તમને બીક શાની લાગે છે ? તમે કેમ ડરી ગયા છો ?
- ફિટનેસ- મુકુંદ મહેતા
- વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે તમે નાના હો કે મોટા, સ્ત્રી હો કે પુરુષ તમારા મગજમાં આવતા વિચારો પર તમારા ઉછેર અને આચરણનો આધાર છે
જે મ જેમ જમાનો આગળ વધતો જાય છે અને માનવજાતની પ્રગતિ થતી જાય છે તેમ તેમ બીક લાગવાના પહેલાના કારણો દૂર થતાં જાય છે અને આજના વસ્તી વધારાના જમાનામાં જ્યાં દરેક ક્ષેત્રમાં હરીફાઈ હોય ત્યાં બીક કે ડર છે શું ? આજે તેની વાત કરીએ.
વૈજ્ઞાાનિકો ડર કે બીક લાગવા ના કારણો વિષે શું કહે છે ?
વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે તમે નાના હો કે મોટા, સ્ત્રી હો કે પુરુષ તમારા મગજમાં આવતા વિચારો પર તમારા ઉછેર અને આચરણનો આધાર છે. મનના વિચારો ને તમે લાગણી (ફિલિંગ્સ) પણ કહી શકો, માન્યતા (એટીટયુડ)પણ કહી શકો, ભવિષ્ય માટેની કલ્પના કે ધારણા (એન્ટીસિપેશન) પણ કહી શકો. એક વાત ચોક્કસ છે કે તમને જે કાઈ થાય છે એટલે કે બીક લાગે છે તે કુદરતી છે, જન્મજાત છે અને સ્વાભાવિક છે. શરીરમાં થનારા અનેક પ્રકારના રસાયણિક ફેરફારો સાથે સંબંધ ધરાવે છે. એને બીક કહો, ભય કહો કે ડર કહો આ જગતમાં જન્મેલા દરેક નાનામોટા સ્ત્રી પુરુષને થાય તેવો અનુભવ છે. આવો અનુભવ કોઈવાર ખરેખર બનેલા બનાવને કારણે થાય છે જેમ કે કોઈ અકસ્માત થયો હોય ત્યારે ઊભી થતી જુદી જુદી પરિસ્થિતીને કારણે અથવા તમે કોઈવાર ગભરાઈ જાઓ તેને કારણે ઉત્પન્ન થતી તમારી માનસિક સ્થિતિને કારણે થાય છે. એક વાત ચોક્કસ છે કે આ બધામાં ડર કે બીકના પ્રમાણનો આધાર કેવા કુટુંબમાં તમારો ઉછેર થયો છે, અને તમારી આજુબાજુના વાતાવરણ ઉપર અને રોજિંદા જીવનમાં બનતા અનેક બનાવો ઉપર છે.
ડર લાગે ત્યારે શરીરમાં શું થાય :
1. ડર લાગ્યો ત્યારે તે વ્યક્તિના શરીરમાં એ. 'ફિઝિકલ (શારીરિક) રીએકશન' આવે તે વખતે તેના લોહીમાં 'એડ્રેનલિન' નામના હોર્મોનનું પ્રમાણ વધી જાય જેને લીધે હૃદયના ધબકારા વધી જાય અને પરસેવો થઇ જાય. ડર લાગ્યો હોય તે વ્યક્તિ સજાગ (એલર્ટ) થઇ જાય. બી. ડર લાગે ત્યારે વ્યક્તિના શરીરમાં 'મેન્ટલ (માનસિક) રીએકશન' આવે જેમાં વ્યક્તિને સખત બીક લાગે અને તેને સમજ ના પડે કે શું કરવું. આ બંને પ્રકારના રીએકશન વખતે શરીરમાં ખાસ પ્રકારના લક્ષણો થાય, ૧. છાતીમાં દુખાવો થાય. ૨. શરીર ઠંડુ થઇ જાય. ૩. મોં સુકાઈ જાય અને ગળામાં સોસ (તરસ) પડે. ૪. ઉબકા આવે. ૫. હૃદયના ધબકારા વધી જાય. ૬. શ્વાસ લેવામાં તકલીફ પડે. ૭. ખૂબ પરસેવો થઇ જાય. ૮. શરીરમાં ધૂ્રજારી આવે. ૯. પેટમાં ગરબડ થાય આ ઉપરાંત માનસિક લક્ષણોમાં શું કરવું તેની ખબરના પડે અને કોઈવાર ડર એટલે સુધી લાગે કે વ્યક્તિને મરવાના વિચારો આવે. ખાસ યાદ રાખવાની વાત એટલી જ કે આવું થવાનું કારણ તમારું મન છે. જે વ્યક્તિના મનમાં આશાજનક અથવા હકારાત્મક વિચારો આવે તેને વૈજ્ઞાાનિકો 'પોઝિટિવ એટીટયુડ' વાળી વ્યક્તિ અને નિરાશાજનક અથવા નકારાત્મક વિચારો આવે તેને 'નેગેટિવ એટીટયુડ'વાળી વ્યક્તિ ગણે છે અને જે વ્યક્તિને પોતાના જીવનમાં આવી પડેલી તકલીફોની કોઈ અસર થતી નથી તે વ્યક્તિને પાગલ અથવા લાગણીશૂન્ય કહે છે.
તમને ડર શાનો લાગે છે ? તમને બીક કેમ લાગે છે ?
સૌથી પહેલી વાત એટલી જ કે તમે તમારા વિચારો પર કાબૂ રાખી શક્તા નથી અને હંમેશા 'નકારાત્મક વિચારો' વારે વારે આવે છે. તમને એમ જ થાય છે કે 'હું મરી જઈશ તો' મારા કુટુંબનું શું થશે ? એક વાત યાદ રાખશો સંતો, વિચરકો અને ફિલોસોફરોએ પોતાના પ્રવચનોમાં અને લેખોમાં ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે માનવીને સૌથી વધારે ભય કે ડર 'મરણ પામવાનો' એટલે કે આ દુનિયામાંથી જલ્દી વિદાય થઇ જવાનો છે. કારણ અનેક પ્રકારના હોય પણ એક વાત ચોક્કસ છે કે તમારો 'જન્મ' અને તમારું 'મૃત્યુ' એક નોટબુક કે ડાયરીના પહેલા અને છેલ્લા પાનાં પર તમારા ઇષ્ટ દેવે લખીને તમને આ જગતમાં મોકલ્યા છે. તમારૂ મૃત્યુ કોઈ બિમારીથી કે અકસ્માતથી કે કુદરતી રીતે ઉમ્મરને કારણે થાય તે નક્કી જ છે આ વખતે તમારે આ સરખામણી યાદ રાખવાની છે. અમદાવાદથી મુંબઇ જવાની ગાડીમાં તમે ટિકિટ લઇને બેઠા છો. વચ્ચે ગાડી ઊભી રહે ત્યારે પણ તમારે ઉતરવાનું નથી. પણ તમારે મુંબઇ જલ્દી કેમ નથી આવતું તેનો વિચાર કરવાનો નથી. આવે છે. આ જ રીતે વધારે પડતા વિચારો કરવાથી તમારા જીવનમાં પણ શારિરીક અને માનસિક ઊથલ પાથલ થવાની છે. આવે વખતે તમને વિચારોથી પરેશાન કરનારી બધા જ પ્રકારની પરિસ્થિતીનો ઉકેલ મનને શાંત રાખીને તમે લાવી શકશો. પણ આવું તમે કરી શક્તા નથી કારણ તમે જાગતા હો કે ઊંઘતા સતત વિચારો કરતાં મગજમાં તમારા અને તમારા કુટુંબના ભવિષ્યના ફક્ત નકારાત્મક વિચારો જ આવે છે. આજ રીતે ભૂતકાળ જે જતો રહ્યો છે તે અંગે તમારા જીવનમાં જે કંઇ બન્યું છે તે અંગે તમે ત્રિરાશિ માંડતા થઇ ગયા છો.
વૈજ્ઞાાનિકોએ ડરના પ્રકાર પણ જણાવ્યા છે જેને ૧. પેનિક ડીસોર્ડર ૨. ફોબિયા ૩. સોશિયલ એન્કઝાઇટી ડિસોર્ડર ૫. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર
જ્યારે બીકની લાગણી મનમાં થાય ત્યારે તમારે શું કરવાનું છે ?
જો તમને કોઈપણ જાતનો ડર લાગતો હોય કે મનમાં સતત બીકની લાગણી રહેતી હોય તો પહેલા તમારા ફેમિલી ડોક્ટરને મળો. જે તમારા શરીરની પ્રાથમિક તપાસ કરી પછી પેથોલોજી લેબોરેટરી તેમજ રેડિઓલોજિસ્ટ પાસે જરૃર લાગે તે તપાસ કરીને તમારા શરીરમાં કોઈ રોગ છે તેને કારણે તમને બીક લાગે છે તે નક્કી કરશે.
ત્યાર પછી તમને ડર લાગે છે તેનું પ્રમાણ અને કેટલા વખતથી છે અને કોઈ ચોક્કસ કારણ ડર લાગવાનું છે તે નક્કી કરશે.
બીક કે ડરના પ્રકાર :
એ. ફોબિયા
૧.કરોળિયા, ગરોળી, સાપ, વીંછીનો ડર લાગે. ૨.કોઈ ઊંચી જગો જઇને નીચે જોવાનો ડર લાગે ૩.કોઈને પ્લેનમાં બેસવાનો ડર લાગે. ૪. કોઈને ભવિષ્યના અમંગળ સ્વપ્ના આવે તેનો ડર લાગે.
૨. શારીરિક તકલીફોનો ડર :
કાર કે ટુ વ્હીલર ચલાવતી વખતે એક વખત એક્સિડંટ થયો હોય ત્યારે ફરી થવાનો ડર, દાદરો ઉતરતા પડી જવાનો ડર, જેમાં બેઠા હો તે કાર, ટ્રેન કે પ્લેનના એક્સિડંટનો ડર, પોતાની કે અંગત સગાની કોઈપણ પ્રકારની સાધારણ બીમારી હોય ત્યારે 'ચાલુ ગાડીએ બેસી જવાની ટેવ' એટલે કે મને આવું થશે તો મારૃ શું થશે એવો ડર લાગે.
૩.આર્થિક તકલીફોનો ડર :
નોકરી કરતાં હો ત્યારે છુટા થવાનો ડર.શેર કે જમીનમાં પૈસા રોક્યા હોય તેમાં નુકશાન થવાનો ડર, નોકરી ના હોય, ધંધો બરોબર
ચાલતો ના હોય, કુટુંબની ચિંતા હોય.
૪. માનસિક નુકશાનનો ડર
પતિ, પત્ની, માતા, પિતા, નજીકના સગા, ખાસ મિત્રનું અવસાન થયું હોય, પોતાને કે કુટુંબીજનની બીમારી હોય.
બીક કે ડરની સારવાર કેવી રીતે કરશો :
૧.આ રોગની સારવાર કરનારા ડોક્ટર 'સાયકિયાટ્રીસ્ટ' કહેવાય સામાન્ય રીતે તેઓ આ રોગની સારવાર દવા આપીને કરતાં હોય છે.
૨.અમૂક કિસ્સામાં તેઓ 'સાયકોએનાલિસ્ટ'ની મદદ લઇને 'સિટિંગ' આપીને તમારી સાથે વાતો કરીને તમને થતી ચિંતાને દૂર કરવા પ્રયત્ન કરે છે.
તમારે શું કરવાનું છે ?
અમેરિકામાં થયેલા અનેક પ્રયોગો અનુસાર તમારું શરીર અને મન એકબીજાની સાથે અદ્ભૂત રીતે સંકળાયેલા છે. જો શરીર મજબૂત હશે તો મન મજબૂત રહેશે અને મન મજબૂત હશે તો શરીર મજબૂત રહેશે.
ચાલો પહેલા શરીરને મજબૂત કરીએ:
શરીરને મજબૂત કરવાનું પહેલું પગલું એટલે ૨૪ કલાકમાંથી ફક્ત ૪૦ મિનિટ નિયમિત (એક પણ દિવસ પડે નહીં તેવી રીતે મોટી ઉંમર ૭૦, ૮૦, ૧૦૦ વર્ષો સુધી કસરત કરવાની પ્રતિજ્ઞાા લેવાની છે. પરમેશ્વરે તમને હાથ અને પગ આપ્યા છે. તેને હલાવો અને ચલાવો એટલે કસરત કરી કહેવાય. આ માટે ૩૦થી ૫૦ વર્ષ દરમ્યાન ચાલવાની, દોડવાની, તરવાની કે જિમમાં જઇને કરવાની કસરત કરો. ૫૦ વર્ષ પછી ઘરમાં કે ઘરની આજુબાજુ ચાલો. સેવન અપ કસરત કરો, દાદરાનું એક જ પગથિયું ચઢ ઉતરવાની કસરત કરો. યોગાસન કરો આમ કરવાથી મોટી ઉંમર સુધી (વારસાગત કારણો સિવાય) તમને કોઈ પણ નાની મોટી બીમારી થશે નહીં. તમને નિરાંતે ઊંઘ આવશે દવાઓ લેવી નહીં પડે. આત્મવિશ્વાસ વધશે. દિનચર્યાના બધા જ કામ તમે તમારી જાતે કોઈની મદદ લીધા વગર કરી શકશો. વજન નહીં વધે, હાર્ટએટેકનો ડર નહીં રહે બહારનો હોય કેઘરનો બધા જ પ્રકારનો ખોરાક (પ્રમાણસર) ખાઈ શકશો. મોટી ઉંમર સુધી કાર્યરત રહેવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
મન ને મજબૂત કેવી રીતે કરશો ?
ધ્યાન ધરો એટલે કે મેડિટેશન કરો. ૨૪ કલાકમાંથી ફક્ત ૩૦ મિનિટ નિયમિત ધ્યાન કરવાની ક્રિયા નિયમિત કરો. તમને જે રીતે ફાવતી હોય તે રીતે ધ્યાન ધરો. મનને એકાગ્ર કરવાનું સહેલું નથી. ઘરમાં તમારી રૂમમાં પલાઠી વાળી બેસો, આંખો બંધ કરો શ્વાસોશ્વાસની ક્રિયા કરો. તમને ગમતી હોય તેવી કોઈપણ વસ્તુ ગુલાબનું ફૂલ, તમારા બાળકની કે તમારા ઇષ્ટદેવની તસવીર સામે રાખો અથવા દીવાની જ્યોત સામે જોઇને ધ્યાન ધરો. સૂતા પહેલા અવશ્ય કરો. શરૂમાં મનને એકાગ્ર કરવામાં વાર લાગશે ધીરે ધીરે એકાગ્રતા વધશે અને ધ્યાન કરવાના પ્રતાપે તમારું મન શાંત થશે અને તમારા મનમાંથી ડર જતો રહેશે.