સ્કૂટર પર અકસ્માત થયો અને પગમાં ફ્રૅક્ચર થયું. આમ છતાં બીજે દિવસે તે વ્હીલચૅરમાં શાળાએ પહોંચી અને એમની સાથે મુંબઈ પણ ગઈ. સ્પર્ધાનો પહેલો રાઉન્ડ કોર વેલ્યુઝનો, બીજો રાઉન્ડ સ્પૉર્ટમેન સ્પિરિટનો અને પછીનો રાઉન્ડ રિસર્ચનો હતો. આ વિદ્યાથનીઓએ આથક મુશ્કેલીને કારણે નાનો રોબોટ બનાવ્યો હતો.
કાજલ કહે છે કે ત્યાં આવેલી બધી ટીમોમાં દેખાવમાં અને બોલવામાં મનુતાઈ કિટ્સ એંજલ્સ ટીમ સાવ નોખી તરી આવતી હતી. આવું વાતાવરણ જોઈને વિદ્યાથનીઓને થતું હતું કે આમાં અમને ઈનામ ક્યાંથી મળશે ? પ્રથમ નંબર આવનાર ટીમને અમેરિકા, દ્વિતીયને જાપાન, તૃતીયને ગ્રીસ અને બાકીની ટીમને સિંગાપુરના પ્રવાસે જવાની તક મળવાની હતી, પરંતુ કાજલના મનમાં આશા હતી અને છેવટે સિંગાપુર જવા તો મળશે. એક પછી એક પરિણામ જાહેર થયા. ટીમવર્ક માટેનો વિશેષ પુરસ્કાર મનુતાઈ કિટ્સ એંજલ્સને મળ્યો.
ત્યારબાદ શ્રેષ્ઠ મેન્ટર તરીકેનો ઍવૉર્ડ કાજલને મળ્યો અને પ્રથમ વિજેતાની જાહેરાત થઈ, ત્યારે સહુના પગ તળેથી જાણે ધરતી ખસી ગઈ હોય તેમ સહુ આશ્ચર્યથી દિગ્મૂઢ હતા. મરાઠી માધ્યમમાં ભણતી, નિરક્ષર માતા-પિતાની, પૂરતાં સાધનોનાં અભાવમાં અભ્યાસ કરતી મનુતાઈ કિટ્સ એંજલ્સની વિદ્યાથનીઓ રાષ્ટ્રીય વિજેતા બની ચૂકી હતી. હવે આ વિદ્યાથનીઓને કોઈ પણ કિંમતે તે અમેરિકા લઈ જવા ઇચ્છે છે.


