- સનાતન તંત્ર - બ્રહ્મચારી પરખ ઓમ
- 'આ મારી સંરચના છે અને મારા સંસારનો અનુભવ મેળવવા માટે હું ચેતનાની જે અવસ્થામાં છું, ત્યાં સુધી પહોંચવું પડશે.'
અ ગાઉ આપણે જોયું કે રાજા સુસેનના અશ્વમેધ યજ્ઞાનો અશ્વ જ્યારે મહર્ષિ ગણના આશ્રમમાં પાણી પીવા માટે રોકાયો, ત્યારે સૈનિકોના ઉદ્ધતાઈપૂર્વકના વર્તનને કારણે મહર્ષિના પુત્ર ક્રોધિત થઈ ગયા. પોતાની સિદ્ધિઓ વડે અમુક સૈનિકોને ભસ્મીભૂત કરી નાખ્યા બાદ એમણે શાહી અશ્વને કેદ કરી લીધો.
સમજદાર રાજા સુસેને પોતાના નાના ભાઈ મહાસેનને આજ્ઞા કરી કે મહર્ષિ ગણના આશ્રમમાં જઈને સમગ્ર રાજ્ય વતી ક્ષમા માગીને આવો. અમુક અઠવાડિયાની યાત્રા ખેડીને તેઓ આશ્રમ પહોંચી ગયા.
મહર્ષિ ગણ તો હજુ પણ સમાધિસ્થ હતા. જેવી રીતે પાંપણ દ્વારા આંખોની રક્ષા થાય, એવી રીતે એમનો પુત્ર ત્યાં એક ખૂણામાં ઊભો રહીને એમનું રક્ષણ કરી રહ્યો હતો. મહાસેને મહર્ષિ ગણને સાષ્ટાંગ દંડવતત્પ્રણામ કર્યા તથા સુગંધિત પુષ્પો, મેવા-મિષ્ટાન્ન અને રેશમી શાલ સાથેની ટોપલી એમના ચરણોમાં અર્પણ કરી દીધી. ત્યારબાદ તેઓ બે હાથ જોડી એમની સામે બેસી ગયા અને રાહ જોવા લાગ્યા.
મહર્ષિ ગણના પુત્રને મહાસેનનો વિનમ્ર સ્વભાવ સ્પર્શી ગયો.
'હે સજ્જન! આપ શું ઈચ્છા ધરાવો છો? હું આમનો પુત્ર છું.'
મહાસેને એમને પણ વંદન પાઠવ્યા અને ધીમા અવાજે કહ્યું, 'જો આપની અનુમતિ હોય તો હું આપના પિતાની સાથે વાર્તાલાપ કરી શકું?'
'હું પણ આપની મનોકામના પૂર્ણ કરી શકું એમ છું. આપ જે ઈચ્છશો, એ પ્રાપ્ત થશે. મારું વચન છે.'
મહાસેને પ્રત્યુત્તર આપ્યો, 'હું આપનો આભારી છું. કૃપા કરી મને આપના પિતા સાથે વાર્તાલાપ કરવાનો અવસર પ્રદાન કરો.'
'મારા પિતા કેવળનિર્વિકલ્પ સમાધિમાં લીન છે. બધા ચક્રોનું વિભેદન કર્યા બાદ એમની કુંડલિની શક્તિ સહસ્રાર ચક્રમાં પહોંચી ગઈ છે. તમામ ભૌતિક તત્ત્વો અને પોતાની સઘળી શારીરિક જરૂરિયાતોથી તેઓ ઉપર ઊઠી ચૂક્યા છે. બાર વર્ષ સુધી તેઓ આ અવસ્થામાંથી બહાર નહીં આવે. લગભગ પાંચ વર્ષ વીતી ચૂક્યા છે અને હજુ સાત વર્ષ જેટલો સમયગાળો શેષ છે.' એમણે આગળ જણાવ્યું, 'પરંતુ મેં આપને વચન આપ્યું છે. આથી, વિચારોનાં સ્થાનાંતરણ થકી હું એમની પરમચૈતન્ય અવસ્થામાં તરંગો ઉત્પન્ન કરીશ.'
તેઓ નીચે પલાઠી વાળીને બેઠા અને ઊંડા ધ્યાનમાં ડૂબી ગયા. એક મુહૂર્ત અર્થાત્ અડતાલીસ મિનિટ પછી એમણે મહાસેન સામે જોઈને કહ્યું, 'મારા પિતાનું મગજ હવે જાગૃત થઈ ચૂક્યું છે. તેઓ કોઈપણ ક્ષણે આંખો ખોલી શકે એમ છે...'
એમનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો મહર્ષિ ગણનો સ્વર પડઘાયો, 'આયુષ્યમાન ભવ:, મહાસેન!'
મહાસેન એમના ચરણોમાં લાંબા થઈ ગયા અને પોતાના રાજ્યના લોકો વતી માફી માગી.
બેજવાબદાર વર્તન બદલ મહષ ગણ એમના પુત્રને ખીજાયા અને તાત્કાલિક શાહી અશ્વને છોડી મૂકવાનો આદેશ કર્ર્યો. પિતા સમક્ષ ક્ષમાયાચના માગ્યા પછી અને પસ્તાવો વ્યક્ત કર્યા બાદ યુવાન સાધુ પર્વતની દિશામાં ગયા. જોતજોતામાં તેઓ ફરી અદ્રશ્ય થઈ ગયા અને જ્યારે પરત ફર્યા ત્યારે અશ્વમેધ યજ્ઞાનો શાહી અશ્વ એમની સાથે હતો.
મહાસેને પોતાને ચીંટિયો ભર્યો અને આંખો ચોળી. જાણે પોતે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા હોય, એમ તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ભરોસો ન થવાનું કોઈ કારણ એટલા માટે નહોતું, કારણ કે અશ્વ એમની સામે હતો! એમણે યુવાન સાધુને પૂછયું, 'હે મહાન સાધુ! મેં હમણાં જ આપને પર્વતમાં અદ્રશ્ય થતા જોયા અને પછી અચાનક ક્યાંથી પ્રગટ થયા?'
મહર્ષિ ગણે નટખટ બાળકની માફક હસતાં હસતાં કહ્યું, 'આમને પણ આપણાં પર્વતના દર્શન કરાવો. એમની ઉંમર ખૂબ લાંબી છે.'
ઘોડાને દોરડાં વડે બાંધીને યુવાન તપસ્વી મહાસેનને પર્વત પાસે લઈ ગયા.
મહાસેન તો સ્તબ્ધ હતા.
સાધુએ કહ્યું, 'આવો, અંદર પ્રવેશ કરીએ.'
'પ્રવેશ! કેવી રીતે?' મહાસેન વિચારવા લાગ્યા. ત્યાં તો કોઈ પ્રવેશદ્વાર હતું જ નહીં. એમના મનની વાત જાણી ચૂકેલાં તપસ્વીએ કહ્યું, 'આ મારી સંરચના છે અને મારા સંસારનો અનુભવ મેળવવા માટે હું ચેતનાની જે અવસ્થામાં છું, ત્યાં સુધી પહોંચવું પડશે.'
આટલું કહીને તેઓ મહાસેનના મનમાં પ્રવેશ્યા અને એમની ચેતનાનો વિસ્તાર વધારી દીધો. ટૂંક સમયમાં, મહાસેનને પોતાનું નક્કર શરીર નહીં, પરંતુ કરોડો-અબજો નાના એકમો અર્થાત્ પરમાણુ સ્વરૂપે દેખાવા લાગ્યું. પ્રત્યેક એકમો ઊર્જામાર્ગોથી છલોછલ હતાં. પ્રત્યેક પરમાણુ પ્રચંડ મહાઊર્જાનો સ્રોત હતાં. તેઓ અજાણતાં જ તપસ્વીની પાછળ પાછળ ગયા અને બંનેએ એકસાથે પર્વતમાં પ્રવેશ મેળવ્યો.
એ સ્થાન પર શું હતું અને તેઓ કઈ ઘટનાનાં સાક્ષી બન્યા, એ અંગે જાણીશું આવતાં અંકે.


