Get The App

વલ્લભભાઈએ ધર્મશ્રદ્ધાને બુદ્ધિ અને તર્કની એરણે ચઢાવી

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈએ ધર્મશ્રદ્ધાને બુદ્ધિ અને તર્કની એરણે ચઢાવી 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- ઝવેરભાઈનું જીવન જેટલું ધાર્મિક, એટલું જ વલ્લભભાઈનું બિનસાંપ્રદાયિક. ઝવેરભાઈ જેટલાં સંતભક્ત, વલ્લભભાઈ એટલાં જ તર્કબદ્ધ. ઝવેરભાઈ જેટલાં નિ:સ્પૃહી, વલ્લભભાઈ એટલાં જ આગ્રહી અને આક્રમક

- વલ્લભભાઈનો બોરસદ વકીલાતકાળનો એ સ્વામિનારાયણ ધર્મનો કોર્ટ કેસ ખૂબ જ ઐતિહાસિક, અનોખો અને અણધાર્યો હતો

મ હાદેવભાઈ દેસાઈએ લખેલાં 'વીર વલ્લભભાઈ' પુસ્તકમાં વલ્લભભાઈ અને તેમના પિતાજી ઝવેરભાઈ માટે જે વર્ણન લખાયું છે, એ આપણને તે બંનેની સાચી અને આંતરિક ઓળખ તરફ લઈ જાય છે. ઝવેરભાઈનું જીવન જેટલું ધાર્મિક, એટલું જ વલ્લભભાઈનું બિનસાંપ્રદાયિક. ઝવેરભાઈ જેટલાં સંતભક્ત, વલ્લભભાઈ એટલાં જ તર્કબદ્ધ. ઝવેરભાઈ જેટલાં નિ:સ્પૃહી, વલ્લભભાઈ એટલાં જ આગ્રહી અને આક્રમક. 

મહાદેવભાઈ દેસાઈએ લખ્યું છે કે 'ડોસા(ઝવેરભાઈ) સ્વામિનારાયણના મહાભક્ત હતા. ૪૫ વર્ષની ઉંમર પછી તો ઘેર માત્ર એક વેળા જમી જાય, સૂવા બેસવાનું સ્વામિનારાયણ મંદિરમાં જ રાખ્યું હતું. ૯૨ વર્ષ તેઓ જીવ્યા, પણ વડતાલની યાત્રા તો તેમની હંમેશા ચાલ્યા જ કરતી. વલ્લભભાઈ પણ વડતાલ અનેકવાર ગયેલાં અને ૧૭ વર્ષના થયા ત્યાં સુધી નિરાહારી એકાદશી વિનાનું એકે વર્ષ નહીં ગયુ હોય.'

પરંતુ બોરસદના વકીલ વલ્લભભાઈએ પોતાની આ સ્વામિનારાયણ યાત્રાઓ કે એકાદશીઓને અતિશ્રદ્ધા બનવા દીધી ન હતી. અરે, સગા બાપ આગળ પણ તેમણે સ્વામિનારાયણ પ્રત્યેની અતિશ્રદ્ધા બાબતે રોષ પ્રગટ કરવામાં શબ્દોને કાચા પડવા દીધા ન હતા. ત્યાં સુધી કે બોરસદની કોર્ટમાં, પિતાજીના આગ્રહને વશ થઈને, ધર્મસંકટ કહેતાં પિતૃઆજ્ઞા કે આગ્રહને કારણે, સ્વામિનારાયણ સંપ્રદાય તરફે કોર્ટ કેસ લડવો પડયો હતો, એ પણ અનિચ્છાએ, અણગમા સાથે. કારણ કે તર્ક, માનવતા, સત્ય અને સંવેદનને જ પોતાનો ધર્મ કે ફરજ સમજતાં વલ્લભભાઈને કદી ધર્મના દેખાડા કે વિધિવિધાનમાં રસ પડયો નથી. ત્યાં સુધી કે કોઈપણ સાધુસંતના ખોટા પ્રભાવમાં આવ્યા વગર તેવાઓની ધર્મવાણી કે ધર્મઉપદેશનો ઇન્કાર કરી જાણ્યો છે.

એકવાર, ઈ.સ.૧૯૦૬ આસપાસ બોરસદમાં એક જાનકીદાસ નામના સાધુ આવ્યા હતા. તેઓ રોજ સાંજ પડે સરસ કથા માંડતા. એમની ધર્મ-વાતો ઘણી લોકપ્રિય થઈ હતી. એ વાત વલ્લભભાઈ સુધી પહોંચી, પણ એમને તો આવી વાણીમાં રસ જ નહોતો. છતાં પોતાના કેટલાંક સ્થાનિક મિત્રોના આગ્રહને કારણે વલ્લભભાઈને એક સાંજની સભામાં જાનકીદાસ મહારાજ પાસે જવું પડયું.

તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મહારાજ ભક્તોને બીડી છોડવાનો અને ચોટલી રાખવાનો ઉપદેશ આપતા હતા. તે દરમ્યાન વલ્લભભાઈના એક મિત્રએ મહારાજને વિનંતી કરી કે 'આ વલ્લભભાઈ પણ ઘણી બીડી પીએ છે, એમને કંઈક કહોને.' મહારાજ ઘણા સમજું, જાણભેદું અને મુખમુદ્રાથી વ્યક્તિનું વ્યક્તિત્વ પારખી શકે તેવા હશે. તેઓ વલ્લભભાઈ સામે જોઈને સમજી ગયા હશે કે આ મક્કમ અને દ્રઢ મુખરેખાવાળા આગળ પોતાની દાળ ગળશે નહીં. એટલે ધીમેથી કટાક્ષનો કડવો વેણ ઝીંક્તા બોલ્યાં કે 'એમને(કશું) કહેવા જેવું નથી. એ પથ્થર ઉપર પાણી જેવું છે. કરોડ મણ કાઠી બાળો તો યે કોરડું દાણો ચડે નહીં.'

આવા કટાક્ષકડવાં વેણ સાંભળીને બેસી રહે એ વલ્લભભાઈ નહીં. તેમણે તરત જ મહારાજની એક સાધુ-સંત તરીકેની આમન્યાથી દબાયા-ગભરાયા વગર સામું સંભળાવી દીધું કે 'તમારા ભગવાવાળા જ ગાંજો-તમાકું વધારે વાપરે છે, એમને(જઈને) પહેલાં કહો.'

કહેવાની જરૂર નથી કે પેલા મહારાજ અને ત્યાં ભેગી થયેલી આખી મંડળીનીઆવી ધારદાર દલીલોથી બોલતી બંધ થઈ ગઈ હતી. 

આવી, અતિશ્રદ્ધાથી દોરવાય નહીં તેવી પ્રકૃતિવાળા વલ્લભભાઈ પોતાના પિતાજીની પણ ધર્મશ્રદ્ધાને સહજતાથી સ્વીકારતા નહોતા. બોરસદની તેમની ઓરડીએ અચાનક આવેલાં પિતાજીએ પણ તેમને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય માટે કોર્ટ કેસ લડવાની વાત કરી, ત્યારે પણ વલ્લભભાઈએ આટલી જ મક્કમતાથી સાધુ-સંતો માટેનો પોતાનો રેશનલ અભિગમ રોકડો જ પરખાવી દીધો હતો. વલ્લભભાઈનો બોરસદ વકીલાતકાળનો એ સ્વામિનારાયણ ધર્મનો કોર્ટ કેસ ખૂબ જ ઐતિહાસિક, અનોખો અને અણધાર્યો હતો.