- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'સ્વર, તમને શું લાગે છે કે, હું ક્યારેય તમારી કલ્પના બની શકીશ. તમારા શબ્દો કે રંગો થકી હું તમારી કલમ કે કેનવાસ ઉપર જીવંત થઈ શકીશ?'
'ક વિતા... ઓ કવિતા... લાગે છે પાછી પોતાની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ ગઈ છે.' - દૈવિક માથુ લુછતા લુછતા રૂમમાંથી બહાર આવ્યો અને આમ તેમ ફાંફા મારતો હતો.
'મને ખબર જ હતી કે, સવાર સવારમાં પોતાની ડાયરી લઈને બેસી જશે અને એવી એવી કલ્પનાઓ કરવા લાગશે કે બિચારી વાસ્તવિક જિંદગીને કંપારી છુટી જાય. ઓ કવિતા દેવી... મારે ઓફિસ જવાનું મોડું થાય છે.' - દૈવિકે અણગમા સાથે સહેજ મોટા અવાજે કહ્યું.
'તમારી ચા તૈયાર કરીને કિટલીમાં ભરી દીધી છે. તમારું ટિફિન ભરાઈ ગયું છે. નાસ્તાની પ્લેટ રેડી છે, ડાઈનિંગ ટેબલ ઉપર બધું જ સેટ કરી દીધું છે. તમે આજે વીસ મિનિટ મોડા છો. તમારા જેવી નિરસ જિંદગી કરતા મારી કલ્પનાઓ સારી છે. મને આનંદ તો આપે છે.' - કવિતાએ પણ અણગમા સાથે જવાબ આપ્યો.
'કવિતા, મને તારી કવિતાઓ કે તારી કલ્પનાઓ સામે કોઈ જ વાંધો નથી. એક વાત યાદ રાખ ડાર્લિંગ... આ કલ્પનાઓ ખાલી આનંદ આપી શકે. આનંદ માણવો હોય તો ખિસ્સામાં પૈસા જોઈએ, પેટમાં નાખવા અન્ન જોઈએ અને તે કલ્પના કરવાથી ન આવે.' - દૈવિકે એકદમ કેપિટાલિસ્ટ જવાબ આપ્યો, કવિતા અંદરથી સમસમી ગઈ.
કવિતા અને દૈવિકની જોડી લગભગ કજોડું કહેવાય તેવી જ હતી છતાં ક્યારેય તેમના લગ્નજીવનમાં કંકાસ થયો નથી. કવિતા આર્ટ્સની વિદ્યાર્થીની અને સારી કવિયત્રી હતી. તેની કેટલીક રચનાઓ વિવિધ અખબારો અને મેગેઝિન થકી જાણીતી થયેલી. બીજી તરફ દૈવિક પૂરેપૂરો ગુજરાતી વેપારી માણસ. તેને એક અને એક અગિયાર કરવામાં જ રસ હતો. તેણે કવિતા ઉપર અંકુશ નહોતો મુકેલો પણ તેને આ કલ્પનાઓથી અણગમો હતો.
'સારું, મેડમ હું નાસ્તો કરીને જાઉં છું. હા, ટીવી પાસે એક ઈન્વાઈટ મુક્યું છે. કોઈ મુશાયરો છે. આપણને આમંત્રણ હતું. તું જઈ આવજે. મને એ બધામાં રસ નથી.' - દૈવિકે ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાતા કહ્યું અને કવિતા દોડીને ટીવી પાસે પહોંચી ગઈ.
'અરે, આ તો સ્વર અગ્નિહોત્રીના ગઝલ સંગ્રહનું વિમોચન છે. તેમણે તેના માટે મુશાયરો રાખ્યો છે. તમે ના જ આવતા. હું તો ચોક્કસ જઈશ. મારા જેવા કલારસિકો માટે તો છપ્પનભોગ જેવું વાતાવરણ હશે. તમારા જેવા મનના ગરીબો માટે આ બધું નથી.' - કવિતાએ ઈન્વિટેશન ખોલીને વાંચતા વાંચતા કહ્યું.
'કંઈ વાંધો નહીં કલ્પનાના જાદુગરો, તમારી અલિબાબાની ગુફા ખોલીને બેસજો અને લુંટાય એટલું ધન લુંટી લેજો. અમે મનના ગરીબો ખિસ્સા ભરીને અને બેન્ક બેલેન્સ ભરીને આનંદ કરીશું.' - દૈવિકે તેજાબી જવાબ આપ્યો અને કવિતા સ્તબ્ધ રહી ગઈ.
ત્યારબાદ લગભગ પંદર-વીસ મિનિટ ઘરમાં અકળ શાંતિ વ્યાપેલી રહી. દૈવિક નાસ્તો કરીને ઊભો થયો. બેડરૂમમાં ગયો અને પોતાની ઓફિસ બેગ લઈને બહાર આવ્યો અને જય શ્રી કૃષ્ણ કહીને ઓફિસ જવા નીકળી ગયો. કવિતા ક્યાંય સુધી દૈવિકે ફેંકેલા તેજાબી શબ્દોના ઘાને સાફ કરવા મથતી રહી.
સાંજે તે પહોંચી ગઈ પોતાના ભાવજગતના દરિયામાં. સ્વર અગ્નિહોત્રીના મુશાયરા અને ગઝલ સંગ્રહના વિમોચનમાં. દિવસની શરૂઆત ગમે તેવી રહી હોય પણ તેની સાંજ આહલાદક બની રહી. કાર્યક્રમ પૂરો થયા બાદ તેણે સ્વર સાથે વાતચીત કરી અને કવિતા લખવા માટે મદદ કરવા વિનંતી કરી જેનો તરત જ સ્વીકાર થઈ ગયો અને મોબાઈલ નંબરની આપ-લે પણ તરત જ થઈ ગઈ. કવિતા તેનાથી વધારે ખુશ થઈ ગઈ.
રાત્રે ઘરે પહોંચીને તેણે જાહેરાત પણ કરી દીધી કે, તે દર વિકેન્ડમાં સ્વર અગ્નિહોત્રીના પોએટ્રી વર્કશોપમાં જવાની છે. તેને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. દૈવિકે માત્ર સ્મિત કર્યું અને વાત ટાળી દીધી. બંને પોતાની લાઈફમાં પાછા જોતરાઈ ગયા.
અઠવાડિયું પસાર થયું અને શનિવાર આવી ગયો. કવિતા અત્યંત ઉત્સાહ અને અહોભાવ સાથે સ્વરની ઓફિસ પહોંચી ગઈ. તેણે ત્યાં જઈને જોયું તો, સ્વર માત્ર કવિ નહોતો તે એક સારો પેઈન્ટર પણ હતો. તેને ત્યાં એકથી એક ચડિયાતા ચિત્રો પણ હતા. તે કવિતા અને પેઈન્ટિંગ બંનેના વર્કશોપ ચલાવતો હતો.
બે-ચાર લોકોની સાથે કવિતાએ પણ શનિવારે ગઝલ રચના અને કાવ્ય રચનાના કેટલાક પ્રયોગો વિશે માહિતી મેળવી. તેણે લખેલી કેટલીક રચનાઓ સંભળાવી. સ્વર પણ તેનાથી ઈમ્પ્રેસ થઈ ગયો.
ધીમે ધીમે આ બેઠકો વધવા લાગી. માત્ર શનિ-રવિ જ નહીં હવે તો લગભગ આખું અઠવાડિયું કહીએ તો પણ ચાલે તેવી બેઠકો થવા લાગી. દૈવિક ઓફિસ જાય અને પરવારીને કવિતા સ્વરની ઓફિસ પહોંચી જાય.
વિવિધ છંદ, ગઝલોના પ્રકાર, કવિતાઓ, વિદેશી રચનાઓ, ગુજરાતી કવિતાઓમાં અને ગઝલોમાં થયેલા પ્રયોગો વગેરે વિશે ચર્ચા-વિચારણા બધું થવા લાગ્યું. કવિતા થોડું થોડું પેઈન્ટિંગ પણ શીખવા લાગી. સાહિત્ય અને રંગોની જુગલબંદીની વચ્ચે કવિતાને સ્વર તરફ થોડું ખેંચાણ પણ થવા લાગ્યું.
આ સંબંધ હવે કેનવાસ, રંગો, શબ્દો, કવિતાઓ અને ગઝલથી આગળ કલ્પનાઓમાં વધારે રાચવા લાગ્યો હતો. કવિતા થોડી વધારે જ ગંભીર થતી જતી હતી. તેને સમજાતું નહોતું કે, જિંદગીના આ પડાવ ઉપર તે આ શું કરી રહી છે. એક તરફ દૈવિક અને તેનો પરિવાર હતો. તેની સાથે અત્યાર સુધીનું સુખી દાંપત્ય હતું. દૈવિક કદાચ નિરસ હતો, તેને કવિતા, વાર્તા કે સાહિત્યમાં રસ નહોતો પણ તેણે ક્યારેય કવિતાનું અપમાન કર્યું નહોતું. તેને વાસ્તવિકતા ગમતી હતી. તેના માટે ભૌતિક સુખ પહેલી પ્રાયોરિટી હતું. તેણે ક્યારેય કવિતાને ગમતી કામગીરી કરતા અટકાવી પણ નહોતી.
આવી જ અસમંજસ અને કલ્પનાઓ વચ્ચે કવિતા અને સ્વર આગળ વધી રહ્યા હતા. એક સાંજે કવિતાએ કોશેટો અને તેમાંથી મુક્ત થતા પતંગિયાનું ચિત્ર બનાવ્યું. ધીમે ધીમે તેમાં રંગો પૂર્યા અને તેને એક સુંદર મુક્ત આકાશ આપ્યું. તેનું આ ચિત્ર વર્કશોપમાં ખૂબ જ વખાણવામાં આવ્યું. સ્વરે પણ તેને અભિનંદન આપ્યા.
એક સાંજે સ્વર અને કવિતા બંને એકલા જ બેઠા હતા. સ્વર કંઈક વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં કવિતાએ કદાચ વિચારેલો છતાં અણધાર્યો કરી નાખ્યો.
'સ્વર, તમને શું લાગે છે કે, હું ક્યારેય તમારી કલ્પના બની શકીશ. તમારા શબ્દો કે રંગો થકી હું તમારી કલમ કે કેનવાસ ઉપર જિવંત થઈ શકીશ.' -કવિતાએ પૂછયું.
'કવિતા તમને ખબર છે હું આ સવાલની લગભગ ઘણા સમયથી રાહ જોતો હતો. મને ખબર હતી કે આ કલ્પનાની સફર એવા પ્રવાસે જઈ રહી છે જ્યાં ગમે ત્યારે અણગમતું સ્ટેશન આવવાનું જ છે.' - સ્વરે ખૂબ જ શાંત સ્વરે કહ્યું.
'સ્વર, કેમ આવું બોલો છો. આપણો સંબંધ કાલ્પનિક છે. તેમાં ક્યાંય વાસ્તવિકતા નથી.' - કવિતાના અવાજમાં ભયનું કંપન સ્પષ્ટ અનુભવાતું હતું.
'ગયા અઠવાડિયે કેનવાસ ઉપર કોશેટામાંથી જે પતંગિયું નીકળ્યું ને તેને એક મુક્ત આકાશ જોઈએ છે. મુક્ત આકાશ ઝંખતા પતંગિયા માટે કોઈ એક જ ફુલ વિસામો ન બની શકે. પતંગિયુ તો વિવિધ ફુલનો રસાસ્વાદ કરે અને તેની કલ્પના કરે તો જ તેની જિંદગી ચાલ્યા કરે.' - સ્વરે કહ્યું અને કવિતાના ચહેરા ઉપર ચિંતા તરવરી ઉઠી.
'તો આપણો સંબંધ ક્યારેય આકાર લઈ શકે તેમ નથી. તમે મને કલ્પનામાં પણ સ્થાન આપી શકો તેમ નથી.' - કવિતાએ સીધો જ સવાલ કરી નાખ્યો.
'આપણો સંબંધ મારા તરફથી તો કાયમ મિત્રતાનો હતો અને કદાચ આજીવન મિત્રતાનો જ રહેવાનો છે. એક કલાકાર માટે તેના જીવનમાં આવતા લોકો મોટાભાગે પરિક્ષણ અને નિરીક્ષણનો વિષય જ હોય છે. માળીને જો માત્ર ગુલાબ જ ગમે તો બગીચો ગુલાબનો જ બને. ગુલાબનો બગીચો એક વખત જોવો ગમે પછી ધીમે ધીમે આકર્ષણ ઘટતું જાય. બગીચામાં તો સતરંગી ફુલો હોય અને સંગીતમાં સપ્ત સ્વરો હોય તો જ આનંદ આવે.'
'કવિતા, તમારી મુશ્કેલી એ છે કે, તમારે કિનારો છોડવો નથી અને છતાં સફરનો આનંદ લેવો છે. તમે સ્વીકૃતિના સોનેરી પિંજરે પુરાયેલા વ્યક્તિ છો. તમારે કોઈની કલ્પના બનવાની જરૂર નથી. તમે પહેલાં તો તમારી જ સ્વીકૃતિની આ બેડીઓ તોડીને આગળ વધો તો બીજાને આપોઆપ ગમવા લાગશો. કોઈપણ સર્જનનો પહેલો વાચક, ચાહક કે શ્રોત સર્જક પોતે હોય છે. જો તેને પોતાના સર્જનનો આનંદ આવે તો સમજી લેવાનું કે વહેલા-મોડા દુનિયા પણ આનંદ કરશે.' - સ્વરે ખૂબ જ શાંતિથી કહ્યું અને કવિતા લગભગ નિરાશ થઈ ગઈ.
'કવિતા, તમારે મિત્રતા રાખવી હોય તો આ દરવાજા ખુલ્લા છે પણ બીજા કોઈ કલ્પના માટે હું સજ્જ નથી અને કદાચ હોઈશ પણ નહીં. મને માફ કરજો.' - સ્વરે કહ્યું અને કવિતા ત્યાંથી નીકળી ગઈ.
'... તો કવિતા મેડમ, કેવી ચાલે છે તમારી કલ્પનાની દુનિયા... નવી ગઝલ લખી કે પછી કેનવાસ ઉપર રંગો પૂર્યા.' - દૈવિકે ઘરમાં પ્રવેશતાની સાથે બાલ્કનીમાં વિચારમગ્ન બેઠેલી કવિતાને પૂછયું.
'સ્વીકૃતિના પાંજરામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરું છું.' - કવિતાએ પણ અનાયાસ જવાબ આપ્યો ને હસી પડી.


