Get The App

કોરોનાનો ડર અને સંત કબીરની વાણી

- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- આજે આપણે કોરોનાથી દુઃખદ અવસાન પામેલા લોકોની વાતો સાંભળીએ છીએ, પરંતુ એની સાથે એવા લોકોની આપવીતી પણ સાંભળવી જોઇએ કે જેમણે કોરોનાને મહાત કર્યો હોય

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News

- ભય એ માત્ર માનવીના મનમાં જાગતી કલ્પના હોવાથી તમારા મનમાં જ સમાપ્ત કરી દો. જો ભયભીત થશો તો સદા ય ડરતા રહેશો

કોરોનાનો ડર અને સંત કબીરની વાણી 1 - image

આ ધુનિક જગતની એ કેવી વિરલ ઘટના કે સંત કબીરના જીવન અને ઉપદેશ વિશે સર્વત્ર દેશ-વિદેશમાં અભ્યાસ થાય છે, જે આજે અન્ય કોઈ સંતના ભવિષ્યમાં જોવા મળતો નથી. જુદાં જુદાં કલાસ્વરૂપોમાં સંત કબીરના જીવન અને વાણીને અનુલક્ષીને કલાસર્જન કરવામાં આવે છે. સંત કબીરનું નાટક મળે, આધુનિક ચિત્રકારે સર્જેલાં એમનાં ચિત્રો મળે, એ વિષય પરનાં નૃત્ય અને સંવાદ પણ મળે. આથી જ સંત કબીર એ આધુનિક છે. એમના વિચારોમાં એવી આધુનિકતા છે કે જે આજના માનવીને તત્કાળ સ્પર્શી જાય છે. 

વળી આ આધુનિકતા પશ્ચિમમાંથી ઊછીની લાવેલી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની ભીતરમાંથી પ્રગટેલી છે. સંત કબીરે મનુષ્યતાને રેખાંકિત કરી ને પરિભાષિત કરી અને એક એવા સંત છે કે જેમણે એક સ્વપ્ન જોયું હતું, જે સ્વપ્ન આધુનિક માનવીને પણ એટલું જ સ્પર્શે છે. વર્તમાન સમયમાં જેને આપણે આધ્યાત્મિક ગુરુ કે ચિંતક કહીએ છીએ, તેનાં કેટલાય પાસાંઓની સંત કબીરે છણાવટ કરી છે. આજે આ કોરોનાના સમયમાં માનવી ભયથી પીડિત છે, ત્યારે સંત કબીરનાં 'બીજક'માંથી મળતી ચાર પંક્તિઓનું સ્મરણ થાય છે. એમાં બારાખડીના પ્રત્યેક અક્ષરને લઇને સંત કબીર ઉપદેશ આપે છે અને એ રીતે 'ડ' અક્ષરના માધ્યમથી ગુરુ 'ડર'ની વાત કરે.

કબીર કહે છે,

ડડા ડર ઉપજે ડર હોઈ

ડર હી મેં  ડર રાખું સમોઈ

જો ડર ડરૈ ડરહિ ફિર આવૈ

ડર હી મૈં ફિર ડરહિ સમાવૈ ।। ૧૩ ।।

'ડ' અક્ષરના માધ્યમથી તેઓ ઉપદેશ આપે છે કે મનમાં ભય ઊભો થવાથી જ ભયનું અસ્તિત્વ ઊભું થાય છે. એનો અર્થ એ કે ભય એ કલ્પનામાત્ર છે અને તેથી એને કલ્પના સમજીને છોડી દેવો જોઇએ. એનો જન્મ બાહ્ય પરિસ્થિતિમાંથી નહીં, પણ માનવીની મનોદશામાંથી થાય છે. જે વ્યક્તિ ભયથી ડરીને હારી જાય છે, તે વારંવાર ભભયનો શિકાર બને છે. ભયભીત બનીને પોતાનું જીવન વિતાવે છે અને અંતે ભયનું મૂળ સ્થાન શરીર ફરી ધારણ કરે છે.

અહીં સંત કબીર ભયને કારણે માનવીની કેવી પરિસ્થિતિ સર્જાય છે તેની વાત કરે છે અને એની અંતિમ અર્ધી પંક્તિમાં તેને અધ્યાત્મ તરફ વળાંક આપી દે છે. માનવી અનેક પ્રકારના ડરથી જીવતો હોય છે. કોઇને ગ્રહોનો ડર લાગે છે, તો કોઇને ગ્રહણનો ડર લાગે છે. કોઈ ભૂતપ્રેતથી ડરે છે, તો કોઈ જાદુમંત્રથી. કોઇને અપમાન કે નિંદા થવાનો ડર છે તો કોઇને વેપારમાં ખોટ જવાનો ભય છે. અણધાર્યો રોગ આવી જશે તો શું થશે ? અથવા તો દુઃખદ મૃત્યુ થશે તો શું થશે ? આ બધી બાબતોનો ભય માનવીને પજવતો હોય છે.

વ્યક્તિના મનમાં ડરની એક વિશાળ જાળ પથરાયેલી હોય છે. નિઃસંતાનને ઘડપણમાં કોણ અમારી સેવા કરશે એવો ભય હોય છે, તો વળી કોઇને એવો ભય હોય છે કે આવા દીકરા ઘડપણમાં સેવા કરશે ખરા ? આમ એક અર્થમાં જોઇએ તો વ્યક્તિની સવાર ભય સાથે ઊગે છે અને એની રાત ભય સાથે પૂરી થતી નથી. અરે ! નિદ્રા સમયે આવતાં સ્વપ્નોમાં પણ એ એક યા બીજા પ્રકારે ભય સેવતો રહે છે. આમ વ્યક્તિ જ્યાં જુએ, ત્યાં ચોપાસ ભય છે. સવાલ એ છે કે ભય તે વાસ્તવિક હોતો નથી, પરંતુ જો અમુક ઘટના વાસ્તવમાં બને તો કેવો ઉલ્કાપાત મચી જાય, એનો ભય એને સતાવે છે.

સંત કબીર સવાલ કરે છે કે ખરેખર આ ભય છે શું ? એમના કહેવા પ્રમાણે આ ભય એ માત્ર માનવીના મનમાં જાગતી કલ્પના હોવાથી તમારા મનમાં જ સમાપ્ત કરી દો. જો ભયભીત થશો તો સદા ય ડરતા રહેશો. જો ભયભીત થશો તો ડગલે ને પગલે ફફડતા રહેશો. જો ભયભીત થશો તો માત્ર વર્તમાનમાં સામે દેખાતો ભય જ નહીં, પરંતુ ભવિષ્યમાં ઊભા થનારા ભય સામે પણ ડર લાગવા માંડશે. આમ ભય એ એક મનમાં જાગતી વૃત્તિ કે કલ્પના માત્ર છે. એને ત્યજી દેવો જોઇએ.

મોટાભાગના લોકો અકસ્માતના ભયથી પીડાતા હોય છે, એમાંથી નવ્વાણુ ટકા લોકોને જીવનભર કોઈ અકસ્માત થતો નથી, આથી આવા ડરથી ગભરાતા રહેવું તે ખોટું છે. મનુષ્યે સંભવિત, કલ્પિત અપ્રિય ઘટનાઓનો ભય છોડી દેવો જોઇએ, તો જ તે સદાને માટે સુખી રહી શકે છે. એવું વિચારવું જોઇએ કે જો કોઈ અપ્રિય ઘટના બનશે, તો હું એનો સામનો કરીશ. એના પ્રતિકાર કરવા માટે સઘળાં પ્રયત્ન કરીશ, પરંતુ કોઈ અપ્રિય ઘટના બનશે એવી ધારણાથી અગાઉથી ચિંતિત રહેવું તે અજ્ઞાાન છે. જ્યારે જ્યારે કોઈ સમસ્યા આવે છે, ત્યારે એનું સમાધાન પણ પ્રાપ્ત થાય છે. વેપાર કે નોકરી ગુમાવી બેસીએ, તો કદાચ એનાથી બીજો સારો વ્યવસાય મળી શકે છે.

એક નવો સવાલ એ જાગે છે કે શરીર માટે આટલો બધો ભય સેવવો શા માટે ? એનું કારણ છે માનવીનો એના શરીર સાથેનો અતિ લગાવ. એ શરીરને સત્ય માની લઈને ચાલતો હોય છે અને એને પરિણામે એને નામ રૂપમાં આપત્તિ થાય છે. આથી સૌથી મોટી જરૂરિયાત એ સ્વરૂપનું જ્ઞાાન મેળવવાનું છે. આ સ્વરૂપની સાથે જ્ઞાાન થાય, તો નિવૃત્ત થવાનો કોઈ ભય રહેતો નથી. વ્યક્તિને સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે.

જેમ જેમ વય વધે છે તેમ તેમ એનો આ ભય વધતો જાય છે. અને સવાલ એ છે કે જો આત્મા કે જીવ જેવી કોઈ બાબત ન હોય તો વ્યક્તિનું મૃત્યુ થતાં બધું પૂરું થઇ જાય છે. જો બધું અહીં જ સમાપ્ત થઇ જતું હોય, તો પછી ડર શેનો ? વળી જો આત્મા અમર હોય તો તો મરવાનો ડર સાવ નકામો. આથી વ્યક્તિએ પોતાના દેહ પ્રત્યેનું અભિમાન છોડવું જોઇએ, કારણ કે દેહની મમતા એને સતત ડરમાં રાખે છે એને પરિણામે એ દેહાસક્તિથી જીવતો રહે છે.

સંત કબીર કહે છે કે પોતાના અવિનાશી સ્વરૂપના જ્ઞાાનમાં રમી રહો અને નિર્ભય થઇને વિચરો. આ રીતે સંત કબીરે માનવીના મનના ભયની વાત કરી છે. આજે ચોપાસ ભયનું વાતાવરણ છે. સાવચેતી રાખવાને બદલે માનવી વધુ ભયભીત બની જાય છે. એ કોઇનાય મૃત્યુની ઘટના સાંભળે કે તત્કાળ એ પ્રશ્ન કરશે કે શું કોરોનાથી એનું મૃત્યુ થયું ? એ દિવંગતનું અવસાન કોરોનાથી ન થયું હોય અને અન્ય જીવલેણ બિમારીથી થયું હોય, તો પણ એ વિચારે છે કે કોરોના થાય તો પોતાની કેવી દુર્દશા થશે. આવો ભય માનવીમાં અનેક ગ્રંથિઓ સર્જે છે. એવી પણ ઘટના બને છે કે માનવી ઘરની ચાર દિવાલોમાં રહીને રોગથી થરથરતો રહે છે. એવું પણ બને છે કે વ્યક્તિ પોતાના ઘરના ટેબલ પર હાથ મૂકતાં પણ ભય સેવે છે.

એ સાચું છે કે કોરોના એક ડરામણો વ્યાધિ છે. એમાં થતું મૃત્યુ એ પણ અતિ દુઃખદ એ માટે હોય છે કે અંતિમ સમયે સ્વજનો પણ એની સાથે કે પાસે હોતા નથી. આવી ઘટનાઓ એ વારંવાર સાંભળે છે અને મનમાં ભયનો ખડકલો કરતો રહે છે. સંત કબીર કહે છે, કે આ ભયને તમારા ચિત્તની ભૂમિમાં ભંડારી દો. જો ભયભીત થશો તો ભય જ તમને ખાઈ જશે. આવા કલ્પિત ભયને માથા પર સવાર થવા દઈએ, તો આખું જીવન દુઃખથી ભરેલું બની જાય. હતાશા, નિરાશા અને આત્મહત્યા કરવાની ઇચ્છા પણ મનમાં જાગી ઊઠે છે.

સંત કબીરના કહેવા પ્રમાણે મનમાં ઊઠતાં ભયના તરંગોને શાંત કરી દો. આજે આપણે કોરોનાથી દુઃખદ અવસાન પામેલા લોકોની વાતો સાંભળીએ છીએ, પરંતુ એની સાથે એવા લોકોની આપવીતી પણ સાંભળવી જોઇએ કે જેમણે કોરોનાને મહાત કર્યો હોય. જેમણે ભયને દૂર રાખીને એનો મુકાબલો કર્યો હોય. પોઝિટિવ વિચારો દ્વારા મનને સતત મજબૂત રાખ્યું હોય. આવા ભય પર વિજય મેળવનાર વ્યક્તિઓનાં તમને ઘણાં ઉદાહરણ મળશે. દુર્ભાગ્ય એ છે કે આવી નેગેટિવ વાતો તરત ફેલાઈ જાય છે અને પોઝિટિવ વિચાર સમાજમાં એટલા ફેલાતા નથી.

આવે સમયે આવા સંતોની વાતનું સ્મરણ કરીએ અને ભયમુક્ત બનીને પ્રસન્નતાનું જીવન જીવીએ.

Tags :