Get The App

માણસે આવી ઓગરાળી એકલતા ક્યારેય નહિ અનુભવી હોય!

- ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી

- લોકડાઉન હટાવી લીધા પછીની સ્થિતિને સરકારે 'અનલોક' નામ આપ્યું છે. એટલે લગભગ ઘણાબધા ક્ષેત્રના તાળા ખુલી ગયા છે, પરંતુ શાળાકોલેજના દરવાજે હજી તાળા લટકી રહ્યાં છે

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News

- દેશની વર્તમાન સ્થિતિ અભૂતપૂર્વ છે. અંગ્રેજોએ ખાલી કરી નાંખેલો દેશ આપણને સોંપ્યો ત્યારે પણ દેશની આર્થિક સ્થિતિ આટલી ખરાબ નહોતી. 

માણસે આવી ઓગરાળી એકલતા ક્યારેય નહિ અનુભવી હોય! 1 - image

આ પણે સૌ આજે ન ઓળખાય, ન સમજાય એવા તદન અજાણ્યા વાતાવરણમાં ઘેરાઇ ગયા છીએ! આપણામાં નિર્ણાયક શક્તિનો અભાવ નથી. પરંતુ વર્તમાન વાતાવરણે આપણી નિર્ણાયક શક્તિને બાનમાં લઇ લીધી છે! પરિણામે આપણે પીડાદાયક અનિર્ણાયક શક્તિમાંથી પસાર થઇ રહ્યા છીએ. આ અનિર્ણાયકતાએ આપણને અધમૂવા કરી નાખ્યા છે.

કોઇપણ ક્ષેત્રે સ્પષ્ટ નિર્ણય લેવાતો નથી. લોક ડાઉનથી લઇને અનલોક સુધીના ત્રણ મહિના દરમ્યાન લેવાયેલા તમામ નિર્ણયો નિષ્ફળ નીવડયા છે! આપણી પૂરેપૂરી સાવધાની અને પૂરેપૂરા ઉપાયો વચ્ચે કોરોનાનાં પોઝેટીવ કેસો વધતા જ જાય છે! સરકાર ખુદ મૂઝવણમાં મૂકાઇ ગઇ છે. નવા ઉપાયો જડતા નથી. લોકડાઉનના કારણે દરેક પ્રકારનાં કારોબારો થંભી જવાને કારણે દેશભરની આર્થિક સ્થિતિ એટલી હદે ડામાડોળ થઇ ગઇ કે કોરોનાના કારણે નહિ, અમે ભૂખને કારણે મરી જઇશું! અમને કોરોના નહિ ભૂખ મારી નાખશે એવું શ્રમજીવીઓ કહેતા થઇ ગયા હતા.

આ પરિસ્થિતિમાં તાળાબંધીને વધુ લંબાવવી હિતાવહ ન હોવાથી છેવટે ના છુટકે લોકડાઉન હટાવીને કહેવું પડયું કે હવે જે છે એ જ સ્થિતિમાં જીવતાં શીખી લો અને આત્મનિર્ભર બનો! આ આત્મનિર્ભર બનો એમ કહેવું જ આપણે આત્મનિર્ભર ન હોવાનું સત્ય પ્રગટ કરે છે! આ સત્યને સમજયા વગર મહોલ્લાઓમાં અને સોસાયટીઓમાં રહેતા સ્થાનિક નુક્કડછાપ નેતાઓ ચીનના બહિષ્કાર માટે બૂમરાણ મચાવીને પ્રજાને જ નહિ, સરકારને પણ મૂઝવણમાં મૂકી રહ્યા છે.

સરકાર દ્વારા ચીનના બહિષ્કાર વિશે કશું જ કહેવામાં આવ્યું નથી. સરકાર અને દેશની સમજુ પ્રજા પણ જાણે છે કે ચીનનો સંપૂર્ણ બહિષ્કાર શક્ય નથી! આજની વાત નથી. નજીકના ં ભવિષ્યમાં પણ એ શક્ય નથી. આપણે ત્યાં મોટા ભાગે મહત્વના ઉત્પાદનો માટેનો કાચો માલ ચીન દ્વારા જ આપણને પૂરો પાડવામાં આપણો દવા ઉદ્યોગ ચીની  રો મટીરિયલ પર નિર્ભર છે ! સરહદ ક્ષેત્રે ગલવાનની ઘટનાના બીજા દિવસે ભારત સરકારે સૈનિકોની સુરક્ષા માટે બે લાખ બુલેટપ્રુફ જેકેટ બનાવવાનો એક સ્થાનિક ઉત્પાદકોને ઓર્ડર આપ્યો છે. આ બુલેટ પ્રુફ જેકેટ ભારતમાં બનશે પણ એ માટેનો કાચો માલ  ચાયનાથી આવશે ! આમ ભારતના મોટાભાગના  ઉદ્યોગોને ચાઈનીઝ રો મટેરિયલની  આવશ્યકતા રહે છે.

એ આવશ્યકતા નજીકના ભવિષ્યમાં પણ  નિવારી શકાય તેમ નથી !   આ સ્થિતિમાં આત્મનિર્ભર બનવાનું સરકારનું સૂચન આશ્વાસનથી વિશેષ મહત્વ ધરાવતું નથી. જો કે એ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ચીન સાથે બને ત્યાં સુધી શક્ય તેટલો વહેવાર ઓછો કરી શકાય. આપણે ત્યાં સ્વતંત્ર રીતે બનતી વસ્તુઓ ચીન પાસેથી ન ખરીદીએ તો ચાલે ! પણ ચીનનો સંપૂર્ણ બહિષ્કાર  હાલના તબક્કે શક્ય નથી.

બહિષ્કારનો ઝંડો લઈને નીકળી પડેલા  નુક્કડછાપ નેતાઓ અને સોશિયલ મિડિયાના ખુજલીબાજોને બે દેશોની આંતરિક બાબતોનો ખ્યાલ નથી. આંતરિક સ્થિતિ જાણવાની કોશિશ પણ કરતા નથી. કદાચ એ જાણવાની  એમને જરૂર પણ જણાઈ નથી. એમણે બહિષ્કારમાં જ રસ છે. મોદી કેમ મૌન છે ?  મોદી કેમ બોલતા નથી, એવા  કેટલાક લોકો લવારો કરતા ફરે છે ! એમની વાદે ચડીને એમના જેવી જ સમજ ધરાવતા કેટલાક લોકોએ તો ચીની બનાવટની વસ્તુઓ વીણી વીણીને બહાર ફેંકી દીધી ! શહેરના એક ખૂણે ચાઈનીઝ આઈટમ બનાવીને ચાઈનીઝ ડીસ,  ગ્રાહકને પીરસ્તો હતો.

ઘણા વખતની આ લારી ત્યાં ઊભી રહે છે. એક ટોળું આવે છે અને એને પૂછે છે, તું ચાઈનીઝ ડીસ કેમ બનાવે છે ?  તને ખબર નથી ચીનનો બહિષ્કાર ચાલે છે ને તું ચાઈનીઝ ડીસ વેચે છે ? એમ કહીને એની લારી ઉથલાવી નાખે છે. એના તપેલા ઉંધા પડી જાય છે, તપેલામાંનો ખાદ્યપદાર્થ ધૂળમાં ઢોળાય છે ! એક ગરીબ માણસ પોતાનું પેટિયુ રડવા નાસ્તો અને ખાવાની આઈટમ બનાવી ગુજરાન ચલાવતો હોય એને કેટલું નુકશાન થયું હશે , એ વાતનો આ લોકોને એહસાસ નથી. એ ખાદ્ય  પદાર્થ   ચીનથી મંગાવતો  નહોતો. ચીનની  રેસીપી પ્રમાણે ચાઈનીઝ ડીસ બનાવતો હતો. ચાઈનીઝ ડીસ સામે  એમને વાંધો હતો ! ચીની બનાવટની વસ્તુઓ વીણી વીણીને બહાર ફેંકી દેનારને જઈને કોઈ એટલું પૂછે  - '' ત્રણસો ફૂટ ઊંચી સરદાર પટેલની મહાકાય પ્રતિમાનું શું કરીશું ?  એ પ્રતિમા ચીનમાં જ બની છે. ઉખેડીને નર્મદામાં ફેંકી દઈશું ? ચીનનો સંપૂર્ણ બહિષ્કાર નરીમૂર્ખતા જ છે.

આપણે અત્યારે કોઈનો બહિષ્કાર નહિ, સ્વીકાર અને સ્વાગતની નીતિ અપનાવવાની છે. હાલના તબક્કે ભારતને  સરહદી લડાઈ એક દિવસ પણ પોષાય એવી નથી. ગરીબી અને બેકારી ભારતની કાયમી મજબૂરી છે. એમાં વળી કોરોના જેવી મહામારીએ આર્થિક રીતે જ નહિ, માનસિક રીતે પણ નુકશાન પહોંચાડયું છે.

ક્યાંક વાવાઝોડું આપણને હચમચાવે છે. ક્યાંક ધરતીકંપ આપણને ધુ્રજાવે છે અને ક્યાંક તીડનાં ઝૂંડને ઝૂંડ આપણા ખેતરોને ખોતરી ખાય છે. પડખે બેઠેલા નેપાળને પણ હવે સરહદો તાણવાની ખુજલી ઉપડી છે. ભૂતાન ભારતને આંખો દેખાડે છે. આવી અનેક જીવલેણ સમસ્યાઓ વચ્ચે આપણો દેશ ઘેરાયેલો છે. આ સ્થિતિમાં કોઈપણ બાબતે રાજકારણ રમવાની નીતિનો ત્યાગ કરી વિપક્ષોએ પણ સરકારની પડખે ઊભા રહેવાની જરૂર છે.

દેશની વર્તમાન સ્થિતિ અભૂતપૂર્વ છે. અંગ્રેજોએ ખાલી કરી નાંખેલો દેશ આપણને સોંપ્યો ત્યારે પણ દેશની આર્થિક સ્થિતિ આટલી ખરાબ નહોતી. આજે જે ખરાબ આર્થિક સ્થિતિ છે એવી સ્થિતિ અગાઉ ક્યારેય ભારતને વેઠવી પડી નથી. કોરોનાએ તો સાવ દાટ વાળ્યો છે.

લોકડાઉનમાં ઝટ ન પૂરી શકાય એવું આર્થિક નુકશાન થયું છે. જે છે એજ સ્થિતિમાં જીવતા શીખીને આત્મનિર્ભર  થવું એટલું સહેલું નથી. કાપડ કરિયાણાની દુકાનો ચાલુ થઈ તો ગઈ છે પણ એને જોઈએ એવી ઘરાકી મળતી નથી !  આવકના અભાવે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. ઔદ્યોગિક ક્ષેત્રને પૂર્વવત ન કરી શકાય ત્યાં સુધી આ સ્થિતિ રહેશે. કામદારોના અભાવે ઔદ્યોગિક  ક્ષેત્ર  મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. 

મોટાભાગના કામદારો પાછા આવશે કે કેમ એ કહી શકાય નહિ !  મજદૂર કિસમના વર્કરો તો સ્થાનિક ક્ષેત્રમાંથી મેળવી શકાય પણ કારખાના માટે મંગાવેલા નવી પધ્ધતિના આધુનિક મશીનો નિષ્ણાંતો વગર ચલાવી શકાય નહિ,  અને એ મશીનો બંધ રહે તો ઉદ્યોગની સમગ્ર કામગીરી  ઠપ થઇ જાય. આધુનિક મશીનો ઓપરેટ કરતા એન્જિનીયર કક્ષાના નિષ્ણાતો પર પ્રાંતીય હતા જે બધા પોતપોતાના પ્રાંતમાં ચાલ્યા ગયા. લોકડાઉનમાં સૌથી વધુ તકલીફ એ લોકોને જ વેઠવી  પડી છે. 

આત્મનિર્ભરની દિશાએ સૌથી પહેલાં ઔદ્યોગિક ક્ષેત્રને પૂર્વવત ધમધમતું કરવાનાં ઉપાયો હાથ ધરવા પડયા. ઔદ્યોગિક ક્ષેત્ર ધમધમતુ થાય તો જ બજારો પણ ધમધમતા થાય. બજારોમાં પૈસા ફરતા થઇ જાય, ખરીદ શક્તિ વધે, ઘરાકી વધે ને એ બધું થાય તો જ આપણી નાણાકીય સ્થિતિ વિશેની ચિંતા થોડી ઘણી ઓછી થાય.

કોરોનાએ માનવીય જીવનધોરણને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ! કોઇ ક્ષેત્ર એની માઠી અસરથી અલિપ્ત રહી શક્યો નથી. લોકો ના છુટકે જ ઘરની બહાર નીકળતા હોવાથી બજારની ઘરાકીમાં મંદી દેખાય છે. લોકડાઉન હટાવી લીધા પછીની સ્થિતિને સરકારે 'અનલોક'  નામ આપ્યું છે. એટલે લગભગ ઘણાબધા ક્ષેત્રના તાળા ખુલી ગયા છે, પરંતુ શાળાકોલેજના દરવાજે હજી તાળા લટકી રહ્યાં છે.  વિદ્યાર્થી સંગઠનો દ્વારા માસ પ્રમોશનની માંગ થવા લાગી છે. જો કે સરકારે પણ માસ પ્રમોશનનું મન બનાવી લીધું છે, છતાં શિક્ષણ કાર્યને ચાલુ રાખવા ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે પરીક્ષા પણ ઓનલાઇન લેવાશે.

આમ તો માસ પ્રમોશન આપવાનું નક્કી હોવા છતાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યથી વેગળા થઇ અભ્યાસકાર્યથી જ વંચિત થઇ જાય તે કરતા ઓનલાઇન અભ્યાસની પ્રેકટિસ ચાલુ રહે એ સારૂ છે. પણ જો કે એ સંતોષકારક તો નથી ! વિદ્યાર્થી વ્યસ્ત રહે એ જ હેતુ સિવાય સંપૂર્ણપણે અભ્યાસનો હેતુ જળવાતો નથી. આ સ્થિતિમાં એક કામ થઇ શકે !  આ વર્ષ તો આખું બરબાદ જ થઇ જશે. પણ કોરોનામાંથી આપણને મુક્તિ મળી જાય અને શાળા કોલેજો રાબેતા મુજબ ચાલુ થઇ જાય તો અભ્યાસક્રમ ઘટાડીને એક વર્ષમાં બે વાર્ષિક પરીક્ષાનું આયોજન થઇ શકે.

અભ્યાસક્રમમાં પાયાની જરૂરિયાત સિવાયનો અભ્યાસ ઘટાડી દેવાય તો શિક્ષણનો ભાર પણ ઓછો થાય, અને શિક્ષકો પણ છ મહિનામાં જ વાર્ષિક પરીક્ષા ધ્યાનમાં રાખીને  ભણાવે. એ રીતે વિદ્યાર્થીઓ પણ છ જ મહિનામાં વાર્ષિક પરીક્ષા માટેની તૈયારી કરે. ઉપરાંત જરૂર પડે શાળા કોલેજમાં અભ્યાસક્રમના સમયમાં એક કલાકનો વધારો પણ કરી શકાય તો એક જ વર્ષમાં બે ધોરણની પરીક્ષા લેવાય અને તે વ્યવસ્થિત રીતે લઇ શકાય તો પાછલા વર્ષની ખોટ ભરપાઇ થઇ શકે ! 

મહામારી, ઇલાજ, હોસ્પિટલ, વિગેરે બાબતને બાજુ પર રાખીને બીજી રીતે વિચારીએ તો માણસના જીવનધોરણ પર પણ બહુ ગંભીર પ્રહાર થયો છે !  મહેફિલો સમેટાઇ ગઇ છે. જલસા ઉજાણી ગૂંચળુ વાળીને પડયા છે. માણસ એકલો પડી ગયો છે. એ કોઇને મળવા જઇ શકતો નથી, ને કોઇ એને મળવા આવતું  નથી !  સગાસંબંધી ઉપરાંત ભરચક  મિત્રો વચ્ચે જીવવા ટેવાઇ ગયેલો માણસ એકલો અટૂલો થઇ ગયો છે. ઉદાસ થઇ ગયો છે. રોજેરોજ દાઢી બનાવતો માણસ હવે દાઢી બનાવતાં પણ નિરાશા અનુભવે છે અને આઠ આઠ દિવસ સુધી દાઢી બનાવતો નથી!  પોતાની સ્વસ્થતા અને સુઘડતાને કરચલી પણ ન પડે એની કાળજી રાખતો માણસ આજે સાવ લઘર વગર થઇ ગયો છે.

એણે છેલ્લે ક્યારે પેન્ટમાં ખમીશ ખોસ્યું હશે એ પણ એને યાદ રહ્યું નથી! આવી  ઓગરાળી એકલતા  એણે જીવનમાં અગાઉ ક્યારેય અનુભવી નહિ હોય !  આટલી લાંબી એકલતા તો ક્યારેય નહિ ! નાટય અને સિનેમા થિયેટરો બંધ પડયા છે. એના કારણે થિયેટરના ડોરકીપરો વિગેરે બેકાર થઇ ગયા છે. ફિલ્માનુંં શૂટીંગ બંધ થઇ જતાં સ્પોટબોયથી માંડીને તમામ પ્રકારના ટેકનિશિયનો ઘેર બેસી ગયા છે. પોણાભાગની ફિલ્મ બની ગઇ હોય એ ફિલ્મમાં કરોડો રૂપિયા સલવાઇ ગયા છે, એવી તો કેટલીય અધુરી ફિલ્મો કરોડો રૂપિયા આંતરીને બેઠી છે. ફિલ્મ સ્ટુડિઓમાં લાખો રૂપિયા ખર્ચીને ઊભા કરેલા ભવ્ય સેટને જાળાં બાઝી ગયા છે. કોરોનાએ કોઇને છોડયા નથી ! 

માથે તલવારો  ઝળુંબે  છે ને બખ્તર મૌન છે, 

દુશ્મનો સરહદને લલકારે છે, 

લશ્કર  મૌન છે ! 

Tags :