Get The App

મૌસમ હૈ બારિશાના : ક્ષિતિજમાં અંબર ગગડયો, ઘન ગગન અષાઢી ઘોર ચડયો!

- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- વરસાદ રૌદ્ર અને રંગીન છે. એના ઝંઝાવાતી હિલ્લોળા હૈયાને કેવા કેફમાં ચકચૂર કરે છે, એનું ગ્લોબલ 'વર્ડ' ટ્રાવેલિંગ!

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
મૌસમ હૈ બારિશાના : ક્ષિતિજમાં અંબર ગગડયો, ઘન ગગન અષાઢી ઘોર ચડયો! 1 - image


હું સમંદરમાં હતો ને ઝૂમતો વરસાદ આવ્યો,

પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો.

વાછટે ખૂણે ખૂણે શોધી વળ્યો અમને ધરા પર,

ને પછી દેમાર દરિયે ઢૂંઢતો વરસાદ આવ્યો.

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,

ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

ઉમ્રની વેરાન દિશામાં ચઢી આવી ઘટાઓ,

સેંકડો ભમરાને ટોળે ગુંજતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,

જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

કિ સન સોસાની ભીની વરસાદી કવિતા અત્યારે ઘણાને યાદ આવે એમ નથી. એક બાજુથી કોરોના છે, બીજી બાજુથી આર્થિક સંકડામણ સામે ઝઝૂમવાની દોટ છે. એમાં રોમેન્ટિક થવું પોસાય એમ નથી. હવે રોમાન્સ બ્લ્યુ ચિપ શેર નથી રહ્યો જાણે! અમુક નકચઢા ભ્રમરકટ્ટાઓ માટે તો સૂફિયાના ઇશ્કની વાતો કરવી એ પણ દેશદ્રોહનો ગુનો છે, પણ એમણે ક્યાં અષાઢના પહેલા દિવસથી શરૂ થયેલું કાલિદાસનું 'મેઘદૂત' પણ વાંચ્યું છે?

જેમાં વરસાદી મોસમમાં વિરહી યક્ષ પોતાની પ્રિયાનું વર્ણન કરે છે : હરિણી પાસે તારા અચંબાથી પહોળા થયેલા નયન છે. ચંદ્ર તારો ચહેરો લઇ ગયો છે. મોરપીંછ પાસે તારા સુંવાળા કેશ છે. નદીની અલ્લડ લહેરો પાસે તારી ભુ્રકુટિ છે. વૃક્ષને વ્હાલથી ચસોચસ વીંટળાતી વેલ પાસે તારી કાયા છે. પણ હે મનમોહિની, પણ આ બધું એકમાં જ સમાયું હોય એવું તો કોઈ નથી. (અર્થાત્ હે સુંદરી, તું જ છો!) આને કહેવાય એપ્રિસિએશન ઓફ બ્યુટી વિથ નેચર.

અને એ જ કાલિદાસ 'કુમારસંભવ'માં ભીંજાયેલા યૌવનની સ્તુતિ શિવ-પાર્વતીના મિલનમાધ્યમે કરતા હોય એમ શ્લોક લખે : સ્થિતાઃ ક્ષણં પક્ષ્મસુ તાડિતાધરાઃ પયોધરોત્સે ધનિપાતપૂર્ણિતાઃ, વલષુ તસ્યાઃ સ્ખલિતાઃ પ્રપેદિરે ચિરેણ નાભિઃ પ્રથમોદબિન્દવઃ । અહા, રૂપાંગનાના ભીના જોબનનું માટીની સુગંધ મહેકાવી દે આસપાસ એવું વર્ણન. સંસ્કૃતમર્મજ્ઞા નૈયા જોશીનો અનુવાદઃ જળના પ્રથમ બિન્દુઓ થોડીવાર માટે તેની આંખોની પાંપણો પર રહ્યા. પછી નીચેના હોંઠથી ટક્કર ખાઈને સ્તનોની ઉંચાઈ (ગોળાઈ) પરથી પડવાને લીધે છિન્નભિન્ન થયેલા (પેટના) વલયો (કુદરતી પડતી રેખાઓ)માંથી લસરતા લસરતા (આમ માર્ગમાં વળાંકો વધુ આવ્યા હોઇને!) ઘણીવાર પછી નાભિમાં પહોંચ્યા!

અહા! આ સંસ્કૃતિનો વરસાદ છે ભારતની, જેમાં પલળ્યા વિના ઘણાના બદન કોરાકટ્ટ રહી જતા હોય છે. મેઘદૂતના માનીતા શબ્દ એવા યુગલત્વના એકાકાર થવાના 'રતિફલમધુ'ની છાલક એમની સહશયનને એક મિકેનિકલ એક્સરસાઇઝ બનાવી દેતી જીંદગીમાં નથી હોતી. એમાં લીલા તરણાં પર ટપકતાં ફોરાંને બદલે કોઈ કાટ ખાઈ ગયેલા મિજાગરામાંથી ટપકતું ચીકણું ગંદુ ગ્રીસ જાણે વધે છે. બે પકવ ફળ સમાન પુખ્ત નર-નારીને વરસાદમાં એકબીજાને ભેટવા કે ચૂમવા માટે ય જાણે કોઈ બ્રાઉન સુગરની પડીકી ખરીદી હોય કે હત્યાની લોહી નીંગળતી છરી છૂપાવી હોય કે માસૂમ પર વિકૃત ચેનચાળા સાથે બળાત્કાર કર્યો હોય કે સેના સુરક્ષાના કીમતી દસ્તાવેજો ચોરી લીધા હોય એમ અપરાધીની પેઠે નજર બચાવતા મળવું પડે છે. કોઈ માંડ મળેલા અંધારા ખૂણે કે ગંદાગંધાતા ઓરડે. આમાં મદહોશ માદકતા ન રહે. કર્કશ કામુકતા જ વધે.

આ કેવી અપસંસ્કૃતિ બનાવી કે છીછીપીપી ને લાશો જોવી ગુનો નહિ, પણ અનાવૃત દેહ કે ચુંબનઆલિંગનની કેલી-જે જન્મનું, અસ્તિત્વનું કેન્દ્ર છે. એ નિહાળવી પણ ગુનો! જ્યાં શૃંગારનું માધુર્ય કરમાઇને કડવું થાય છે, ત્યાં ચીપ પોર્નોગ્રાફીનો ઉકરડો સર્પીલ ફૂંફાડા નાખે છે! ઇરોટિકામાં ઇન્ટીમસી છે, પોર્નોગ્રાફીમાં પર્વર્ઝન છે.

એટલે સવા સદી પહેલાં જે અમર લોજીકલ, શુષ્ક ડિટેક્ટિવ શેરલોક હોમ્સનું પાત્ર ડૉ. આર્થર કોનન ડોઇલે સર્જ્યું, એની પાસે ય એક મઘમઘતી વાત રૂથલેસ હિસાબના આશિકોની આંખો ખોલવા બોલાવી છે. 'ધ નેવલ ટ્રીટી' નામની કથામાં શેરલોક હોમ્સ એક ઓરડામાં મહત્ત્વના રાષ્ટ્રીય દસ્તાવેજની ચોરી શોધવા માટે જાય છે. એની મૌન સંશોધનની પ્રકૃતિથી વિપરીત ઓરડામાં રાખેલા એક ગુલાબના ફુલને જોઇને તખ્તા પર એકટર સ્વગતોક્તિ બોલે, એમ મોનોલોગ બોલે છે. કેસ કે ક્રાઇમને એની સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. પણ હોમ્સ સરસ ખીલેલું ગુલાબ જોઈ એક અલૌકિક ટ્રાન્સમાં પહોંચીને કહે છે :

'વોટ એ લવિંગ થિંગ રોઝ ઇઝ!' કમરામાં બધા અચંબિત થઇ જાય છે, પણ એ પ્રકૃતિને બારી બહાર નિહાળતો હોય, એમ બોલવાનું ચાલુ રાખે છે : 'નકામી ચીજોની બાદબાકી કરવી એ જાણે (મારો) ધર્મ છે. એ તર્કશાસ્ત્રની નિષ્ઠુર તલવારનું વિજ્ઞાાન છે. આપણું જે કંઇ શુભ તત્વ છે, એ આ ફુલોમાં છે. બાકીની બધી જ વસ્તુઓ, શક્તિઓ, ઇચ્છાઓ, ખાણીપીણી એ આપણા અસ્તિત્વ ટકાવવાની લડાઇ છે. બટ ધિસ રૉઝ ઈઝ એન એક્સ્ટ્રા. એનો રંગ, એની સુગંધ.. આ ગુલામ જીવનની શરત નથી, પણ જીવનની શોભા છે. એટલે એ વધારાનું નથી. એમાં ઉત્સવની આશા ને આનંદ છે.''

આઈ બાત સમજ મેં? રહસ્ય અહીં એ છે કે દરેક ચીજ ઉપયોગીતાના તોલમાપમાં જોખી નથી શકાતી. એનો ઉમળકો - આવેશ હોય છે. બ્યુટી પણ એક લિજ્જત છે આ પૃથ્વી પરના ફેરાની. અને કળા એની પાંદડીઓ ઝાકળના ટીપાં છૂંદાઇ ન જાય, એવી નજાકતથી ઉઘાડે છે. રેઇન ઇઝ હાર્વેસ્ટ. જળ એ જીવન. ખેડૂત માટે આજીવિકા છે. વૉટરવર્કસ ડિપાર્ટમેન્ટ માટે કામગીરી છે. ડોકટર માટે તો અસ્તિત્વ જ છે શરીરનું. રસોઇ માટે સામગ્રી છે. પણ બરસાત ઇઝ નૉટ એબાઉટ જસ્ટ યુટિલિટી. ઈટ્સ એબાઉટ ઈટ્સ બ્યુટી. નિતાર હોય ત્યાં જ નિખાર હોય. આ ક્ષણની રમત છે.

એટલે ભડલી જેવા દૂહાઓ વરસાદના અભાવની તડપ વર્ણવે છે : 'દા'ડે કરે ડાકમડાળ, ને રાતે કાઢે તારા એ છપ્પનિયાના ચાળા!' મતલબ, દિવસે સૂરજ ન નીકળે એવા વાદળા છવાયેલા રહે, ને ગડગડાટી થતી રહે પણ રાત્રે પવનમાં વાદળા વીખેરાઇ જાય, તો તારા દેખાવા લાગે એમ વરસાદની 'હાઉકલી' કરીને પજવે તો એ છપ્પનિયા જેવા દુકાળની નિશાની છે!

કથ્થાઇ દુકાળ કરતાં લીલો દુકાળ સારો! પાણી પડે એને પહોંચાય, ન પડે તો કોઇ વિકલ્પ ન રહે. એટલે શાયરીઓ વરસાદમાં ઊડતી છત્રીની જેમ મોબાઇલમાં આમથી તેમ ફંગોળાય છે : કભી બરસતે મેઘ સે, દિલ કી બાતેં બોલ, ભીગ જરા બરસાત મેં છાતે કો મત ખોલ! ટીચર જનક પરમાર પાઠ ભણાવે છે એમ ''આ દુનિયામાં દરેકનો એક પોતીકો વરસાદ હોય છે. જેને (વરસવા માટે) કોઇ ચોમાસાંની જરૂર નથી હોતી. પણ હા એ પોતીકો માણી શકતી વ્યક્તિ ચોમાસાને બીજા કરતાં વધુ અનુભવી શકતી હશે, એવું મને લાગે છે! પ્રેમ કરવા માટે કુદરતથી વધુ ઉત્તમ પ્રેમી નથી જગતમાં. એ ક્યારેય દગો ન દે, ન એકલા પાડે. એ સતત વાતો કરે, તમારી સાથે જો તમને સાંભળતા આવડે તો. વરસાદી વાયરા અનુભવ્યા છે? ચહેરાને અડીને ઉડતો પવન તમારા ગાલને સ્પર્શ કરતો હોય છે. વાળને નશીલા પ્રિયજનની જેમ રમાડતો હોય છે. ને પછી ધોધમાર તૂટી પડતો હોય છે. આપણને ઝીલતા નથી આવડતો ને એને સહન કરવાની ક્ષમતા નથી, એટલે આપણે વરસાદને દોષ દઇએ!''

આ છે પર્જન્ય, આ છે બલાહક. એમાંથી આવે છે સૌરભ, પરિમલ. એમાં ઠલવાય છે વ્યોમ, વિતાન, એનો સંભળાય રવ, નિનાદ. અને આમ ભાષા શણગારે છે વીજળીના વ્હાલાને!

અંગ્રેજીમાં વરસાદને રેઇન કહેવાય, અને હિન્દીમાં રાતને. ને વરસાદી રાત જામી હોય લોકડાઉનમાં હમ તુમ કમરેમેં બંધ હોનું અનલોક રચાતું હોય ત્યારે કોઇ ગુમનામ લોકકવિ કેવો દૂહો વારસામાં મૂકતો ગયો છે? પહેલો પહોરો રેનરો, દીવડાં ઝાકમઝોળ... પિયુ કાંટાળો કેવડો, ધણ્ય કંકુની લોળ! સંસ્કૃત શું, તળપદી ભાષાની ય ખબર નથી હાકોટા હૂડદંગીઓને. સદીઓ પહેલાનો કોઇ રસિકડો ગાઇ ગયો રેન યાને રાતનો પહેલો પહોર છે, હજુ રાત જામતી આવે છે.

એમાં અંધારું હોવા છતાં શય્યાસાથીઓને આશ્લેષ - ચુંબનથી બત્રીસ કોઠે દીવા ઝળહળે છે. ને પુરૂષ જરા બરછટ પણ મહેકતો હોય મસ્તીની ગંધમાં એટલે કાંટાળો કેવડો (વન ટાઇપ ઓફ ફ્લાવર લવ્ડ બાય મહાદેવજી, યુ સી!) અને 'ધણ્ય' એટલે ધણિયાણી. પત્ની. સંગિની. એ કંકુની લોળ. હવે બહુ મૂળિયાની વાતો કરતા મૂળાઓને કહો કે લોળનો અર્થ શું થાય? લોળ એટલે ચામડી પર પડેલા સોળ. યાને ફટકા પડે ને લાલચોળ લીટીઓ થઇ જાય એ! પ્રણયરંગઉમંગતરંગમાં 'વાઇલ્ડ લવમેકિંગ'માં હુસ્ન પર એ રતુમડાં સોળ, ચાંઠા પડયા છે. જે લવ સાઈન્સ દુઃખી કરવાને બદલે સુખી કરે એવી છે! ને કાવ્યતત્વની ખૂબી એ છે કે એ લાલ રંગ ભયનો નથી, આનંદનો છે. એ ડોમેસ્ટિક વાયોલન્સ નથી, રોમેન્ટિક એલાયન્સ છે એટલે ઉપમા 'કંકુ'ની  લાલાશ તણી સૌભાગ્ય સૂચવતી આપી છે!

અને અમેરિકન પૉએટ વૉલ્ટ વ્હીટમેન વરસાદી મોસમની જાદૂઇ છડી જેવા લીલાછમ ઘાસને 'તરૂણાઇની છાતીમાંથી ફુટેલા તરણા' કહીને યૌવનની નિશાની સમજે છે. લખે છે : જ્યાં સુધી એક કૂણી કૂંપળનો અંકુર ધરતીમાંથી પ્રગટે છે. ત્યાં સુધી મૃત્યુ નથી. જેને મૃત્યુ કહીએ છીએ એ અંત નથી. આ ઘાસ ધબકતું જીવતર છે. જે દેખાડે છે કે કશું નાશ પામતું નથી. ડેથ ઇઝ નૉટ એ કૉલપ્સ. કશું તૂટતું નથી એમાં. બસ આગળ વધુ વિસ્તાર પામે છે. ઓનવર્ડ એન્ડ આઉટવર્ડ. યસ, પ્રલય-નિર્માણની કીમિયાગરની - કારીગરીનો ચીફ એન્જીનીઅર છે : વરસાદ!

એટલે જ ગુરૂદેવ રવિબાબુએ એમના શિશુકાવ્ય 'તવે આમિ જાઇ ગો મા જાઇ'માં મરતાં બાળકનું માતાને આશ્વાસન લખ્યું, એનો ઝવેરચંદ મેઘાણી (હુ ઍલ્સ?)નો લાજવાબ અનુવાદ વાંચવા જેવો છે : આવજો આવજો વા'લી બા, એક વાર બોલ ભાઇ તું જા! ને એમાં મૃત્યુના બિછાનેથી બાળક વ્હાલસોયી માને કહે છે : અષાઢી રાતની મેહુલિયા ધારનું ઝરમર વાજું વગાડું, રે મા, ઝરમર વાજું વગાડું... બાબુડિયા બેટડાને સંભારી જાગતી, માડી! તુંને મીઠડી ઉંઘાડું હો મા! માડી હું તો વીજળીનો ઝબકારો, કે જાળીઓથી 'હાઉક' કરી જૈશ હું અટારો... આવજો આવજો વા'લી બા!

હા, વરસાદી વીજકડાકામાં આ કલાસિકલ ભયનું સામ્રાજ્ય એની અંધારપછેડી ફગાવીને સામે આવે છે. વીજળી ઝબૂકતી હોય એ નયનરમ્ય દ્રશ્ય હોય છે. પણ દૂરથી જોવામાં. એમાં રોશની છે, પણ કાળઝાળ. એમાં ધ્વનિ છે, પણ વિકરાળ! એ સંકેત આપે છે. આપણા કાબૂ બહારની નીયતિનો! એ ચમકારા નથી, અસ્તિત્વના પડકારા છે. કાળાડિબાંગ ઘેઘૂર ઘનઘોર - વાદળો બ્રાઈટનેસને રોકી લે છે. ઉજાસને ગળી જાય છે. ભીષણ અંધારું ફેલાતું જાય છે, તોફાનના તાંડવ તણા પગરવ સાથે. કાળદેવતાની જીભ નાગણની જેમ લબકારા મારે છે. તુચ્છતાનો અહેસાસ કરાવતો એ ધણધણતો અવાજ ને જાણે હૃદયમાં શિરા-ધમની લોહીથી ફૂલાઈ હોય એવા આકારવાળી કમનીય છતા કાતિલ, દેખાવડી છતાં દાહક, સુંદર છતાં સળગતી, રૂપાળી છતાં રક્તપિપાસુ વીજળી!

એ દિલની જેમ જ યાદ કરાવે છે, જે જીવનમાં તૂટયું છે એને. જે ખૂટયું છે એને. પેલો ડર જે વરસાદી માહોલ સાથે ચક્રવ્યૂહ રચતો આવે છે. એ જ ભય આપણે મૌન ધડકનમાં અનુભવ્યો છે. કોઈ વ્હાલાના વિચ્છેદ કે વિદાય કે વિરહ વખતે. આ એનો રિમાઈન્ડર છે. એટલે બોઝિલ બીકની ઉદાસીના ઉઝરડા ઘણીવાર ઘેરી વળે છે. ખામોશી ખતરનાક હોય છે મોતની. 

આ ગાજવીજ ધડાકાભડાકા સાથે ધબધબાટી મચાવતો મેહુલિયો ક્યાંક જીવનની સાથે ભગવદ્ગીતાની જેમ કરાલકાલ મૃત્યુની ય યાદી કરાવે છે!

એ ભૂલવા માટે, એ વિનાશ આવે એ પહેલા બાહુપાશ ભોગવી લેવા માટે રેઈન રોમાન્સ છે. એમાં ગૂંજી ઉઠે બારિશની બૂંદો સાથે કોઈ કલાસિક તરાનાની સરગમ : ઈઠલાતી હવા, નીલમ કા ગગન, કલિયો પે યે બેહોશી કી નમી... ઐસે મેં ભી ક્યૂં, બૈચેન હૈ દિલ, જીવન મેં ન જાને ક્યાં હૈ કમી... ઐસે મેં કહીં ક્યા કોઈ નહીં? ભૂલે સે જો હમકો યાદ કરે, ઈક હલકી સી મુસ્કાન સે જો, સપનો કા જહાં આબાદ કરે?... યે રાત ભીગી ભીગી, યે મસ્ત ફિઝાયેં, ઉઠા ધીરે ધીરે વો ચાંદ પ્યારા પ્યારા...

શૈલેન્દ્રે બે એકલતાને સહિયારા એકાંતમાં ફેરવી નાખી છે અહીં! આ એવી રેશમી, મખમલી, સિલ્કી ક્ષણોનું બયાન છે, જ્યાં મેઘધનુષ આંખોમાં રચાઈને સ્ત્રીના અંબોડે કે પુરૂષની મૂછે (ભલે, પ્રેકટિકલી એ ન હોય તો ય) પરોવાઈ જતા હોય છે. જીવન કોઈ વાઈરસના કોળિયે પુરૂ થઈ શકે છે, એનો ગમ નથી. એ પહેલા આવી આસમાની બાદલોમાં પહોંચાડતી સૈર ન કરી હોય, તો એ રૂદનના ખારા આંસુની વર્ષા થાય છે. કિનારા દૂર સરે છે, ને ભેખડો વિષાદની ધસી પડે છે.

ઈરશાદ કામિલે લખેલું મુંબઈ કી બારિશ ઔર જીદ્દી લડકી અકસર રૂકતી નહીં આસાની સે! જી હા, જે આમ ઘડી તડકો, ઘડી છાંયમાં આવે ને 'વયો' જાય, એ છાંટુડિયા, ઝરમરિયા, પણ વરસાદ તો એકરસ ભીંજવી નાખે. મેલને ધોઈને શહેર ચોખ્ખુંચણાક કરી નાખે.

અંબુવાહ મેઘને મેઘદૂતમાં સાધુ, સુભગ, સૌમ્ય અને આયુષ્માન કહેવાયો છે. વરસ્યા પછીના ઘાટા નીલ અંબરમાં મદમત્ત લહેરખીઓ લટને અડપલાં કરે ત્યારે મૃણ્મય યાને માટીની ફોરમ ફોરાંથી ફોયણામાં પ્રવેશે ને ટાગોર ગાઈ ઉઠે : મન મોર મેઘો સંગે, ઉડ ચલે દિગદિગેન્તેર પ્રાંતે!

વાદળો વિરાટના પંખીના માળા છે. બાસુ ચેટર્જીની - સ્વામી ફિલ્મ માટે શબાના પર મજરૂહના શબ્દો રાજેશ રોશને મઢેલા, એ સાંભળજો : પલ ભર મેં યે ક્યા હો ગયા... વો મૈં ગઈ, વો મન ગયા... ચુનરી કહે, સુન રી પવન, સાવન લાયા અબ કે સજન... દિન ભર મુજે યૂં સતાયે, તુમ બિન રહા નહીં જાયે!... આઈ બહારે સિમટ કે, કહને લગી વો લિપટ કે, ચોરી ચોરી ચલો ગોરી, થામ કે બંય્યા મોરી! તો, સહો નહિ, બહો-વહેવાની ઋતુ છે! (શીર્ષક : ત્રિભુવન વ્યાસ)

ફાસ્ટ ફોરવર્ડ

જીવન તોફાની વરસાદના બંધ થવાની પ્રતીક્ષા નથી, એમાં મસ્તીથી નાચવાની દીક્ષા છે!

(વિવિયન ગ્રીસ)

Tags :