યોગ વિદ્યા ચેતનાની સ્થિતિમાં પરિવર્તન લાવી અનેકવિધ ચમત્કારો સર્જે છે!
- અગોચર વિશ્વ- દેવેશ મહેતા
- રામાયણ અને પુરાણોમાં ઉલ્લેખ છે કે ભરતે અયોધ્યામાં થનાર સત્તા વિગ્રહ, કૈકેયીની માગણીઓ અને દશરથના મરણનું ભવિષ્ય દર્શન સ્વપ્નમાં કરી લીધું હતું
'જીવો અનન્ત બલોપેતઃ પિતાલૌકિક શક્તિમાન્ ।
વર્તનો તસ્ય સન્ત્યેતાઃ દાસ્યશ્ચ ઋદ્ધિ સિદ્ધયઃ ।।
જી વ અને શક્તિયુક્ત અને અલૌકિક શક્તિઓનો પિતા છે. ઋદ્ધિઓ અને સિદ્ધિઓ એની દાસીઓ છે.' ત્રિશિખ બ્રાહ્મણોપનિષદ પણ દર્શાવે છે કે જે લોકો આ સ્થૂળ, સૂક્ષ્મ અને અન્ય પ્રકારથી બનેલા વિશ્વને ભગવાનનું રૂપ માને છે અને એની પોતાના હૃદય-કમળમાં આરાધના કરે છે તે પણ તે રૂપ અને પ્રભાવથી મંડિત થઇ જાય છે અને આણિમા, લધિમા, મહિમા વગેરે અષ્ટ સિદ્ધિઓને અનાયાસ પ્રાપ્ત કરી લે છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ઉદ્ધવજીને કહે છે - 'મયિ યુજ્જતો ચેત્ મનઃ ઉપતિષ્ઠન્તિ સિદ્ધયઃ - હે ઉદ્ધવ ! મારી અંદર પોતાનું ચિત્ત એકાગ્ર કરનાર પાસે સિદ્ધિઓ આપમેળે સામેથી આવીને પ્રાપ્ત થઇ જાય છે.' યોગ સિદ્ધિઓનું વિવરણ કરતાં ભર્તૃહરિ કહે છે - જ્યારે ચિત્તમાંથી રજોગુણ અને તમોગુણ દૂર થઇ જાય છે અને ઇશ્વરીય, દિવ્ય પ્રકાશની સ્થિરતા આવી જાય છે તે સમયે ભૂતકાળ અને ભવિષ્યકાળની ઘટનાઓ ચિત્રપટની જેમ સ્પષ્ટ દેખાવા અને સંભળાવા લાગે છે.
રામાયણ અને પુરાણોમાં ઉલ્લેખ છે કે ભરતે અયોધ્યામાં થનાર સત્તા વિગ્રહ, કૈકેયીની માગણીઓ અને દશરથના મરણનું ભવિષ્ય દર્શન સ્વપ્નમાં કરી લીધું હતું. પ્રાચીન ટેસ્ટામેન્ટમાં દર્શાવાયેલી એક ઘટનાથી સિદ્ધ થાય છે કે આ પ્રકારનું ઇન્દ્રિયાતીત જ્ઞાાન જાગૃત અવસ્થામાં પણ થઇ શકે છે અને કોઇની અંદર વિચાર સંચાર પણ કરી શકાય છે. એક વખત રાજા વેલ સજ્જાર એમના મહેમાનો સાથે ભોજન લેવા બેઠા હતા, તે વખતે તેમને એવું દેખાયું કે એમની સામેની દીવાલ પાસે કોઇનો હાથ કંઇક લખવા માટે ફરી રહ્યો છે. તેણે દીવાલ પર થોડા શબ્દો લખાયેલા વાંચ્યા. આ બાબતની જાણ ભવિષ્ય વેત્તા ડેનિયલને કરવામાં આવી.
તેણે તેની ભવિષ્યદર્શનની શક્તિથી જોઇને કહ્યું - 'રાજાનું રાજ્ય અને જીવન બન્ને ભારે ખતરામાં છે.' તે જ પ્રમાણે બન્યું પણ ખરું. બીજા દિવસની સવાર પડે તે પહેલાં જ રાજા વેલસજ્જારની હત્યા કરી નાખવામાં આવી અને ડોરિસ નામના ઉચ્ચ પદાધિકારીએ રાજસત્તા પર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરી દીધો. ભૂતકાળમાં બનેલી કે ભવિષ્યમાં બનનારી ઘટના કોઇને કોઇ માધ્યમ કે સાધન થકી ખાસ પ્રકારની ચૈતસિક અવસ્થા દરમિયાન દેખાવા લાગે છે. કોઇને રાત્રિ-સ્વપ્ન કે દિવા-સ્વપ્ન કેદિવા-સ્વપ્નમાં, કોઇને ગ્રહો, હસ્તરેખા કે ક્રિસ્ટબલ બોલ જેવા સાધનોના માધ્યમથી પ્રસ્થાપિત ચેતનાની રૂપાંતરિત દશામાં આવિર્ભૂત થયેલ કાલાતીત અતીન્દ્રિય દર્શનથી ભૂતકાળ કે ભવિષ્યકાળની જાણકારી થઇ જાય છે.
અરબસ્તાનના તત્ત્વચિંતક અને યોગી અલજહીર યોગ તરફ આકર્ષાઈને બૌદ્ધ યોગીઓની પાસે સાધના અર્થે રહ્યા હતા. તેમણે એક સમર્થ લામા યોગી પાસે રહી યોગનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન એક દિવસ તે તેમના ગુરુ તથા અન્ય લામા યોગી-સાધુઓ સાથે વનવિહાર કરી રહ્યા હતા. અલ-જહીરની યોગ સંદર્ભે પ્રારંભિક અવસ્થા હતી. આત્મ-શક્તિ, આત્મ-અનુભૂતિ, ચેતનાની પરિવર્તિત દશા, યોગસિદ્ધિના ચમત્કાર આ બધી બાબતોની ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. અલ-જહીરે આ બધું પહેલાં સાંભળ્યું તો હતું પણ એને પ્રત્યક્ષ નિહાળ્યું નહોતું. એમના મનમાં યોગશક્તિનો ચમત્કાર જોવા મળે તો કેવું સારું તેવા વિચારો ચાલી રહ્યા હતા. લામા ગુરુએ તેમના વિચારો વાંચી લીધા.
તે લોકો જળપાન કરી વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે વડા લામા ગુરુએ, ત્યાં પડેલો એક સફેદ ચળકતો પથ્થર પોતાના હાથમાં ઉઠાવીને કહ્યું - 'જે આત્મા શરીરના કણે કણમાં વ્યાપ્ત છે તે બ્રહ્માણ્ડના અણુએ અણુમાં પણ વ્યાપ્ત છે. જડ-ચેતન બધામાં બધે જ અને બધો સમય એ વિદ્યમાન છે. તમે ધારો તો આકાશ અને સમયથી અતીત એ પરા ચેતનાની આત્મસત્તા આ પથ્થરમાં પણ જોઈ શકો છો. પણ એ બધાને માટે બધો સમય જોવાની સ્થિતિ હોતી નથી. એ માટે ખાસ યૌગિક પ્રક્રિયા કરવી પડે છે.
હું તમારામાં એ યોગ્યતા પ્રગટ કરું છું. હું કહું તેમ તમે કરતા રહો.' અલ-જહીરે એ પથ્થર સામે ત્રાટક કરતા હોય તેમ અનિમેષ નજરે જોવા માંડયું અને તેમના ગુરુ જેમ કહેતા ગયા તેમ કરવા માંડયું. લામા યોગી ગુરુએ તેમની બન્ને ભ્રમરોની વચ્ચે પોતાની હથેળી દબાવી એમનું આજ્ઞાાચક્ર જાગૃત કર્યું. અલ-જહીરની બાહ્ય ચેતના જ્ઞાાન શૂન્ય થવા લાગી અને તે પ્રગાઢ નિદ્રા અને સુષુપ્તિ જેવી સ્થિતિનો અનુભવ કરવા લાગ્યા. તે વખતે અનુભૂતિનું એક નવું આયામ ખૂલ્યું હોય તેમ અલ-જહીરને લાગ્યું. સામાન્ય વ્યક્તિ જેમ સ્વપ્નમાં ઘટનાઓ જુએ તેમ અલ-જહીર યોગનિદ્રામાં અતીન્દ્રિય રીતે ભૂતકાળની ઘટનાઓનું દર્શન કરવા લાગ્યા. તેમને તેમના પૂર્વજન્મના પ્રસંગો દેખાવા લાગ્યા. અલ-જહીર તેમના પુસ્તકમાં લખે છે -
'હવે મેં મારા પોતાના ચાર જન્મ પહેલાના જીવનમાં પ્રવેશ કર્યો છે. અત્યારે મને ૬૨મું વર્ષ ચાલી રહ્યું છે. હું કાળી આંખો ધરાવતો એક યોગી છું. હું મોંગોલિયામાં જ મારા મઠમાં બેઠેલો છું. મારી બાજુમાં મને એક સુંદર યુવાન સ્ત્રી બેઠેલી દેખાઈ રહી છે. રૂપરૂપના અંબાર સમી એ નવયૌવનાને જોઇને હું તેના તરફ પ્રબળ આકર્ષણ અનુભવ કરી રહ્યો છું. તે મારા તરફ પણ આકર્ષાય છે. હું મારું જ્ઞાાન અને સાધના ભૂલીને એના મોહપાશમાં બંધાઈ જઉં છું. સાંસારિક માયા-મોહમાં બંધાઈ જવાથી હું યોગભ્રષ્ટ બનું છું. વિષયાસક્તિ અને વિકારોથી યુક્ત થવાથી હું રોગ અને શોકનો ભોગ બની આધિ-વ્યાધિ-ઉપાધિગ્રસ્ત થઇ મરણ પામું છું. પણ એ જન્મમાં એ યુવતીના આગમન પૂર્વે મેં સાધેલા યોગના સંસ્કારો જળવાઈ રહેવાથી જ આ જન્મમાં મને એ અધૂરી સાધના પૂરી કરવા અત્રે અહીં મારું આગમન થયું છે એવી અનુભૂતિ થઈ રહી છે. આત્માના અસ્તિત્વ વિશે હવે હું માનવા લાગ્યો છું.
ભારતની આત્મવિદ્યા એ યોગશાસ્ત્ર એ ગહન વિજ્ઞાાન જ છે. ભારતીય આત્મ-વિજ્ઞાાન જેવું મહાન વિજ્ઞાાન જગતમાં બીજું કોઈ છે જ નહીં. એક દિવસ આખી દુનિયાને આ તથ્યનો સ્વીકાર કરવો જ પડશે. મારા ગુરુએ દર્શાવેલી યોગ-પ્રક્રિયા દ્વારા આત્મ-સાધનામાં હું જેટલો આગળ વધતો ગયો અને ઊંડો ઉતરતો ગયો તેમ મારી પણ ચેતનાની અનુભૂતિ પ્રગાઢ થતી ગઈ. મને બ્રહ્માંડના અનેકવિધ લોકના દર્શન થયા. એ પછી હું પાછો આ જન્મમાં આવી ગયો. અનેક જન્મોના અનેક પ્રસંગો જોયા પછી છેલ્લે મારી જન્મભૂમિ એવા અરબસ્તાન એ મકાનના દર્શન કર્યા જ્યાં હું મારી માતા, પત્ની અને બાળકો સાથે રહેતો હતો.'
યોગી શ્રી શ્યામાચરણ લાહિડી ગૃહસ્થી હતા અને નોકરી કરતા હતા ત્યારે તેમની તે મુરાદાબાદમાં એમના એક મિત્રને ત્યાં રોકાયા હતા. તે વખતે મિત્રના પરિવારે અલૌકિક શક્તિનો ચમત્કાર પ્રત્યક્ષ બતાવવા વિનંતી કરી. લાહિડી મહાશયે ધ્યાનસ્થ થઇ એમના ગુરુ મહાવતાર બાબાને પ્રગટ થવા આહ્વાન કર્યું. તે સમયે એક પ્રકાશ વર્તુળ ઉત્પન્ન થયું. એમાંથી તેમના ગુરુ પ્રગટ થયા તેમની બધાની સાથે વાતચીત પણ કરી. એ પ્રાગટય સામૂહિક સંમોહન નથી એ સાબિત કરવા યોગિરાજ મહાવતાર બાબાએ એમના હાથનો સ્પર્શ કરી તેની ખાતરી કરવા પણ અનુમતિ આપી. એ સત્ય જણાતા બધાએ યોગશક્તિનો સ્વીકાર કર્યો હતો.