Get The App

શિયાળામાં દુખતા ઘૂંટણ માટે 'ઓસ્ટિઓ ડાયેટ'!

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
શિયાળામાં દુખતા ઘૂંટણ માટે 'ઓસ્ટિઓ ડાયેટ'! 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- ખાસ કરીને આર્થરાઇટિસના દર્દીઓ અને ખુલ્લામાં દોડતાં રમતવીરને આવી તકલીફ વિશેષ જણાય છે

શિ યાળામાં ઘૂંટણ કે ઘૂંટી દુખે છે ત્યારે ભગવાન યાદ આવી જાય છે. હવાનું દબાણ એટલે કે બેરોમેટ્રીક પ્રેસર તમારા શરીર પર ઓછું થાય છે એટલે તમારા શરીરની પેશીઓ ફૂલે છે જે સાંધાના દુખાવા માટે જવાબદાર છે. સાંધાની વચ્ચે કુશનનું કામ કરતુ પ્રવાહી (સાઈનોવિઅલ ફ્લુઇડ) ઠંડીને કારણે ઘટ્ટ થવા માંડે છે. આ ઘટ્ટ પ્રવાહી ગતિને રોકે છે અને સાંધાનો દુખાવો થાય છે. એક અભ્યાસ પ્રમાણે એકવાર હાડકાની તકલીફ થયા પછી જ્યારે શિયાળો આવે ત્યારે તે તકલીફ વધે છે. એટલે શિયાળામાં ખાસ પ્રકારના આહાર અને વ્યાયામથી પીડામાં રાહત મેળવી શકાય છે.

જેમને શિયાળામાં સાંધા દુખવાની તકલીફ થાય છે તેમણે આહારમાં કેલ્શ્યમયુક્ત શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ. પાલકમાં વિવિધ વિટામિનો, ક્ષાર ઉપરાંત કેલ્શ્યમ હોય છે તમે પાલકનું શાક કે સૂપ લઇ શકો. પરાઠા કે દાળમાં પણ તેને ઉમેરી શકો છો. પાલકને સલાડમાં પણ ભેળવી શકાય છે. પાલક પનીરનું કોમ્બો તો કેલ્શ્યમ પાવરહાઉસ ગણાય છે.

સોયાબીન એ પ્રોટીનનો જોરદાર સ્ત્રોત છે તે હાડકાંને પણ મજબુતાઈ આપે છે. તમે સોયામિલ્ક પી શકો. સોયામમરા પણ ખાય શકો. સોયાને વેજીટેબલ શાકમાં પણ ઉમેરી શકો. આખુ અનાજ, બીન્સ અને લેન્ટિલ્સને પણ ખોરાકમાં ઉમેરી શકો છો. તે તમારા હાડકાંને મજબુત રાખશે અને શરીરને પણ ચૂસ્ત રાખશે. કેલ્શ્યમનો શ્રેષ્ઠ સ્ત્રોત હોય તો તે સૂકા મેવા છે. બ્રાઝીલ નટ અને પીસ્તા તમારે શિયાળામાં ખાસ ખાવા જોઇએ. કમળના બીજ, તુકમરીઆ, કોળાનાં બીજ, અને તલમાં પણ કેલ્શ્યમની માત્રા વિશેષ હોય છે. તમારા હાડકાં છિદ્રાળુ થઇ ગયા હોય તો અખરોટ, બદામ પણ રાત્રે પલાળી સવારે લઇ શકાય. તમે આ સ્વાદિષ્ટ મેવા નિયમિત લેતા હો તો ઓસ્ટીઓપોરોસિસથી બચી શકશો. એનાથી હાડકાં સરળતાથી તૂટતા નથી. બ્રોકોલ્લી બીટરૂટ જેવા શાકભાજી પણ તમારે આહારમાં લેવા જોઇએ. તે કેલ્શ્યમથી ભરપુર હોય છે. સિઝન પ્રમાણે લીલાં શાકભાજી લેતા રહેવું જોઇએ.

દૂધ તો સંપૂર્ણ આહાર છે. હાડકાંને મજબૂત બનાવવા તમે દિવસ દરમ્યાન ૨-૩ વાર દૂધ પી શકો છો. શિયાળામાં લીલી હળદરવાળુ દૂધ ભૂલાવું ના જોઇએ.

શિયાળામાં સાંધા દુખતા હોય તો સાથે વ્યાયામ પણ કરવું જરૂરી છે. તમારે ફિઝિઓથેરાપી વડે સાંધાની ઉપરના અને નીચેના મસલ્સ મજબુત કરવા પડશે. એનાથી ઘૂંટણની પીડા ઓછી થશે. આ માટે સર્ટિફાઇડ ફિઝીઓથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ કસરત કરવી જરૂરી છે. કસરતની ખાસ ટેકનીક તેઓ તમને બતાવશે જે માસ્ટર કી છે.

તમે સૂક્ષ્મ વ્યાયામ અને મસાજ પણ અપનાવી શકો છો. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તમે વાયુનાશક પદાર્થનું સેવન ખાસ શિયાળામાં કરી શકો છો. સૂંઠ, મેથી શિયાળામાં દરેક ઘરે જમાવટ કરે છે.

સાંધાનો દુખાવો ના થાય એ માટે થોડી તંદુરસ્ત ટેવો પાડવી જરૂરી છે જેમાં (૧) શિયાળામાં હૂંફાળા રહેવું (૨) સક્રીય રહેવું (૩) યોગ્ય આહાર લેવો (૪) વજન હેલ્થી રાખવું (૫) પગના મસલ્સ ટેન્ડન અને હાંડકાંને તાકાત આપવી. શિયાળામાં જ સાંધા દુખવાની વાત રહસ્યમય છે. તેને માટે સંશોધકોએ વિવિધ થીઅરી રજૂ કરી  છે. ખાસ કરીને આર્થરાઇટિસના દર્દીઓ અને ખુલ્લામાં દોડતાં રમતવીરને આવી તકલીફ વિશેષ જણાય છે. શિયાળામાં જોગિંગ કે દોડવાની કસરત માટે પહેલાં વૉર્મઅપ કરો. ઘરેથી સ્પીડ વધારો. છેવટે કુલડાઉન કરો અને સ્ટ્રેચ કરી વ્યાયામ પૂરો કરો અને હા, વસ્ત્રોના બેત્રણ આવરણ (લેઅર્સ) પહેરવાનું ભૂલશો નહીં.